‘વાચકના મનમાં સ્ટારલેખક માટે કાં તો અહોભાવ ઊભો થવો જોઈએ કાં તિરસ્કાર’

૧૨ ઑગસ્ટ ૧૯૨૨ના દિવસે જન્મ્યા અને ૨૮ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ ગુજરી ગયા. ચુનીલાલ કાલિદાસ મડિયા. ૪૬ વર્ષના આયુષ્યમાં ગુજરાતી સાહિત્યને ચમકાવતા ગયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સ અને મુંબઈની સિડ્નહૅમ કૉલેજમાં ભણ્યા.

પરિચય ટ્રસ્ટ સાથે, વાડીલાલ ડગલી સાથે અને યશવંત દોશી સાથે મડિયાને ઘરોબો. પરિચય ટ્રસ્ટે મડિયાના અકાળ મૃત્યુ પછી ‘મડિયાનું મનોરાજ્ય’ નામનો સ્મૃતિગ્રંથ છાપ્યો હતો. પરિચયમાં લાઈફની પહેલી નોકરી કરી ત્યારે એક વખત પરિચયના પ્યૂન બાબુરાવની જોડે પરિચયની હમામ સ્ટ્રીટની જૂની ઑફિસે પેસ્ટ ક્ધટ્રોલવાળાઓ પર સુપરવિઝન માટે ગયો હતો. એલ.આઈ.સી.ના એ બિલ્ડિંગમાં આઈ.એન.ટી.ની પણ ઑફિસ હતી. રવિવારની રજાના દિવસે મોં પર હાથરૂમાલની બુકાની બાંધીને દવા છંટાવતો હતો ત્યારે મડિયાએ શરૂ કરેલા પોતાના માસિક ‘રુચિ’ના જૂના અંકોની ફાઈલ મળી આવી. ‘મડિયાનું મનોરાજ્ય’ વાંચેલું એટલે ખબર હતી કે મડિયા લેખનમાંથી સારું કમાતા, પૉશ ઈલાકામાં રહેતા અને કદાચ ગાડી પણ રાખતા (આયમ નૉટ શ્યોર, ખોટો હોઉં તો સુધારજો). પણ ‘રુચિ’ શરૂ કર્યા પછી મડિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું. ‘રુચિ’ બંધ કરવું પડ્યું હતું. હસમુખ ગાંધી પાસે પણ મડિયા વિશે ઘણી વાતો સાંભળેલી. ગાંધીભાઈ મડિયાની પર્સનાલિટીથી પ્રભાવિત હતા. કદાચ મડિયા અને ગાંધીભાઈ ઘણીબધી બાબતે સરખા હતા.

ચુનીલાલ મડિયાને મુંબઈ બહુ ઓછા યાદ કરે છે પણ કરે છે ત્યારે દિલથી કરે છે. વીસેક વર્ષ પહેલાં ભવન્સ, ચોપાટીમાં મડિયાને યાદ કરવામાં આવ્યા હતા. તે પ્રસંગે હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં છેલ્લા પાના પર મડિયાની મોટી તસવીર છાપીને ‘મડિયાનું મનોરાજ્ય’માંથી વાડીલાલ ડગલીનું આ અવતરણ ટાંક્યું હતું: ‘મને એમ લાગે છે કે મડિયા આકર્ષક સાહિત્યિક પત્રકાર થઈ શક્યા તેનું કારણ તેમના ગમા-અણગમા તીવ્ર હતા એ છે. તંત્રી પોતાના તંત્રીલેખો ભલે સમતોલ ભાષામાં લખે પણ (આ વાક્યના આ શરૂના ૮ શબ્દો ‘સમકાલીને’ ઑમિટ કર્યા હતા) કટારલેખક ઠાવકો થવા જાય તો એની કટાર કરમાઈ જાય. વાચકના મનમાં અહોભાવ કે તિરસ્કાર ઊભા ન થાય તો કટારલેખક મોળો પત્રકાર.’

ચુનીલાલ મડિયાના સમકાલીન (એમના કરતાં ઉંમરમાં ૪ જ વર્ષ નાના) એવા વાડીલાલ ડગલીને મડિયા સાથે, આગળ કહ્યું એમ, અંગત નાતો હતો અને ઉપરોક્ત શબ્દોમાં એમણે મડિયાના મિજાજને બરોબર પકડ્યો છે. મડિયાના સમકાલીનોમાંથી કેટલાયને એમના માટે ભારોભાર અહોભાવ હતો (જેમાંના એક ગાંધીભાઈ, જે મડિયા કરતાં ૮ વર્ષ જુનિયર) અને કેટલાય લેખકો-પત્રકારો મડિયા માટે તીવ્ર અગણમો ધરાવતા.

છેતાળીસ વર્ષ અને ઉપર થોડાક અઠવાડિયાં… આ ગાળામાં મડિયા ભરપૂર જીવી ગયા. ‘ચહેરાઓના વનમાં’ પુસ્તકમાં સુરેશ દલાલ લખી ગયા કે ભૂતકાળનું – અનુભવની એક એક ક્ષણનું મડિયા સર્જકતામાં રૂપાંતર કરતા.’ સુરેશ દલાલ કહે છે: ‘મડિયા આપણા સાહિત્યજગતમાં સંત્રી જેવા હતા. સાહિત્યની સૃષ્ટિમાં એમની એક નૈતિક ધાક હતી. સાહિત્યની સૃષ્ટિનો કોઈ પણ જીવ મિસબીહેવ કરતાં વિચાર કરતો, કારણ કે એને ખબર હતી કે કોઈની પણ શેહ કે શરમ વિના મડિયા બેધડક લખ્યા વિના નહીં રહે. ખુવારીના ભય વિનાની ખુમારી એટલે મડિયા.’

પત્રકારત્વમાં આવી નૈતિક ધાક, તમે સહમત થાઓ કે ન થાઓ, હસમુખ ગાંધીની હતી. આજે ગુજરાતી પત્રકારત્વમાં કેટલાય ચિરકુટો ગાંધીભાઈ, ગાંધીભાઈ કહીને લાળ પાડે છે પણ ગાંધીભાઈની હયાતિ દરમ્યાન આમાંનું કોઈ કરતાં કોઈ ખુલ્લેઆમ ગાંધીભાઈની તરફદારી કરતું નહીં, ગાંધીભાઈનાં જાહેર વખાણ કરવાની વાત તો બાજુએ રહી. ગાંધીભાઈનો પક્ષ લેવા જતાં ગાંધીભાઈએ જેમની સાથે દુશ્મનાવટ વહોરી છે એવા માંધાતા પત્રકારો-તંત્રીઓ તેમ જ વેેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા હલકટ લોકોની નજરમાંથી પોતે ઊતરી જશે એવા ડરને કારણે કોઈ ખુલ્લેઆમ ગાંધીભાઈની પડખે રહેતું નહીં. આ ફકરાનું પહેલું વાક્ય (‘પત્રકારત્વમાં આવી નૈતિક ધાક, તમે સહમત થાઓ કે ન થાઓ…’) મેં ગાંધીભાઈના નામ સાથે એમની હયાતિમાં લખ્યું છે. ગાંધીભાઈના ગયા પછી આ ચિરકુટો ગાઈબજાવીને કહેવા લાગ્યા કે અરે ભાઈ, અમે તો ગાંધીભાઈના હાથ નીચે તૈયાર થયા છીએ. ગાંધીભાઈના સ્વર્ગવાસ પછી એમને ‘ગુરુપદે’ સ્થાપવામાં પોતાની મહત્તા વધવાની છે એવી એમને ખબર હોય અને વળી તું વળી ક્યાં મારો શિષ્ય હતો, લાગ મળ્યે તેં જ તો મારી ઘોર ખોદવા માટે લોકોને ઉશ્કેર્યા હતા એવું કહેવા માટે ગાંધીભાઈ હયાત નથી એની પણ એમને ખબર હોય એટલે આવું ધુપ્પલ તેઓ ચલાવ્યા કરે.

મડિયા. મૃત્યુના બાર વર્ષ પહેલાં મડિયાએ એક સોનેટ લખ્યું હતું. જીવવાની ખુમારી તો મડિયાએ પોતાની મેળે જ મેળવી લીધી હતી, પરંતુ મૃત્યુ વેળાની કોઈ લાચારી એમને જોઈતી નહોતી. સોનેટમાંની બે પંક્તિઓ છે: ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે… ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે.’

અને મડિયાનું મૃત્યુ પણ એમની ઈચ્છા મુજબ જ આવ્યું. ઉમાશંકર જોશીના શબ્દોમાં મડિયાની અંતિમ ક્ષણોનું આ વર્ણન: ‘૧૯૬૮ના ડિસેમ્બરની ૨૮મી. (અમદાવાદમાં) ઈન્ડિયન ‘પી.ઈ.એન.’ (પેન – પોએટ્સ, એરોઈસ્ટ્સ ઍન્ડ નોવેલિસ્ટ્સ)ના વાર્ષિક સંમેલનમાં બધા સાથે હૃદય ભરીને એ મળ્યા… સંમેલનના ઉદ્ઘાટક કાકાસાહેબ (કાલેલકર), માસ્તી વ્યંકટેશ આયંગર અને તેમનાં પત્ની, ખુશવંત સિંહ આદિ સાથે ભોજનમાં હતા… (રાત્રે) દસ વાગ્યે મણિનગર સ્ટેશનથી ટેલિફોન આવ્યો. સાડા નવે તો એમના ત્રણ પરમમિત્રો નિરંજન ભગત, છગનલાલ યાદવ અને ભાનુભાઈએ એમને અમદાવાદ સ્ટેશને ગુજરાત મેલ પર વિદાય આપી હતી – ગાડી ઉપડી, પોતાની જગ્યા પર ગયા, ને….! એ દિવસે અમદાવાદમાં દાક્તરી સંમેલન પણ હતું. ચાલતી ગાડીએ દાક્તરી સારવાર તરત મળી. પણ અમે મણિનગર ગયા ત્યારે… મડિયા જાણે દેશભરના સાહિત્યસમાજને મળવા જ જાણે (મુંબઈથી) અમદાવાદ આવ્યા ન હોય. છેલ્લી યાત્રાએ ઉપડ્યા ત્યારે શબ્દના આ બંદાઓની જમાતમાંથી એમણે મુકામ ઉઠાવ્યો.’

મડિયાએ ખૂબ લખ્યું. ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, હાસ્યલેખો અને હાસ્ય નવલકથાઓ, એકાંકી નાટકો, પ્રવાસવર્ણન અને ખૂબ સાહિત્યિક વિવેચન કર્યું. કોલમો પણ ખૂબ લખી. પોતાના માસિક ‘રુચિ’નું સંપાદન પણ કર્યું.

અમદાવદમાં મડિયાની અંતિમવિધિ વખતે રઘુવીર ચૌધરી ચોધાર આંસુએ રડ્યા હતા. એ વખતે રઘુવીરભાઈની ઉંમર ત્રીસ વર્ષની હતી, ‘અમૃતા’ પ્રગટ થઈ ચૂકી હતી. સ્મશાનમાં ચિતા પાસે જ્યંતી દલાલે ઠપકો આપતાં કહેલું: ‘આટલા બધા લાગણીશીલ!’

મડિયાની વિનોદવૃત્તિ વિશે એક પ્રસંગ રઘુવીર ચૌધરીએ સાહિત્યિક રેખાચિત્રોના સંગ્રહ ‘સહરાની ભવ્યતા’માં ટાંક્યો છે: ‘છેક છેલ્લા દિવસની વાત છે. સવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં પી.ઈ.એન.ની બેઠક ચાલે. ગુલાબદાસ (બ્રોકર) એમનો પોતાનો લેખ વાંચે. કાગળની એક બાજુ સાઈક્લોસ્ટાઈલ કરેલો લેખ શ્રોતાઓને વહેંચવામાં આવેલો. હું એમાં પણ ધ્યાન આપું. થોડી વારમાં મડિયા આવ્યા. બેઠા. પાંચેક મિનિટ પછી મને કાગળની પાછલી કોરી બાજુ ચીંધીને કહે: સી હિઝ બ્રાઈટ સાઈડ!’

મડિયાના જીવનની કદાચ છેલંછેલ્લી ધારદાર રમૂજ.

રઘુવીર ચૌધરી નોંધે છે: ‘લેખકો વિશે મડિયા બોલતા, ક્યારેક સત્ય, ક્યારેક સવાઈ સત્ય. દરેક વિશે એમના આગવા અભિપ્રાયો. આપણે સહમત થઈએ એવી અપેક્ષા પણ નહીં. રમૂજ માણી લઈએ કે એ આગળ ચાલે. ઘણાને એમના અવસાન પછી થયું હશે કે આપણે મડિયાની વિનોદવૃત્તિને એનાં વિવિધ પરિમાણોમાં જોઈ શક્યા હોત તો એમને દુશ્મન માની ન બેસત. અને મડિયાને તો દુશ્મનોની બીક ન હતી. એ એકે હજારા હતા.’

વધુ આવતા રવિવારે.

કાગળ પરના દીવા

જે લખાણની પ્રેરણા નર્યા આવેશમાં જન્મી હોય અને લખતી વખતે જે ભરપૂર તર્કબદ્ધતાથી લખાયું હોય તે જ લખાણ સુંદર બને છે.

-આન્દ્રે જિદ (નોબેલ પ્રાઈઝ વિજેતા ફ્રેન્ચ નવલકથાકાર, નિબંધકાર, નાટ્યકાર)

સન્ડે હ્યુમર

ગાંધારી: મેં મારા ૧૦૦ પુત્રોને એ.ટી.એમ.ની લાઈનમાં ઊભા રાખ્યા છે બે હજારની લિમિટને હિસાબે સાંજે બે લાખ રૂપિયા ઘરભેગા થઈ જવાના. કુન્તી: એમાં શું વળી મોટી ધાડ મારી? મેં તો મારા પાંચ પાંડવાના દ્રૌપદી સાથે લગ્ન થવાના છે એટલે લગ્નદીઠ અઢી લાખના હિસાબે સાડા બાર લાખ રૂપિયા વિથ્ડ્રો કરી લીધા છે!

( મુંબઇ સમાચાર : રવિવાર, 20 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *