દેશને ભારતબંધની નુકસાનીમાંથી બચાવી લીધો મોદીભક્તોએ

જેમની ફરજ પોતાના રાજ્યની સરકાર ચાલતી રહે એ જ લોકો પોતાના રાજ્યનું કામકાજ ખોરવી નાખવા રસ્તા પર ઊતરી આવે એ કેવું? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જે રીતે પોતાના જ મતદારોને અસુવિધામાં મૂકી રહ્યા છે તે જોઈને એમની અકક્લ માટે અચંબો થાય. ભારતમાં અગાઉ કોઈ રાજ્યના મુખ્યમંત્રી આ રીતે ધરણા કરવા રસ્તા પર ઊતરી આવ્યા નથી. કેજરીવાલ અને મમતાનું રાજકીય કામકાજ કાળાં નાણાં પર એ હદ સુધી નિર્ભર હશે કે પ્રધાનમંત્રીનો ૮ નવેમ્બરનો નિર્ણય એ બંનેને ભૂકંપ સમાન લાગ્યો હશે. પ્રેક્ટિક્લી દરેક વિપક્ષ આ ધરતીકંપની ચપેટમાં આવી ગયો છે. રાજકીય નેતાઓના ઘરમાં પડી રહેલી અમુક સો કરોડ રૂપિયાની પર્સનલ રોકડ, તેમ જ બીજું પાર્ટી ફંડ રાતોરાત પસ્તીમાં ફેરવાઈ ગયું તેનો આક્રોશ આ નેતાઓ ૨૮ નવેમ્બર ‘આક્રોશ દિન’નો માતમ મનાવીને પ્રગટ કરી રહ્યા છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાને મળવા આવેલા વેપારીમંડળ તથા દુકાનદાર મંડળના આગેવાનોને જ્યારે કહ્યું કે તમે લોકો દુકાનો બંધ કરી નાખો, વેપાર ઠપ થઈ જશે તો સરકારની સાન આપોઆપ ઠેકાણે આવી જશે, ત્યારે આ આગેવાનોએ ધરાર આ સૂચનને ફગાવી દીધું હતું.

બાળ ઠાકરેના જમાનામાં એમની એક હાકથી આખું મુંબઈ સ્ટૅન્ડસ્ટિલ થઈ જતું. ઉદ્ધવ ઠાકરે તો સ્ટેચ્યુ-સ્ટેચ્યુની રમત ઘરમાં રમે તો એમનો સગો દીકરો પણ સ્ટૅન્ડસ્ટિલ ન થાય એવા દિવસો હવે શિવસેનાના આવી ગયા છે.

પંચાયત, મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનો પર રાજ કરીને કમાયેલું ચિક્કાર કાળું નાણું હવે કેવી રીતે સગેવગે કરવું એની ફિકરમાં ભ્રષ્ટ રાજકારણીઓ જાતજાતના પેંતરા અજમાવતા થઈ ગયા છે. મુંબઈના આવા જ એક નેતા પોતાની અંગત મૂડીની ૫,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુની જૂની નૉટો સગેવગે કરવા પોતાના વિશ્ર્વાસુ માણસોમાં સો-સો કરોડ વહેંચીને હુકમ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને મને આના બદલામાં નવી નૉટોની વ્યવસ્થા કરી આપો. આ વિશ્ર્વાસુ મળતિયાઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ના પાડે તો સાહેબની નજરમાંથી ઊતરી જાય, ભવિષ્યમાં મળનારા લાભો અટકી જાય અને અત્યાર સુધી કરેલા ગોટાળાઓ બદલ બ્લૅકમેલ થાય. અને જો હા પાડી દે તો આટલી મોટી રકમને વ્હાઈટમાં ક્ધવર્ટ કરવી કેમ? એક તો હજુ સુધી પોતાનું જ સુલટાવવાનું બાકી હોય ત્યાં વળી બીજા સો કરોડ આવી પડ્યા ને હવામાં વાતો સંભળાતી હોય કે મોદીકાકા હવે બેનામી મિલકતો પર તરાપ મારવાના છે એટલે પોતાના પાંચ-સાત ફાર્મ હાઉસીસ તેમ જ આઠદસ ફ્લૅટ્સનું પણ સુલટાવવાનું હોય, રાતે ઊંઘમાંય મોદી આવીને ધમકાવી જતા હોય કે તારું બેનંબરી સોનું અને સ્વિસ બૅન્ક કે બહામાનું ખાતું પણ મારી નજરમાં છે એટલે અડધી ઊંઘમાંથી જાગી જવાનું થાય. આવા રાજકીય નેતાઓ, એમના મળતિયાઓ (જે કાર્યકર્તાના નામે ઓળખાતા હોય છે) અને ભાડૂતી માણસોએ ૨૮મીના સોમવારે ભારત બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

આમાં મઝા એ થઈ કે ભાડૂતી માણસો એમને મળ્યા નહીં. અત્યાર સુધી રેલી-સરઘસોમાં પચાસ હજાર-લાખ માણસો ભેગા કરવાનું કામ આ કૉંગ્રેસીઓ, આપિયાઓ, સામ્યવાદીઓ તથા તૃણમૂલવાળાઓ માટે આસાન હતું. સાડી-પોટલી પહોંચાડી દો એટલે લાખ તો શું બે લાખ લોકો પણ હાજર. અને એટલી સાડીઓ તથા એટલી દારૂની પોટલીઓ ખરીદવા માટે અમુક કરોડની રકમ કોઈ ઉદ્યોગપતિને ખંખેરીને લઈ લેવાની. આજે જ્યારે ખુદ મોદીએ જ આ ઉદ્યોગપતિને ખંખેરી લીધા હોય ત્યાં એ લોકો સાડી-પોટલીના ખર્ચા ક્યાંથી ઉઠાવી શકવાના. તમે ટીવી પર જો જો કે ૮મી નવેમ્બર પછી વિપક્ષોએ જેટલી રેલી કાઢી છે તે બધી રેલા જેવી પુરવાર થઈ છે. આંદોલનકારી કરતાં પોલીસ અને મીડિયાવાળા વધારે હોય. ટીવીવાળા તો ચાલાકીપૂર્વક લૉન્ગ શૉટ ટાળીને માત્ર આ ભ્રષ્ટ નેતાઓની આસપાસ જ કૅમેરા રાખે જેથી પાંખી હાજરીની કોઈને ગંધ ન આવે.

ભારતના ઈતિહાસમાં આ પહેલો ભારતબંધ હશે જે શરૂ થતાં પહેલાં જ ફલૉપ થઈ ગયો. નૉર્મલી જે પક્ષ બંધનું એલાન કરે એના કાર્યકર્તાઓ સડક પર ઊતરી આવે અને દુકાનોનાં શટર બંધ કરાવે, રસ્તા પર વાહનોનાં કાચ તોડી નાખે, રેલના પાટા પર બેસી જાય અને એની સામે સત્તાધારી પક્ષ શું કરે? પોતાના કાર્યકર્તાઓને છુટ્ટા મુકી દે, હાથાપાઈ થાય, પોલીસ બંદોબસ્ત વધારી દે, અશ્રુવાયુ છોડે – લાઠીચાર્જ થાય અને છેવટે બંધ પૂરો થાય.

આ વખતે શું થયું? મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સોમવારે રસ્તા પર ઉતારવા પડ્યા જ નહીં. પોલીસની પણ ભાગ્યે જ જરૂર પડી. શું કામ? કારણ કે બંધના બે દિવસ પહેલાં જ મોદીના સપોર્ટરોએ, મોદીભક્તોએ મોદીના કે ભાજપના કાર્યકર્તાઓ પણ ન કરી શકે એવું કામ ઘેરબેઠાં કરી નાખ્યું. સોશ્યલ મીડિયાનો ખરો પરચો આવા સંજોગોમાં તમને મળે. બંધના દિવસે હું બે કલાક વધારે કામ કરીશ’થી માંડીને ‘હું એ દિવસે મફતમાં દર્દીઓની સારવાર કરીશ’ સુધીના હજારો સંદેશાઓ ચોવીસ કલાકમાં એવા વાઈરલ થયા કે ભારતમાં જે જે લોકો સેલફોન વાપરે છે તે સૌને વૉટ્સઍપ, એસએમએસ દ્વારા મળી ગયા. ફેસબુક, ટ્વિટરનું પ્રદાન તો અલગ. આશ્ર્ચર્યથી આંખો પહોળી થઈ જાય એ રીતે આ સંદેશાઓ વાઈરલ થયા અને ઑપોઝિશનને અંદાજ આવી ગયો કે આમાં તો અમારા બંધનું સૂરસૂરિયું થાય એ પહેલાં જ હવાઈ આડી ફાટીને અમારા ઘરમાં જ ધડાકો કરી રહી છે – મોદીનો સપોર્ટ વધી રહ્યો છે, મોદીની લોકપ્રિયતા વધી રહી છે. ડિમૉનેટાઈઝેશનથી પડી રહેલી નાની મોટી તકલીફો વાસ્તવમાં તકલીફો જ નથી એવું પુરવાર થઈ રહ્યું છે. અને વિપક્ષોએ ગુલાંટ મારી: અમે ક્યાં બંધનું આહ્વાન આપેલું! અમે તો માત્ર દેખાવો જ કરવાનું કહેલું!

અગાઉના વર્ષોમાં દાવાઓ કરવામાં આવતા કે જનતાએ પોતાની મેળે બંધ પાળ્યો, કોઈની જબરજસ્તી વિના બંધ પાળ્યો, આ તો ‘સ્વયંભૂબંધ’ હતો. એ બધા દાવાઓ તો કરવા ખાતર કરવામાં આવતા. બાકી તો જબરજસ્તી કરીને પરાણે બંધ પળાવવામાં આવતો.

પણ ૨૮મીના સોમવારે જે ન થયું તે સ્વયંભૂ હતું. ભારતની પ્રજા કોઈનીય ચડામણી કે ઉશ્કેરણી વિના કે કોઈનીય જબરજસ્તી સામે નમ્યા વિના સ્વયંભૂ રીતે એકત્રિત થઈ અને સૌએ એકઠા થઈને આ ભારત બંધને ફ્લૉપ બનાવ્યો.

છેલ્લે બે વાત.

ગઈ કાલે અરુણ જેટલીએ રાજ્યસભામાં ઈન્મક ટેક્સ ઍક્ટમાં આવકારદાયક સુધારાઓ સૂચવતો ખરડો મૂક્યો તે બતાવે છે કે સરકાર કેટલી જાગ્રત છે. ૧૬ નવેમ્બરના બુધવારે આ જ કોલમમાં લખેલા લેખ ‘એક ધૂપછાંવ લેખ’માં કહ્યું હતું કે કોઈપણ કામ પહેલી વાર થતું હોય તે અમલમાં મુકાયા પછી જ ખબર પડે કે ક્યાં ક્યાં ફાઈન ટ્યુનિંગ કરવાનું છે. પ્લાનિંગના સ્ટેજ પર જે લૂપહોલ્સ એન્વિસેજ ન કર્યા હોય એ પ્લગ કરવાના છે. પ્લાનિંગ કરતી વખતે જે બાબતો અન્ડરએસ્ટિમેટ કરી હોય તે બધી ગણતરીઓ હવે સુધારી લેવાની છે. વૉર જેવી વૉર વખતે મેટિક્યુલસ પ્લાનિંગ થયું હોવા છતાં અણઘારી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે તો ડિમૉનેટાઈઝેશનનો નિર્ણય પણ એવો જ છે. સરકારે પ્લાનિંગ કર્યા વિના આડેધડ આ નિર્ણય લીધો છે. અને લોકો તકલીફથી હેરાન પરેશાન થઈ ગયા છે એવા આક્ષેપો એ જ લોકો કરે છે અને એજ લોકો આવા આક્ષેપોમાં માનતા હોય છે જેમની પાસે જૂની નોટો સગેવગે કરવાના કોઈ રસ્તા નથી અને જેઓ જન્મજાત મોદી પ્રકારના રાષ્ટ્રવાદી રાજનેતાઓના વિરોધી હોય છે.

બીજી વાત, અરવિંદ કેજરીવાલ અને બીજા નેતાઓ આડેધડ આક્ષેપબાજી કરે છે ત્યારે ભારતીય મીડિયાએ આક્ષેપોને યથાતથ દોહરાવે છે. હમણાં અમેરિકાના પ્રેસિડેન્ટ – ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો કે બોગસ મતદારોએ જો વોટિંગ ના કર્યું હોત તો હિલેરી ક્લિન્ટન પૉપ્યુલર વોટ્સમાં મારાથી આગળ ન હોત. ટ્રમ્પ અમેરિકન કેજરીવાલ છે. એમની પાસે આવા આક્ષેપોના કોઈ પુરાવા નથી. અમેરિકન મીડિયાએ ટ્રમ્પના આ સ્ટેટમેન્ટની નોંધ લીધી પણ, તમારે ચેક કરવું હોય તો ગૂગલ પર ચેક કરી લે જો, ઈન્વેરિયેબલી દરેક નેશનલ છાપાં/ટીવી ચેનલે કહ્યું કે ટ્રમ્પ કોઈ પુરાવા વિના હિલેરી ક્લિન્ટન પર આક્ષેપ કરે છે કે… ‘પુરાવા વિના’. આ શબ્દો આપણા મીડિયાએ પણ કેજરીવાલ ઈત્યાદિ જેવા પેધા પડી ગયેલા આક્ષેપબાજોનાં નિવેદનો પ્રજા સુધી પહોંચાડતા પહેલાં વાપરવા જોઈએ.

આજનો વિચાર

કૉંગ્રેસે આંદોલનમાં પણ ચૂનો લગાવ્યો. ગરબાડા (જિ. દાહોદ)માં કૉંગ્રેસે દૂધના સ્થાને ચૂનાનું પાણી ઢોળ્યું. રસ્તા પર જામી ગયેલા ચૂનાએ પોલ ખોલી.

– એક અખબારે આપેલા સમાચાર

એક મિનિટ!

કાર્યકર્તા: દિલ્હીમાં એક માણસ મરી ગયો.

કેજરીવાલ: કઈ બૅન્કની લાઈનમાં?

( મુંબઇ સમાચાર : મંગળવાર, 29 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *