નર્મદા: એક પરંપરા, એક સંસ્કૃતિ, એક શ્રદ્ધા

નર્મદા મૈયાની બહેનો – કઝીનો પણ છે – ટ્રિબ્યુટરીઝ અથવા તો ઉપનદી. આમાંની બે ઉપનદીઓ પાસે વસેલો કાન્હા નૅશનલ પાર્ક લેખક રુડયાર્ડ કિપ્લિંગે વધુ જાણીતો કર્યો – ‘જંગલ બુક’ દ્વારા. મોગલીની વાર્તા દ્વારા. આ મોગલીને ફેમસ કર્યો ગુલઝારે – જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ, ફૂલ ખિલા હૈ… નર્મદાની એક દેણ બાંધવગઢ નૅશનલ પાર્ક પણ છે. ખૂનખાર પણ પ્યારા લાગતા વાઘ માટે જાણીતું એ વન છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તસવીરકાર હરિ મહિધરના પુસ્તકના ૯૦મા પાને બાંધવગઢના જંગલના એક વાઘની તસવીર છે જે મઢાવી રાખવાનું તમને મન થાય. શાંત બેઠો છે પણ એની આંખોની કીકીમાં ચપળતા તગતગે છે. કાન સરવા છે અને આગલા બે પંજા ગમે તે પળે પલક ઝપકાવતાં જ ઊભા થઈને દોડવા માટે તૈયાર. સ્થિર ચિત્ર છે છતાં મૂવી જોતાં હોઈએ એવો આભાસ.

નર્મદાના બેઉ કાંઠે જનસંસ્કૃતિ વસેલી છે. નર્મદા જયંતીનો અવસર આવશે એટલે એ જનસંસ્કૃતિઓ ઉત્સવ મનાવશે. નર્મદા કુંવારી છે એવી માન્યતાને કારણે જનરલી નર્મદામૈયાના ભક્તો એક કાંઠેથી બીજે કાંઠે જતા નથી પણ એની પ્રદક્ષિણા કરે છે. ભારતમાં નદી પવિત્ર મનાઈ છે કારણ કે આપણા મૂળ પુરુષો પંચમહાભૂતોને ઈશ્ર્વર ગણીને પૂજતા આવ્યા છે – પાણી એ પાંચમાંનું એક તત્ત્વ છે. નદીનું જળ જીવન આપે છે એટલે એની પૂજા થાય છે. ૯૬-૯૭મા પાનાંના ડબલ સ્પ્રેડ પર જબલપુરના ગ્વારિઘાટ પર થતી નર્મદા પૂજનની વિશાળ તસવીર જોઈને તમે આગળ વધો છો અને નર્મદા જયંતીની ઉજવણીની રંગોના રમખાણ જેવી તસવીરો પર રોકાઈ જવાનું તમને મન થાય.

મા નર્મદાના આ તસવીરી પુસ્તક વિશે, કૉફી ટેબલ બુક ‘બીનેવોલન્ટ નર્મદા’ વિશે બે અઠવાડિયા પહેલાં લખવાનું શરૂ કર્યું. ત્યારે અમૃતલાલ વેગડને આદરપૂર્વક યાદ કર્યા હતા. ‘પરિક્રમા નર્મદા મૈયાની’, ‘સૌંદર્યની નદી નર્મદા’ ઈત્યાદિ પુસ્તકોમાં એમણે જે રીતનો નર્મદાનો મહિમા ગાયો છે તે જોઈને અનેક ગુજરાતી વાચકોને નર્મદાની યાત્રાએ નીકળી પડવાનું મન થાય. પંદર દિવસ પહેલાંનો લેખ વાંચીને વેગડસાહેબનો ભાવભીનો પત્ર આવ્યો. નર્મદા જયંતી નિમિત્તે કે પછી ગમે ત્યારે અનુકૂળતા હોય ત્યારે જબલપુરના એમના નિવાસસ્થાને રહેવાનું આમંત્રણ આપતાં લખે છે કે ‘તમને મારી સાથે ભેડાઘાટનાં દર્શને લઈ જઈશ.’ આટલું લોભામણું અને સાત્ત્વિક આમંત્રણ લેખક તરીકેની મારી જિંદગીમાં અગાઉ ક્યારેય નથી મળ્યું. જવાનું ખૂબ મન છે. જઈશું જ.

ગંગા પૂજનની તસવીરો કે ગંગામાં તરતા દીવડાઓની તસવીરો ઘણી જોઈ. નદી તો છેવટે નદી જ છે. પાણી તો પાણી જ હોવાનું. આમ છતાં નર્મદાપૂજનની અને નર્મદામાં તરતા પડિયાવાળા દીવાઓની તસવીરો ઘણી જુદી લાગે છે, લેસ કમર્શ્યલ હોય એવી. કદાચ એટલે જ જરા ગૂઢ, રહસ્ય વીંટળાયું હોય એની આસપાસ એવું રાત્રિનું પ્રકાશમય વાતાવરણ લાગે.

ગ્વારિઘાટથી આગળ વધતી નર્મદાનો પટ તિલવારાઘાટ પર ફેલાય છે. જબલપુર – નાગપુર હાઈવેથી પંદર કિલોમીટરના અંતરે આવેલા આ તટ પર ૧૯૩૯માં ઑલ ઈન્ડિયા ત્રિપુરા કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મહાત્મા ગાંધીનાં અસ્થિનું અહીં વિસર્જન થયું હતું. મકર સંક્રાન્તે યોજાતા મેળાની ડબલ સ્પ્રેડમાં એરિયલ તસવીર જોવા મળે છે. ફોર ગ્રાઉન્ડમાં જાયન્ટ વ્હીલ છે, બેક ગ્રાઉન્ડમાં નર્મદા અને લાંબો પુલ. જેમણે ગામડાનો મેળો જોયો જ નથી એમને હિંદી ફિલ્મના શૂટિંગ માટે ઊભા કરેલા સૅટ જેવો માહોલ લાગે!

નર્મદાના એક હજાર કિ.મી. કરતાં લાંબા પ્રવાહમાં વચ્ચેના ત્રણેક કિલોમીટર જેટલી જ પટી આરસપહાણના પહાડોથી ઘેરાયેલી છે. ભેડાઘાટની યાત્રાએ આવતા પ્રવાસીઓ ઘણી વખત નર્મદાના આ સ્ટ્રેચને ગંગા માની બેસે છે. શું કારણ? રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નું શૂટિંગ બનારસમાં નહીં પણ અહીં ભેડાઘાટમાં થયું હતું! ધુંઆધાર ધોધના દર્શન માટે હવે તો રોપવેની કેબલ કારની સગવડ પણ છે.

નર્મદા બ્રહ્માનું સર્જન છે એટલે બ્રહ્મા પરથી બર્મન ઘાટનું નામ પડ્યું હશે કે પછી વર (આશીર્વાદ) માંગ – વર માંગનું અપભ્રંશ થઈને બરમન થયું હશે તે ભાષા શાસ્ત્રીઓનો વિષય હોઈ શકે અને નૃવંશશાસ્ત્રીઓનો પણ. બર્મન ઘાટ પર મકરસંક્રાન્તિની જાત્રાએ કાવડ લઈને આવતા જાત્રાળુઓ આગલી સાંજના સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધીનું જાગરણ કરીને આખી રાત નર્મદા મૈયાની ભક્તિ કરે, માતાનાં ભજન ગાય. પરોઢે પવિત્ર જળમાં ડૂબકી મારીને મન-શરીર બેઉને ચોખ્ખાં કરે.

શિવરાત્રિના દિવસે ઓમકારેશ્ર્વરનું મહત્ત્વ વધી જાય. અહીં નર્મદાનો આકાર ‘ઓમ’ જેવો થઈ જાય છે એવું મનાય છે. ઓમ પ્રતીક છે ત્રણેય દેવોનું – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ.

નર્મદાના એક હજાર કિલોમીટર કરતાં વધારેના પ્રવાહમાં જેટલા ઘાટ આવે છે તે તમામ પિતૃતર્પણ માટે જાણીતા છે. માતાપિતા, વડીલો, પિતૃઓ કે પૂર્વજોના શ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ આખા દેશમાંથી અહીં આવે.

નર્મદા પ્રત્યેની શ્રદ્ધા એમને અહીં સુધી ખેંચી લાવે છે. ભારત શ્રદ્ધાળુઓનો દેશ છે અને આ શ્રદ્ધા પર વારંવાર વિધર્મીઓ પ્રહાર કરતા આવ્યા છે. પોતે કાબાના પથ્થરને પૂજે તે ચાલે, પોતે વધસ્તંભની કે મધર મેરીની મૂર્તિની પૂજા કરે તે ચાલે પણ આપણને તેઓ ‘મૂર્તિપૂજક’ કહીને વગોવે. વિધર્મીઓની ક્યાં વાત કરવી, આપણા જ ધર્મના લોકો સામ્યવાદી રંગે રંગાઈને દેખાડા કરતા થઈ જતા હોય છે. એક બાજુ પૈસાના ઢગલા કરીને છુપાવવાના ને બીજી બાજુ સામ્યવાદની વાતો કરવાની, રેશનલિઝમને બહાને ભારતીય સંસ્કૃતિ ને પરંપરાની વગોવણી કરવાની. નર્મદા વિશેના આ અતિ ઉપયોગી પુસ્તક ‘બીનેવોલન્ટ નર્મદા’ની વાત આવતીકાલે પૂરી કરીએ એ પહેલાં જગવિખ્યાત બેસ્ટસેલર રાઈટર પાઉલો કોએલોના હમણાં જ વાંચેલા આ વાક્ય પર જરા ચિંતન કરી રાખજો. લખે છે: સભાન રહીને મૂકવામાં આવતી શ્રદ્ધા મુક્તિ છે, બળજબરીથી થોપવામાં આવતી શ્રદ્ધા ગુલામી છે અને કંઈ જાણ્યા કર્યા વિના ઉગતી શ્રદ્ધા ગાંડપણ છે.

આજનો વિચાર

‘ભારત બંધ’ની જાહેરાત જ દર્શાવે છે…

ભારત ચાલે છે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

‘શું તમે નોટબંધીના નિર્ણય પછી પણ નેકસ્ટ ઈલેક્શનમાં મોદીને વોટ આપશો?’

‘આવા નિર્ણયો લેવા માટે જ તો એમને ગઈ ચૂંટણીમાં વોટ આપ્યો હતો.’

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 25 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *