કે દિલ અભી ભરા નહીં!

સોમવારથી કામે લાગીશું. ત્યાં સુધી એ જ ધંધો કરીએ જે અઠવાડિયા – દસ દિવસથી છાપાવાળા – ટીવીવાળા – અમે સૌ કોઈ કરે છે.

એક અંગ્રેજી છાપાએ લખ્યું છે કે આ નવ દિવસમાં રેસ્ટોરાંવાળાઓનો ધંધો ૫૦ ટકા ઘટી ગયો, રૂ. ૪૫૦ કરોડનો લૉસ થયો. જ્વેલરોનો ધંધો ૭૫ ટકા ઘટી ગયો, રૂ. ૭૫૦ કરોડની ખોટ ગઈ. આ જ રીતે રિટેલ દુકાનદારીમાં ૫૦ ટકાનો ઘટાડો થયો, રૂ. ૩,૧૫૦ કરોડની કમાણી તૂટી. આ જ રીતે બીજા આંકડાઓ આવ્યા છે. આ આંકડાઓની ઑથેન્ટિસિટી શું એ સવાલ કર્યા વિના એમને જવાબ આપીએ.

ગુજરાતી અખબારોના વેપાર-વાણિજયના પાને ‘મરીમાં સુધારો’, ‘ઘઉંમાં સુધારો’, ‘સોનામાં સુધારો’ એવાં મથાળાં વાંચીને અમારા આરાધ્યદેવ સ્વ. હસમુખ ગાંધી સૌને કહેતા કે આને સુધારો ન કહેવાય, ‘કુધારો’ કહેવાય. મરી, ઘઉં કે સોનાના ભાવો વધે એને કારણે આમ નાગરિક તો બિચારો દુ:ખી જ થવાનો છે, એણે તો ખરીદવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે, એના માટે સુધારો કેવી રીતે થયો? અને આપણે છાપું એક લાખ આમ નાગરિકો માટે છાપીએ છીએ કે એક હજાર વેપારીઓ માટે? અને ‘સમકાલીન’માં તેઓ ક્યારેય આવા ‘સુધારા’વાળા મથાળાં બાંધવા ન દેતા.

પેલા અંગ્રેજી છાપાવાળાને કહીએ કે હૉટેલ, ઝવેરીની દુકાનો કે થિયેટર વગેરેને તમારી દૃષ્ટિએ જે લૉસ થયો છે તે વાસ્તવમાં આમ પ્રજાએ આ ૯ દિવસ કરેલી બચત છે.

ભરત દાભોલકરનું નામ તમે સાંભળ્યું હશે. ‘અમુલ’ બટરનાં કાર્ટૂનવાળાં મોટાં હોર્ડિંગમાં દાયકાઓ પહેલાં જે જબરજસ્ત હ્યુમર આવતી તે ભરત દાભોલકરની દેણ. (અત્યારે બધી પી. જે. ટાઈપની થકેલી હ્યુમર આવે છે ‘અમુલ’નાં હોર્ડિંગ્સમાં. શબ્દોને મારી મચડીને એના શ્ર્લેષ – દ્વિઅર્થ કર્યા હોય). દાભોલકરની સેન્સ ઑફ હ્યુમર એમની ત્રણેક દાયકાથી ચાલતી ‘બૉટમ્સ-અપ’ નાટ્ય સિરીઝમાં પણ ચમકતી અને એ પોતે નાટ્ય અભિનેતા છે, ફિલ્મોમાં પણ કામ કર્યું. રામ ગોપાલ વર્માવાળી ‘કંપની’માં હતા. દાભોલકરે ફેસબુક પર એક વાત લખી છે. કહ્યું છે કે: ‘ડિમોનેટાઈઝિંગ (અર્થાત્ મોદીના ચલણ નિર્ણય) વિશે બે તદ્દન વિભિન્ન મત ચાલે છે એટલે હું ઘણો ક્ધફયુઝ છું. આપણે સૌ કોઈ ઈક્નોમિક્સ અને ફાઈનાન્સમાં નિષ્ણાત નથી એટલે પછી આ નિર્ણય સારો છે કે ખરાબ એ નક્કી કરવાનું કામ આપણને મોદી ગમે છે કે નથી ગમતા એના આધારે જ કરતા… પણ હવે મને આનું સોલ્યુશન મળી ગયું છે. જો નારાયણ મૂર્તિ, દીપક પારેખ, બિલ ગેટ્સ વગેરેને આ માસ્ટર સ્ટ્રોક લાગતો હોય અને રાહુલ ગાંધી, મમતા બેનર્જી, સીતારામ યેચુરી, મુલાયમ સિંહ યાદવ અને શિવસેનાને આ ખરાબ નિર્ણય લાગતો હોય તો હવે કોની તરફદારી કરવી ‘એનો નિર્ણય લેવાનું કામ ઘણું સહેલું છે. ઘણું સહેલું.’

હવે એક ફૉરવર્ડેડ મેસેજની ક્ધટેન્ટ શૅર કરી રહ્યો છું. આ ક્ધટેન્ટ ક્ધફર્મ કર્યા પછી શૅર કરી રહ્યો છું. ક્ધટેન્ટ આ પ્રકારની છે:

કેટલાક લોકો ગેરમાહિતી ફેલાવે છે કે ઊર્જિત પટેલ જો બે જ મહિના પહેલાં રિઝર્વ બૅન્કના ગવર્નર થયા હોય અને નવી નોટો છાપવાનું કામ છ મહિના પહેલાં શરૂ થઈ ગયું હોય તો આ નોટો પર ઊર્જિત પટેલની સહી કેવી રીતે?

આનો ખુલાસો આપતાં આ ફૉરવર્ડમાં કહેવાયું છે કે નવી કરન્સી છાપવાની સૌ પ્રથમ તૈયારીઓ છ મહિના પહેલાં શરૂ થઈ. તૈયારી એટલે એની ક્ધસેપ્ટ, ડિઝાઈન, એની પ્રોટોટાઈપ અથવા ડમી અથવા કહો કે સૅમ્પલ અને વિવિધ તબક્કે એ માટેનાં અપ્રુવલ્સ, કરેક્શન્સ વગેરે. સમજો ને કે ગાર્મેન્ટ પ્રોડક્શનમાં કેવી રીતે ડિઝાઈન, અપ્રુવલ, કરેક્શન્સ વગેરેમાં સમય જાય અને કટિંગ – સીવવાનું તો છેક છેલ્લા તબક્કાનું કામ હોય એમ અહીં પણ પ્રિન્ટિંગનો તબક્કો તો સાવ છેલ્લે આવે. આ પ્રોસેસ સમજયા કર્યા વિના લોકો નવી કરન્સી નોટમાં નવા ગર્વનરની સહી કેમ એવી શંકા ઉઠાવતા મેસેજીસને આડેધડ એકબીજાને વૉટ્સઍપ કર્યા કરે છે.

આ જ ફૉરવર્ડમાં બીજો ખુલાસો છે (ખુલાસો એટલે સ્પષ્ટતા. સડકછાપ હિંદી ચૅનલો જોઈ જોઈને ખુલાસો એટલે ‘ધડાકો’ – બ્રેકિંગ ન્યૂઝ – એવું કેટલાક ગુજરાતીઓ માનતા થઈ ગયા છે. બાય ધ વે, મરાઠીમાં ઘટસ્ફોટ નામનો એક શબ્દ છે જેનો મીનિંગ આપણા ઘટસ્ફોટ કરતા સાવ જુદો છે. મરાઠીમાં ઘટસ્ફોટ એટલે છૂટાછેડા!)

ખુલાસો એ સવાલનો જે વારંવાર પુછાતો રહ્યો છે: શું ભાજપે/મોદીએ અંબાણી – અદાણીને આ બાબતે મદદ કરી?

આ માત્ર એક અફવા ચલાવવામાં આવી છે. કાલ ઊઠીને કોઈ એવી અફવા પણ ચલાવી શકે કે કેજરીવાલ તો ગલ્ફ ક્ધટ્રીઝમાં આયા-ઘરકામ કરનારી મહિલાઓને બનાવટી વિઝા અપાવીને સેક્સના વેપારમાંથી કમાણી કરે છે. આક્ષેપો જ કરવાના હોય ત્યારે કોઈના બાપનું શું જવાનું છે એમાં. મોદી સરકારે મૂકેશ અંબાણીની રિલાયન્સ ઑઈલ પાસેથી રૂ. ૧૦,૦૦૦ કરોડની પેનલ્ટી વસૂલી છે. અગાઉની કૉન્ગ્રેસ સરકારો આ કામ કરી શકતી હતી, કારણ કે કોર્ટનો ચુકાદો હતો છતાં સોનિયા-રાહુલની સરકારે આ કામ નહોતું કર્યું જે મોદીએ કર્યું.

રિલાયન્સે જિયો લૉન્ચ કરીને મોદીના ચલણનિર્ણય પહેલાં જ કાળાનાં ધોળા કરી નાખ્યા. ખરેખર? જિયો ફ્રી છે એવું લૉન્ચિંગ વખતે તમને કહેવામાં આવ્યું જે વાસ્તવમાં ફ્રી નથી. તે વખતે એમણે ચાઈનામાં હજાર રૂપિયામાં મળતો ફોન તમને રૂ. ૭૦૦૦માં વેચ્યો. એમનો પ્રોફિટ તો ત્યાં જ બુક થઈ ગયો. પછી કાળાનાં ધોળા કરવાનો સવાલ જ કયાં આવ્યો?

રિઝર્વ બૅન્કના નવા ગવર્નર ઊર્જિત પટેલ રિલાયન્સમાં હતા, મૂકેશ અંબાણીના ખાસ માણસ છે અને એટલે જ મોદીએ એમને આ પદે બેસાડ્યા.

આર.બી.આઈ.ના ગવર્નર પસંદ કરવાની એક સર્વસામાન્ય સિસ્ટમ હોય છે. રઘુરામ રાજન જ્યારે રિઝર્વ બૅન્કના ગવર્નર હતા ત્યારે એમની સૌથી સિનિયર ટીમમાં ઊર્જિત પટેલ હતા. રાજન કે ઊર્જિત રિઝર્વ બૅન્કમાં જોડાયા ત્યારે ભાજપની સરકાર નહોતી. ઊર્જિત પટેલને સોનિયા ગાંધી – મનમોહન સિંહવાળી કૉન્ગ્રેસ-યુ.પી.એ. સરકારે ૧૧મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ડેપ્યુટી ગવર્નર બનાવ્યા હતા અને ગવર્નર જ્યારે નિવૃત્ત થાય ત્યારે ડેપ્યુટી ગવર્નર એ પદ સંભાળે એવી પ્રણાલિ કંઈ મોદીએ નથી બનાવી. ઈનફેકટ મોદીએ જો ઊર્જિત પટેલને કાઢીને બીજા કોઈને ગવર્નર બનાવ્યા હોત તો વિરોધ પક્ષે મોદીને ધોઈ નાખ્યા હોત. મોદીનો તો આ સૌએ આભાર માનવો જોઈએ કે આગલી સરકારે નીમેલા કેટકેટલાય ટોચના સરકારી અધિકારીઓને એમણે રહેવા દીધા છે, કૉન્ગ્રેસ હોત તો એણે ભાજપ સરકારે કરેલી આ બધી જ નિમણૂકો રદ કરીને દરેક જગ્યાએ પોતાના પિઠ્ઠુઓ ઘુસાડી દીધા હોત.

મૂળ મુદ્દા પરથી તમારું ધ્યાન બીજે દોરવા માટે કૉન્ગ્રેસીઓ, ‘આપ’વાળા, સામ્યવાદીઓ અને બાકીના સેક્યુલરો રોજે રોજ આવી અફવાઓ ફેલાવતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ ફેલાવશે.

મોદીના આ યુગપ્રવર્તક નિર્ણયની આપણા ચિરકૂટ જેવા ચશ્મિષ્ટ વિશ્ર્લેષકો ટીકા કરે છે પણ ‘ફૉર્બ્સ’, ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’, ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’, ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ વગેરે જેવાં આંતરરાષ્ટ્રીય અખબારો જે ભાગ્યે જ ઈન્ડિયાનું સારું બોલતા હોય – તે સૌએ મોફાટ પ્રશંસા કરી છે. ગૂગલ સર્ચ કરીને નેટ પર શોધી લેજો.

‘ટાઈમ્સ’ના ઊભડક સર્વેમાં જાયન્ટ મેજોરિટીએ આ નિર્ણયને ટેકો આપ્યો છે. અને રહી વાત જોકરવેડામાંથી ઊંચા ન આવતા દિલ્હીના મુખ્યમંત્રીની. વિધાનસભામાં કેજરીવાલ મોટા મોટા કાગળના થપ્પા પછાડીને કહી રહ્યા હતા કે મારી પાસે મોદી ખિલાફ આટલા પુરાવા છે. બીજે દિવસે દિલ્હીના રસ્તા પર આવી ગયેલા સી.એમ.એ પણ આ જ વાત દોહરાવીને કાગળની થપ્પીઓ બતાવી. તમને યાદ હશે કે આ જ જોકરે (યસ, ઝોકર સી.એમ. છે તેથી શું થઈ ગયું. જોકરો સી.એમ. ના બની શકે? કેજરીવાલે જ પુરવાર કરી બતાવ્યું છે કે બની શકે!) દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સમાં ‘આપ’ દ્વારા બદનામ થઈ ગયેલી ગાંધી ટોપી પોતાના વિકૃત દિમાગને ઢાંકવા માટે પહેરી હતી અને કાગળિયાના ‘પુરાવાઓ’ બતાવીને દેશને કહ્યું હતું કે ‘હું જો સીએમ બનીશ તો શીલા દીક્ષિતને બે જ દિવસમાં જેલમાં મોકલીશ. ૩૭૦ પાનાંના સબૂત છે મારી પાસે’!

આ કેજરીવાલ ગઈ કાલે ફરી એક વાર નૌટંકી કરવા દિલ્હીમાં બૅન્કની લાઈનોમાં ઊભેલા લોકો માટે ‘હમદર્દી’ જતાવવા ગયા ત્યારે સેંકડો લોકોએ ‘કેજરીવાલ હાય હાય’ અને ‘કેજરીવાલ ચૌર હૈ’ના નારા લગાવ્યા. ‘ઈન્ડિયા ટુડે’ની ચેનલના મુખ્ય ભાંગફોડિયા પત્રકાર રાજદીપ સરદેસાઈ દિલ્હીની એક બૅન્કમાં માઈકનો દાંડો લઈને ઘૂસી ગયા અને ઉશ્કેરી ઉશ્કેરીને દરેક જણને મોદીના ચલણ-નિર્ણય વિરુદ્ધ બોલવા માટે ઉત્તેજન આપ્યું પણ માં કસમ એક જણે રાજદીપની મંછા પૂરી કરી નહીં. કેજરી અને રાજદીપના વીડિયોઝ યુટયુબ પર સર્ચ કરવાથી મળી જશે.

અને છેલ્લે.

આ વિષય પરનું અત્યાર સુધીનું બેસ્ટ ફૉરવર્ડિયું કયું? દરમ્યાન, નાઈજિરિયાના લોકોને ઈન્ડિયાથી ઈમેલ મળવા લાગ્યા છે કે તમને એક કરોડની લૉટરી લાગી છે!

આજનો વિચાર

દરેક ભારતીયને વિનંતી કે પાંચસો – હજારની નોટોને મંદિરોમાં દાન કરવાને બદલે ચર્ચમાં ડોનેટ કરવી. તેઓ ‘ક્ન્વર્ટ’ કરી આપશે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

અને અત્યાર સુધીનો બેસ્ટ જોક આ, જેમાં નીચે જે શહેરમાંથી ફૉરવર્ડ કર્યો હોય તે શહેરના લત્તાનું નામ લખવામાં આવે છે:

કાળા ના ધોળા
અને
ધોળાના કાળા
તરત જ
કરી દેવામાં આવશે
તથા
તમારી ઈચ્છા મુજબ
સેટિંગ કરી આપીશું.

અ.બ.ક. હેરકટિંગ સલૂન (મુલુંડ-વેસ્ટ)

( મુંબઇ સમાચાર : શનિવાર, 19 નવેમ્બર 2016)

1 comment for “કે દિલ અભી ભરા નહીં!

  1. kiritsinh solanki
    November 23, 2016 at 11:08 PM

    મોદીના આ યુગપ્રવર્તક નિર્ણયની આપણા ચિરકૂટ જેવા ચશ્મિષ્ટ વિશ્ર્લેષકો ટીકા કરે છે પણ ‘ફૉર્બ્સ’, ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’, ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’, ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ વગેરે જેવાં આંતરરાષ્ટ્રીય અખબારો જે ભાગ્યે જ ઈન્ડિયાનું સારું બોલતા હોય – તે સૌએ મોફાટ પ્રશંસા કરી છે. ગૂગલ સર્ચ કરીને નેટ પર શોધી લેજો.
    👌👌
    ભાગ્યે જ ઇન્ડિયા નું સારુ નહીં પણ ભાગ્યે જ ઇન્ડિયા વિશે બોલતાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *