ઊંધિયું અને મંચુરિયન

રાજા-મહારાજા-નવાબોના જમાનામાં અને એમનું અનુકરણ કરીને આજની કેટલીક મોંઘી રેસ્ટોરાંમાં જમણના બે કોર્સ વચ્ચે ઝાયકો બદલવા તમને ગુલાબજળ, કેવડાજળ, ચંદનજળ કે એવા જ કોઈ શરબતના બે-ત્રણ ઘૂંટડા જેટલી પ્યાલી ધરવામાં આવે છે જેથી તમે શીખંડપૂરી જમ્યા પછી પુલાવનો આનંદ માણતાં પહેલાં જીભનો સ્વાદ બદલવાની તૈયારી કરી શકો.

નોટબંધી કે મોદીના ચલણનિર્ણય વિશેના લેખો પછી મા નર્મદાનાં નીરમાં ડૂબકી મારતાં પહેલાં ઝાયકો બદલવા માટે આ લેખ લખાઈ રહ્યો છે. જેમ પેલા કેવડા-ચંદન-ગુલાબજળને ન તો શીખંડપૂરીના સ્વાદ સાથે કંઈ લેવાદેવા હોય છે ન પુલાવના સ્વાદ સાથે, બરાબર એવું જ આજના લેખનું છે.

* * *

લગ્નના સત્કાર સમારંભમાં જમવા જઈએ ત્યારે બુફે ટેબલ પર વાનગીઓની લાંબી લાંબી લોભામણી લાઈન નજરે પડે છે. મોટા ઘરનાં લગ્ન હોય તો એક કાઉન્ટરને બદલે વિવિધ પ્રદેશોની વાનગીઓનાં મલ્ટિપલ કાઉન્ટર જોવા મળે: કૉન્ટિનેન્ટલ, લેબનીઝ, રાજસ્થાની, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ, થાઈ, પંજાબી અને ગુજરાતી કાઉન્ટર્સ તો ખરાં જ. પ્લસ ચાટનું કાઉન્ટર, ફ્રૂટ્સનું અને ડિઝર્ટનાં કાઉન્ટર્સ. ક્યારેક ગરમ જલેબી-રબડી અને છેલ્લે મુખવાસનુ કાઉન્ટર. ફ્રેશ કૉફીનું અને તે પણ જાતજાતની કૉફીનું કાઉન્ટર પણ હોય.

તમે આ બધામાંથી કેટલું ખાઈ શકવાના છો? શું શું ખાવાનાં છો? સામાન્ય માણસનો એક ટંકનો ખોરાક સરાસરી ત્રણસોથી ચારસો ગ્રામનો હોવાનો, ડિપેન્ડ્સ ઑન એના શરીરનું બંધારણ અને એની હેબિટ્સ. અને કદાચ તે દિવસે એ બહુ ભૂખ્યો હોય તો પચાસ-સો ગ્રામ વધારે ખાય.

એના કરતાં જો વધારે ખાય કે ખાઈ જવાય તો એની સીધી અસર એના પાચનતંત્ર પર પડવાની. તમારું શરીર જેટલું પચાવવા માટે કેળવાયેલું હોય એટલું જ પચાવી શકે. આપણે એને ખોરાક માટેની એની કૅપેસિટી કહીશું.

તમને ખબર છે કે તમારા શરીરની ક્ષમતા કેટલી છે. એટલે ડઝનબંધ કાઉન્ટર્સ પર ફરીને તમારે નક્કી કરવું પડશે કે હું આ આ કાઉન્ટર્સ સ્કિપ કરીશ અને આ એક કે બે કાઉન્ટર્સ પરની આટલી જ વાનગી પ્લેટમાં લઈશ. (બહુ લાલચ થઈ તો ચાર કાઉન્ટર પર જઈને એક-બે પાણીપૂરી ખાઈશ કે ફ્રૂટ કાઉન્ટર પર જઈને એકાદ સ્ટ્રોબેરી મોઢામાં મૂકીશ.)

જમવા માટેના આવા નિર્ણયો મોટા ભાગના લોકોએ કંઈ રોજેરોજ નથી લેવાના હોતા. વરસના વચલા દહાડે લગનગાળામાં લેવાના આવે. છતાં આ બાબતમાં આપણે એકસપર્ટ થઈ ગયા છીએ.

પણ જે નિર્ણયો રોજેરોજની જિંદગીને સ્પર્શે છે તે લેવામાં આપણે ગોથું ખાઈ જઈએ છીએ.

જિંદગી આખીની વાત પડતી મૂકો, આજે મારી પાસે આટલો જ સમય છે અને એ સમયમાં મારે શું શું કરવું છે એના ઘણા બધા વિકલ્પો મારી સામે પડ્યા છે. છાપાં વાંચવાં છે? પુસ્તકનાં વીસ પાનાં વાંચવાં છે? વૉટ્સએપ પર ટાઈમ ગાળવો છે? ફેસબુક પર કમેન્ટ્સ/લાઈક્સના વહેવારો ચેક કરવા છે? પંડિત જસરાજની ‘ગોવિંદ દામોદર માધવેતિ’ની સીડી મૂકીને નિરાંતે અધુરમ્ મધુરમ્ સાંભળવું છે? દોસ્તારો સાથે બ્લેક ટીની અને વાતોની વૉર્મ્થ માણવી છે? ટીવી પર જઈને સર્ફિંગ કરવું છે? ચાલવા જવું છે?

સવારના એક કલાક માટે તમારી પાસે આ અને આવા બીજા અડધો ડઝન વિકલ્પો છે. એમાંય તમે બહુ બહુ તો એક-બે કે ત્રણ વિકલ્પો પસંદ કરી શકો. બાકીના વિકલ્પો ગમતાં હોય તો પણ તે જતા કરવા પડે.

એક ફિલ્મ જોઈ ‘એલ.એ. કૉન્ફિડેન્શ્યલ.’ રસેલ ક્રો અને કેવિન સ્પેસીની બહુ શરૂઆતની ફિલ્મ છે. જેમ્સ એલરીની આ જ નામની મશહૂર ક્રાઈમ નૉવેલ પરથી બની છે. ફિલ્મના એકસ્ટ્રાઝમાં એ જ નૉવેલ પરથી બનેલી ટીવી સિરીઝનો પાઈલટ એપિસોડ પણ છે. એ જોતાં ખ્યાલ આવે કે મૂળ નવલકથામાં કેટકેટલી સરસ વાતો છે જે ટીવી સિરીઝમાં આવી શકી છે, પણ ફિલ્મમાં નથી લઈ શકાઈ. બે-અઢી કલાકની ફિલ્મમાં અને એના કરતાં કમસે કમ પાંચ-દસ ગણી લંબાઈ ધરાવતી ટીવી સિરીઝમાં ફરક તો રહેવાનો જ. વિચાર આવ્યો કે દિગ્દર્શક અને પટકથા લેખકે કાળજા પર પથ્થર મૂકીને નૉવેલમાંની એ બધી સારી સારી ઘટનાઓ કાઢી નાખી હશે જેથી ફિલ્મમાં એના કરતાંય ઘણી ઘણી સારી એવી ઘટનાઓને પૂરતો સમય આપી શકાય.

તમારા મનમાં એકસાથે પંદર સરસ સરસ કામ કરવાનાં અરમાનો દોડાદોડ કરે છે. અનેક લોકો સાથે નિરાંતે ગપ્પાં મારીને સંબંધો વધારે ગાઢ બનાવવાનું મન થાય છે. કેટકેટલી જગ્યાએ ફરવા જવું છે. અનેક પ્રકારના નવા નવા વિષયો પર પુસ્તકો લખવાં છે. અનેક નવી નવી વસ્તુઓ શીખવી છે. અનેક વાજિંત્રો વગાડતાં અને અનેક કરતબો કરતાં શીખવું છે-માઉન્ટેનિયરિંગ, પેરાશૂટિંગ, બન્જી જમ્પિંગ (આમાંનો એકેય કરતબ મારે નથી શીખવો, આ તો જસ્ટ આમ જ.) અને જિંદગીમાં બીજું તો કેટકેટલું કરવું છે.

વિવિધ પ્રદેશની વાનગીઓનાં કાઉન્ટર્સ સામે ઊભેલા મહેમાન જેવી આપણી હાલત છે.

બધા જ વિકલ્પો લલચામણા છે, લોભામણા છે.

એકેય વાનગી છોડવાનું મન નથી થતું. બકાસુર બનવાનું મન થઈ જાય એવું સ્પ્રેડ છે.

પણ પાચનતંત્રનો ખ્યાલ રાખીને, આપણી ક્ષમતાનો ખ્યાલ રાખીને પસંદગી કરવી પડશે. થોડુંક લઈને બાકીનું બધું જ જતું કરવું પડશે. અઢળક વિકલ્પોમાંથી જે સૌથી વધુ ગમી જાય એવા છે, જેને સ્વીકારવામાં સૌથી વધુ આનંદ આવે છે તેને સ્વીકારીને બાકીના તમામ વિકલ્પો જતા કરવા પડશે, એટલીસ્ટ આ જન્મ પૂરતા તો ખરા જ.

જેવું કામની બાબતમાં, એવું જ વ્યક્તિઓની બાબતમાં અને એવું જ જિંદગીની બધી જ બાબતોમાં. મૂળ નવલકથા તો આપણા જન્મ સાથે જ લખાઈને આપણી સાથે આવી. ૪૦ વર્ષની ઉંમર સુધી એના પરથી ટીવી સિરિયલ બનાવી લેવાની તક હતી. ફોર્ટી પ્લસ પછી માત્ર એમાંનું બેસ્ટ ઑફ ધ બેસ્ટ તારવીને બે-સવા બે કલાકની ફિલ્મ બનાવવામાં જ લાગી પડવું જોઈએ. તો જ અંતિમ વર્ષો આવશે ત્યારે અંદરખાનેથી પિકચર અભી બાકી હૈ વાળો અફસોસ નહીં થાય. એક વાત સમજી લેવાની. હાકા નૂડલ્સ અને શીખંડ એકસાથે નહીં ખાઈ શકાય. ઊંધિયું ખાવું હશે તો મંચુરિયન પડતું મૂકવું પડશે. મનભરીને ઢોસા ખાવા હશે તો પેટભરીને સમોસા નહીં ખવાય.

આજનો વિચાર

મોદીજીને વિનંતી કે જે કંઈ જાહેરાતો કરવી હોય તે સવારના ટાઈમે કરવી. રાત્રે ૮ વાગ્યા પછી કરો છો તો ચડેલું બધું ઊતરી જાય છે અને ડબલ પીવું પડે છે.

-વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

મોદી: હે પાર્થ, બાણ ચલાઓ!

અમિત શાહ: પરંતુ કિસ પર ચલાએ, પ્રભુ!

મોદી: પાર્થ…તુમ સિર્ફ બાણ ચલાઓ…

કેજરીવાલ ખુદ ઉછલ કર બીચ મેં આ જાએગા!

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 24 નવેમ્બર 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *