બસ, હવે આ છેલ્લી જ લાઈન

હું ભારત દેશનો એક મધ્યમવર્ગીય નાગરિક છું અને મારા વડા પ્રધાને મને ધરપત આપી છે હવે તમારે લોકોએ આ છેલ્લીવાર લાઈનમાં ઊભા રહેવાનું છે. મારે અમારા બધા વતી પીએમને કહેવાનું છે કે તમે ફિકર નહીં કરતા અમારી, અમને તો લાઈનમાં ઊભા રહેવાની અલમોસ્ટ જનમથી જ આદત છે. અમારા મિડલ ક્લાસી માણસોની જિંદગીમાં લાઈન લાઈફ સ્ટાઈલના એક ભાગરૂપે વણાઈ ગઈ છે. એટલે આ અત્યારની લાઈનોનો પણ અમને કોઈ વાંધો નથી. વાંધાવચકા એ જ લોકોના છે જેઓ અમારા પ્રતિનિધિ હોવાનો દાવો કરીને અમારા વતી બોલે છે. આવા લોકોને અમારા પ્રતિનિધિ બનવાનો કોઈ પાવર ઑફ એટર્ની અમે મિડલ ક્લાસી નાગરિકોએ આપ્યો નથી. અમારા વતી બોલાવાનો હક્ક માત્ર અમે અમારા પ્રધાનમંત્રીને આપ્યો છે. માટે એમણે અત્યારે બૅન્કોની લાઈનો વિશે ચિંતા કરવાને બદલે કાળું ધન બહાર લાવવા માટે બીજી જે જે કઈ યોજનાઓ વિચારી હોય તેના પ્લાનિંગમાં બિઝી થઈ જવાનું હોય, અમે ન તો આ લાઈનની ફરિયાદ કરીએ છીએ ન અગાઉનાં વર્ષોમાં જે જે લાઈનોમાં ઊભા રહ્યા એ માટે અમે ફરિયાદ કરી હતી. તે વખતે નહોતી કરી તો હવે આ છેલ્લીવારની લાઈનમાં ઊભા રહેવા માટે શું કામ ફરિયાદ કરીએ?

અત્યાર સુધીના પાંચ દાયકામાં કેવી કેવી લાઈનોમાં અમે ઊભા રહ્યા. છતાં ક્યારેય ફરિયાદ નથી કરી:

૧. એ જમાનામાં સરકારી ડેરીનું દૂધ લેવા માટે કાર્ડ કઢાવવું પડતું. કાર્ડ પર ક્વોટા લખ્યો હોય તે પ્રમાણે હોલ દૂધ કે ટોન્ડ દૂધની કાચની બાટલીઓ ઘરની નજીકના મિલ્ક બૂથમાંથી જઈને લઈ આવવાની જ્યાં ઈનવેરિયેબલી રોજ (યસ, રોજેરોજ) મિનિમમ અડધો કલાક મારી મમ્મી ઊભી રહીને અમારા માટે દૂધ લઈ આવતી. રજાના દિવસે કે શનિવારે શાળાનો સમય મોડો હોય ત્યારે અમને પણ આંગળીએ વળગાડીને લઈ જતી અને જો એ દિવસોમાં પપ્પાનો પગાર આવ્યો હોય તો અમને નાની બાટલીમાં દસ પૈસાવાળું રંગીન દૂધ પીવડાવતી.

૨. દૂધનું કાર્ડ પતરાનું આવતું. સમજોને કે દૂધ ખરીદવાનો એ પરવાનો હતો જેને મિલ્ક બૉટલના તારવાળા સ્ટેન્ડ સાથે વાયરથી બાંધી રાખવામાં આવતું. નાની બહેનનો જન્મ થયો એટલે એનું નામ કાર્ડમાં ઉમેરવાનું હતું અને બીજી તરફ કાકા જે અમારી સાથે રહેતા હતા તે સીએ થઈને અમેરિકા જતા રહ્યા એટલે એમનું નામ કાર્ડમાંથી કમી કરાવવાનું હતું. આમ જુઓ તો ઘરનો દૂધનો ક્વોટા એટલો ને એટલો જ રહેતો હતો પણ બાપા મારા પ્રામાણિકતાનું પૂંછડું એટલે મમ્મીને (ને મને) વરલી ડેરીની ઑફિસમાં ફોર્મ ભરીને નામ ઉમેરવા – કમી કરવાની વિધિ માટે મોકલે. ટાંટિયાની કઢી થઈ જાય એટલી લાંબી લાઈનમાં ઊભા રહેવાની પ્રેકટિસ શરૂ થઈ ગઈ. પણ અમે ક્યારેય ફરિયાદ નથી કરી.

૩. એ જમાનામાં ફિલિપ્સનો રેડિયો શો કેસમાં કાચના દરવાજા પાછળ સાચવીને ગોઠવવામાં આવતો. રેડિયો ઘરમાં રાખવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડતું અને દર વર્ષે પાંચ રૂપિયા ભરીને પોસ્ટ ઑફિસમાં રિન્યૂ કરાવવા જવું પડતું. ઘણા લોકો લાયસન્સ ફી ભર્યા વિના જ રેડિયો વાપરતા અને એમને કંઈ થતું નહીં. પણ મારા બાપા ધરાર મને ઘરની સામે રસ્તાની પેલે પાર આવેલી પોસ્ટ ઑફિસમાં દર ડિસેમ્બરે મોકલતા અને લાંબી લાઈનમાં ઊભી રહીને લાયસન્સ રિન્યૂ કરાવવાની સ્ટેમ્પ મરાવીને હું ઘરે આવતો ત્યારે એ જોઈને તેઓ રાજી થતા.

૪. અમેરિકા સાથેની પી.એલ. ૪૮૦ કે એવી કોઈ સમજૂતી હેઠળ ભારતને લાલ કલરના લાગે એવા (ઢોર પણ ન ખાય એવા) ઘઉં મળતા જે રૅશનિંગની દુકાને મળતા. પોસ્ટ ઑફિસથી દસેક ગાળા છોડીને રેશનિંગની મોટી દુકાન હતી. લાલ ઘઉં સિવાયનું બધું જ રેશન લાંબી લાંબી કતારોમાં ઊભા રહીને ખરીદવામાં આવતું. મમ્મી એકલી કઈ આટલું બધું વજન ઊંચકી શકે નહીં એટલે એની સાથે ચડ્ડી પહેરેલો એનો દીકરો પણ આંગળી પકડીને જતો.

૫. ગૅસની ટાંકી ખલાસ થઈ જાય પછી ગૅસ કંપનીની એજન્સીની દુકાને જઈને નંબર લખાવવા માટે અચૂક બે-ત્રણ કલાક ઊભા રહેવું પડતું. ફોન પર નંબર લે નહીં અને ગૅસની નવી ટાંકી પંદર દિવસે, મહિને ગમે ત્યારે આવે. ત્યાં સુધી પ્રાયમસ પર રસોઈ થતી અને વાટવાળો અશોક સ્ટાવ ઘરમાં આવ્યો ત્યારે તો જાણે કૂકિંગ રેન્જ વસાવ્યું હોય એટલો આનંદ થાય.

૬. લાઈટ બિલ ભરવા માટે અને પાછલાં વર્ષમાં ટેલિફોન બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં દર મહિને ઊભા રહેવાનું જ હોય. ન એની કોઈ નવાઈ, ન ફરિયાદ.

૭. ઘરની સામે જ સિટીલાઈટ સિનેમા. દેવ આનંદનું ‘હરે રામ હરે કૃષ્ણ’ જેવું નવું પિક્ચર લાગવાનું હોય તે અઠવાડિયાના સોમવારે એ.બુ. (ઍડવાન્સ બુકિંગ) શરૂ થાય. બારી ખુલે એના કલાક પહેલાં જ લાઈનમાં ઊભા રહીને ત્રણચાર કલાક તડકામાં તપ્યા પછી ટિકિટ મળે. લાઈનમાં ઊભા રહેવાનો થાક તો બિલકુલ યાદ નથી. ટિકિટ મળ્યોનો રોમાંચ બરાબર યાદ છે.

૮. વૅકેશનમાં મામાના ઘરે કે વતનમાં દાદાના ઘરે જવાનું હોય તો રેલવે ટિકિટના રિઝર્વેશન માટેની લાઈનમાં ઊભા રહેવાની ઉંમર થઈ ગઈ હોવાથી મુંબઈ સેન્ટ્રલ જઈને કલાકો સુધી વારો ન આવે એવી સર્પેન્ટાઈન ક્યુમાં ઊભા રહેવાનું. લંચમાં ખાવા માટે સેન્ડવિચ જેવું ઘરેથી જ ડબ્બામાં લઈ જવાનું.

૯. સ્કૂલમાં જવા માટે રેલવેનું ક્ધસેશન ફોર્મ ભરીને સિઝન ટિકિટ કઢાવવા માટે દર ત્રણ મહિને લાઈનમાં ઊભા રહેવાનું.

૧૦. ઈન્ગલૅન્ડની ટીમ સાથેની ટેસ્ટ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં હતી. ભીડવાળી ક્યુમાં કલાકો સુધી ઊભા રહીને ઈસ્ટ સ્ટેન્ડની સસ્તામાં સસ્તી ટિકિટ ખરીદવાની ને પછી સ્કૂલમાં ગાપચી મારીને પાંચેય દિવસ રોજેરોજ લાઈનમાં ઊભી રહીને સ્ટેડિયમમાં એન્ટ્રી મેળવવાની.

૧૧. બૅન્ક પણ રૅશનિંગની દુકાનની બાજુમાં જ હતી. પપ્પા પોતાનો બિઝનેસ કરતા થઈ ગયેલા અને એમના પર્સનલ અકાઉન્ટમાં ચેક ભરવાનો હોય કે એમાંથી પૈસા ઉપાડવાના હોય તો ટોકન નંબર લઈને અડધો – પોણો કલાક ઊભા રહેવાનું સહજ થઈ ગયેલું. રાષ્ટ્રીયકૃત બેન્કમાં ન તો એસી, ન બેસવાની સગવડ. પણ મજા આવતી.

૧૨. રવિવારે સવારે જો હજામની દુકાને ગયા તો કલાક પહેલાં વારો ન આવે. સ્ટારડસ્ટ, ફિલ્મફેર, સ્ટાર ઍન્ડ સ્ટાઈલ વાંચવાની ટેવ ત્યાંથી જ પડી.

૧૩. વરસો વીતતાં ગયાં. જુહુમાં પૃથ્વી થિયેટર ખુલ્યું. જ્યારે પણ ત્યાં નાટક જોવા જઈએ અચૂક લાઈનમાં ઊભા જ રહેવાનું. આજની તારીખે એ જ પ્રથા છે. તમે હો કે ગુલઝારસાહેબ હોય – લાઈનમાં તો ઊભા રહેવું જ પડે.

૧૪. ચર્નીરોડ પર તારાબાગની પાણીપુરી ખાવા માટે આજની તારીખેય રશ અવર્સમાં લાઈનમાં ઊભા રહેવું પડે છે. ઘાટકોપરની ખાઉગલીના ઢોંસા ખાવા માટે લાઈનની પ્રથા નથી. ટોળું હોય છે, પણ અડધો કલાક તો ઊભાં ઊભાં રાહ જોવી જ પડે. માટુંગાની રામાશ્રયમાં પણ બ્રેકફાસ્ટ, લંચ સમયે તેમ જ રામા નાયકમાં લંચ ટાણે લાઈનમાં ઊભા રહ્યા વિના મા અન્નપૂર્ણાના આશીર્વાદ નથી મળતા.

૧૫. લગ્નમાં જઈએ છીએ તો બે વાર લાઈન લગાવવી પડે. પહેલીવાર વરવધૂ સાથે ફોટો પડાવવા સ્ટેજ પર અને બીજી વાર હાથમાં ખાલી પ્લેટ પકડીને સદાવ્રત માટે ઊભા હોઈએ તેમ બૂફેની લાઈનમાં ઊભા રહેવાનું.

૧૬. ઘણી વખત તો સ્મશાનમાં જઈએ ત્યારે આપણાવાળા મૃતદેહનો વારો આવે એ પહેલાં આગળથી બીજા બે-ત્રણના વારા હોય. ચિતાની સગડી ખાલી થાય ત્યાં સુધી તમારે તમારાવાળા સાથે શોકમગ્ન થઈને લાઈનમાં ઊભા રહેવાનું.

૧૭. મોટી હૉસ્પિટલોમાં પેશન્ટને ઍડમિટ કરાવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાનું અને બિલનું પેમેન્ટ કરવા માટે પણ લાંબી લાઈન લગાવવાની.

૧૮. જેફ્રી આર્ચરની લેટેસ્ટ નૉવેલ પર ઑટોગ્રાફ લેવા માટે બબ્બે કલાક ઊભા રહેવાનું અને હસ્તાક્ષરવાળું પુસ્તક પંપાળીને લાઈનનો થાક ભૂલીને મોજથી ઘરે પાછા આવવાનું.

૧૯. હૅરી પૉટરની નવલકથાના સાત ભાગો પ્રગટ થતાં ત્યારે દીકરો વહેલી સવારે છ વાગ્યે દુકાનદારની સાથે પુસ્તક વિક્રેતાના ડેપો પર લાઈન લગાવીને ઊભો રહી જતો. કલાકો પછી વારો આવતો.

૨૦. બેસ્ટની બસ પકડવા માટેની લાઈનમાં ઊભા રહીને તો અડધી જિંદગી વીતી ગઈ અને આજની તારીખે મેટ્રો પકડવી હોય તો પણ લાઈનમાં જ ઊભા રહેવાનું. એટલું જ નહીં ફ્લાઈટ પકડવા માટે બૉર્ડિંગ પાસની સર્પેન્ટાઈન ક્યુ જોઈને મુંબઈ સેન્ટ્રલ પરની કલાકો લાંબી લાઈન યાદ આવી જાય. વેબ ચેક-ઈન હોય તેથી આગળ પાંચ-સાત જણા તો હોય જ.

૨૧. ઍરપોર્ટની બહાર નીકળીને જો પ્રીપેઈડ ટૅક્સી ના લીધી હોય તો ઑટો રિક્શા પકડવા માટે લાઈન તો હોવાની જ.

૨૨. મંદિરોના દર્શન માટે લાગતી લાંબી લાઈનો વિશે તો શું વાત કરવી?

૨૩. અરે, છેલ્લે થોડા મહિના પહેલાં ઘરના ભાડાના દસ્તાવેજને રજિસ્ટર કરાવવા મકાન માલિક સાથે ત્રણ કલાક ઊભા રહેવાનું હતું. પણ મિડલક્લાસી માણસોને લાઈનમાં ઊભા રહેવાની, ઑવર ધ પિરિયડ ઑફ સો મેની યર્સ, એવી ટેવ પડી ગઈ હોય છે કે કોઈ ફરિયાદ વિના અમે સૌ ચૂપચાપ ઊભા રહીએ છીએ. પીએમે અમારી કોઈ કરતાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમને અમારા વતી અમારા એફબી પેજ પર જય દવે નામના વાચકે મૂકેલી વાર્તા શેર કરવા માગીએ છીએ.

પચાસ મુસાફરને લઈ જતી લકઝરી બસ એક શહેરથી બીજે શહેર જઈ રહી હતી. રાત્રે એમાંના ચાર મુસાફરોએ બાકીના છેંતાળીસ મુસાફરોના સામાનમાંથી ચોરી કરીને પોતપોતાની બેગો ભરી લીધી. સવારે બધાને ખબર પડી કે બસમાં ચોરી થઈ છે. ડ્રાયવરે બસ રોકીને કંડકટરને કહ્યું બસનો દરવાજો લૉક કરી દો, હું આ બધા મુસાફરોની બૅગ ચેક કરીશ, ચોર આપણા સૌની વચ્ચે છે, તરત પકડાઈ જશે. ત્યાં જ ચોર નંબર એક બોલ્યો: ‘તમે આવું કેવી રીતે કરી શકો? અમે કંઈ ચોર છીએ? અમારા સામાનની તલાશી લેનાર તમે કોણ?’ ચોર નંબર બેએ ટાપશી પુરાવી: ‘આમાં તો ડ્રાયવર સાહેબ અમને બધાને તકલીફ પડવાની. તમે અમારા જેવા સીધાસાદા મુસાફરોને શું કામ આવી અગવડમાં મૂકો છો?’ ત્રીજા ચોરે ડ્રાયવરને ધમકાવતા કહ્યું, ‘તમે પોતે જ કંડકટર સાથે મળીને અમારા બધાનો સામાન ચોરી લીધો છે અને ચોરીની જાહેરાત થાય એ પહેલાં જ રસ્તે આવતા કોઈ નાના ગામે બસ ઊભી રાખીને સગેવગે કરી દીધો છે.’ અને ચોથા ચોરે કહ્યું, ‘હે તમામ મુસાફર ભાઈઓ, હું તમારી સાથે અન્યાય નહીં થવા દઉં. આપણે આ ડ્રાઈવરની ચાલબાજી બરાબર સમજીએ છીએ. એને બસ છોડીને જવું હોય તો ભલે જાય, હું બસ ચલાવીને તમને તમારા શહેર સુધી લઈ જઈશ, તમે ચિંતા નહીં કરતાં. પણ આ ડ્રાઈવરની જોહુકમી તો સહન નહીં જ કરીએ.’

હવે આ વાર્તામાં જો ડ્રાઈવરનું નામ નરેન્દ્ર અને કંડક્ટરનું નામ અરુણ હોય તો મુસાફરોની યાદીમાં વંચાતાં પેલો ચાર ચોરનાં નામ શું હશે તેની કલ્પના કરી શકો છો તમે?

અને આ વાર્તા કંઈ નવી નથી. જૂની હિન્દી ફિલ્મોમાં આવી સિચ્યુએશન ઘણી વાર આવી ગઈ. શહેરના તમામ રઈસો જે પાર્ટીમાં હાજર હોય ત્યાં પધારેલાં હર હાઈનેસ મહારાની ઑફ દેવગઢ બારિયાના ગળામાંથી મહામૂલો હીરાનો નૅકલેસ ગાયબ થઈ જાય. પોલીસ કહે કે ચોર આ રૂમમાં જ છે, બધા દરવાજા બંધ કરીને સૌની તલાશી લો. ત્યારે વિલનના ઈશારાથી એનો સાઈડ કિક પાર્ટીમાં હાજર રહેલા આબરૂદાર મહેમાનોને સંબોધીને કહે કે, આમાં તો આપણા સૌની તૌહીન છે, આપણે શું ચોર-ઉચક્કા જેવા દેખાઈએ છીએ? તલાશી શેની હોય?

આ લાઈન છેલ્લી ન હોય તો પણ અમે મિડલ ક્લાસી જીવો અમારી તલાશી લેવડાવતા રહીશું, એમાં અમને કોઈ તકલીફ નથી પડતી કે નથી અમારી તૌહીન થતી. ડ્રાયવરશ્રીએ પોતાનું અને કંડકટરશ્રીએ પણ પોતાનું કામકાજ ચાલું રાખવું એવું ૪૬ મુસાફરોના પ્રતિનિધિ તરીકે અમારું કહેવું છે, બાકીના ચાર આપોઆપ પરખાઈ જશે. દૂધનું દૂધ, પાણીનું પાણી અને બ્લેકનું બ્લેક, વ્હાઈટનું વ્હાઈટ છૂટાં પડી જશે.

આજનો વિચાર

હવે ક્યાંક એનડીટીવી એવા ન્યૂઝ ના લઈ આવે કે રાષ્ટ્રગીત વખતે ઊભા રહેવાથી આટલા ગરીબોનું મોત થઈ ગયું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: મને તો વર્ષોથી કૅશલેસ ટ્રાન્ઝેકશન કરવાની જ ટેવ છે.

હું: એમ!

બકો: હા, પણ બીજા લોકો. એને ઉધારી-ઉધારી કહેતા હોય છે!

( મુંબઇ સમાચાર : સોમવાર, 5 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *