પૈસો તમારો પરમેશ્વર છે?

ગયાના ગયા રવિવારે વહેલી સવારે ઘરેથી છેક ફાઉન્ટન એરિયામાં ગયા. સવારે આઠેક વાગ્યાના સુમારે ઘોઘા સ્ટ્રીટની આસપાસનાં જૂનાં સંસ્મરણો તાજાં કર્યાં, ‘મુંબઈ સમાચાર’ની હેરિટેજ ઈમારતની પ્રદક્ષિણા કરી મુંબઈની સૌથી જૂની અને હજુ પણ કાર્યરત એવી ઈરાની હૉટેલ નામે યઝદાની બેકરીમાં ચાની સાથે બનમસ્કા અને બ્રુનપાઉંનો બ્રેકફાસ્ટ કર્યો.

આજના મુંબઈમાં પ્રાઈમ જગ્યાએ આવેલી આ પ્રોપર્ટીની કિંમત અમુક કરોડ હશે. જર્જરિત થઈ ગયેલી આ ઈમારત વેચીને ત્યાં કોઈ ફૅશનેબલ રેસ્ટોરાં શરૂ થાય તો ધમધોકાર ધંધો ચાલે. અત્યારે પણ બેકરીનો ધંધો તો ધમધમે જ છે. પણ ટર્નઓવર હોઈ હોઈને કેટલું હોઈ શકે? બ્રાન્ડેડ બ્રેડની સરખામણીએ સાવ અડધી કિંમતે વેચાતાં બ્રેડ તેમ જ બીજી બેકરી આયટમોમાંથી કેટલો પ્રોફિટ થાય?

આમ છતાં બેકરીના માલિક પારસી સજ્જન બાવા આદમના જમાનાનું વાતાવરણ સાચવીને બેસી રહ્યા છે. શું એમને ખબર નહીં હોય કે આટલી મોટી જગ્યા વેચી દઈએ તો એ રકમના વ્યાજમાંથી જ અત્યારે છે એના કરતાં દસ ગણી ઊંચી લાઈફસ્ટાઈલના ખર્ચા નીકળી શકે? અને આખો દિવસ કામ કરવાની મહેનતમાંથી પણ આ ઉંમરે મુક્તિ મળી જાય?

મને ખાતરી છે કે એક નહીં, અનેક વાર ભૂતકાળમાં એમને આવો વિચાર આવી ગયો હશે અને દર વખતે એમણે આ નિર્ણય લીધો હશે: ના, મારે બેકરી નથી વેચવી. વધારે પૈસા મળતા હોય તો ભલે, અત્યારે જે મળે છે તેનાથી સંતોષ છે અને રોજ સવારે છ વાગ્યે ઊઠીને દિવસ આખો બેકરીના સ્ટાફ સાથે, ગ્રાહકો સાથે, બીજા લોકો સાથે માથાઝીંક કરવી પડતી હોય તો ભલે, એ જ તો મારું કામ છે, અને મને મઝા આવે છે એમાં.

આ તો જસ્ટ એક વિચાર આવ્યો એટલે જ્યાંથી એ આવ્યો એનો દાખલો આપ્યો. બાકી બેકરી ન વેચવાના કે આ જ ધંધામાં રહેવાના એક કરતાં અનેક કારણો હોઈ શકે. આપણે એમાં નથી પડતા.

પૈસા કરતાં વધારે કામ ગમતું હોય એવા લોકો અસંખ્ય હોવાના. દરેક જણ કંઈ પૈસા પાછળ જ દોડતું હોય એ જરૂરી નથી. દરેક જણે પૈસા પાછળ જ દોડવું જોઈએ એ પણ જરૂરી નથી. મને મારું કામ એટલું ગમતું હોય કે એ કામ છોડીને મને વધારે પૈસો મળતો હોય તો એ મેળવવામાં મને રસ નથી એવું માનનારા લોકો આપણી કલ્પનામાં પણ નહીં હોય એટલી મોટી સંખ્યામાં હોવાના. પોતાને જે કામ ગમે છે તે જ કામમાંથી જો થોડા ઘણા વધારે પૈસા મળતા હોય તો સારી વાત છે પણ એ કામ હાથમાંથી લઈ લેવામાં આવે તો અત્યારે જે મળે છે એના કરતાં દસ કે પચાસ કે સો ગણી રકમ પણ નથી જોઈતી એવું માનનારાઓને કદાચ કોઈ પાગલ કહે પણ આવા પાગલોથી દુનિયા ભરેલી છે અને એમને કારણે પણ આ દુનિયા આગળ વધી રહી છે, દુનિયામાં પ્રગતિ થઈ રહી છે.

પૈસો. પૈસો. પૈસો. નાનપણથી મરી જઈએ ત્યાં સુધી પૈસાનાં ગુણગાન સાંભળીસાંભળીને, સાંભળી – સાંભળીને કાન પાકી જાય છે. પૈસા કરતાં વધુ જરૂરી કામ અને કામમાંથી મળતો આનંદ છે એવું કહીએ છીએ ત્યારે તમારા ગાલ પર સણસણતો તમાચો મારવામાં આવતો હોય એમ કહેવામાં આવે છે કે આ અત્યારે તમે જે ડ્રિન્ક લઈ રહ્યા છો, તમે જે ડિનર કરી રહ્યા છો તેનું બિલ પૈસા હશે તો ચૂકવવામાં કામ આવશે. તમે જે કપડાં પહેરો છો, જે ઘરમાં રહો છો, તમારા તમામ ખર્ચા એ બધું જ પૈસા હશે તો જ ભરપાઈ કરી શકશો અન્યથા ભિખારીની જેમ ફરતા રહેશો જિંદગી આખી.

તમને પૈસો કમાવવામાં જેટલો આનંદ મળે છે એના જેટલો જ કે એના કરતાં વધારે આનંદ કોઈને કામ કરવામાંથી મળી શકે છે એવું સ્વીકારવું તમારા માટે કદાચ ડિફિકલ્ટ હોય તો એટલા માટે છે કેમ કે તમને એવું કામ કરવાનું મળ્યું નથી જેમાંથી આનંદ આવે. અથવા તો લેટ્સ પુટ ઈટ બેટર – તમને ક્યારેય કામમાંથી આનંદ લેતાં આવડ્યું જ નથી, તમને કામ હંમેશાં કંટાળાજનક લાગ્યું છે. મહેનત કરવી એનો મતલબ તમારે મન ઢસરબોળો કરવો એવો છે. જે કામ એક્ઝોટિક લાગતું હોય તેમાંથી જ આનંદ મળે એવું નથી. ઓરકેસ્ટ્રાને કંડક્ટ કરવામાંથી જ આનંદ મળે અને બેકરી ચલાવવામાંથી આનંદ ન મળે એવું કોણે કહ્યું. ગિટાર વગાડવામાંથી આનંદ મળે અને ગૅરાજમાં મોટર રિપેર કરવામાંથી પણ આનંદ મળી શકે. કામને જો પરમાત્માનો દરજ્જો આપવાનું સૂઝે તો કોઈ પણ કામમાંથી આનંદ મળે. પરમેશ્ર્વર તરીકે જો પૈસાની સ્થાપના કરી હશે તો જિંદગી આખી પૈસો-પૈસો જ કરતાં રહેશો અને મરણ ઘડીએ પણ સાચા સંતોષથી દૂર રહેશો અને પસ્તાઈને આંખ બીડી દેશો. માટે કામ કરો, કામમાંથી મઝા શોધો, જીવનની અલ્ટીમેટ મઝા એમાંથી જ મળે છે. સંબંધો સાચવવાથી માંડીને શૉપિંગ કરવા સુધીની મઝાઓ આખી કામની મઝા સામે ઘણી લુખ્ખી લાગશે જો એક વખત કામની મઝાનો સ્વાદ ચાખી ગયા તો.

કોઈ મને પૂછે કે જિંદગીનો પરપઝ શું છે તો એક જ શબ્દનો જવાબ આપીશ: કામ.

જિંદગીના હેતુ વિશે એક તો કોઈ સવાલ થવો જ ન જોઈએ. જેઓ પોતાના કામમાં ગળાડૂબ ડૂબેલા હોય છે એમને ક્યારેય આવા સવાલો નથી થતા. એમને તો એવા સવાલો થાય કે આ કામને હજુ વધુ સારી રીતે કરવા માટે હું શું શું કરી શકું? આ ઉપરાંત બીજાં ક્યાં ક્યાં કામ કરું તો મારા આ કામને વધુ આગળ લઈ જઈ શકું? મારું કામ મેક્સિમમ લોકો સુધી પહોંચે, મારા કામથી વધુ ને વધુ લોકોને લાભ થાય એવું શું કરી શકું?

કામ થતું રહેશે તો પૈસા આવતા રહેશે. તમે જે કામ કરો છો તે પૈસો કમાવવા નહીં પણ તમારી જિંદગી ચલાવવા અને પૈસો તો કામ અને જિંદગી વચ્ચેનું માત્ર એક માધ્યમ છે, લુબ્રિક્ધટ છે, એક વાયા મીડિયા છે, સગવડ છે એટલું સ્વીકારશો તો આપોઆપ પૈસાને ખબર પડી જશે કે એનું સ્થાન ક્યાં છે.

આ જિંદગી ન તો તમારાં માબાપને સાચવવા સર્જાયેલી છે, ન તમારી દીકરીને વહાલ કરવા, ન તમારા દીકરાને સારી રીતે સેટલ કરવા. આ જિંદગી ન તો તમારી પ્રેમિકા/પત્નીને પ્યાર કરવા સર્જાયેલી છે, ન સમાજમાં સંબંધો સાચવવા, ન પ્રતિષ્ઠા મેળવવા. આ જિંદગી ન તો દારૂ પીવા સર્જાયેલી છે, ન ઐય્યાશી કરવા, ન દુનિયામાં રખડપટ્ટી કરવા. આ જિંદગી શોપિંગ કરવા નથી સર્જાઈ. આ જિંદગી બાબાગુરુઓમાં ભટકી જવા માટે નથી સર્જાઈ અને આ જિંદગી સુસાઈડના વિચારો કરવા માટે પણ નથી સર્જાઈ. આ જિંદગી કામ કરવા માટે સર્જાઈ છે – આટલું જ માત્ર સમજી લો અને સ્વીકારી લો તો પછી આગળ ઉલ્લેખેલી એક પણ પ્રવૃત્તિ કરવા માટે તમારે પ્રયત્નો નહીં કરવા પડે, બધું આપોઆપ થઈ જશે. એટલે કે સુસાઈડ સિવાયનું બધું આપોઆપ ગોઠવાઈ જશે. સુસાઈડનું નહીં કારણ કે કામ કરતા હશો, ગળાડૂબ કામમાં ખૂંપી ગયા હશો તો જીવનનો આનંદ લેવામાંથી જ ઊંચા નહીં આવો, પછી આત્મહત્યાનો વિચાર ક્યાંથી આવવાનો?

કંઈ જ કહ્યા કર્યા વિના આટલો ઉમદા વિચાર મને જ્યાંથી જડ્યો તે યઝદાની બેકરીમાં ફરી એકવાર કોઈ વહેલી સવારે બ્રુન-મસકા સાથે ચા પીવા જવું છે. આવવું છે?

આજનો વિચાર

બે હજારની નોટ દેખાડી દેખાડીને અત્યાર લગીમાં ત્રણ હજારની ઉધારી કરી નાખી!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

ટીચર: રિઝર્વ બૅન્કના ગવર્નરનું નામ કહો જોઉં?

બકો: ખબર નથી, ટીચર!

ટીચર: અરે, એ જ જે નોટ પર લખ્યું હોય છે!

બકો: અચ્છા એ? સોનમ ગુપ્તા!

( મુંબઇ સમાચાર : બુધવાર, 7 ડિસેમ્બર 2016)

1 comment for “પૈસો તમારો પરમેશ્વર છે?

  1. મનસુખલાલ ગાંધી
    December 9, 2016 at 1:59 AM

    સુંદર લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *