સુપ્રીમ કોર્ટ, કેજરીવાલ અને વિપક્ષો શાંત પ્રજા પાસે રમખાણો કરાવવા માગે છે?

આમાં પ્રોબ્લેમ શું થયો છે કે જે લોકોએ શરૂમાં માનેલું કે આપણી પાસે તો આટલા લાખ જ છે ને, સેટિંગ કરી નાખીશું – એ લોકોના સી.એ.એ હાથ ઊંચા કરી દીધા એટલે હવે રહી રહીને તેઓ પણ પાણીમાંથી પોરા કાઢવા માંડ્યા છે.

અરવિંદ કેજરીવાલે તો એ કામ તરત જ કરી દીધું હતું. દિલ્હીના મુખ્ય મંત્રીના જવાબદાર લોકતાંત્રિક હોદ્દા પર બેઠેલો આ માણસ ભારતની પ્રજાને ઉશ્કેરતો હોય એ રીતે જાહેરમાં બોલ્યા કરે છે કે મોદીજી ૫૦૦-૧૦૦૦ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય રદ જાહેર નહીં કરે તો દેશની પ્રજા બગાવત કરશે.

કેજરીવાલ ઈચ્છે છે કે દેશની પ્રજા બગાવત કરે. એમણે ભારતના લોકોને ઉશ્કેરવાની ખૂબ કોશિશ કરી. પણ પ્રજા મોદીજીની સાથે છે. એક વૉટ્સઍપ ફરે છે જેમાં લખ્યું છે કે મોદીના ચલણ નિર્ણયનો વિરોધ કરનારાઓ બૅન્કોની લાઈનમાં ઊભા રહીને એક વખત ‘નરેન્દ્ર મોદી મુર્દાબાદ’નો નારો લગાવવાની હિંમત તો કરી જુએ. હકીકત શું છે એની ત્યાંની ત્યાં જ ખબર પડી જશે. કેજરીવાલની વાદે ચડીને બીજા વિરોધી પક્ષો પ્રજાને ઉશ્કેરવાની કોશિશ નહીં કરે એવું આપણે માનતા હતા. પણ કેજરીવાલ સાથે સુપ્રીમ કોર્ટ જોડાઈ. ભારતીય સર્વોચ્ચ અદાલત કહે કે ભારતની પ્રજા આ નિર્ણયના અમલીકરણને લીધે પડતા ‘ત્રાસ’થી વાજ આવીને રમખાણ કરી બેસશે.

સર્વોચ્ચ અદાલત આવું કહે? પ્રજાએ ઉશ્કેરવાની કોશિશ કરે? વાસ્તવમાં તો આવા ઍડમિનિસ્ટ્રેટિવ નિર્ણયો બાબતે અદાલતોને માથું મારવાની છૂટ જ ન હોવી જોઈએ. ચલણ નિર્ણય વહીવટી ડિવિઝન છે. કોર્ટે વળી શું કામ આ નિર્ણયને પડકારતી કોઈપણ બાબતની અરજી સાંભળવી પણ જોઈએ. લાત મારીને ફગાવી દેવી જોઈએ.

વળી એક હાઈ કોર્ટ જજે પણ મોદીનો કાન આમળતાં કહ્યું છે કે આ નિર્ણય હડબડીમાં અમલમાં મુકાયો છે, રોજ સરકાર નવા નવા નિયમો લાવે છે. જૂનામાં ફેરફાર કરે છે. હાઈ કોર્ટે જજમાં કાનૂનને લગતા વિષયોની જાણકારી હોય પણ કરન્સી કે અર્થતંત્ર વિશે એમને શું ખબર હોવાની? એમણે શા માટે મોદીના રાજકીય વિરોધીઓના કોરસમાં જોડાઈ જવું જોઈએ.

સરકારે કરન્સી બદલવાનો નિર્ણય કર્યા પછી એના અમલીકરણમાં શું તકલીફો પડે છે તેની વાસ્તવિકતાનું સતત ઊભે પગે મોનિટરિંગ કરીને છૂટછાટની તારીખો એક્સટેન્ડ કરી છે, નાનામોટા નિર્ણયો લઈને પ્રજાને રાહત આપવાની કોશિશ કરી છે. ગયા અઠવાડિયે ‘એક ધૂપછાંવ લેખ’માં લખી ગયો એમ જે કામ કોઈએ ન કર્યું હોય તેનો અમલ કર્યા પછી એની અસરકારકતા માટે તમારે ફાઈન ટ્યુનિંગ કરવું જ પડે. અને કરન્સી બદલવાના નિર્ણયની સિક્રસી જાળવવા અમુક પગલાં તમારે એ નિર્ણયની જાહેરાત કર્યા પછી જ લેવા પડે. સરકારે પહેલેથી જ દેશનાં બધા એ.ટી.એમ. રિકેલિબરેટ કરી નાખ્યા હોત તો નવી સાઈઝની નોટો એમાં બીજે જ દિવસે ફિટ થઈ જાત અને લોકોને તકલીફ ન પડત. આ અને આવી તદ્દન વાહિયાત તેમ જ ગમાર માણસ કરી શકે એવી આર્ગ્યુમેન્ટ્સ મોદી-વિરોધીઓ અને ચલણનિર્ણયથી અફેક્ટેડ લોકો કરે છે. અરુણ જેટલી આવા બેવકૂફોને જવાબ આપી ચૂક્યા છે કે એટીએમ મશીનોને રિકેલિબરેટ કરવાનું શરૂ કરી દીધું હોત તો વાત ખુલ્લી ન પડી જાત? કેવી વાત કરો છો તમે લોકો!

પ્લસ આ જે તકલીફો છે તે ટેમ્પરરી છે. કાયમની નથી. લોકોએ કંઈ રોજેરોજ લાઈનમાં ઊભા રહેવાનું નથી. જે લોકોના ઘરમાં પાંચસો-હજારની થપ્પીઓ હવે વિધવા થઈને પડી રહી છે તેઓ જ વિલાપ કરી રહ્યા છે. જેઓ આ પ્રકારનો લૉસ સહન કરી શક્યા છે કે જેઓ પાસે આવી નોટોનો સંગ્રહ છે જ નહીં કે જેઓ પોતાને થતાં નુકસાન કરતાં દેશને થતો ફાયદો વધારે જુએ છે તેઓ ન તો મોદીના ચલણ નિર્ણયની ખિલાફ છે, ન પ્રજાને પડી રહેલી ‘તકલીફો’ની આલોચના કરનારા તકવાદીઓના સૂરમાં સૂર પરોવે છે.

એક મજાની વાત કહું. વૉટ્સઍપ પર આ મેસેજ ફરે છે: સુપ્રીમ કોર્ટને બૅન્કોની બહાર લાગતી લાઈનોની ચિંતા છે. કોર્ટમાં લાગતી લાઈનોનું શું? સુપ્રીમ કોર્ટમાં ૬૧,૪૩૬ કેસ પેન્ડિંગ છે, હાઈ કોર્ટોમાં ૩૮,૯૧,૦૭૬ અને બાકીની નીચલી અદાલતોમાં બે કરોડ ત્રીસ લાખ ઓગણ્યાએંશી હજાર, સાતસો ત્રેવીસ કેસો પેન્ડિંગ છે એનું શું?

એક કટાક્ષમય ફોરવર્ડિયું મોદીને ટૉન્ટ મારતું મળ્યું કે દેશમાં રહેવું હોય તો અઢી લાખનો હિસાબ આપવો પડશે અન્યથા ૯,૦૦૦ કરોડ લઈને દેશ છોડીને જતા રહો. આ જ વાતને આગળ લઈ જતો બીજો સંદોશો વાંચો અને મેં એવા સંદેશાઓ મોકલનારાઓને લખેલા જવાબો વાંચો. પહેલે ઉસ આદમી કે સાઈન લે કે આઓવાળા ટોનમાં મેસેજ એવો મળ્યો કે પહેલાં એચએસબીસીના વ્હિસલ બ્લોઅરે આપેલાં ૬૪૮ અબજોપતિનું વિદેશમાં પડેલું કાળું ધન પાછું લાવો, જે કોર્પોરેટ કંપનીઓ રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું ડોનેશન આપે છે તેને પકડો, આને પકડો, તેને પકડો, માલ્યા અને લલિત મોદીને પકડો, અમારા જેવા ચુન્નુમુન્નુને શું કામ હેરાન કરો છો બાપલા!

આ રીતે ઈશ્યૂને ડાઈવર્ટ કરનારાઓ વિશેનો મુદ્દો ગયા અઠવાડિયે ‘આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ’ વાળા લેખમાં ચર્ચાઈ ગયો છે. પણ આ બાબતે હજુય લોકો દલીલ કરી રહ્યા છે એટલે મેં બધા ફોરવર્ડિયા મોકલનારા મિત્રોને જવાબ લખ્યો:

‘ગઈ કાલે મુંબઈની લોકલ ટ્રેનમાં એક સાથી મુસાફર સાથે મારી બોલાચાલી થઈ ગઈ. હાથાપાઈમાં મેં પેલાની ગરદન મરોડીને એને ખૂબ માર્યો. ચાર હાડકાં તોડી નાખ્યાં. અત્યારે હૉસ્પિટલમાં છે. પોલીસ મને પકડવા આવી ત્યારે મેં રૂઆબથી કહ્યું: ચલ હટ, હાથ મત લગાના… પિછલે દસ સાલ મેં મર્ડર કે ૩,૭૨૫ કેસ અનસોલ્વ્ડ. પહેલે વો સબ ખૂની કો પકડો, ફિર મેરે પાસ આઓ… પોલીસે શું કર્યું ખબર છે? મારો કૉલર પકડ્યો અને ચ્યા આઈલ્યા કહીને મને પોલીસ વાનમાં ધક્કો મારીને નાખી દીધો…’

મિત્રો, આ વાર્તાની ઇફેક્ટ સૌ મિત્રો પર કેવી પડી એના માટે તો તમારે જ એમને મળવું પડે. એક દોઢડાહ્યા અજાણ્યા કોકે કર્ણાટકમાં ભાજપના નેતાને દીકરાના લગ્નમાં સાડા છસો કરોડ વાપરવા મળે છે અને આમ જનતાને માત્ર અઢી લાખ રૂપિયા બૅન્કમાંથી ઉપાડવા મળે છેે તો એ બાબતે તમારે શું કહેવું છે એવું પૂછાવ્યું. મેં અજાણ્યા કોકને લાફો મારવાના અંદાજમાં લખ્યું કે: તમારી ફરિયાદ સાચી છે. આમ જનતાને પણ પોતાના ખાતામાંથી સાડા છસો કરોડ રૂપિયા ઉપાડવાની છૂટ મળવી જોઈએ!

અરે ભાઈ, રેડ્ડી કે એના જેવાઓનું જે થવાનું હશે તે થશે. સરકાર છે નેે. અને મોદી છે. તમે શું કામ ચિંતા કરો છો અને ન્યૂઝ ચેનલો કે કેટલાક છાપાવાળાની વાદે ચડીને ઈશ્યૂને ડાઈવર્ટ કરો છો. જે મુદ્દો છે તે ચલણ બદલીને કાળાં નાણાં પર અંકુશ લાવવાનો છે. ભ્રષ્ટાચાર નાથવા માટેના પગલાં જુદાં લેવાશે. બ્લેક મની અને કરપ્શન બે જુદી જુદી વાત છે એવું સમજાવ્યું તો ખરું. ગયા અઠવાડિયે ‘હાર્ડ અર્ન્ડ મની અને ઈઝી મની’ વાળા લેખમાં કેટલી વાર સમજાવવાનું?

આ બધા જ ટીકાકારોને જડબાતોડ જવાબ આપતો એક વૉટ્સઍપ આ લખાઈ રહ્યો ત્યારે જ આવ્યો: મોદીને તૈયારી નહીં કી યા મોદીને તૈયારી કરને નહીં દી!

આજનો વિચાર

જેવી રીતે ચવાઈને ચુથ્થો થઈ ગયેલા મેસેજની નીચે ‘માર્કેટ મેં નયા આયા હૈ’ લખવાથી એ તરોતાજા થઈ જાય છે એમ ‘અર્થશાસ્ત્રી’ કે ‘સી.એ.’ લખવાથી નોટબંદીને લગતા અનુમાનો તથા આલોચનાના મેસેજ ઓથેન્ટિક થઈ જાય છે.

વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

આવી અફવા ફેલાવીને કોણ ડરાવે છે કે મોદી સાહેબ હજી બાવન પાનામાંથી ચરકટની દૂરી જ ઊતર્યા છે!

ફેસબુક પર ફરતું

( મુંબઇ સમાચાર : સોમવાર, 21 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *