૧૦૦ના ૫૦ કરાય કે ન કરાય

આવકવેરા ધારામાં સુધારો સૂચવતા ખરડાને લોકસભાએ મંજૂરી આપી દીધી છે, રાજ્યસભાની બાકી છે.

૮મી નવેમ્બર પછી જેઓ પોતાનાં કાળાં નાણાંને કાયદેસર સગેવગે કરી શકતા નહોતા તેઓએ બે નંબરી ચેનલોનો ઉપયોગ કરવો પડ્યો. ૫૦૦ની જૂની નોટના બદલામાં ત્રણસો, બસો જે મળ્યા તે લઈ લીધા. એવું જ ૧,૦૦૦ની નોટની બાબતમાં. કેટલાકે ભારતીય ચલણને બદલે વિદેશી ચલણ મોંઘા ભાવે લઈ લીધું. કેટલાકે બજાર કરતાં મોંઘા ભાવનું લીધું તો કેટલાકે આઠ-દસ લાખની ઘડિયાળો જેવી બીજી લકઝરી આઈટમો ઉતાવળે વસાવી લીધી. કેટલાક માટે જૂની નોટો પસ્તી બની ગઈ.

બે નંબરી ચેનલોથી જે કંઈ કાળું નાણું નવી કરન્સીમાં કે પછી મોંઘી ચીજોમાં પલટાવવામાં આવ્યું તે બધું કાળું નાણું જ રહ્યું. વ્હાઈટ બન્યું નહીં.

લોકસભાએ જેના પર મંજૂરીની મહોર મારી છે તે ઈન્કમ ટેક્સ ઍક્ટના અમેન્ડમેન્ટ મુજબ એક છેલ્લી તક એ લોકોને આપવામાં આવી છે જેમને હવે ઓછા પૈસા લઈને કાળું નહીં વ્હાઈટ નાણું જોઈએ છે. સરકાર લગભગ ૫૦ ટકા એમાંથી લઈ જશે. બાકી જે ૫૦ ટકા બચશે તેમાંના અડધા ચાર વરસ વગર વ્યાજે વાપરીને પાછા આપશે. વ્યાજનું નુકસાન ગણો તો રફલી સરકાર ૬૦ ટકા લઈ જાય છે, ૪૦ ટકા જ આપે છે પણ ફાયદો એ છે કે એ ૪૦ ટકા હવે વ્હાઈટના થઈ જવાના.

રાજ્યસભામાં આ બિલ પસાર થશે? લોકસભામાં ભાજપની બહુમતી છે. વિપક્ષો ગમે એટલી ધાંધલ કરે બિલ પસાર થવાનું જ હતું. ગઈ કાલે લોકસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ જોનારાઓએ નોંધ્યું હશે કે રાહુલ ગાંધી સહિતના મોટા વિપક્ષી નેતાઓની ગેરહાજરી હતી. આટલું અગત્યનું બિલ ચર્ચાના ટેબલ પર હતું તે છતાં. બાકીના છુટમુટ વિપક્ષી સંસદસભ્યો રાડારાડ કરીને નાણાં પ્રધાન અરુણ જેટલીને બોલવા નહોતા દેતા. ઊલટાનું સરકાર પર જુઠ્ઠા આક્ષેપો લગાવતા હતા, જેનો વેંકૈયાનાયડુએ જડબાતોડ જવાબ આપ્યો. બિલ પર તંદુરસ્ત ચર્ચા કરવાની વાત તો બાજુએ રહી અરુણ જેટલી બોલતા હતા ત્યારે વિપક્ષે સડક પર કરતા હોય એવી નારાબાજી શરૂ કરી, સૂત્રો પોકાર્યાં અને ઝીલ્યાં. પછી ‘હાય હાય’ બોલાવવાનું શરૂ કર્યું. અરુણ જેટલી અટક્યા નહીં. છેવટે સ્કૂલ-કૉલેજના ક્લાસરૂમોમાં ‘ઓ ઓ ઓ ઓ…’ કરીને તોફાની બારકસો જેવો અવાજ કરે એવો બીભત્સ અવાજ કરતા રહ્યા. આવા આપણા સંસદ સભ્યો! કોઈકે તો એમને ચૂંટયા હશે ત્યારે જ તો લોકસભામાં બેઠા. ઓબ્વિયસલી મોદીભક્તોએ એમને મત નથી જ આપ્યા, અન્યથા તેઓ વિપક્ષમાં ન હોત. તો એવા ક્યા મતદારોએ આ લોકોને વૉટ આપ્યો, શું જોઈને વૉટ આપ્યો? જે સંસદસભ્યો દેશનું કાળું નાણું ગરીબોની યોજનાઓ માટે વાપરવાની દરખાસ્તનો વિરોધ કરતા હોય એવા સંસદસભ્યોને હવે પછીની લોકસભાની ચૂંટણીમાં પણ જે મતદારો જિતાડશે એમના માટે હવે કયું વિશેષણ વાપરવું. દેશદ્રોહી તો બહુ નાનું પડે, કારણ કે દેશદ્રોહીઓને તો ઓળખીને પકડી શકાય ને જેલમાં મોકલી શકાય. આ લોકોને ઓળખવા કેવી રીતે? મતદાન તો ગુપ્ત હોવાનું. અને ઓળખ્યા પછી પણ એમના પર કંઈ કાર્યવાહી ચલાવી શકાતી નથી, કારણ કે આ બાબતમાં બંધારણ તમારા હાથ જકડી રાખે છે.

રાજ્યસભામાં જો આ ખરડો પસાર નહીં થાય તો જે શ્રીમંતો પોતાનું કાળું નાણું સરકારની શરતે વ્હાઈટમાં તબદીલ કરવા ઉત્સુક છે તેઓ જો મોદી વિરોધી હશે તો પણ વિપક્ષોથી નારાજ થઈ જશે જેનો ફાયદો ફ્યુચરમાં મોદીને જ થવાનો. જો વિપક્ષો ભેગા થઈને દેશના ભલા માટે આ બિલ પસાર થવા દેશે તો આવો કાનૂન લાવવા બદલ પેલા શ્રીમંતો ઉપરાંત ગ્રામીણ ઈલાકાઓમાં વસતા ગરીબો પણ ખુશ થશે, કારણ કે આમાંનું ઘણું ધન એમના વિસ્તારના વિકાસની યોજનાઓ માટે વપરાવાનું છે. બિલ પસાર થાય કે ન થાય, મોદી માટે બેઉ હાથમાં લાડવો છે! આવા સંજોગોમાં પોતે પ્રજામાં અપ્રિય ન થાય એટલું જ વિપક્ષોએ જોવાનું – ખાસ કરીને રાજ્યસભામાં બેઠેલા વિપક્ષી સાંસદોએ. જોકે, આ પર્ટિક્યુલર બાબતમાં રાજ્યસભાની મંજૂરી નહીં મળે તોય પંદર દિવસમાં આ બિલ આપોઆપ પસાર થઈ ગયેલું ગણાશે એટલે સરકાર પક્ષે કોઈનેય ચિંતા નથી.

મહારાષ્ટ્ર અને હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારેખમ વિજય મેળવી ચૂકેલી ભાજપે પુરવાર કર્યું છે કે મોદીના નૉટબંધીના નિર્ણયથી નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારની પ્રજા પણ ખુશ છે. અત્યાર સુધી જ્યારે જ્યારે અસંખ્ય દાખલાઓ આપીને કહેવાતું કે શહેરોમાં તકલીફ નથી ત્યારે કેટલાક મોદીદ્વેષી ગામડાઓની વાત લઈ આવતા. એ વાતોમાં તથ્ય નહોતું અથવા ભારે અતિશ્યોક્તિઓ હતી એ વાત મહારાષ્ટ્ર – ગુજરાતના સૅમ્પલ પરથી પુરવાર થઈ. જોકે, દલીલબાજો તો હજુય પૂંછડું પકડી રાખશે કે આ બે રાજ્યો અપવાદ હતાં, બાકી આખા દેશના ગ્રામીણ વિસ્તારોમાં નૉટબંધીને કારણે લોકોમાં હાહાકાર વ્યાપી ગયો છે. ભલે બોલતા. બધી દલીલોના જવાબ ન આપવાના હોય. તમે ચાલતા હો ત્યારે કશાક ગંદામાં તમારો પગ પડી જાય એ ગંદું તે આવી દલીલો. તમારે પગ ધોઈને આગળ ચાલતા થવાનું હોય. પ્રાણીનું ગંદું છે કે માણસનું અને પ્રાણીનું હોય તો કયા પ્રાણીનું એ ચકાસવા માટે આંગળી પર લગાડીને એને સૂંઘી જોવાનું ન હોય. દલીલબાજો તો તમારું ચાલવાનું રોકવા માટે આવું ગંદું નાખ્યા જ કરવાના તમારા માર્ગમાં.

મોદીએ પોતાની જ પાર્ટીના સંસદસભ્યો અને વિધાનસભ્યોને ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધીમાં પોતાનાં બૅન્ક સ્ટેટમેન્ટ્સ ભાજપના પક્ષપ્રમુખને સોંપી દેવાનો હુકમ કર્યો છે. જૉકર કેજરીવાલને તો આમાંથી વાંધા કાઢવા છે: ૮ નવેમ્બર પહેલાંનાં બૅન્ક અકાઉન્ટ્સ દેખાડો, અંબાણી-અદાણીને પણ કહો કે એમના અકાઉનમ્ટ્સ પણ દેખાડે. માણસનું ખરેખર ફરી ગયું છે. ચક્રમ જેવી વાતો કરવાને બદલે પોતાના હોદ્દાની ગરિમા જાળવીને કહેવું જોઈએ કે હું પણ મારા અને મારા આપિયાના એમએલએ પાસેથી બૅન્ક સ્ટેટમેન્ટ મેળવીશ. રાહુલ ગાંધીએ પણ કપિલ સિબ્બલ સહિતના પોતાના પક્ષના સંસદસભ્યોનાં બૅન્ક સ્ટેટમેન્ટસ મોકલવાનું કહેવું જોઈએ અને મમતા બેનર્જીથી લઈને અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, જયલલિતા વગેરે સૌ કોઈએ પોતપોતાના પક્ષના સંસદસભ્યો – વિધાનસભ્યો પાસે ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધીમાં થયેલી એમના બૅન્ક અકાઉન્ટ્સની હિલચાલો મગાવવી જોઈએ. અને હા, સીતારામ યેચુરી જેવા સામ્યવાદીઓએ તો ખાસ.

નૉટબંધીનો નિર્ણય લેવો મોદી માટે કેટલો કપરો હશે? પોતાની પાર્ટીને મળતું ચૂંટણીભંડોળ આપનારાઓ તેમ જ પોતાની વૉટ બૅન્ક ગણાતા દેશના ખાધેપીધે સુખી લોકોને આ નિર્ણય કેટલો આકરો લાગશે એની એમણે કલ્પના કરી હશે ક્યારેક એવું પણ વિચાર્યું હશે કે આવું કરીને હું મારા પગ પર જ કુહાડો મારી રહ્યો નથી ને? મોદીમાં માત્ર કાળું નાણું દૂર કરવાની સારી ભાવના હોત તો લોકોએ એમને ફાડી ખાધા હોત. સદ્ભાવના ઉપરાંત એમનામાં નિર્ણયનો અમલ કરવાની વહીવટી ક્ષમતા પણ છે એટલે આજે લોકો એમની સરાહના કરે છે, એમની પડખે છે.

શુભાશય માત્ર પૂરતો નથી હોતો, સાથે આવડત પણ જોઈએ લોકોને સાથે લઈને ચાલવાની. હું સારો છું, પ્રામાણિક છું એટલે મને બધાએ જખ મારીને સાથ આપવો પડશે એવા અહંકારથી દેશનો તો શું કુટુંબનો વહીવટ પણ ન થઈ શકે. તમે લેવા ધારેલાં આકરામાં આકરાં પગલાનો અમલ એવી રીતે થવો જોઈએ જેથી બીજાઓને તમારા પર વિશ્ર્વાસ બેસે કે આ કામ સફળતાપૂર્વક પાર પડે એમાં એમનો પોતાનો જ ફાયદો છે.

ડિમોનેટાઈઝેશનથી બહુ તકલીફ પડી, આમ પ્રજા ત્રાસી ગઈ એવા આક્ષેપોનો મોદી જવાબ આપતા જ નથી. બચાવ કરવાને બદલે સામેથી કહે છે કે, ‘મને ખબર છે કે તકલીફ પડી રહી છે.’ આવું કહીને તેઓ વિપક્ષોના ફુગ્ગામાંથી હવા જ કાઢી લે છે. લોકોને તકલીફ નથી પડતી એવો બચાવ કરવા મોદી રોકાય તો બહસ આગળ વધેને. એને બદલે સ્વીકારી લીધું કે હા, તકલીફ પડી છે, અને હજુય પડવાની છે, હવે આગળ વધો, નેક્સ્ટ દલીલ શું છે તમારી?

હાલાકિ મોદી પણ જાણે છે કે તકલીફવાળી ફરિયાદોમાં અતિશ્યોક્તિ છે ને ક્યારેક તો નર્યું જુઠ્ઠાણું જ છે કે લોકો મરી જાય છે આ નિર્ણયને લીધે! આમ છતાં મોદી ખુલાસાઓ નથી કરતા, પોતે પોતાનું કામ કર્યા કરે છે. મોદી પાસેથી આ એક શીખવાનું. ખુલાશા નહીં કરવાના. આક્ષેપો થયા? તો સ્વીકારીને આગળ ચાલવાનું. આપણે આપણું કામ કરવાનું. કોઈએ મોદીભક્તનું લેબલ આપ્યું તો એને છાતી પર મેડલની જેમ લગાવીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં આગળ વધવાનું. રાષ્ટ્રદ્રોહીઓ ભલે રસ્તા પર ઊભા ઊભા લોકોના માર્ગમાં છાણ નાખતા રહે. જેમને જે કામ આવડે તે કરે.

આજનો વિચાર

જે જે ધંધાદારીઓ અને વેપારીઓને લાગતું હોય કે ઈન્કમટેક્સ, સેલ્સટેક્સ, એક્સાઈઝ, સર્વિસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ વગેરે વિભાગના અધિકારીઓ અમને નિરાંતે ધંધો કરવા દેતા નથી એમણે કાર્ડ સ્વાઈપિંગ મશીન વસાવી લેવું. તમામ તકલીફો રાતોરાત દૂર થઈ જશે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

‘બંગલો વેચવાનો છે, મોકાની જગ્યાએ’.

ટચૂકડી વાંચીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે બંગલાની નજીકમાં જ પાંચ – પાંચ બૅન્કનાં એટીએમ છે!

( મુંબઇ સમાચાર : બુધવાર, 30 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *