મા નર્મદાએ કચ્છની તરસ પણ છિપાવી

શૂલપાણેશ્વરથી મહારાષ્ટ્રમાં થોડુંક પ્રવેશીને નર્મદા મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં ૧૬૩ કિ.મી. જેટલી નર્મદા વહે છે. અલમોસ્ટ નવમા કે દસમા ભાગ જેટલી. વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી વહે છે. કેવડિયા પાસે ભવ્ય સરદાર સરોવર બંધ બાંધીને ગુજરાતની કૉન્ગ્રેસ-ભાજપ સરકારોએ ગુજરાતની પ્રજા પર બહુ મોટો ઉપકાર કર્યો. આજે કચ્છને પણ નર્મદાના જળ નહેરો મારફતે મળતાં થઈ ગયાં છે. નર્મદા બચાવ આંદોલન છેડીને મેધા પાટકર તથા એમના સાથીઓ તેમ જ એમને ટેકો આપનારા કેટલાક લોકોએ એવડાં મોટાં પાપ કર્યાં છે કે તેઓ સો જન્મ સુધી નર્મદામાં ડૂબકી મારશે તોય એમનાં પાપ ધોવાવાનાં નથી. નર્મદા પરના આ બંધની યોજનાને કારણે જે જે લોકોએ પોતાની ભૂમિ છોડીને બીજે જઈને વસવું પડ્યું એમના ખભા પર બંદૂક મૂકીને

ફોડનારાઓએ આ યોજનાને એટલી બધી વિલંબમાં નાખી કે અમુક અબજ કરોડ રૂપિયાનો ખર્ચ વધી ગયો. એક જમાનામાં રોજ અંગ્રેજી છાપાઓના ફ્રન્ટ પેજ પર ગાજતી મેધા પાટકર નામની કકળાટ જીવે છે કે પછી સ્વર્ગવાસી થઈ ગઈ છે એનીય કોઈને ખબર નથી ને કોઈને એની પડી પણ નથી. જે વ્યક્તિ પ્રજાના હિતની, સમાજના અને દેશના હિતની આડે આવે એ વ્યક્તિ દેશદ્રોહી ગણાય, એક વાર નહીં સો વાર દેશદ્રોહી ગણાય. ચાહે એ મુદ્દો નર્મદા યોજનાને લગતો હોય, ચાહે ડિમોનેટાઈઝેશનને લગતો.

નર્મદા પરના આ ભવ્ય સરદાર સરોવર બંધના હરિમહિધરે પાડેલા ફોટા જોઈને તમને પાણીની તાકાતનો અંદાજ આવે. ‘બીનોવેલન્ટ નર્મદા’ કૉફી ટેબલ બુક ભલે હોય પણ એમાં નર્મદા યોજના જેવી ક્ધટેમ્પટરી ઘટનાઓનું દસ્તાવેજીકરણ સામેલ કરવું જ પડે. સરદાર સરોવર અને કેવડિયા હવે તો મેજર ટુરિસ્ટ અટ્રેકશન બની ગયાં છે અને ગુજરાત સરકારના પર્યટન વિભાગે ત્યાં અનેક સુવિધાઓ ઊભી કરી છે.

લક્ષ્મણ કુંડ પાસે લાંબા-ચૌડા અડધો ડઝન મગર નર્મદાનાં નીરમાંથી કાંઠા પરના કાદવમાં આરામ કરતા દેખાય છે. નાગેશ્ર્વર મહાદેવના મંદિરેથી સલામત અંતરે રહીને ‘મગરદર્શન’ કરી શકાય છે.

ભરૂચથી ૧૬ કિલોમીટર પૂર્વમાં આવેલા નાનકડા ટાપુ જેવી જગ્યાએ કબીરવડ જોવા જવું જોઈએ.અઢી એકરની ભૂમિ પર ફેલાયેલા આ એક જ વૃક્ષની ડાળીઓ અને વડવાઈઓ પથરાયેલી છે. ભરૂચ પાસેના ઝાડેશ્ર્વર મંદિરની જ ધર્મશાળામાં અન્નક્ષેત્ર ચાલે છે. નર્મદાનાં અનેક તીર્થ સ્થળો પર આવાં સદાવ્રત ચાલતાં જોવા મળે. નર્મદા જ નહીં ગંગા કિનારે હરદ્વાર – વારાણસી-અલાહાબાદ કે અન્ય સ્થળોએ તેમ જ ભારતનાં દરેક તીર્થસ્થળોએ તેમ જ અલમોસ્ટ દરેક શહેર – નગર – ગામમાં વર્ષોથી સદાવ્રત ચાલતાં આવે છે. હિંદુ ધર્મની આ ભવ્ય પરંપરા છે. કોઈ માણસ ભૂખ્યું ન રહેવું જોઈએ. જેની પાસે પોતાના પૂરતું અને પોતાના કુટુંબના ભરણપોષણ પૂરતું છે એ બીજાના ઉદરની ચિંતા કરે એવી તેન ત્યક્તેન ભૂંજિથા:ની પરંપરામાં ઉછરેલી આ પ્રજાને વિધર્મીઓ આવીને પરસેવા તથા પરોપકાર વિશેનાં પ્રવચનો સંભળાવે છે ત્યારે તેઓ હાસ્યાસ્પદ લાગે છે. તમે અમને શીખવાડશો? અમને તો દુનિયા આખીને આ બધું શીખવાડતા આવ્યા છીએે. તમારામાંના કોઈ ધર્મની સ્થાપના પણ નહોતી થઈ એના હજારો વર્ષ પહેલાં અમે આ બધું કરતા હતા અને ત્યારથી કરતા આવ્યા છીએ.

હરિ મહિધરે તસવીરકાર તરીકે વર્ષોના પરિશ્રમ બાદ, ધીરજપૂર્વક ઠેર ઠેર જઈને નર્મદાનો ઈતિહાસ અને નર્મદાની ભૂગોળ આ અલભ્ય તસવીરોમાં પ્રગટ કરી છે. એમનું સંપર્ક સૂત્ર છે: હરિમહિધર ઍટ જીમેઈલ ડૉટ કૉમ (harimahidhar@gmail.com). આ તસવીરી તવારીખને શબ્દોનો સાથ આપ્યો છે વેટરન જર્નલિસ્ટ વિઠ્ઠલ સી. નાડકર્ણીએ જેમનું સંપર્કસૂત્ર છે: વિઠ્ઠલ સી. નાડકર્ણી ઍટ જીમેઈલ ડૉટ કૉમ (vitthalcnadkarni@gmail.com).

નર્મદા ભારત માટે, ગુજરાત માટે ખૂબ મોટી મૂડી છે. ફ્રેન્કલી, મને પોતાને આ પુસ્તકમાંથી કેટલી બધી નવી માહિતી મળી. આપણને આપણા માટે ગૌરવ થાય એવી આ દેશ વિશેની માહિતી છૂટથી મળવી જોઈએ. આ દેશની પ્રજા પોતાના સાંસ્કૃતિક વારસા વિશે ગૌરવ નહીં લે તો શું એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઑફ લિબર્ટી વિશે ગૌરવ લેશે?

પણ અત્યાર સુધીનાં ૭૦ વર્ષ સુધી આ દેશનું વાતાવરણ કંઈક એવું બનાવી દેવામાં આવ્યું હતું કે તમે તમારી પ્રાચીન સભ્યતા વિશે ગૌરવ લેવાની વાત કરો તો તમે જડવાદી, પરંપરાવાદી, રૂઢિવાદી ગમાર ગણાઓ. તમે સમય સાથે ચાલનારા નથી, પ્રગતિશીલ નથી એવો આરોપ તમારા પર લાદવામાં આવે. એક વાત તમે નોંધી છે? પ્રોગ્રેસિવ કે પ્રગતિવાદીનું પૂંછડું લગાવીને ફરનારા લોકો વાસ્તવમાં સામ્યવાદીઓ હોય છે. જે લોકો ખરેખર સમાજને, પોતાને, આ દુનિયાને આગળ વધારવા માગે છે અને જેમની સોચ ખરેખર આધુનિક છે એમણે ક્યારેય આવાં લેબલો હેઠળ પોતાની જાતને છુપાવવી પડતી નથી, કેમોફલેજ કરવી પડતી નથી. જેઓ પોતાના માટે લિબરલ, પ્રોગ્રેસિવ રૅશનિલ્સ્ટ, મૉડર્નિસ્ટ વગેરે વગેરે લટકણિયાં વાપરે છે તેઓ હકીકતમાં પોતાની અસલિયત છુપાવવા માગતા હોય છે. જેમને પોતે છે એવા દેખાવામાં કશો જ વાંધો નથી હોતો તેઓ લેબલમુક્ત હોય છે.

નર્મદાનો મહિમા ગાતા આ પુસ્તક ‘બીનોવોલન્ટ નર્મદા’માં ડૂબકી મારીને જે મોતી મળ્યાં એમાંનાં ઘણાં મેં તમારી સાથે વહેંચ્યાં, ઘણાં હજુ મારી પાસે જ રહેવા દીધાં છે!

આજનો વિચાર

ચમત્કારી સંતો મૂંગાને બોલતા કરી દે એવી વાતોમાં અત્યાર સુધી નહોતો માનતો. પણ ગુરુવારે મનમોહન સિંહને બાર વર્ષે પ્રજાના પ્રશ્ર્નો વિશે દસ મિનિટ બોલતાં સાંભળીને મારો મત બદલાઈ ગયો!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

‘હું તો ૨૮ નવેમ્બરના સોમવારે મારી દુકાન ચાલુ રાખવાનો છું, તમે શું કરવાના છો?’

‘હું રોજના કરતાં ત્રણ-ગણું કામ કરીશ. એકને બદલે ત્રણ લેખ લખીશ!’

( મુંબઇ સમાચાર : શનિવાર, 26 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *