છઠ્ઠી ડીસેમ્બર ઓગણીસોબાણુંના એ રવિવારની બપોર યાદ છે?

આજથી બરાબર બરાબર ચોવીસ વર્ષ પહેલાંની છઠ્ઠી ડિસેમ્બરે રવિવાર હતો. અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને આવેલું મંદિર તોડીને બાબરના નામે બનાવવામાં આવેલી બાબરી મસ્જિદને ભોંયભેગી કરવાનો કાર્યક્રમ હતો. હકીકતમાં તો ૧૯૪૯માં બાબરી મસ્જિદની આ ઇમારત મસ્જિદ મટી ગઇ હતી, કારણ કે ઇસ્લામના પવિત્ર સ્થાનમાં જો કોઇ કાફિર અથવા વિધર્મીને જેમાં શ્રદ્ધા હોય એવું કોઇ પ્રતીક, મૂર્તિ સ્થાપવામાં આવે તો તે સ્થળ ઇસ્લામના અનુયાયીઓ માટે હરામ બની જાય, કામનું ન રહે. ૧૯૪૯થી જે જગ્યાએ નમાજ પઢાતી નહોતી અને ઓલરેડી રામલલ્લાની મૂર્તિની સ્થાપના થઇ ગઇ હતી તે હવે મસ્જિદ રહી નહોતી. બાબરી ઢાંચો બની ગઇ હતી.

ગુંબજ તૂટ્યો, બપોરના અરસામાં. પછી બીજો. દૂરદર્શન એક જ ન્યૂઝ ચેનલ હતી. છાપાની ઓફિસો ધમધમતી થઇ ગઇ. રવિવારે આમેય સ્ટાફની હાજરી પાંખી હોય. મુંબઇમાં વણડિકલેર્ડ કર્ફયૂ જેવી સ્થિતિ થઇ ગઇ હતી. હું તો હસમુખ ગાંધીને બપોરે મળવા ગયો હતો અને મધરાત સુધી મેં સ્વેચ્છાએ દળવાનું કામ સ્વીકારીને ટ્રાન્સલેશન ડેસ્ક સંભાળી લીધી. સાતમીના મળસકે ચાર વાગ્યે છાપાની ઓફિસથી નીકળીને ચર્ચગેટથી ઊપડતી પહેલી લોકલ ટ્રેન પકડી અમે સૌ દાદર ઊતર્યા- ચોકલેટી ચા પીવા ગામ આખાનાં છાપાં ખરીદ્યાં. અને એ સાંજે દિલ્હી, કલકત્તા, બેંગ્લોર વગેરેનાં પ્રમુખ અખબારો પણ મારી પાસે આવી ગયાં. એક બે છાપાના અપવાદ સિવાય સૌ કોઇએ બાબરી મસ્જિદ તોડવામાં આવી એવું મથાળું બાંધ્યું. અપવાદરૂપે જ બાબરી ‘ઢાંચો’ તોડી પાડવામાં આવ્યો એવું લખાયું. દૂરદર્શન પણ મસ્જિદ-મસ્જિદ જ કરતું રહ્યું.

ભગવાન રામની જન્મભૂમિ પર બંધાયેલી મસ્જિદનો ઢાંચો તૂટે એમાં ભારતમાં શું કામ આસમાન તૂટી પડવું જોઇએ? પણ મીડિયાએ સેક્યુલરિઝમના નામે લગાવવામાં આવેલી આગમાં પેટ્રોલ રેડી રેડીને એને ખૂબ ભભુકાવી. મહાત્મા ગાંધીના નામે તરી ગયેલી કૉંગ્રેસી પ્રજા મહાત્મા ગાંધીને જ ભૂલી ગઇ, ગાંધીજીએ કહ્યું હતું: ‘મારા માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઇ ગઇ છે. જ્યારે ભયભીત થાઉં ત્યારે રામનામ લઇને ભયમુક્ત થઇ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી…દુનિયાના મહાગ્રંથોમાં તુલસી રામાયણ એ મારે મન અગ્રગણ્ય સ્થાન લે છે. હિન્દુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે’

પણ છઠ્ઠી ડિસેમ્બર’૧૯૯૨ના એ રવિવાર પછી જાણે હિંદુ ધર્મનું, હિંદુત્વનું અને હિંદુ પ્રજાનું અપમાન કરવાની જાણે હોડ લાગી. ગાંધીવાદીઓ, સર્વોદયવાદીઓ, સામ્યવાદી અને અન્ય પ્રકારના તકવાદીઓ લાકડી લઇ લઇને હિંદુઓને જાણે ઝૂડવા લાગ્યા. અફકોર્સ, કાગળ પર. કલમ દ્વારા. આમાંના કેટલાય લોકોએ એન્ટી-હિંદુ અર્થાત્ સેક્યુલર બનીને, મુસ્લિમ પ્રજાની આળપંપાળ કરીને કૉંગ્રેસ સરકાર પાસેથી ખૂબ ઇનામઅકરામો મેળવ્યાં. અને આમાંના કેટલાક સામ્યવાદીઓએ, ૨૦૦૨નાં ગુજરાત રમખાણો દરમ્યાન, યુ-ટર્ન લઈને ભાજપ સરકાર પાસેથી પણ માનપાન મેળવ્યાં. સામ્યવાદીઓ ઉપરાંત કેટલાક ગાંધીવાદી, સર્વોદયવાદી પણ શાર્પ યુ-ટર્ન લઈને હિંદુવાદી બની ગયા. કેટલાક દૂધદહીંમાં પગ રાખવા માંડ્યા, કેટલાક ડબલ ઢોલકી બની ગયા. આવા તકવાદી સેક્યુલરવાદીઓ શા માટે સેક્યુલરવાદી હોય છે એવી બાર પ્રકારની પ્રજાતિઓ મેં શોધી કાઢી અને એમને નામ દઇને ઉઘાડા પાડતો લાંબો લેખ ૨૦૦૨ના ગાળામાં લખ્યો.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી, સાતમીના સોમવારે આવેલાં તમામ છાપાનો, દિલ્હી વગેરે સહિતનાં છાપાનો અભ્યાસ કરીને આઠમીના મંગળવારે મેં એક લેખ લખ્યો જે હસમુખ ગાંધીને આપવા હું જાતે એમની ઓફિસે ગયો અને કહ્યું : ‘જરા જલદ છે, વાંચીને ટાઇપસેટિંગમાં મોકલજો.’ ગાંધીભાઇએ એક પાનું ફેરવીને લેખ જરા ચાખી લીધો અને કહ્યું : ‘આ જુઓ, મારો ફ્રન્ટ પેજ એડિટ આવો જ છે.’ અને લેખ કંપોઝ માં મોકલીને પોતે તંત્રી લેખ પૂરો કરવામાં લાગી ગયા.

મારા લેખનું મથાળું હતું : ‘કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન વધુ ખતરનાક.’ લેખમાં એક જગ્યાએ લખ્યું હતું : ‘સરકારે કોમવાદી પક્ષો પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૯૨માં આપણે ૧૯૪૮વાળી જોઇ રહ્યા છીએ. પ્રતિબંધિત પક્ષોમાં મુસ્લિમ લીગનું નામ નથી. સરકાર કયા પક્ષને કોમવાદી કહેશે ? જે પક્ષો હિન્દુવાદી છે એ શું આપોઆપ કોમવાદી થઇ જાય? અને જે પક્ષ ઝનૂનભેર કોમવાદ ફેલાવે છે પણ તે મુસ્લિમોનો પક્ષ છે એટલે શું તે આપોઆપ બિનસાંપ્રદાયિક થઇ ગયો? હિન્દુસ્તાનમાં રહીને આપણે જો એ જ જોવાનું હોય કે હિન્દુત્વનો અર્થ કોમવાદ થાય તો પ્રત્યેક હિન્દુએ હવે નમાઝ પઢતાં શીખી લેવું પડશે. ઇસ્લામિક રિપબ્લિકન ઑફ ભારતની ઘોષણા કરવાની જ બાકી રહી છે.’

આ વાંચીને ચોવીસ વર્ષ પહેલાંના જમાનાનો અંદાજ આવશે તમને. દેશમાં કેવો માહોલ હતો? અને એ કે આગાહી ૯મી ડિસેમ્બરના એ માટે લેખમાં કરી હતી:

‘હવે શું થશે? બિનસાંપ્રદાયિકતાનું પહેરણ પહેરીને બૌદ્ધિકમાં ખપવા એક આખો વર્ગ ઊભો થશે. ચર્ચા-સેમિનારોમાં ભાજપનું નામ ખાંડણીમાં મૂકી એને દસ્તા વડે ખાંડવામાં આવશે. અપીલો બહાર પડશે. બિનસાંપ્રદાયિક જેવા, કૉંગ્રેસી રીતરસમને કારણે બીભત્સ બની ગયેલા શબ્દને શેરડીના સંચામાં વારંવાર પીલીને એનો ડૂચો વાળીને નાખવામાં આવશે અને બહુમતી હિન્દુઓની લાગણીને વાચા આપતા ગણ્યાગાંઠ્યા જાગ્રત હિન્દુઓને ફાંસીને માંચડે લટકાવવામાં આવશે.’

છેલ્લાં ૨૪ વર્ષ દરમ્યાન ડેઇલી બેઝિસ પર આ આગાહી સાચી પડતી આવી છે. સેક્યુલરિઝમની કોટેજ ઇન્ડસ્ટ્રી થકી કેટલાય મામૂલી જીવજંતુઓ મગરમચ્છ બની ગયા. હિંદુત્વનો ભગવો લહેરાવનારી કેટકેટલી કલમોને તોડીને ફગાવી દેવાના પ્રયત્નો થયા.

એ વખતે અમેરિકાના વિદેશ ખાતાએ આ ઘટના ‘ભારતની આંતરિક સમસ્યા છે’ કહીને ડહાપણભરી રીતે એમાં માથું ન મારવાની જાહેરાત કરી હતી. આમ છતાં એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારના વૉશિંગ્ટનસ્થિત સંવાદદાતાએ પોતાનું દોઢડહાપણ પ્રગટ કરતા અહેવાલમાં લખી મોકલ્યું : ‘અયોધ્યા લૉઅર્સ ઇન્ડિયા ઇન અમેરિકન આઇઝ.’

મઝાની વાત એ બની કે બાબરી મસ્જિદ એક્શન કમિટીએ મંગળવાર, આઠમી ડિસેમ્બરે ‘ભારત બંધ’ની ઘોષણા કરી હતી. આ બંધને કૉંગ્રેસ સરકારના દૂરદર્શને ભરપૂર પબ્લિસિટી આપી હતી. ‘ભારત બંધ’ એ પહેલાં પણ અનેક યોજાયા હતા. એકેય વખત સરકારે એને પબ્લિસિટી આપી હોય એવું નહોતું બન્યું. કૉંગ્રેસની ‘બિનસાંપ્રદાયિકતા’નો આ જ્વલંત પુરાવો હતો. ભાજપ સિવાયના બાકીના વિરોધ પક્ષો પણ આ બંધમાં જોડાઇને પ્રજા આગળ ઉઘાડા પડી ગયા હતા.

ભારતના વર્તમાન ઇતિહાસની ત્રણ તારીખોને ક્યારેય ભૂલી શકાશે નહીં. ૨૬ મે ૨૦૧૪, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ અને ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨.

આજનો વિચાર

ઝાડુ આમ આદમી પાર્ટી પાસે છે.
હાથ કૉંગ્રેસ પાસે છે.
આમ છતાં સફાઇ નરેન્દ્ર મોેદી કરી રહ્યા છે.
ગજબ કહેવાય.

-વોટ્સએપ પર વાંચેલું

એક મિનિટ !

એક મિત્ર : ‘એક સર્વેક્ષણથી ખબર પડે છે કે ૮ નવેબંર પહેલાં દેશમાં લગભગ ૫૦ હજાર જેટલા અર્થશાસ્ત્રી હતા.’

બીજો મિત્ર : ‘હા, પણ ૮ નવેમ્બર પછી તો સર્વે કહે છે કે દેશમાં ૭૫ કરોડ નવા અર્થશાસ્ત્રી પેદા થઇ ગયા છે!’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 6 ડિસેમ્બર 2016)

1 comment for “છઠ્ઠી ડીસેમ્બર ઓગણીસોબાણુંના એ રવિવારની બપોર યાદ છે?

  1. Maitreya Vyas
    December 6, 2016 at 4:30 PM

    Very true…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *