જે લોકો ચાલુ છે તેઓ દેશને બંધ રાખવા માગે છે

કોઈના માટે તમે કંઈ કર્યું હોય તો તે એને યાદ નહીં રહે, પણ કંઈક કરવાની ના પાડી હશે તે વાત જિંદગી આખી એ યાદ રાખશે. કોઈએ તમને શું શું આપ્યું છે એ તમને યાદ નહીં રહે પણ કોઈએ એક વખત તમને શું નહીં આપ્યું તે જરૂર યાદ રહેશે.

તમેે નૉર્મલ કપડાં પહેરીને ઑફિસ જતા હશો તો રેલવે સ્ટેશન પર કોઈ તમને નોટિસ નહીં કરે. તમે લીરેલીરા થઈ ગયેલું ખમીસ અને ભિખારીઓ પહેરે એવું ફાટલુંતૂટલું પૅન્ટ પહેરીને જતા હશો તો બધાનું ધ્યાન દોરાશે. ગામમાં કે શહેરમાં બીજાઓ જેવું જ તમારું મકાન હશે તો ભાગ્યે જ કોઈનું ધ્યાન જશે પણ એમાં આગ લાગી હશે કે ધરતીકંપ કે કોઈ અકસ્માતથી એ ધ્વસ્ત થઈ ગયું હશે તો આવતાજતા બધાની નજર એના તરફ જવાની.

આપણને સૌને જે નેગેટિવ છે તેના પર જ ધ્યાન આપવાની ટેવ પડી ગઈ છે અને એનું સૌથી મોટું ઉદાહરણ છે – આપણી આદતો. હું આ નહીં કરું. હું તે નહીં ખાઉં. જિંદગીમાં આવું તો હું ક્યારેય નહીં કરું.

નહીં કરવાની વાતને જરા વાર બાજુએ મૂકી દઈએ. હું જન્ક ફૂડ નહીં ખાઉં એવું નક્કી કરવાને બદલે હું હંમેશાં ઘરે બનેલું હેલ્ધી ફૂડ જ ખાઈશ એવું નક્કી કર્યું હશે તો બહાર ગયા હશો ત્યારે સામે જન્ક ફૂડ હશે તો પણ પેટમાં જગ્યા નહીં હોય અને ખાવાનું મન નહીં થાય.

હું રોજ સાંજે – રાત્રે ટીવી સામે બેસીને મારા બે કલાક નકામાં ન્યૂઝ – ડિબેટ્સ જોવામાં નહીં વીતાવું એવું નક્કી કરવાને બદલે હું રોજ સાંજે – રાતે બે કલાક મ્યુઝિક સાંભળીશ/ સારાં પુસ્તકો વાંચીશ/ પાર્કમાં ચાલવા જઈશ એવું નક્કી કરીશું તો ટીવી નથી જોવું એવું યાદ પણ નહીં આવે.

આ નથી કરવાનું, પેલું નથી કરવાનું એવું સાંભળી સાંભળીને આપણામાં એ નકારાત્મકતા એટલી અંદર સુધી પ્રવેશી ગઈ છે કે વિચાર જ નથી આવતો કે પોઝિટિવ તરીકાથી જીવવાની કઈ આ રીત નથી. મારે મારા કામકાજના ક્ષેત્રમાં લાંચ નથી લેવી કે ભ્રષ્ટાચાર નથી કરવો એવું નક્કી કરવાની પણ જરૂર નથી. મારે મારું કામ નિષ્ઠાપૂર્વક – પ્રામાણિકતાથી કરવું છે, એટલું નક્કી કરીશું તો જે નથી કરવું તે આપોઆપ બાદ થઈ જશે.

જિંદગીના સરવાળે તમે શું શું નથી કર્યું એનો નહીં, શું શું કર્યું છે એનો હિસાબ અગત્યનો છે.

તમે જુઠ્ઠું નથી બોલ્યા. સારી વાત છે. પણ એ સિવાય તમે જિંદગીમાં કર્યું શું તે અગત્યનું છે. તમે જિંદગીમાં કોઈના પર ક્યારેય ગુસ્સે ન થયા, તમે માંસાહાર ન કર્યો, તમે દારૂ ન પીધો – સરસ, પણ આ બધું ન કરીને તમે જિંદગીમાં શું ઉકાળ્યું? એવાં ક્યા પોઝિટિવ કામ કર્યા જેને લીધે તમારી, તમારી આસપાસનાઓની, તમારા સમાજની, તમારા દેશની જિંદગીમાં કશુંક ઉમેરાતું હોય.

કશુંક ન કરવું હોય તો નિષ્ક્રિયતાથી ચાલી જાય. કશુંક કરવા માટે સક્રિય બનવું પડે. કશાકથી દૂર રહેવું સહેલું છે, કશાકની સાથે જોડાવામાં મહેનત કરવી પડે છે.

લોકોમાં મહિમા કશુંક ન કરવાનો જ હોય છે. આ ભાઈ તો ક્યારેય કાંદાલસણ ના ખાય. લોકો એ ભાઈને માથે ઊંચકીને મહાલશે. જે ભાઈ કાંદાલસણ સહિત બધું જ બે ટંક ખાતા હોવા છતાં ભૂખ કરતાં દસ ટકા ઓછું જમીને ઊણોદરી રહેશે તેના તરફ કોઈનું ધ્યાન નહીં જાય. પણ જે આખું વરસ એક ટંક નહીં ખાય એના વરસીતપની ઉજવણી થશે. જે વ્યક્તિ ભોજનમાં એક પણ ચીજનો ત્યાગ નથી કરતી પણ વધારાની કેલરીઝ બાળવા સખત મહેનત કરે છે/ વ્યાયામ કરે છે તેનાં ગુણગાન ગાવાને બદલે લોકો કોનાં ગુણગાન ગાશે? એમણે તો છે ને, ચોખાની કોઈપણ વાનગી નહીં ખાવાની બાધા લીધી છે. આવી વ્યક્તિઓનો મહિમા થશે. પછી ભલે એ વ્યક્તિ આળસુંની પીર હોય, વ્યાયામ વિનાના ચરબીયુક્ત પેટને ઢાંકવા જાતજાતની તરકીબો કરતી હોય.

મારે આ કરવું છે, મારે પેલું કરવું છે વાળી માનસિકતાથી જીવવાનું શરૂ કરીએ તો જે નથી કરવું તે માટેનો ટાઈમ જ નહીં રહે, એ વિશે વિચારવાનો સમય જ નહીં રહે. મારે ખરાબ નથી લખવું એવું વિચારીને હું શું કામ પેન હાથમાં પકડું. મારે સારું લખવું છે એવી ભાવનાથી પહેલો અક્ષર ના પાડું?

પણ લોકો તમે જે કરો છો એના કરતાં નથી કરતા એનાથી વધારે ઈમ્પ્રેસ થઈ જાય છે. સમર્થન કરતાં વિરોધ વધારે બોલકો હોય છે. લોકો પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સ્મૂધ મૂવમેન્ટ થાય એ માટે ચાર રસ્તા પર ઊભા રહીને વાહનોને માર્ગદર્શન આપતા હશે તો એની નોંધ ભાગ્યે જ લેવાશે. પણ એ જ લોકો જો પોતાના વિસ્તારની દુકાનો પાસે જબરજસ્તીથી શટર પડાવીને બંધમાં સામેલ થવાની જબરજસ્તી કરશે તો છાપામાં એની નોંધ ફ્રન્ટ પેજ પર લેવાશે.

વિરોધ પક્ષોને ખબર છે કે અમે ભેગા મળીને આખા દેશમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું કે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવીશું તો મીડિયા અમારી નોંધ નહીં લે. પણ જો અમે ભારતબંધનું એલાન આપીશું તો પ્રાઈમ ટાઈમમાં અને ફ્રન્ટ પેજ પર અમારું સ્થાન હશે.

ખરી મહેનત દેશને ચલાવવામાં થતી હોય છે. ખરેખર જો દાનત હોય, તાકાત હોય તો દેશને ચલાવવામાં ફાળો આપવાનો હોય. દેશને બંધ રાખવામાં કોઈ મહેનત નથી. વિપક્ષી ભાંગફોડિયાઓને ખબર છે કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસનું પંકચર રિપેર કરશે તો કોઈ એની નોંધ નહીં લે પણ એ જ બસની બારીનો કાચ ફોડશે તો ફ્રન્ટ પેજ પર એનો ફોટો છપાશે.

નેગેટિવિટીથી દૂર થઈને પોઝિટિવ જીવન જીવવાની શરૂઆત જો હજુ સુધી ન કરી હોય તો આજનો દિવસ શુભ છે. ભારતબંધમાં જોડાવાને બદલે ભારતને ચાલુ રાખો. બંધ પાળવાનું કામ જે ચાલુ લોકો છે એમના પર છોડી દો. રોજ કરતાં બે કલાક કામ વધારે કરીએ આજે. હું સવારથી મંડી પડવાનો છું રોજ કરતાં ત્રણગણું કામ કરીને મારી મોદીભક્તિનો પુરાવો આપવાનો છું.

આજનો વિચાર

આજકાલ ૧૦૦ની નોટ જોઈને એવું લાગે છે જાણે માબાપ ગુજરી ગયા હોય ને ઘરની જવાબદારી છોકરા પર આવી ગઈ હોય.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

‘તમે આજના ‘ભારત બંધ’માં ભાગ લેવાના છો?’

‘કૉન્ગ્રેસના કહેવાથી તો હું મારા શર્ટનું બટન પણ બંધ ન કરું, ‘ભારત બંધ’ તો બહુ દૂરની વાત થઈ. અને હા, કૉન્ગ્રેસ જો ‘ભારત બંધ’ને બદલે ‘મોઢું બંધ’ રાખે તો આયમ શ્યોર, હું જ નહીં, આખો દેશ સપોર્ટ કરે.’

( મુંબઇ સમાચાર : સોમવાર, 28 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *