પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?

આદરણીય પ્રધાનમંત્રીજી,

આમ તો તમે મને પ્રિય પણ છો, મને જ શું કામ, દોઢ ટકો જેટલા દોઢ ડાહ્યાઓને બાદ કરતાં આ દેશની સાડા અઠ્ઠાણું ટકા પ્રજાને પ્રિય છો એટલે તમને ‘પ્રિય પ્રધાનમંત્રીજી’નું સંબોધન કરવાનો ઊમળકો પણ થાય, પરંતુ સરખેસરખા યાર દોસ્તોને પ્રિય કહેવાય. આપણાથી ગજામાં, સમજમાં, અનુભવમાં, હેસિયતમાં, સામાજિક પ્રતિષ્ઠામાં અને એવી બીજી દરેક બાબતે જેઓ ઊંચા હોય, ઊંચા જ નહીં, ઘણા ઘણા ઘણા ઊંચા હોય એમને ‘આદરણીય’નું કે ‘પૂજનીય’નું સંબોધન જ કરવાનું હોય, ‘પ્રિય’નું નહીં એટલો વિવેક મારામાં છે. મારી ઔકાત હું સમજું છું.

‘પૂજનીય’નું સંબોધન કરવામાં પણ કંઈ ખોટું નહોતું, કારણ કે આમેય તમારો દ્વેષ કરતા, હિંદુ ધર્મને ધિક્કારતા, હિંદુ સંસ્કૃતિ પર થૂંકતા, રાષ્ટ્રદ્રોહી લોકો મને તમારો ‘ભક્ત’ જ કહે છે અને એ વિશેષણને હું પદ્મશ્રીના મૅડલની જેમ છાતી પર લટકાવીને ગર્વભેર ફરું છું. આફ્ટરઑલ આ બિરુદ મને કેજરીભક્તો તરફથી, માયાવતીભક્તો તરફથી, સોનિયાભક્તો તરફથી, રાજદીપભક્તો તરફથી, તિસ્તાભક્તો તરફથી, લાલુભક્તો તરફથી, સિતારામ યેચુરી અને પ્રણવ રૉયના સામ્યવાદી ભક્તો તરફથી અને ડૉ. ઝાકિર નાઈકનો ખુલ્લેઆમ બચાવ કરતા આતંકવાદના ભક્તો તરફથી મળેલું છે. હું શું કામ મોદીભક્ત હોવા બદલ નાનપ અનુભવું.

થોડી વાત તમે આ ૫૦૦-૧૦૦૦ની નૉટ રાતોરાત બદલી નાખી એ વિશે કરવાની છે. થોડી નહીં ઘણી, પણ પદ્મશ્રીના અવૉર્ડની. વાત નીકળી જ છે તો મને જરા સ્પષ્ટતા કરી દેવા દો કે મારું કામ કે ગજું પદ્મશ્રીના અવૉર્ડ જેટલું પણ નથી, પરંતુ મારે આખી જિંદગી દરમ્યાન એવાં કામ કરવા છે અને એ માટે એવું ગજું વધારવું છે કે સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરની જેમ મને મર્યા પછી મરણોત્તર ભારતરત્નનો અવૉર્ડ મળે. મારે એ સન્માન જોઈએ છે. મારે ભવિષ્યમાં એવાં કામ કરવાં છે. માટે મને જીવતેજીવ આવા કોઈ પદ્મશ્રી બદ્મશ્રીના અવૉર્ડ્સ આપીને નાનો નહીં બનાવતા. અને તમે તો સવાસો વર્ષે જીવવાનો છો એવા દેશની જનતાના (પેલા દોઢ ટકાને બાદ કર્યા પછી બાકી રહેતા ૯૮.૫ ટકાના) આશીર્વાદ (શુભેચ્છાઓ) પ્રાર્થનાઓ તમારી સાથે છે. એટલે મારું મરણોત્તર ભારતરત્નનું સપનું તમે જરૂર પૂરું કરી શકશો.

મને નવાઈ લાગે છે કે ડે ઈન ને ડે આઉટ તમે આવા લોકોને કેવી રીતે સહન કરી શકો છો, ક્યાંથી આવે છે તમારામાં આવી સહનશક્તિ, આવું મનોબળ? આવા એટલે મારો મતલબ છે માયાવતી જેવા. જેની પાસે અમુક સો કરોડનું કાળું નાણું પડ્યું છે તે દલિતોના નામનું શોષણ કરીને તગડી થયેલી તદ્દન જુઠ્ઠી મહિલા કાનપુર પાસે થયેલા કરુણ રેલવે અકસ્માત માટે તમને અને તમે લીધેલા ચલણ નિર્ણયને જવાબદાર ઠેરવે છે!

આવા એટલે કેજરીવાલ જેવા બેનંબરી નેતા જેમણે પોતાના રાજકીય પક્ષની વેબસાઈટ પરથી પાર્ટીને દાન આપનારાઓની નામાવલિ રાતોરાત હટાવી લીધી છે અને જે માણસ રોકડાની લૂંટ કરવા આવેલા લૂંટારાએ પોલીસના ડરથી પંખે લટકીને આત્મહત્યા કરી લીધી એ ચોર-ગુંડાની તસવીર બતાડીને એવો પ્રચાર કરે છે કે ડિમોનેટાઈઝેશને આ માણસનો ભોગ લીધો! તમે કેવી રીતે આ માયાવતીઓ અને કેજરીવાલોને સહન કરી શકો છો?

અને મમતા બેનર્જી? જેમને મમતાદીદી કહું તો ભારતની તમામ મોટી બહેનોનું અપમાન થાય. બંગાળમાં ચિટ ફંડના નામે થયેલા શ્રદ્ધા સ્કેમમાં સંડોવાયેલા, ગરીબોનાં કુલ અબજો રૂપિયાનાં નાણાં ગપચાવી જનારા લોકોની પડખે રહીને, એમનો બચાવ કરીને જે મહિલા રાજકારણીએ ઘણું મોટું પાપ કર્યું છે તે તમને કહી સંભળાવે છે કે તમે આ ચલણ નિર્ણય લઈને કૌભાંડ કરી રહ્યા છો?

તમને ખબર છે, સાહેબ, કે આ સાદગીનો દેખાડો કરનારાઓ માટે પબ્લિકને ઘૃણા થઈ ગઈ છે. તમે સીએમ તરીકે ક્યારેય જાહેર કર્યું નથી કે હું સરકારી તિજોરીમાંથી પગાર પેટે માત્ર એક રૂપિયો જ લઈશ. તમે તમારો હક્કનો પૂરેપૂરો પગાર દર મહિને તમારા બૅન્ક અકાઉન્ટમાં જમા થવા દીધો. અને બાર વર્ષ પછી તમે સી.એમ. મટીને પી.એમ. પદ ગ્રહણ કરવા ગાંધીનગરથી જઈ રહ્યા હતા ત્યારે એ પગાર પેટે બચેલી બધી જ રકમ તમે સચિવાલયના ફાર્થ ક્લાસ કર્મચારીઓ (પ્યૂન, સફાઈવાળા વગેરે)ની દીકરીઓના શિક્ષણ માટે એમને ભેટ આપતા ગયા. પ્રધાનમંત્રી બન્યા પછી પણ તમે એવો કોઈ દેખાડો કર્યો નથી કે ના, હું આટલા મોટા ઘરમાં નહીં રહું કે ના, હું તો એક રૂપિયો જ પગાર લઈશ.

સાદગીના દેખાડાઓ એવા લોકોએ કરવા પડે જેઓ અંદરથી ખદબદતા હોય. કેજરીવાલે સીએમ બનીને તરત કહ્યું કે હું તો સાદા ઘરમાં રહેવા જઈશ, પહેલે દિવસે (માત્ર પહેલે જ દિવસે) સીએમની કારને બદલે મેટ્રોમાં ટ્રાવેલ કરીને ઘરેથી ઑફિસ જવાનો તમાશો કર્યો. અમેરિકન કેજરીવાલ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી કે પ્રેસિડન્ટ બન્યા પછી હું માત્ર એક ડૉલરનો પગાર લઈશ. બાય ધ વે, તમને ખ્યાલ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પની રૂપાળી પત્નીએ છણકો કરીને કહી દીધું છે કે હું કંઈ ન્યૂ યોર્ક છોડીને વૉશિંગ્ટનના સરકારી ગેસ્ટ હાઉસ જેવા વ્હાઈટ હાઉસમાં રહેવા નથી જવાની. કાકીને ન્યૂ યોર્કમાં એવી તે કેવી જાહોજલાલી હશે કે પોતાના ટ્રમ્પનિવાસ કે ટ્રમ્પભવન (કે જે નામ હોય તે)ની સરખામણીએ વ્હાઈટહાઉસ એમને સરકીટહાઉસ જેવું લાગે. અફ્કોર્સ કાકીએ આવું કહેવાને બદલે પાંચમા ધોરણમાં ભણતા પોતાના બાબાની સ્કૂલ અધવચ્ચેથી ના બગડે એનું કારણ આપ્યું છે, પણ આ તો વાત નીકળી એટલે.

મમતા બેનર્જીની, જેમ સાદગીનો દેખાડો કરવા તમારે પગમાં સો બસો રૂપિયાની રબરની બ્લ્યુ પટ્ટીવાળી સ્લિપર્સ નથી પહેરવી પડતી કે ઈન્દિરા ગાંધીની જેમ એચ.એમ.ટી.ની તે વખતે દોઢસો રૂપિયામાં વેચાતી સારી દેશી ઘડિયાળ પણ નથી પહેરતાં. તમે તમારી ઘડિયાળ, તમારી ચશ્માંની ફ્રેમ, તમારાં કપડાં, ઈવન તમારાં ફૂટવેરમાં પણ મેં માર્ક કર્યું છે કે બહુ જ ડિસન્ટ અને ક્વાઈટ ઈમ્પ્રેસિવ હોય છે અને બટ નેચરલ એક્સપેન્સિવ પણ હોવાનાં જ. અને હોવાં જ જોઈએ, સાહેબ.

આમ છતાં તમારા જીવનમાં શરૂઆતથી અત્યાર સુધી કેવી સાદગી છે તેની અમને ખબર છે. એ સાદગીનો તમે કદી દેખાડો કર્યો નથી. તમે તમારી પ્રામાણિકતાનાં ગુણગાન ગાયા વિના વ્યવહારોમાં, અને નીતિમત્તામાં પ્રામાણિક રહ્યા છો. તમે તમારી આસપાસ, તમારા ઉદ્યોગપતિ મિત્રોનો ધનવૈભવ જોવા છતાં એ સર્વથી અલિપ્ત રહ્યા છો. ગાંધીજીમાં એ જોવા મળતું – અમારી બે-ત્રણ પેઢી અગાઉના વડીલોને. મોટા – મોટા ધનિક શ્રીમંતો એમની આસપાસ રહેતા છતાં પોતે ફકીર જેવા. તમે નવા જમાનાના સૂટેડબૂટેડ અને સુઘડ ફકીર છો.

આ ચલણનિર્ણય લેવાનો પહેલવહેલો વિચાર તમને જે દિવસે આવ્યો હશે એ રાત તમારી જબરજસ્ત મનોમંથનમાં વીતી હશે એવી મારી કલ્પના છે. તમે કદાચ ઊંઘી નહીં શક્યા હો એમ વિચારીને કે આ દેશમાં પેરેલલ ઈકોનોમીમાં સામેલ હોય એવા તમારા મતદારો યુ.પી.ની ચૂંટણીમાં કે પછી નેકસ્ટ લોકસભાની ચૂંટણીમાં તમારી સાથે રહેશે કે નહીં. તમને જે લોકો કામ લાગતા રહ્યા છે એ તમારી સપોર્ટ સિસ્ટમના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, મીડિયાહાઉસીસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી વગેરે બધા જ લોકો તમારા આ નિર્ણયથી રાતોરાત અમુક ટકા ‘ગરીબ’ થઈ જવાના એની પણ તમે કલ્પના કરી હશે. આ લોકોને બચાવવા તમે એમને આગોતરી જાણકારી આપી દીધી છે એવો આક્ષેપ પેલા દોઢ ટકાના લોકો કરવાના છે એવું તો તમે જરૂર વિચાર્યું હશે, ભારતમાં જ નહીં, દુનિયાના કોઈપણ દેશમાં આવો અભૂતપૂર્વ, ઐતિહાસિક નિર્ણય લેવાયો નથી. એ માટે ૯૮.૫ ટકા પ્રજા પ્રશંસા કરશે અને બાકીની દોઢ ટકાવાળી દોઢડાહી પ્રજા તમારા માથે માછલાં ધોવામાં કંઈ બાકી નહીં રાખે એની કલ્પના પણ તમે કરી જ હશે.

અને દુશ્મન દેશમાં બનાવટી નૉટો છાપનારાઓ તેમ જ મોટી ચલણી નૉટોથી દારૂગોળા – શસ્ત્રોનું શોપિંગ કરતા આતંકવાદીઓ વિશે પણ તમે વિચાર્યું જ હશે કે એ લોકો તમારા માથે કેટલું મોટું જોખમ ઊભું કરી શકે એમ છે. જેમની શ્રીમંતાઈ બે નંબરી આવકમાંથી જ આવતી હતી તેવા વિવિધ ક્ષેત્રના લોકોથી માંડીને અંડરવર્લ્ડના લોકોની આંખમાં તમે કણાની જેમ ખૂંચવાના અને તમારી હસ્તી મિટાવી દેવા તેઓ કોઈપણ હદ સુધી જઈ શકવાના એવો વિચાર પણ તમને એ રાત્રે જરૂર આવ્યો હશે જે તમારા ગોવાના પ્રવચનમાં દર્દનાક રીતે પ્રગટી ગયો.

મુંબઈ જેવા શહેરમાં એક નાનકડો વોર્ડ ઑફિસર પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રસ્તો પહોળો કરવા માટે એ રસ્તા પર બંધાયેલી ગેરકાયદે દુકાનો તોડવાનું કામ શરૂ કરે છે ત્યારે એ તો નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતો હોય છે, પણ વરસોથી ગેરકાયદે બાંધેલી દુકાનમાં ધંધો કરનારાઓ માટે તો આ દુકાન જાય તો આજીવિકાનો સવાલ ઊભો થઈ જશે એવું એમને લાગે, એ બે નંબરિયો જીવ પર આવીને છટપટાહટ કરવા માંડે અને શક્ય છે કે આવા કેટલાક બે નંબરિયા ભેગા થઈને પેલા ઑનેસ્ટ વોર્ડ ઑફિસરને પતાવી પણ દે.

આ સિરીઝના મારા સૌથી પહેલા લેખમાં મેં જેમનો ઉલ્લેખ કરેલો કે જેમણે ‘હવે પ્રામાણિકતાનો યુગ આવશે’ એમ કહીને મારા ડાઉન પિરિયડમાં મારો હોંસલો બઢાવ્યો હતો તે મિત્રને મેં મારી આવી આશંકા વ્યક્ત કરી. એમણે કહ્યું કે, એવું નહીં થાય. કારણ કે તમે જેને દોઢ ટકામાં ગણો છો એ જ પ્રજા એવી ઈચ્છા રાખતી હશે, પણ એની સામે મોદીજીને બાકીની સાડા અઠ્ઠાણું ટકા પ્રજાના આશીર્વાદ છે જે એમનું સુરક્ષાક્વચ બની જશે.

આટલું સાંભળીને હું નિશ્ર્ચિંત થઈ ગયો છું. પણ તમારી સુરક્ષાની જવાબદારી જે જે લોકો પર છે એમણે તો પોતાનું કામ ટ્વેન્ટી ફોર બાય સેવન કરવાનું જ છે.

જરા હેવી થઈ ગયું નહીં? તો લો આ એક વૉટ્સેપિયું સંભળાવું:

માનનીય મોદીજી,

બસ એક બાર ઝૂઠ હી બોલ દીજિયે કી આપને ઈસ્તિફા દે દિયા…

ખુશી કે મારે હી સહી,

ખુજલીવાલ મરે તો સહી…

બસ, સાહેબ.

પત્રો લખવાની બહુ આદત તો રહી નથી. વૉટ્સઍપ પર જીભડો કાઢતા ઈમોજીસથી જ અમારું તો કામ ચાલી જતું હોય છે. પણ આ ઈશ્યૂ એવો હતો કે જરા લાંબી લેખણેે પત્ર લખવો પડ્યો.

એ જ લિખિતંગ,

ઘરમાં પડેલી પાંચસોની સાતમાંની ચાર નૉટ બદલાવીને બે હજારી નવી નૉટ લઈ, બાકી રહેલી ત્રણ નૉટને એની સાથે મઢાવીને રોજ નિરાંતે ઊંઘી જતો એક મતદાર, આ દેશનો નાગરિક અને તમારો ‘ભક્ત’.

આજનો વિચાર

મોદીનો કોઈ ભરોસો નહીં, અત્યારે લગ્ન માટે અઢી લાખ રૂપિયા ઉપાડવા દે ને પછી પુરાવા માટે સુહાગરાતની વીડિયો મગાવે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

કેજરીવાલ ને…
ભ્રષ્ટાચાર કી લડાઈ
લાલુ કે સાથ લડી,
કાલે ધન કી લડાઈ
મમતા કે સાથ
અબ બસ આતંકવાદ કી લડાઈ
બગદાદી કે સાથ લડના બાકી હૈ

– ફેસબુક પર ફરતું

( મુંબઇ સમાચાર : મંગળવાર, 22 નવેમ્બર 2016)

1 comment for “પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?

  1. Hemang barot
    November 23, 2016 at 1:52 PM

    ખૂબ સરસ…… વડાપ્રધાન વિશે નું તમારુવિશ્લેષણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *