આજીવન મુંબઈમાં રહેવા છતાં મડિયા ગ્રામ્યજીવનને ભૂલ્યા નહીં

ચુનીલાલ મડિયાની અનેક મનગમતી ટૂંકી વાર્તાઓમાંથી માત્ર કોઈ એક પર જ આંગળી મૂકવાનું કહેવામાં આવે તો પર્સનલ ફેવરિટ તરીકે ‘વાની મારી કોયલ’ પર આંગળી મૂકી શકાય. વાર્તાના રવા પટેલના એ મશહૂર શબ્દો હજુય કાનમાં ગુંજે છે:

‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, કોઈ પૂરવભવની લેણાદેવી રહી ગઈ હશે તે મારે ઘેર ઊડી આવે છે. આ કમુરત ઊતરશે ને આણું વાળવા આવશે, એટલે મારી કોયલ ઊડી જાશે…’

‘ઘૂઘવતાં પૂર’ વાર્તાસંગ્રહમાંની આ વાર્તા સમગ્ર ગુજરાતી સાહિત્યની કેટલી ચિરંજીવ વાર્તાઓમાંની એક છે. નૅશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘ગુજરાતી વાર્તાઓ’ સંગ્રહના સંપાદકો યશવંત શુકલ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સંગ્રહની ભૂમિકામાં લખે છે: ‘વ્યવહાર-જીવનની ધીંગી વાસ્તવિકતા, માનવજીવનના તાણાવાણા રચતાં પ્રકૃતિગત આદિમ બળો, એ બળોમાં પ્રવર્તનને લીધે જીવનમાં ઊભી થતી કરુણ વક્ર પરિસ્થિતિ- ચુનીલાલ મડિયાની વાર્તાઓની આ નક્કર વાસ્તવભૂમિ છે. ‘કમાઉ દીકરો’ અને ‘વાની મારી કોયલ’ મડિયાની જ નહિ, ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર ટૂંકી વાર્તાઓ છે. ભાવજગતની ઝીણી ભાતીગળ શબલતા (સબળતા નહીં, શબલતા એટલે કાબરચીતરાપણું) નહીં, પણ ધસમસતા આવેગોના નિરૂપણમાં મડિયાને નોંધપાત્ર સિદ્ધિ મળી છે. વજનદાર ઘટનાઓની ગૂંથણી દ્વારા મડિયા એ કરી શક્યા છે અને કદાચ તેથી જ એમની વાર્તાઓમાં વાર્તાતત્ત્વ, સ્ટોરી એલીમેન્ટ, ઘણું હોય છે.’

મડિયા ઘટના પ્રચુર વાર્તા લખતા એમ છતાં, ‘આધુનિક નવલિકા’ પુસ્તકમાંના એક લેખમાં પ્રાધ્યાપક પ્રમોદકુમાર પટેલ નોંધે છે એમ, ઘટનાવિહોણી વાર્તાઓના પ્રખર સમર્થક સુરેશ જોષીના વાર્તાસંગ્રહો ‘ગૃહપ્રવેશ’ તથા ‘બીજી થોડીક’ને મડિયાએ આવકાર્યા એટલું જ નહીં એને આવશ્યક પણ ગણ્યા.

જયંત કોઠારી દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ ‘ગુજરાતી ટૂંકી વાર્તા’માં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે મડિયાની ભાષા વિશે કરેલું આ નિરીક્ષણ વાંચવાથી ખ્યાલ આવશે કે મડિયા બીજી કોઈ રીતે એમના સમકાલીન સાહિત્યકારોથી નોખા તરી આવતા: ‘મડિયાની વાર્તાકાર તરીકેની લોકપ્રિયતાનાં બે કારણ તરત જ દેખાઈ આવે છે- વાર્તાતત્ત્વની બહુલતા અને સચોટતા. મડિયા એક અચ્છા ખેલાડીની જેમ ભાષાના વિવિધ પ્રદેશોમાં સફળતાથી ઘૂમી વળે છે, પણ એમનું વિશિષ્ટ ક્ષેત્ર તો લોકબોલીનું છે. મેઘાણી પછી સોરઠી લોકબોલીનો સાહિત્યિક સ્તરે ઉપયોગ કરનારાઓમાં મડિયાનું સ્થાન આગલી હરોળનું છે. આ ભાષાનો ઉત્તમ વિનિયોગ મડિયાની નવલકથાઓ કરતાંય વિશેષ તો નવલિકાઓમાં થયો છે.’

મડિયાના હાસ્યનિબંધોના સંગ્રહ ‘ચોપાટીને બાંકડેથી’ વિશે યશવંત દોશીએ ‘મડિયાનું મનોરાજ્ય’માં લખ્યું છે, જરા વિસ્તારથી યશવંતભાઈને ટાંકું છું, આફ્ટર ઓલ આ ફિલ્ડમાં એ મારા સૌથી પહેલા સાહેબ હતા: ‘મડિયા હાસ્ય ખાતર હાસ્યમાં માનનારા લેખક નથી… જેને આપણે નિર્દોષ, કેવળ મનોરંજનના હેતુવાળું, કોઈ પ્રત્યે કોપ કે ડંખ વિનાનું હાસ્યલેખન કહીએ તેવું મડિયાના આ નિબંધોમાં બહુ ઓછું મળે… મોટા ભાગના હાસ્યનિબંધોમાં એમણે એકસાથે બે પંખી મારવાનો- હાસ્ય ઊપજાવવાનો અને કોઈક વિચાર દર્શાવવાનો, કોઈક મંતવ્ય કરવાનો, કંઈક ટીકાટિપ્પણી કરવાનો- આશય રાખ્યો હોય એમ જણાય છે. પણ… એમ કહીએ કે હાસ્યના માધ્યમ વડે એમણે પોતાનું ચિંતન પ્રગટ કરવાની પ્રવૃત્તિ કરી છે… ‘ચોપાટીને બાંકડેથી’ વાંચતાં એ પુસ્તકમાંથી જે મડિયા ઊભા થાય છે તે સો ટકા સાહિત્યનો જીવ છે… એમનો સૌથી વધુ રસ, એમની સૌથી મોટી ચિંતા સાહિત્ય માટે… મડિયાને એવી ટેવ કે એમના લક્ષ્યને તો મારે (૪), પણ એમ કરતાં કરતાં રસ્તામાં જે હડફેટે ચડ્યું તેને પણ એકાદ ઠોંસો લગાવતા જાય… ખરાબ અર્થમાં નહિ પણ સારા અર્થમાં મડિયાને સબ બંદર કા વેપારી, જૅક ઓફ ઑલ ટ્રેડ્ઝ કહી શકાય… (મડિયાની) તીવ્રતાનો ભોગ સકારણ-અકારણ અનેક લોકો બન્યા હશે એમ પણ ‘ચોપાટીને બાંકડેથી’ના નિબંધો જોતાં લાગે છે, પણ એ સર્વનો પાયો મૂલ્યસ્થાપનની ચિંતા છે.’ દિનકર જોષીએ ‘અક્ષરની આકાશગંગા’ પુસ્તકમાં ચુનીલાલ મડિયા વિશે એક દીર્ઘ લેખ લખ્યો છે. મડિયા સાથે એમને પર્સનલ સંબંધ હતો. દિનકરભાઈ લખે છે: ‘શૈક્ષણિક લાયકાત કહો તો આંકડા સાથે-અર્થશાસ્ત્ર અને એકાઉન્ટિંગ જેવા વિષયો સાથે બી.કોમ. થયા પણ માત્ર ૨૨ વર્ષની ઉંમરે ૧૯૪૫ની સાલમાં એકસાથે ચાર પુસ્તકોનું પ્રકાશન લઈને સાહિત્ય જગતમાં પ્રવેશ્યા અને આમાંનો (એક વાર્તાસંગ્રહ) ‘ઘૂઘવતાં પૂર’ તો એમની સાહિત્યિક સિદ્ધિઓની બાંગ પોકારે એવો જ નીવડયો હતો.’

દિનકર જોષી પણ ભારપૂર્વક કહે છે કે: ‘મેઘાણી અને પન્નાલાલ પછી તળપદું ગ્રામ્યજીવન જેમના સાહિત્ય સર્જનમાંથી અક્ષરેઅક્ષરે ટપકતું હોય એવા એકમાત્ર મડિયા હતા.’

વાસ્તવિક જીવનમાં મડિયાએ બહુ ઓછો સમય ગ્રામીણ જનજીવનનો અનુભવ લીધો છે. બાળપણ અને કિશોરાવસ્થાને બાદ કરો તો વધુ ભણવા માટે અમદાવાદની કૉલેજમાં અને પછી મુંબઈની કૉલેજમાં ઍડમિશન લીધું અને સ્નાતક થયા પછી અંતકાળ સુધી મુંબઈમાં જ રહ્યા આમ છતાં ગ્રામ્યજીવન એમણે નસેનસમાં આત્મસાત્ કરેલું એવું નોંધીને દિનકરભાઈ લખે છે: ‘અમારો પરિચય ગાઢ બન્યા પછી એક વાર મેં એમને આનું રહસ્ય પૂછેલું: ‘તમે ગામડામાં ઝાઝું રહ્યા નથી અને છતાં આટલું બધું ગ્રામ્યજીવન તમે શી રીતે આત્મસાત્ કર્યું?’ જવાબમાં મડિયાએ કહેલું: ‘નાનપણમાં અજાણતાં જ જે ગ્રામ્યજીવન હૈયામાં ખૂંચી (ખૂંપીના અર્થમાં) ગયું છે એ જ હું જીવું છું. શહેરી જીવન તો ઉપરછલ્લું છે. ગામડું જ મારા ચિત્તમાં ધરબાયેલું છે.’

મડિયા સાથેની સ્મરણયાત્રામાં આપણને આંગળીએ વળગાડીને દિનકર જોષી છ દાયકા અગાઉના કાળમાં ખેંચી જાય છે.

૧૯૫૫ના અરસામાં ગુજરાતમાં એસ.એસ.સી.ની પરીક્ષા વખતે જે ગુજરાતી પાઠ્યપુસ્તક હતું તેમાં દિનકર જોષીએ મડિયાની વાર્તા વાંચી હતી. એ વાર્તા વાંચતી કે ભણતી વખતે એમને સપનેય ખ્યાલ નહોતો કે ચાર જ વર્ષમાં આ લેખકનો પરિચય થશે જે મૈત્રીમાં પરિણમશે.

ચુનીલાલ મડિયા તે વખતે વાલ્કેશ્ર્વરના ‘ચન્દ્રલોક’ મકાનમાં રહેતા. એમની પાસે જૂના મૉડેલની એક ગાડી હતી એવી વાત ક્ધફર્મ કરતાં દિનકરભાઈ લખે છે કે, ‘એક દિવસ હું એમની ‘યુસિસ’ની ઓફિસે (યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફર્મેશન સર્વિસીઝની કચેરી જે ભારતમાં અમેરિકન સરકારના પ્રચારનું તેમ જ અન્ય સાંસ્કૃતિક કામ કરતી. મરાઠી કવિ મંગેશ પાડગાંવકર પણ ત્યાં કામ કરતા.) ઑફિસે મળવા ગયેલો. તે વખતે ચર્ચગેટ સ્ટેશન સામેના ‘એડલ્ફી’ બિલ્ડિંગમાં ઑફિસ હતી. મડિયા ત્યારે ‘એડલ્ફી’ બિલ્ડિંગની બહાર ફૂટપાથ પર ઊભા રહીને કોઈ લારીવાળા પાસેથી ખરીદીને કેળાં ખાતા હતા! એમને આ રીતે કેળાં ખાતાં જોઈને મને ભારે આશ્ર્ચર્ય થયેલું! આવડો મોટો સાહિત્યકાર આમ સાવ સામાન્ય માણસની જેમ ફૂટપાથ પર ઊભા રહીને કેળાં ખાય એ દૃશ્ય ત્યારે મારા માટે અકલ્પ્ય હતું! મડિયાએ રસ્તા ઉપર ઊભા રહીને જ બે કેળાં મને પણ ખવડાવીને સ્વાગત કરેલું અને કેળાંનો એ સ્વાદ બીજા સામાન્ય કેળાં જેવો જ હોવા છતાં ત્યારે મને એ ભારે સ્વાદિષ્ટ લાગેલાં.’

મડિયાની કુલ બાર નવલકથાઓમાંની છેલ્લી નવલકથા ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ વિશે ‘વિવેચનની ક્ષણે’ પુસ્તકમાં હરીન્દ્ર દવેએ નોંધેલા એક વાક્ય સાથે મડિયાની સ્મૃતિયાત્રાનો પડાવ આણીએ. મડિયાના મુંબઈના ગાઢ સાહિત્ય મિત્રોમાંના એક હરીન્દ્ર દવે લખે છે: ‘(આ) નવલકથામાં શૈલીનો હૃદયને તર કરી દે એવો છાક વરતાય છે.’

ચુનીલાલ કાળિદાસ મડિયાની શૈલીનો આ છાક એમના વાચકોને વરસો સુધી વરતાતો રહેશે અને વરસો સુધી એમના વાચકોનાં હૃદય તર રહ્યાં કરશે. એ કમનસીબ રાત્રિએ અમદાવાદ સ્ટેશને ઉમાશંકર જોશી, નિરંજન ભગત અને મિત્રો મડિયાને ‘ગુજરાત મેલ’ પર વળાવવા આવ્યા ત્યારે પોતાની બર્થ પર સામાન મૂકીને મડિયા પ્લેટફોર્મ પર ઉમાશંકર સાથે વાતો કરતા રહ્યા. આખો દિવસ ચાલેલી લેખકોની આંતરભારતીય બેઠક સાંજે પૂરી થઈ કે તરત મડિયાએ ‘સંદેશ’ની ઑફિસે જઈને આ બેઠક વિશેનો એક લેખ પોતાની કૉલમ માટે લખી આપ્યો. ઘીકાંટાની અખબારી કચેરીથી મીઠાખળી છ રસ્તા પાસેના ઉમાશંકર જોશીના ઘરે જઈ જમ્યા. ત્યાંથી અમદાવાદના રેલવે સ્ટેશને. ગાડી ચાલુ થઈ એટલે ‘આવજો’ કહીને ડબ્બામાં ચડ્યા. દાખલ તો થયા પણ પોતાની બર્થ સુધી પહોંચી ન શક્યા. ડબ્બાનો દરવાજો બંધ કરીને એને અઢેલીને ત્યાં જ ઊભા રહી ગયા. જોરજોરથી શ્ર્વાસ લેવા માંડ્યા. એક અજાણ્યા પેસેન્જરે પૂછયું, ‘શું થાય છે?’ મડિયા માંડ બોલી શક્યા: ‘આ ગાડી જુઓને…’

બસ. આ છેલ્લા શબ્દો મડિયાના. ત્યાં જ ઢગલો થઈ ગયા. ડબ્બામાં પ્રવાસ કરતા કોઈ ડૉક્ટરે એમને તપાસીને કહ્યું: ‘હી ઈઝ ડેડ.’

‘આ ગાડી જુઓને…’ બોલતી વખતે મડિયાને અંદાજ આવી ગયો હોવો જોઈએ કે એમના પ્રવાસની દિશા મુંબઈને બદલે કોઈક જુદી જ જગ્યાએ ફંટાઈ જઈ રહી છે.

કાગળ પરના દીવા

જેમની પોતાની દુકાનો બંધ થઈ ગઈ છે એ લોકો હવે કાલે ભારત બંધ કરશે.

– વૉટ્સએપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

મોદીએ પોતાની ઍપ વડે પોતાનો સર્વે કર્યો એ જોઈને કેટલીય સંસ્થાઓ જાતજાતના સર્વે કરવા લાગી ગઈ. આવા એક સર્વેવાળાનો ફોન બકાને આવ્યો. પૂછવામાં આવ્યું: ‘શું તમે મોદીની સાથે છો?’

બકો: ‘ના, હું ઘરે છું. કંઈ કામ હોય તો કહેજો. પહેલી ફ્લાઈટ પકડીને દિલ્હી આવી જઈશ…’

( મુંબઇ સમાચાર : રવિવાર, 27 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *