મોરારજીભાઈ અને મોદી

દેશને જે નખશિખ પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષો મળ્યા એમાં મોરારજી દેસાઈનું નામ પ્રથમ હરોળમાં આવે. એમના માટેનો મારો આદર ઘણા વર્ષો પૂર્વે હું જાહેરમાં પ્રગટ કરી ચૂક્યો છું. તે વખતે મુંબઈ એક રાજ્ય હતું. જેના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. મુંબઈના ભાગલા કરીને મહારાષ્ટ્ર-ગુજરાત રચવાની પ્રપોઝલના વિરોધરૂપે બેઉ પ્રદેશોમાં આંદોલનો થઈ રહ્યાં હતાં. મુખ્યત્વે આ બેઉ પ્રદેશો મુંબઈ શહેરને પોતાના રાજ્યમાં સમાવવા ચાહતા હતા. અત્યારે ફ્લોરા ફાઉન્ટન હુતાત્મા ચૌક તરીકે ઓળખાય છે તે હુતાત્માઓ અથવા શહીદો એટલે આ આંદોલન વખતે થયેલા તોફાનમાં પોલીસ ગોળીબાર વખતે માર્યા ગયેલા આંદોલનકારીઓ. મોરારજીભાઈએ બેઉ રાજ્યોમાં થઈ રહેલા હિંસક આંદોલનને રોકવા પોલીસને કડક હાથે કામ લેવાની સૂચના આપી જેને કારણે પોલીસે ગોળીબાર કર્યો અને ગુજરાતમાં અનેક ગુજરાતીઓ તથા મહારાષ્ટ્રમાં એ મરાઠીઓ તોફાન કરતાં કરતાં પોલીસની ગોળીઓનો ભોગ બન્યા.

મોરારજીભાઈને ‘હત્યારા’ કહેવા પાછળ કદાચ મરાઠીનેતાઓનો ગુજરાતીઓ માટેનો જગજૂનો રોષ હોઈ શકે. તે વખતે મેં લખેલું કે મોરારજીભાઈ કંઈ એકાદ ફ્લાય ઓવરના નામકરણના મોહતાજ નથી, એમના નામે તો એક આખું નગર હોવું જોઈએ, ગાંધીનગરની જેમ દેસાઈનગર હોવું જોઈએ.

મોરારજીભાઈ માત્ર ગુજરાતીઓના નહોતા, ગુજરાતના પણ નહોતા. સમગ્ર દેશના હતા. તેઓ વડા પ્રધાન હતા ત્યારે નવી નવી શરૂ થયેલી મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સુરત સ્ટેશને ઊભી રહેતી નહોતી. માંડ પાંચ-છ વર્ષ પહેલાં (૧૯૭૨માં) શરૂ થયેલી રાજધાનીને સુરત સ્ટોપજ મળે એ માટે એક પ્રતિનિધિમંડળ તે વખતે વડા પ્રધાનપદે બિરાજતા મોરારજી દેસાઈને મળ્યું હતું. મોરારજીભાઈને કહેવામાં આવ્યું હશે કે આવું કરવાથી ગુજરાતને, ખાસ કરીને સુરતના લોકોને ઘણો ફાયદો થશે અને એક ગુજરાતી તરીકે એમણે ગુજરાતનું હિત જોવું જોઈએ. મોરારજીભાઈ પોતે સુરતની લોકસભા બેઠક પરથી પાંચ-પાંચ વાર ચૂંટાઈ આવેલા છતાં પોતાના મતદાનક્ષેત્રને રિઝવવાને બદલે એમણે એક ઝાટકે આ સૂચન નકારતાં કહ્યું હતું કે: ‘હું કંઈ સુરતનો વડા પ્રધાન થોડો છું?’ મીનિંગ કે હું આખા દેશનો વડા પ્રધાન છું. મારે દેશનું હિત જોવાનું હોય, માત્ર મારી કન્સ્ટિટ્યુઅન્સીનું નહીં.

૧૯૭૭ના માર્ચમાં, ૧૯ મહિનાની ઈમરજન્સી બાદ, દેશમાં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે મારી કૉલેજના ફર્સ્ટ યરની ફાઈનલ પરીક્ષા. સ્ટડી ટેબલ પર જગ્યા કરીને જૂનો રેડિયો મૂકી કલાકે કલાકે ન્યૂઝ લઉં. તે વખતે ઘર મેઈન રોડ પર. સામેની ફૂટપાથના કોર્નર પરની પોસ્ટ ઑફિસે ફટાકડા ફૂટતા સંભળાયા. રેડિયો ચાલુ કર્યો. ઈન્દિરા ગાંધી રાજનારાયણ સામે હારી ગયાના ક્ધફર્મ સમાચાર ઑલ ઈન્ડિયા રેડિયો આપી રહ્યું હતું. રાજકારણમાં ઝાઝી ગતાગમ પડતી નહીં (અત્યારે પણ નથી પડતી) પણ જબરજસ્ત રોમાંચ થતો હતો. જનતા પાર્ટીની સરકાર આવી. (પરીક્ષાનું રિઝલ્ટ પણ આવ્યું. કૉમર્સના બધા જ વિષયોમાં એટીકેટી) જનતા પાર્ટીમાં ચાલી રહેલી ઊથલપાથલોના સમાચાર છાપામાં હોંશેહોંશે વંચાતા. ‘ઈન્ડિયા ટુડે’ જેવાં ન્યૂઝ મૅગેઝિનો ભારત માટે નવાં હતાં. એમાં ડિટેલ્ડ એનાલિસિસ આવતું. પછી તો થોડાક જ મહિનાઓમાં ફુલ ટાઈમ જર્નલિઝમમાં જોડાઈ ગયો અને જનતા પાર્ટીના પતનના સમાચારના સાક્ષી બનવાનું કમભાગ્ય પણ મળ્યું. મોરારજીભાઈ આ શંભુમેળાને સાચવી શક્યા નહીં. એમના નેતૃત્વ હેઠળનો સંઘ આમેય કાશીએ પહોંચે એમ નહોતો. બેએક વર્ષમાં જ મોરારજીભાઈની સરકાર તૂટી પછીના થોડાક મહિનાઓમાં તદ્દન ગમાર લોકોએ આ દેશ પર રાજ કર્યું. ૧૯૮૦માં ફરી લોકસભાની ચૂંટણી થઈ. ઈન્દિરા ગાંધી ફરી વડાં પ્રધાન બન્યાં. ઈન્દિરાજી હાર્યા તે જેટલો મોટો આશ્ર્ચર્યજનક બનાવ હતો એવી જ આઘાતજનક ઘટના ઈન્દિરાજી ફરી વડાં પ્રધાન બન્યાં એ હતી. મોરારજી સરકારે ઈન્દિરા ગાંધીને જેલમાં નાખ્યાં એને કારણે પ્રજાને ઈન્દિરાજી માટે સહાનુભૂતિ થઈ અને પ્રજાએ એમને ફરી ચૂંટી કાઢ્યાં એવું તે વખતના રાજકીય સમીક્ષકો લખતા. પણ ઈન્દિરા ગાંધીની જીત પાછળ માત્ર આ એક જ કારણ નહોતું. આ તો એક બહુ નાનું કારણ હતું. જનતા સરકાર અંદરોઅંદર જે રીતે બાખડી, મોરારજીભાઈના નેતૃત્વ હેઠળના નેતાઓએ સ્વાર્થી બનીને જે રીતે ઉઘાડે છોગે સત્તા મેળવવા માટે નગ્નનર્તન કર્યું તેને કારણે પ્રજા છોભીલી પડી ગઈ. લોકોને પોતે છેતરાયા હોય એવું લાગ્યું. ધે ફેલ્ટ બીટ્રેય્ડ. મોરારજીભાઈ આ લોકોને ક્ધટ્રોલમાં લેવાને બદલે સતના પૂતળા તરીકેની પોતાની ઈમેજને સાચવી રાખવામાં પડ્યા રહ્યા એ માટેનો રોષ નેગૅટિવ વોટરૂપે દાતાઓને ફરી ઈન્દિરા ગાંધી પાસે લઈ ગયો તે ઈન્દિરાજીના કમબેકનું ઘણું મોટું કારણ હતું.

મોરારજીભાઈનું સ્વચ્છ ચારિત્ર્ય. જાહેર જીવનમાં સિદ્ધાંતનિષ્ઠા માટેના એમના આગ્રહો, ખુલ્લી કિતાબ જેવું એમનું જીવન, એમની મક્કમતા, બુદ્ધિપ્રતિભા આ બધું જ નરેન્દ્ર મોદી વડા પ્રધાન નહોતા ત્યારથી જોતો આવ્યો છું. સીએમ તરીકેની કે પીએમ તરીકેની એમની સફળતામાં આ બધા જ ગુણો એમને કામ લાગ્યા છે. મોરારજીભાઈ વહીવટમાં નિષ્ણાત હતા. સરકારી અમલદારો સાથે કેવી રીતે કામ લેવું તેનો એમને અનુભવ હતો. મુંબઈના મુખ્યમંત્રી બનતા પહેલાં તેઓ પોતે એક સરકારી અમલદાર હતા. નરેન્દ્રભાઈ પણ કુશળ વહીવટકર્તા છે.

આમ છતાં એક ગુણ મેં એવો માર્ક કર્યો છે જે ગેમ ચેન્જર બનીને નરેન્દ્રભાઈને મુઠ્ઠી ઊંચેરા બનાવે છે.

તમે ગેસ કરો.

કાલે પૂરું.

આજનો વિચાર

જે રફ્તારથી મોદી ચાલી રહ્યા છે તે જોતાં લાગે છે કે પાકિસ્તાનમાં પણ બીજેપી આવશે!

-વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

‘બકા, તું કેમ આમ મોઢું લટકાવીને ફરે છે? તારી નૉટોનું હજુ ઠેકાણું નથી પડ્યું?’

બકો: ‘યાર, લોકોને અઢી લાખ કરતાં વધારે રકમ ખાતામાં જમા કરીશું તો નોટિસ મળશે એની ચિંતા છે જ્યારે મને તો ઑલરેડી બૅન્કની નોટિસ આવી ગઈ છે. ખાતામાં મિનિમમ બૅલેન્સ જાળવો!’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 1 ડિસેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *