મક્કમતા અને જિદ

મક્કમતા અને જિદ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’ના ઓપનિંગ ડાયલોગના અંદાજમાં કહીએ તો એક ધાગાભરનો તફાવત હોય છે, ધાગાની આ તરફ મક્કમતા અને ધાગાની ઓ તરફ જીદ અને ધાગો ખેંચી લો તો પારખવાનું મુશ્કેલ બની જાય કે કોણ મક્કમ છે અને કોણ જિદ્દી છે.

મોદી અને મોરારજીભાઈને જુદા પાડનારો જો કોઈ સૌથી મોટો ગુણ હોય તો તે છે મોરારજીભાઈની જીદ અને મોદીની મક્કમતા.

દૃઢતા તો આ બેઉ રાજપુરુષોમાં ઠાંસોઠાંસ જોવા મળે. ગમે એટલી લાલચ વચ્ચે પણ નિ:સ્પૃહ રહીને જાણે. પણ સમ હાઉ ઑર ધ અધર એવું લાગ્યા કરતું કે મોરારજીભાઈમાં પોતે પ્રામાણિક હોવાનો, સત્ત્વશીલ હોવાનો એક અહંકાર હતો. નીતિમત્તાની બાબતમાં પોતે હોલિયર ધૅન ધાઉ છે એવી એમની એટિટ્યૂડ રહેતી. જ્યારે મોદીજીએ આ જ બધાં સદ્ગુણો પોતાનામાં હોવા છતાં એને ક્યારેય પોતાની બાંય પર નથી પહેર્યાં (અંગ્રેજી શબ્દપ્રયોગનો આ ભદ્દો તરજૂમો છે), ક્યારેય આ સદ્ગુણોનો દેખાડો કરીને બીજાઓને નીચા નથી ચીતર્યા.

અને આ જ કારણોસર મોદી એકદમ ગ્રાઉન્ડેડ છે. એમને ખબર છે કે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિરનો રથ પણ જમીનથી દોઢ વેંત અધ્ધર ચાલતો હોવા છતાં કોઈ કાચી પળે એ જમીનને ટચ થઈ ગયો હતો તો એની સરખામણીએ પોતાની બખ્તરબંધ બી.એમ.ડબ્લ્યુ.ની તો શું વિસાત. મોદી ક્યારેય જમીનથી અધ્ધર રહીને ચાલ્યા નથી, ન પોતે, ન એમનો રથ. આનું પરિણામ એ આવ્યું કે મોદી મક્કમ રહેવા છતાં જિદ્દી ન બન્યા.

ગઈ કાલે એ રાજ્યસભામાં આવ્યા. બે દિવસ પહેલાં લોકસભામાં હાજરી આપી. પંદર દિવસથી વિપક્ષો ગળું ફાડી ફાડીને ચિલ્લાતા રહ્યા કે પ્રધાનમંત્રી કેમ સંસદમાં દેખાતા નથી. મોદીજીએ પોતાની જિદ પડતી મૂકીને કહ્યું: લો, મૈં આ ગયા… અને વિપક્ષો વૉકઆઉટ કરી ગયા! બંનેમાંથી એકેય સદનના વિરોધી સંસદસભ્યોએ ન તો મોદીની સમક્ષ કોઈ ચર્ચાના મુદ્દા ઉઠાવ્યા ન કોઈ મુદ્દા સાંભળ્યા. મોદીએ ધાર્યું હોત તો જિદ કરીને સંસદથી દૂર રહી શક્યા હોત. સંસદમાં છે અરુણ જેટલી અને વેન્કૈયા નાયડુ. એમની કોઈ જરૂર નહોતી. રાહુલ ગાંધીએ બજારમાં મને ટોણો માર્યો એટલે શું મારે સંસદમાં પહોંચી જવાનું? હું નહીં જઉં. મેં નક્કી કર્યું છે કે હું નહીં જઉં.

મોરારજીભાઈએ નક્કી કર્યું હોત, ન જવાનું, તો તેઓ ધરાર નહીં ગયા હોત. મોદી ગયા. મોદીને જીદ છોડતાં આવડે છે. બીજી રીતે કહો તો એમને ક્યાં મક્કમ રહેવું અને ક્યાં ફ્લેક્સિબલ થવું તે ખબર છે. ફ્લેક્સિબલ ઈન ધ સેન્સ ઑફ સારી રીતે, કોઈ તકસાધુ ફ્લેક્સિબલ થાય એની વાત નથી.

ગાંધીજીએ સાધ્ય જેટલી જ પવિત્રતા સાધનમાં પણ હોવી જોઈએ એવું કહ્યું અને મોરારજીભાઈએ એનું ચુસ્ત પાલન કર્યું. મોદીએ સાધ્ય એટલે કે લક્ષ્ય પવિત્ર રાખ્યું પણ ત્યાં સુધી પહોંચવા માટે જ્યાં જરૂર પડી ત્યાં બાંધછોડ કરી અને આ બાંધછોડનો મતલબ એ નથી કે એમણે કોઈપણ ભોગે લક્ષ્ય આંબવા માટે સાધનને અપવિત્ર બનાવ્યું પણ એનો અર્થ એ કે એમણે પોતાના અહમ્ને બાજુએ મૂકીને લક્ષ્ય સુધીનો જે રસ્તો નક્કી કર્યો હતો તે રસ્તામાં ડીટુર્સ લેવા પડે તો લીધા છે. સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીને કેટલા ઍન્ગલથી વાળવી તે એમને આવડે છે. ચાણક્યની મુત્સદ્દી વિના દેશનું શાસન તો શું ઘર પણ ન ચલાવી શકાય એની એમને ખબર છે. હું પ્રામાણિક છું એટલે બધાએ દૂધે ધોયેલા જ રહેવાનું એવો અહમ્ એમને ક્યારેય નડ્યો નથી, કારણ કે તેઓ જાણે છે કે ચોવીસ કૅરેટનું સોનું ક્યારેય ઘરેણાં માટે કામ નથી લાગતું, એમાં થોડોક ભેગ હોય તો જ ઘાટ ઘડી શકાય. મોરારજીભાઈ ૧૦૦ ટચનું સોનું હતા અને એમાંથી દાગીનો બનાવવા જતાં જે ક્યારેય ઘડાતો જ નહીં. મોદીએ ઘડેલા દાગીનાઓ ટકાઉ છે જે ૧૪ વર્ષથી ગુજરાતને શોભાવી રહ્યા છે અને અઢી વર્ષથી ભારતને. ખૂબ લાંબા ભવિષ્યમાં મોદીએ ઘડેલા આ ઝવેરાતનો વારસો તે વખતના દેશના શાસકો માટે અમૂલ્ય બની રહેવાનો.

ફેક ગાંધીવાદીઓમાં તો ભારોભાર એ હતો જ જેન્યુઈન ગાંધીવાદીઓમાં પણ ક્યાંક થોડોક દંભ રહેતો. ત્યાગનો અને સાદગીનો બહુ મહિમા રહેતો. ગાંધીજી અને સરદાર પટેલ બિરલા ફેમિલીની ભરપૂર મહેમાનગતિ માણતા – દિલ્હીમાં અને મુંબઈમાં પણ. થર્ડ ક્લાસની મુસાફરી વખતે ગાંધીજીની એકલાની ટિકિટનો ખર્ચો નહોતો થયો, આખો ડબ્બો બુક કરાવવો પડતો. ગાંધીજીના લાંબા લાંબા પત્રો, લેખો ઈત્યાદિ તાર દ્વારા મોકલવામાં આવ્યા હોય એવા અસંખ્ય દાખલા છે. ગાંધીજીએ આ બધું જ કર્યું તે વાજબી જ હતું, પણ ત્યાગની ટોપી પહેર્યા વિના આ બધું કરવાનું હતું-ખાસ કરીને એમના અનુયાયીઓએ. બિરલાહાઉસની ભવ્યતામાં રહીને સાદગીની વાતો કરવી જરાક અજુગતી લાગે.

મોદીએ ક્યારેય ત્યાગ અને સાદગીની વાતો નથી કરી. અગાઉ એક લેખમાં ઉલ્લેખ થઈ ચૂક્યો છે એમ મોટા બંગલામાં રહેવા છતાં, મોંઘીદાટ ગાડી, ચશ્માં, કપડાં, શૂઝ વાપરવાં છતાં મોદીનું જીવન સાદું છે, ત્યાગપૂર્ણ છે. પણ મોદી આ સદ્ગુણોને ગાઈ બજાવીને કહેતા નથી. આ કે આવા કોઈપણ સદ્ગુણોને. આનો ફાયદો એમને એ થાય છે કે દેશ માટે કોઈપણ કામ કરવું હોય ત્યારે આમાંનો કોઈપણ સદ્ગુણ એમને આડે નથી આવતો. ઊલટાનું આ તમામ સદ્ગુણોને કારણે સર્જાતી એમની દૃઢતામાં ઉમેરો થાય છે. પણ એ દૃઢતા જિદમાં ન પરિણમે તેની સભાનતા એમને સફળ બનાવે છે. મારે અમુક લક્ષ્ય સુધી પહોંચવું છે. કોઈએ મને કહ્યું કે તમારા રસ્તે ત્યાં સુધી નહીં પહોંચાય. ભલે, તો તમે રસ્તો બતાવો, આપણને તો પહોંચવા સાથે મતલબ છે – આ પ્રકારનો સંવાદ પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસમાં થતો હશે કે નહિ તેની કોઈને ખબર નથી પણ મોદીની પર્સનાલિટી જોઈને લાગે છે કે પી.એમ.ઓ.માં વારંવાર આવું સાંભળવા મળતું હશે. મોરારજીભાઈ વખતે કદાચ એવું સંભળાતું હશે કે મારે રસ્તે કામ ન થતું હોય તો પડતું મૂકો એને, પણ તમારે રસ્તે તો નહીં જ થવા દઉં!

જીવનની જેમ રાજકારણ પણ સૌને સાથે લઈને ચાલવાની કળા છે. સૌને એટલે મિત્રોને અને વિરોધીઓને – સૌને. રાજકારણમાં મિત્રો હંમેશાં સાથે જ હોય એવું જરૂરી નથી. દરેકને પોતપોતાના સ્વાર્થ હોવાના, પોતપોતાની ઍક્બિશન્સ હોવાની. અને આ દરેક આકાંક્ષાઓ તમે પૂરી જ કરશો એવી મનોમન મહેચ્છા પણ હોવાની. મોરારજીભાઈ ક્યારેય કોઈ મિત્રની આવી મહેચ્છાઓ પરિપૂર્ણ કરવામાં માનતા નહીં. મોદીને પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કર્યા વિના મિત્રોને સાથે રાખતા આવડે છે. મોદીને દુશ્મનો સામે પણ કામ લેતા આવડે છે. ક્યાં એમની અવગણના કરવી અને ક્યાં એમની બોલતી બંધ કરી દેવી એવું મોરારજીભાઈને ક્યારેય નહોતું આવડ્યું. સતના પૂતળા તરીકેની તમારી ઈમેજ હોય ત્યારે આવું બધું કરતાં તમને ન ફાવે એ સ્વાભાવિક છે.

કદાચ મોદી દૂર રહીને મોરારજીભાઈ કે એમના જેવા બીજા પવિત્રપુરુષો પાસેથી શીખ્યા હશે કે દૃઢતા જ્યારે જીદમાં પલટાઈ જાય છે ત્યારે કોઈનુંય હિત જળવાતું નથી હોતું.

આજનો વિચાર

રાત સર પર હૈ ઔર સફર બાકી
હમકો ચલના જરા સવેરે થા

– જાવેદ અખ્તર

એક મિનિટ!

મોદીની રિક્વેસ્ટ

ગરીબ ૫૦ દિવસ આપે,

અમીર ૫૦ ટકા આપે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 2 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *