ખોટી બુમરાણ મચાવનારા આ કોણ લોકો છે?

મારી જરૂરિયાત અઠવાડિયે એક લાખ રૂપિયાનો ખર્ચો કરવાની હોય તો સરકાર મારા પર માત્ર ચોવીસ હજાર રૂપિયા ઉપાડવાની પાબંદી કેવી રીતે લાદી શકે એવી દલીલ દેશના ટોચના વકીલોમાંના એક એવા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના જજ સમક્ષ કરી. કપિલ સિબ્બલ મોદી સરકારના ડિમૉનેટાઈઝેશનના નિર્ણયની ખિલાફ ભારતની સર્વોચ્ચ અદાલતમાં લડી રહ્યા છે. કૉન્ગ્રેસ સરકારમાં પ્રધાનપદું ભોગવી ચૂકેલા કપિલ સિબ્બલ તિસ્તા સેતલવાડ વતી પણ સુપ્રીમ કોર્ટમાં લડતા હોય છે. તિસ્તા સેતલવાડ કોણ છે એ કહેવાની હવે તમને જરૂર નથી, તમને ખબર છે.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બૅન્ચ સમક્ષ કપિલ સિબ્બલે આ દલીલ કરી ત્યારે ઉચ્ચ આસને બેઠેલા નામદાર જજસાહેબોમાંના કોઈએ સિબ્બલનો કાન પકડીને કહ્યું કે નહીં ખબર નથી કે સિબ્બલ, તારો ખર્ચો અઠવાડિયે લાખ નહીં દસ લાખ પણ હોય તો કોઈના બાપનું કશું જતું નથી. તું આ ખર્ચો ચેક આપીને, ડ્રાફ્ટ કઢાવીને, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા કે તારા ખાતામાંથી ઑનલાઈન મની ટ્રાન્સફર કરીને કરી જ શકે છે. કોઈ તને રોકતું નથી. સરકાર તને તારા પૈસા વાપરવાની ક્યાં ના પાડે છે. તને કૅશમાં ખર્ચો કરવા દેતી નથી એટલું જ ને. ભઈ, તારે અઠવાડિયામાં એટલી બધી કૅશની શું જરૂર પડવાની? તારા બધા જ ખર્ચા તું ચેક – કાર્ડ – ટ્રાન્સફર દ્વારા કરી શકે છે અને શાકભાજી કે મીઠું, મરચું, તેલ ખરીદવા માટે રૂપિયા ૨૪,૦૦૦ મોર ધૅન ઈનફ છે. હા, તારા કોઈ એવા ખર્ચા હોય જેમાં તારે કૅશમાં જ ટ્રાન્ઝેક્શન કરવું છે તો અલગ વાત છે. એવા કયા તોતિંગ ખર્ચાઓ તારે કૅશમાં કરવાની જરૂર પડે છે તે અમને સમજાવ, ભારતની જનતાને સમજાવ જેથી કૉન્ગ્રેસ કલ્ચરમાં ખાઈપીને તગડા થયેલા લોકોની ચરબી ક્યાંથી આવી તેની લોકોને ખબર પડે.

કોઑપરેટિવ બૅન્કો, ખાસ કરીને જેઓ હજી પણ કૉમ્પ્યુટર વાપરતી નથી, હિસાબના તમામ ચોપડા હાથથી જ લખે છે એવી બાબા આદમના જમાનાની રસમ ચલાવતી કોઑપરેટિવ બૅન્કોમાંની કેટલીક ઘણી નોટોરિયસ છે. આ સહકારી બૅન્કના સ્થાપકો – ડિરેક્ટરો તેમ જ એમના મળતિયાઓ પારકે પૈસે તાગડધિન્ના કરી શકે એ હેતુથી જ ગામડાંગામોમાં આવી નૉન-શેડ્યુલ બૅન્કો ચાલતી હોય છે. આવી કેટલીક સહકારી બૅન્કોને જો રિઝર્વ બૅન્કે જૂનું ચલણ બદલીને નવું આપવાની છૂટ આપી હોત તો મોદીના ડિમૉનેટાઈઝેશનના નિર્ણયનો કોઈ અર્થ જ રહ્યો ન હોત. સૌ કોઈ ડિસ્કાઉન્ટ આપીને પોતાના મનીનું લૉન્ડરિંગ કરી આવ્યું હોત. સહકારી બૅન્કો સાથે રિઝર્વ બૅન્ક શું કામ ‘અન્યાયી’ વહેવાર કરે છે એવી ફરિયાદો તમે છાપામાં વાંચો ત્યારે યાદ રાખજો કે આવી બૅન્કો પાસે બૅકડેટેડ ડ્રાફટ કાઢવાની તથા જૂની તારીખની ફિક્સ્ડ ડિપોઝિટરી રસીદો બનાવવાની કળા હાથવગી હોય છે. ખેડૂતોના નામે આવી બૅન્કો સવલત માગતી હોય છે ત્યારે એ લોકોએ પોતાનાં કબાટમાં છુપાવી રાખેલાં હાડપિંજરો બહાર ડોકાઈ જતાં હોય છે.

શેરબજારમાં એક જમાનામાં બેનંબરી નાણું ખૂબ ઠલવાતું. કાળાંનું ધોળું કરવા સ્ટૉક માર્કેટ ખૂબ કામ લાગતું. ધોળું ન કરવું હોય અને માત્ર બ્લૅક મની પાર્ક કરવા હોય તોય શેરબજાર કામ લાગતું. વીસ વર્ષ પહેલાં ડીમૅટ અકાઉન્ટ દ્વારા શેરબજારનું કામકાજ થવા માંડ્યું ત્યારથી બેનંબરી વહેવાર ઘણો ઘટી ગયો. આજની તારીખે એ.પી.એમ.સી. માર્કેટોમાં ખેતપેદાશોનું ખરીદ-વેચાણ જૂની રગડધગડ પદ્ધતિએ થાય છે – શેરબજારમાં એક જમાનામાં રિંગમાં ઘાંટા પાડીને અને આંગળીના ઈશારે સોદા થતા એમ. સોદા થયા પછી માલની સામે રોકડની લેવડદેવડ થાય છે. ભવિષ્યમાં શેરબજારોનાં ડીમૅટ અકાઉન્ટ્સની જેમ એ.પી.એમ.સી. બજારોનો વહેવાર પણ કૅશને બદલે બૅન્ક દ્વારા થાય એવી સિસ્ટમ લાવવી જ પડશે.

ખેડૂતોના નામે કૉન્ગે્રસે અત્યાર સુધી પોતાને ટેકો આપતા સમાજદ્રોહીઓને સાચવ્યા છે. ખેતીની આવક પર ઈન્કમ ટેક્સ નથી લાગતો જેનો લાભ ફાર્મ હાઉસ લઈને બેઠેલા શ્રીમંતો ઉઠાવે છે – પોતાના ફાર્મમાં અમુકતમુક પેદાશ થઈ જેના આટલા કરોડ આવ્યા એવું દેખાડીને. મોદી સરકાર આજે નહીં તો કાલે ખેતીની આવક પર નહીં લેવાતા ઈન્કમ ટેક્સની જોગવાઈનો ગેરલાભ લેનારાઓ પર તવાઈ લાવવાની જ છે.

રવિવારે સવારે બોરીવલી જવાનું હતું. ત્યાંની મારી એક ફેવરિટ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કર્યા પછી આગળ વધવું હતું. રેસ્ટોરાં પહોંચ્યા પછી ઘડીભર લાગ્યું કે આ બંધ છે કે શું? નોર્મલી મેં રવિવારની સવારે અહીં ખાસ્સી ભીડ જોઈ છે. અંદર ગયા તો માંડ ત્રીસેક જેટલા ગ્રાહકો હતા. સીધીસાદી રેસ્ટોરાંમાં પણ લોકો જતા નથી. શું તેઓ ભૂખ્યા રહેતા હશે? ના. ઘરે બનાવીને નાસ્તો ખાઈ લેતા હશે અથવા તો આનાથી પણ સસ્તું ફૂડ જ્યાં મળે છે ત્યાં ફૂટપાથ પરની લારીઓ પર જઈને ખાતા હશે. કેટલાક દુકાનદારો ફરિયાદ કરે છે કે અમારો ધંધો પડી ભાંગ્યો. કેવી રીતે? લગ્નમાં પહેરવાની શેરવાની જેની પડતર કિંમત બે હજારની હોય અને જે દસ હજારમાં વેચાતી હોય તે હવે કોઈ ખરીદતું નથી. શું કામ ખરીદે? માત્ર દોઢસો રૂપિયા જેની લાગત હોય એવી એક ડિશના દોઢ હજાર લેનારા કેટરર્સ પણ રડે છે, ધંધો પડી ભાંગ્યો છે. સારું જ છે ને. બ્લેક મનીને કારણે બિનજરૂરી ખર્ચાઓ જેમાં થતા એવા પ્રોડક્ટ્સ વેચનારાઓ ભળતા જ ઊંચા ભાવો વસૂલ કરતા રહ્યા છે. કારણ કે આપનારાનેય કોઈ વાંધો નહોતો – સરકારથી છુપાયેલા પૈસા છે, ટેક્સ ભર્યા વિનાના પૈસા છે તો પાણીની જેમ વાપરો. હવે ધીરે ધીરે આ બધા પર ક્ધટ્રોલ આવશે.

મિડિયાવાળાની તો ટેવ છે કાગનો વાઘ કરવાની. ફ્રન્ટ પેજ પર બળાત્કારનો કોઈ એક કિસ્સો એવો ચગાવશે, એવો ચગાવશે જાણે આ આખો દેશ બળાત્કારીઓનો છે એવી છાપ ઊભી કરશે. ચલણનિર્ણયને અલમોસ્ટ બે વીક થવા આવશે અને હવે ખાસ્સી એવી રાહત થઈ છે છતાં ફ્રન્ટ પેજ પર લાંબી લાઈનનો ફોટો છાપીને કહેશે કે: જુઓ, ક્યાં રાહત થઈ છે.

જેમના ધંધા અત્યારે મંદ થઈ ગયા છે એમાંના મોટા ભાગનાના ધંધા ફરી ટૂંક સમયમાં જ ધમધમતા થઈ જવાના. માત્ર એ જ. લોકો ભવિષ્યમાં પણ રડશે જેમની પ્રોડક્ટ્સ બેનંબરી પૈસાથી ખરીદાતી હતી. એક ઈન્ટરેસ્ટિંગ ઈમેલથી આજની વાત પૂરી કરું. મુંબઈ સમાચારની ઈમેલ આઈડી પર મને એક ગુજરાતી વાચકનો પત્ર આવ્યો જેમનું નામ તો હું જાહેર નથી કરી શકતો, અટક પણ નહીં કહું અન્યથા એક આખી કમ્યુનિટી રિસાઈ જશે.

એ ભાઈ આ વિષય પરના મારા લેખોને બિરદાવ્યા પછી લખે છે કે તમારી સાથે હું સહમત છું પણ અમારી કમ્યુનિટીને મોદીના આ નિર્ણયથી સૌથી મોટો ફટકો પડ્યો છે. અમે લોકોને છેલ્લા પાંચ દાયકાથી બ્લેકમાં બિઝનેસ કરવાની ટેવ પડી ગઈ છે, કારણ કે સિસ્ટમ જ એવી છે, ઉપરથી ગળાકાપ સ્પર્ધા હોય, સરકારી અધિકારીઓની હેરાનગતિ હોય. બાકી, અમારા પૈસા પણ હાર્ડ અર્ન્ડ મની જ છે, બસ એટલું જ કે અમે એને અમારા ખાતામાં કે સરકારને બતાવ્યા નથી. મને લાગે છે કે સરકારે અમને આ નાણાંમાંથી અમુક ટકા અમારી પાસે રાખી લેવાની છૂટ આપવી જોઈએ, બાકી તો અમે લૂંટાઈ જઈશું, બરબાદ થઈ જઈશું. હા, ભવિષ્યમાં અમે જરૂર ક્લીન સિસ્ટમ પ્રમાણે ધંધો કરીશું.

આટલું લખીને તેઓ સૂર બદલીને લખે છે:

પકડવા જ હોય તો બ્યુરોક્રેટ્સને પકડો, કોર્ટ-પોલીસના લોકોને પકડો, એમપી – એમએલએ અને મિનિસ્ટરોને પકડો. અત્યાર સુધી એમાંના કોઈ જ પકડાયા નથી, અમને જ શું કામ દંડો છો?

આ ઈમેઈલમાં જે ફરિયાદ છે તે ફરિયાદ દરેક બે નંબરીની અમારી તો હાર્ડ અર્ન્ડ ઈન્કમ છે. આનો જવાબ અગાઉના લેખોમાં અપાઈ ગયો છે. અત્યારે માત્ર એટલું જ કહીશ કે પાંચ દાયકાથી ટેવ પડી ગઈ છે? તો ટેવ બદલો.

અને આ કાળાં નાણાં સામેની ઝુંબેશ છે. કરપ્શન સામેની ઝુંબેશ શરૂ થશે એટલે તમે જે લોકો ગણાવ્યા છે તે બધા સાણસામાં આવવાના જ છે.

પૅરેલલ ઈકોનોમીને જિંદગીનો, વ્યવહારનો, બિઝનેસનો એક હિસ્સો ગણી લેનારા લોકો, જેમણે હંમેશાં સરકારના આવકવેરા વિભાગને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણ્યું એવા લોકો અત્યારે સૌથી દુખી છે. આમાંના કેટલાક મારા પરિચિતો છે. મને જેન્યુઈન સહાનુભૂતિ છે એ સૌના માટે. રાતોરાત કબાટમાંના લાખો-કરોડો પસ્તી બની જાય એનો આઘાત કેટલો હોઈ શકે એની કલ્પના છે, પણ આવો આઘાત અનિવાર્ય હતો. જે થયું તે સારા માટે – એટલું આશ્ર્વાસન આપીને મારે એમને એટલું જ કહેવાનું કે આજે તમારી મોંઘી ગાડી સામે આંગળી ચીંધીને કહેનારાઓ કહેતા હશે કે આ તો બે નંબરની કમાણીમાંથી લીધેલી છે. પણ તમારી ગેરહયાતીમાં વર્ષો પછી તમારી ત્રીજી-ચોથી પેઢીને કોઈ એવું સંભળાવી ન જાય એ માટે અત્યારે આટલું સહન કરી લેવું પડે. તમારી પછીની પેઢીઓ માટે તમે કદાચ હવે નાણું ઓછું મૂકી જશો, પણ એના કરતાં ઘણું મૂલ્યવાન આ ગૌરવ જરૂર મૂકી જઈ શકશો – જો તમે દિલથી વડા પ્રધાનની પડખે રહેવાનું નક્કી કરશો તો.

આજનો વિચાર

પહેલાં ન્યૂઝ ચેનલો એવું બતાવતી કે ખેડૂતો કર્જમાં ડૂબીને આપઘાત કરે છે.

આજે બતાવે છે કે ખેડૂતો લગ્ન માટે ખાતામાંથી અઢી લાખ રૂપિયા ઉપાડી શકતા નથી.

આમાં સાચું શું સમજવાનું?

એક મિનિટ!

પડોશવાળી ભાભીજીને નવી નૉટો ગણતાં દેખીને મેં પૂછ્યું:

‘ભાભીજી આજે તો સિનિયર સિટિઝનને જ પૈસા બદલાવી આપે છે. તો તમે કેવી રીતે બદલાવી?

ભાભીજીએ કહ્યું: હું વગર મેકઅપે ગઈ હતી.

( મુંબઇ સમાચાર : બુધવાર, 23 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *