રાષ્ટ્રગીત ગાવું કે ન ગાવું

રાષ્ટ્રગીતને, રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં હું માનું છું. ભારતના જ નહીં, કોઈ પણ દેશના રાષ્ટ્રગીતને, રાષ્ટ્રધ્વજને માન આપવું એ એક સભ્ય નાગરિક તરીકે તમારી ફરજ છે – તમે એ દેશનું નાગરિકત્વ ધરાવતા ન હો તો પણ એ તમારી ફરજ છે અને એ રાષ્ટ્રગીત-રાષ્ટ્રધ્વજ દુશ્મન દેશનાં હોય તો પણ તમારાથી અપમાન ન થાય એનું. જેમ બીજા કોઈના ધર્મનું તમે અપમાન ન કરો તેમ.

રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે તમારે સાવધાનની મુદ્રામાં ઊભા થઈને એને માન આપવું એ તમારી ફરજ છે. (એમાં અપવાદ એટલો કે, મારા ઘરને અલમોસ્ટ અડીને આવેલી સ્કૂલમાં રોજ સવારે અને બપોરે રાષ્ટ્રગીત ગવાતું હોય તો હું સાવધાન મુદ્રામાં ઊભો થઈને માન નથી આપી શકતો કારણ કે સવારે હું બાથરૂમમાં બ્રશ કરતો હોઉં છું અને બપોરે લંચ કરતો હોઉં છું. આય થિન્ક, આમાં રાષ્ટ્રગીતનું અપમાન નથી થતું.)

સુપ્રીમ કોર્ટે સિનેમા થિયેટરોમાં રાષ્ટ્રગીત સંભળાવવાનું ફરજિયાત બનાવતો હુકમ કાઢ્યો છે એની સામે મારો સખત વાંધો છે. એક નહીં અનેક વાંધા છે.

રાષ્ટ્રગીત ગવાતું હોય તો એને માન આપવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે એવું ગાઈ બજાવીને કહ્યા પછી હું એ પણ કહીશ કે સિનેમા ગૃહમાં જ નહીં, પણ જ્યાં જ્યાં રાષ્ટ્રગીત ગવાતું હશે એવા સમૂહમાં મારી હાજરી હશે તો હું માન આપવાનો જ. પણ હું સાથોસાથ એ પણ ગાઈબજાવીને કહીશ કે સિનેમા ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવાની કોઈ જરૂર નથી. મારા મુદ્દાઓ:

૧ પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે એક મૂડ હોય છે. જરૂરી નથી કે એ સમયે મારામાં દેશપ્રેમ ઉછાળા મારતો હોય. પંદરમી ઑગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી કે એવા કોઈક ઑકેઝનમાં હાજરી આપવા જતી વખતે એવો મૂડ હોવાનો. પણ હું ઈમરાન હાશમીને ચિપકીને ચુમ્માચાટી કરતી સની લિયોનને જોવાના મૂડમાં ઘરેથી નીકળ્યો હોઉં તો મારો એ મૂડ કિરકિરો કરવાનો સુપ્રીમ કોર્ટના જજસાહેબને કોઈ જ હક્ક નથી.

૨ ડૉ. ઝિવાગો જેવી ફિલ્મોમાં તો ઓવરચર્સ વાગે. નાટકોમાં તો ખાસ વાગે. આ ઓવરચર્સ એટલે ફિલ્મ કે નાટક શરૂ થતાં પહેલાં એનું વાતાવરણ બાંધવા માટે વગાડાતું સંગીત. એક માહોલ બંધાય એનાથી. રાષ્ટ્રગીત આ માહોલ તોડી નાખે.

૩ સિનેમા જોનારાઓને જ રાષ્ટ્રભક્ત બનાવવાના છે તમારે? નાટકના પ્રેક્ષકોને નહીં? રામલીલાના પ્રેક્ષકોને નહીં? ભવાઈના અને સ્ટ્રીટ પ્લેના દર્શકોને તેમ જ કઠપૂતળીના ખેલના દર્શકોને, માંકડાં નચાવતા મદારીની ફરતે ટોળે વળેલા પ્રેક્ષકોને – સૌને દેશભક્ત બનાવો, નામદાર ન્યાયમૂર્તિ-સાહેબ!

૪ રાષ્ટ્રગીત ગાવાથી, ઊભા થઈને એને માન આપવાથી કોઈ રાષ્ટ્રભક્ત બની જતું નથી. (ફરી કહું છું કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે તમારે એને ઊભા થઈને માન આપવાનું જ છે. એમાં કોઈ બાંધછોડ નથી જોઈતી). પણ વિજય માલ્યા કે દાઉદ ઈબ્રાહિમ કે પછી અરવિંદ કેજરીવાલ ગળું ફાડીને રાષ્ટ્રગીત ગાતા હોય તો શું તમારે એમ માની લેવું કે તેઓ આ રાષ્ટ્રને પ્રેમ કરી રહ્યા છે, તેઓ દેશભક્ત બની ગયા છે?

૫ સુપ્રીમ કોર્ટે એટલું સારું કર્યું કે ચુકાદામાં એમ કહ્યું કે થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજ દેખાડવાનો. આનો મતલબ એ કે સ્ક્રીન પર કોઈને રાષ્ટ્રગીત ગાતાં દેખાડવાની જરૂર નથી. નવાઈ લાગે છે આટલાં વરસોમાં હજુ સુધી કોઈએ સુપ્રીમ કોર્ટમાં એવી જાહેરહિતની અરજી કેમ નહીં કરી કે આ બધા ક્રિયેટિવ લોકો જે નીકળી પડ્યા છે તેઓ અચ્છા અચ્છા કળાકારો પાસે રાષ્ટ્રગીતનું અપમાન કરાવતી ફિલ્મો ઉતારે છે તેના પર પાબંદી મૂકો. એક તો તેઓ જનગણમનની ટ્યુન સાથે ચેડાં કરે છે, બીજું ૫૨ સેક્ધડમાં રાષ્ટ્રગીત પૂરું કરવાનું હોય તે મર્યાદા મનસ્વીપણે લંબાવે છે, ત્રીજું સામે સ્ક્રીન પર આ જુઓ ફલાણા ગાયક, ત્યાં જુઓ પેલો એકટર, અરે વાહ આ તો કેવું સુંદર દૃશ્ય છે વગેરે મનોભાવો જ્યારે દિલમાં ઉમટતા હોય તો શું ખાક તમારામાં રાષ્ટ્રભક્તિ જાગવાની. મંદિરમાં આરતી ગવાતી હોય ત્યારે સામે ભગવાનની મૂર્તિ જ જોઈએ, કોઈ ગાયક-ગાયિકા કે અભિનેતા-અભિનેત્રી કે પછી ટિફિનવાળા – માછીમારો કે સૈનિકોનાં મોઢાં દેખાશે તો આરતીમાં મન નહીં પરોવી શકો તમે. એવું જ રાષ્ટ્રગીતની બાબતમાં કાં તો પડદા પર કંઈ જ ન હોય (જેમ નાટકો પહેલાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે પડદો બંધ હોય છે. તમને રાષ્ટ્રધ્વજ નથી દેખાડવામાં આવતો) અને જો હોય તો માત્ર રાષ્ટ્રધ્વજ હોય, એ સિવાય બીજું કોઈ કરતાં કોઈ દૃશ્ય ન હોય. અને હા, રાષ્ટ્રગીતની માન્ય કરેલી ધૂન, એ જ લય અને એ જ રિધમમાં, બાવન સેક્ધડમાં પૂરી થઈ જ જવી જોઈએ. તમે ગમે એટલા મહાન કલાકાર હો, તમારા આલાપવેડા, તાનવેડા તમારા ઘરે મૂકીને આવવાના – રાષ્ટ્રગીત ગાતી વખતે.

આ પાંચ મુદ્દા સ્પષ્ટ કર્યા પછી હજુ થોડુંક ઉમેરવાનું છે.

આઝાદી પહેલાં કેટલાક જાહેર-સમારંભોમાં ‘ગૉડ સેવ ધ કિંગ’ ગાઈને બ્રિટિશ તાજ પ્રત્યેની વફાદારી પ્રગટ થતી. અને કેટલાક જાહેર સમારંભોમાં ‘વંદે માતરમ્’ ગાઈને બ્રિટિશરો પ્રત્યેનું ડિફાયન્સ પ્રગટ થતું, દેશભક્તિ પ્રગટ થતી. બેઉ રાષ્ટ્રગીત ગાવા પાછળ એક ચોક્કસ ભાવના હતી. દેશને આઝાદી મળ્યે સાત દાયકા વીતી ગયા પછી જે નકરાં મનોરંજનઘરો છે ત્યાં પરાણે રાષ્ટ્રગીત સંભળાવીને તમે શું સિદ્ધ કરવા માગો છો? મારે હિસાબે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બિલકુલ અયોગ્ય, બિનજરૂરી અને પ્રજાની નૉર્મલ જિંદગીમાં ચંચુપાત કરનારો છે. પણ રાષ્ટ્રગીતનો મામલો એવો છે કે આવું કહેનારને, કેટલાક નોવાઈસ, બાળસમજ ધરાવનારા સ્યુડો દેશભક્તો, દેશદ્રોહીનું લેબલ લગાડી દે. ભલે.

કાગળ પરના દીવા

પ્રજાને સરકારની બીક લાગતી હોય ત્યારે દેશમાં જુલમનું શાસન છે એવું માનવું. સરકારને પ્રજાની બીક લાગતી હોય ત્યારે દેશમાં મુક્તિનું વાતાવરણ છે એવું માનવું.

– થોમસ જેફરસન

સન્ડે હ્યુમર

નોટબંધીના જમાનાની નવી જોક:

‘મગરોને પકડવા આખું તળાવ ખાલી કરાવ્યું જેમાં નિર્દોષ માછલીઓ મરી ગઈ. સમજાય તેને એક સલામ.’

મગરોએ પાણી ખરાબ કરી નાખ્યું હતું, તે તળાવને નવા સાફ પાણીથી ભરવામાં આવશે જેથી નાની માછલીઓની આવનારી પેઢીઓ સલામત રહે. સમજાય તેને બે સલામ.’

( મુંબઇ સમાચાર : રવિવાર, 4 ડિસેમ્બર 2016)

1 comment for “રાષ્ટ્રગીત ગાવું કે ન ગાવું

  1. Hemang barot
    December 5, 2016 at 9:11 PM

    રાષ્ટ્રગીત ને સન્માન આપવુ હિન્દુસ્તાન ફરજ છે એમાં નાસ્તિક્તા દેખાડવાનો કોઈ અર્થ નથી…. વાત સમજાય તેને સલામ ના સમજાય તેને બે સલામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *