હું આતંકવાદી નથી, ખૂની નથી, હાઈ જૅકર નથી કે બૅન્ક રૉબર નથી છતાં…

તમે આતંકવાદી નથી. તમે ખૂની નથી. તમે બૅન્ક નથી લૂંટી. છતાં શહેરમાં નાકાબંધી હોય ત્યારે તમારા વાહનને ઊભું રાખીને તપાસવામાં આવે છે. ફાઈવ સ્ટાર હૉટેલના કે મૉલના પાર્કિંગમાં જતી વખતે તમારી કાર તળે આયનો ઘુસાડીને ક્યાંય બૉમ્બ તો તમે છુપાવેલો નથી એની ખાતરી કરી લેવામાં આવે છે. તમે પ્લેનને હાઈ જેક કરવાના નથી છતાં મોટા-સંવેદનશીલ ઍરપોર્ટ પર તમારા શરીરની તેમ જ તમારા સામાનની એક નહીં છ-છ વાર તપાસ થાય છે.

શું તમે હજુ સુધી ક્યારેય મૉલમાં પ્રવેશતી વખતે તમારા શરીર પર બધે જ હાથ ફેરવીને તલાશી લેતા સિક્યુરિટીવાળાને કે નાકાબંધીમાં તમારી કારને રોકતા પોલીસવાળાને કે હવાઈમથક પર સુરક્ષા જાંચ કરતા અર્ધલશ્કરી દળના સિપાઈને ફરિયાદ કરી છે કે હું આતંકવાદી નથી, ખૂની નથી. બૅન્ક રૉબર નથી કે હાઈ જૅકર પણ નથી તો શું કામ તમે મને હેરાનગતિ કરો છો? નથી કરી ને? સારું જ છે. એક વખત પણ કરી તો જુઓ. પેલો કાકો બે હાથે ઉપાડીને તમને ધીબેડીને એક વખત તો જેલ ભેગા કરી દેશે, પછીની વાત પછી. તમે સમજુ છો એટલે જ ફરિયાદ નથી કરતા. તમારામાં એટલી તો પાયાની સમજણ છે જ કે આ દેશને આતંકવાદીઓથી બચાવવો હશે કે આ દેશનું અહિત કરનારા બૅન્ક લૂંટારુઓ કે ખૂનીઓને પકડાવવા હશે કે તમે જે ફ્લાઈટ પકડી રહ્યા છો તેને હાઈજૅક થતાં અટકાવવી હશે તો તમારે આટલી હેરાનગતિ તો ભોગવવી જ પડશે. આ થોડીઘણી તકલીફ તમારા હિતમાં છે એની તમને ખબર છે.

આમ છતાં તમે શું કામ બેવકૂફની જેમ, નાદાનની જેમ તમને મળતા આવા ફૉરવર્ડિયાઓને આગળ ધકેલતા હો છો જેમાં લખ્યું હોય છે કે આ દેશમાં વસતા દસ ટકા કાળાં ધનવાળાઓને સીધા કરવા નેવું ટકા પ્રામાણિક જનતાએ શું કામ હાડમારી ભોગવવી જોઈએ?

ખૂની, અપહરણકર્તા વગેરે તો ૧ ટકો પણ નહીં હોય છતાં તમે એમને પકડવા હાડમારી ભોગવતા હો તો એના કરતાં દસગણી સંખ્યા ધરાવતા બ્લેક મની ધરાવનારાઓને સીધા કરવા તમારે દસગણી હાડમારી ભોગવવા તૈયાર રહેવાનું હોય.

અમસ્તા જ, આવા ફૉરવર્ડિયાઓ દ્વારા તમને ઉશ્કેરવામાં આવે છે. મોટા મગરો પકડવા માટે આખું તળાવ ખાલી કરાવવામાં નાની માછલીઓ મરી જાય છે એવું એક ચાંપલું વૉટ્સેપિયુ પણ બહુ ફરે છે. આવા મેસેજીસ મોકલનારાઓના આ માથામાં આ લેખ ફટકારજો તમે.

સામાન્ય માણસને આ નૉટબંધીથી શું ફાયદો થયો? એમણે તો માત્ર હાડમારી જ ભોગવીને? રોજની બસો-ચારસો રૂપિયાની કમાણી કરતા ફ્રૂટવાળાએ, શાકવાળાએ શું કામ રોકડામાં ધંધો કરવાનું બંધ કરીને પેટીએમ વગેરેથી કૅશલેશ બિઝનેસ કરવાની અગવડ ભોગવવાની?

આવા સવાલો વારંવાર પુછાતા રહે છે. જે માણસ આજે રોજના બસો-ચારસો રૂપિયા કમાય છે અર્થાત્ મહિને દસેક હજાર કે વરસે દહાડે લાખેક રૂપિયા કમાય છે તે કાલ ઊઠીને બે લાખ, ચાર લાખ કમાવાનો છે. જો એની કૅશમાં જ ધંધો કરવાની આદત ચાલુ રહી તો એ ક્યારેય કરદાતા નહીં બનવાનો. અને દેશમાં આવા કરોડો લોકો છે જેમણે ભવિષ્યમાં જવાબદારીપૂર્વક આવકવેરો ભરીને આ દેશ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાની છે.

બીજું.

આ લાખેક રૂપિયા કમાનારા માણસની નવી પેઢીને સારું શિક્ષણ, સારા રસ્તા, સારું ઈન્ફ્રાસ્ટ્રકચર, સારો દેશ જોઈતો હશે તો એના માટે સરકાર પાસે પૈસા જોઈશે. સરકાર ધનિકો પાસેથી ૫૦ ટકા લઈને આવા લોકોને જ ફેસિલિટીઝ આપવાની છે. તમારી નવી પેઢીને મળનારી સગવડોના બદલામાં અત્યારે ટેમ્પરરિલી તમારે મામૂલી અગવડો ભોગવવી પડતી હોય તો તે ભોગવી લેવાની તમારી ફરજ નથી.

લોકો પૂછતા રહે છે કે પહેલાં આ બાબતનો જવાબ આપો, પેલી બાબતનો જવાબ આપો પછી નૉટબંધી વિશે વાત કરો. આવી દલીલોમાં કોઈએ ફસાઈ જવાનું નથી. દલીલબાજોની આ ખાસિયત રહી છે કે જે મુદ્દા સામે કંઈ કહેવાનું ન હોય એ મુદ્દાને ચાતરી જવા એનાથી દૂર જઈને ભળતી જ દલીલોમાં સામેવાળાને ભેરવી પાડવા. આ રમત બહુ જૂની છે. એક જમાનામાં કહેવાતું ને કે ઝઘડાળુ માણસ પાસે દલીલ ન બચે ત્યારે તું નહીં તો તારો બાપ કહીને ઝઘડો આગળ વધારવો.

અમારી ઈચ્છા છે કે મોદી ટીવી પર આવીને હવે એવી જાહેરાત કરે કે આજે રાત્રે બાર વાગ્યા પછી જે કોઈ સરકારી નોકર, અમલદાર વગેરે લાંચ લેતાં પકડાશે… આવું એક ત્રાસજનક ફૉરવર્ડિયું પણ બજારમાં બહુ ફરે છે.

ગાઈબજાવીને કહેતા આવ્યા છીએ કે આ કાળાં નાણાં સામેની ઝુંબેશ છે, ભ્રષ્ટાચાર સામેની નહીં. કાળું નાણું અને ભ્રષ્ટાચાર બે જુદી બાબતો છે તે તમને ઉદાહરણો આપીને સ્પષ્ટ સમજાવ્યું જ છે. સરકારી નોકરોને આપવા માટે બ્લેક મની નહીં હોય ત્યારે લાંચ આપનારે કંઈ ને કંઈ રસ્તો કરીને પેલા લાંચખાઉની સાથે વ્હાઈટમાં જ વહેવાર કરવો પડશે. આ વહીવટ એના બૅન્ક અકાઉન્ટમાં જો રિફલેક્ટ થશે તો પગારની કમ્પેરિઝનમાં આઉટ ઑફ પ્રપોર્શન ઈન્કમ ધરાવવા બદલ પોતાના પર કામ ચાલશે એની લાંચ ખાઉ અધિકારીને ખબર હોવાની. અગાઉ આવા અધિકારીઓ બિનધાસ્તપણે જે લાંચ લેતાં તેમને હવે ડર લાગવાનો.

રુશવતખોરી કમ્પ્લીટલી તો બંધ નથી જ થવાની પણ એનું પ્રમાણ ઘટવાનું અને તમારો સાથ હશે તો ઘણું ઘટી જવાનું.

ગઈ કાલે બીજી તારીખ હતી. પગારના દિવસની મોકાણ વિશેના સમાચાર વાંચીને, આગલી રાતે ટીવી પર જોઈને સવારના પીક અવર્સમાં વિલેપાર્લા જેવા ધમધમતા સ્ટેશન પરના એક એ.ટી.એમ.માં માંડ ચાર જણની લાઈન હતી. પાર્લા ઈસ્ટના ફૂટપાથ પરના એક જ્યુસવાળાના ગલ્લા પર પીટીએમથી નાણાં સ્વીકારવામાં આવે છે એવું પાટિયું હતું. મોદીએ તો ગયા રવિવારે ‘મન કી બાત’માં સિંગચણાવાળો પણ કૅશલેસ વેપાર કરતો થઈ જાય એવી મંશા વ્યકત કરી હતી. લાગે છે કે જલદી પૂરી થશે. તમે બદલાઓ કે ન બદલાઓ, દેશ તો બદલાવાનો જ છે. બહેતર એ છે કે આપણે પણ બદલાવા માંડીએ, હજુ સમય છે.

આજનો વિચાર

સરકાર જો દરેક વૉટ્સઍપ મૅસેજ પર એક રૂપિયો અને દરેક ફૉરવર્ડિયા પર બે રૂપિયાનો વેરો નાખે તો આવકવેરો સમૂળગો નાબૂદ કરી શકાય.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

પાડોશી: ‘સાંભળ્યું કે સરકારે વાઈફના નામે ૫૦ તોલા, અનમેરિડ ડૉટરના નામે ૨૫ તોલા અને આપણા નામે ૧૦ તોલા સોનું રાખવાની છૂટ આપી છે.’

હું: ‘સાંભળ્યું. પણ મારો સવાલ એ છે કે મારી પાસે આટલું ય ના નીકળ્યું તો સરકાર મને સજા તો નહીં કરે ને!’

( મુંબઇ સમાચાર : શનિવાર, 3 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *