હાર્ડ અર્ન્ડ મની અને ઈઝી મની

નવા આઈફોનની ડિમાન્ડમાં ૯૦ ટકા ઘટાડો થયો છે આ સાત દિવસમાં એવા રિપોર્ટ્સ છે. આઈફોન જ નહીં તમામ લકઝરી ગુડ્સની માગમાં ઘટાડો થવાનો. વીતેલા અઠવાડિયામાં જસ્ટ આંટો મારવા ખાતર જે જે જગ્યાએ ગયા ત્યાં જોયું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની પ્રોડક્ટસનું વેચાણ ઘટી રહ્યું છે. શાકભાજી અને કરિયાણાના વેપારીઓનો ધંધો પૂર્વવત્ થઈ ગયો છે. દૂધ વગેરેની માંગ ઘટી નથી. પણ મૉલમાં રેડીમેડ કપડાંની દુકાનોમાં, મોંઘાં પગરખાં, મોંઘી હૉટેલો, વાઈન શૉપ્સ, ટીવી-ફ્રિજ જેવાં વ્હાઈટ ગુડ્સની દુકાનોમાં વેચાણ સાવ ઘટી ગયું છે. આની સામે પતંજલિનાં સસ્તાં શૅમ્પુ, ટૂથપેસ્ટ, ફિનાઈલ, વાસણ ઘસવાના સાબુ વગેરેના વેચાણમાં ઘટાડો થયો નથી. રિક્શાઓ અઠવાડિયા પહેલાં મળતી એના કરતાં વધારે આસાનીથી મળે છે – પિક અવર્સમાં શોર્ટ ડિસ્ટન્સ પર પણ આવવા તૈયાર થાય છે અને રિકશાવાળાઓ વીસ રૂપિયા લઈને મિનિમમ ભાડું ૧૮ કાપીને સામેથી બે રૂપિયાનો સિક્કો પાછો આપતા થઈ ગયા છે, આપણે પણ સાહેબ, અગાઉ જે બે રૂપિયા જતા કરતા તે સાચવીને, આભારવશ થઈને, લેતા થઈ ગયા છીએ.

રૂપિયાની કિંમત સમજાવા લાગે એવો જમાનો આવી ગયો છે. વડીલો કહ્યા કરતા કે ફિઝુલ ખર્ચા નહીં કરો, પૈસો બચાવો, ભવિષ્યમાં કામ આવશે. આજે હવે મધ્યમવર્ગીય લોકો ખિસ્સામાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ હોય તોય પાંચસો-હજાર રૂપિયાનાં ટીશર્ટ/જૂતાં/બૅગ જેવી વસ્તુ ગમી જાય કે તરત ખરીદી લેતાં નથી. પડોશના ઘરમાં પંચાવન ઇંચનું ટીવી આવ્યું એટલે અમારા ઘરમાં પણ હોવું જોઈએ એવી દેખાદેખીથી થતી ખરીદી કરીને લાંબા ભેગો જતો ટૂંકો મધ્યમ વર્ગ હવે દેવાથી મરશે તો નહીં જ, ઈ.એમ.આઈ.થી માંદો પણ નહીં પડે. કારણ કે એ સમજે છે કે જે પાડોશીની આવક મહિને બે લાખ રૂપિયાની હતી તે બધી જ બે નંબરની હતી. એના પર એ ટેક્સ નહોતો ભરતો. જ્યારે મારી આવક તો માત્ર પચાસ હજારની જ છે અને તેય ટીડીએસ કપાઈને આવે છે. પાડોશીની વાદે ચડવું મને પોસાય એમ નથી એવું મધ્યમ વર્ગના માણસને અગાઉ નહોતું સમજાતું. હવે સમજાશે, જ્યારે પાડોશી સ્ટ્રગલ કરી કરીને વ્હાઈટની આવક કમાવવાના પ્રયત્નો શરૂ કરશે. રાતોરાત એ પોતાનું કામકાજ બદલીને વ્હાઈટના બે લાખ કમાઈ શકવાનો નથી અને કમાશે ત્યારે પણ એ પૈસા પ્રત્યેની એની એટિટ્યૂટ લક્ષ્મીદેવી પ્રત્યે હોય એવી હશે, બારગર્લ પર કે કેટલાક ડાયરાઓમાં અભદ્રતાપૂર્વક ઉછાળવામાં આવતી નોટો પ્રત્યે હોય એવી એટિટ્યૂટ નહીં હોય. પાડોશી જ્યારે બે લાખ રૂપિયા વ્હાઈટના કમાતો થઈ જશે ત્યારે પણ એના ઘરના ઈન્ટિરિયરમાં અગાઉ કિચન પાછળ પચીસ લાખ અને બાથરૂમ પાછળ પંદર લાખ ખર્ચી કાઢવામાં આવતા એ રીતના ખર્ચા નહીં થાય. જીવ જ નહીં ચાલે.

હાર્ડ અર્ન્ડ મની અને ઈઝી મની વચ્ચે આ જ તો ફરક છે. ઈઝી મની વાપરવાનો ચસ્કો જ જુદો છે. એમાંથી નવો આઈફોન ખરીદવો હોય તો બેવાર વિચાર નથી કરવો પડતો. હાર્ડ અર્ન્ડ મની કહે છે કે સેમસંગનું જૂનું મૉડેલ ચાલી જશે. બહુ બહુ તો ત્રણસો રૂપિયાનું નવું બેક કવર લઈ આવીશું, હાથમાં નવો ફોન છે એવો આનંદ મળશે.

સુબ્રમણિયમ સ્વામીએ એક સારી વાત કહી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવી શકે એવું ભેજું છે એમની પાસે. એમણે કહ્યું કે ફોરેનથી અત્યાર સુધી ભારતમાં જે ઈન્વેસ્ટમેન્ટ આવતું તે મોટેભાગે લક્ઝરી ગુડ્સના ઉત્પાદન માટે આવતું. હવે જીવનજરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે વિદેશથી મૂડીરોકાણ આવતું થઈ જશે કારણ કે લક્ઝરી ગુડ્સની ડિમાન્ડ ઘટવાની. જેગ્વાર કે મર્સીડીસ કે બીમર ખરીદવાનાં સપનાં જોનારાઓ પાસે જે કંઈ વધારાનું વ્હાઈટનું ફંડ હતું તે હવે બીજે ડાયવર્ટ થવાનું કારણ કે બ્લેકનું નાણું હવે તેઓ વાપરી નહીં શકે. એમણે હૉન્ડા કે હ્યુન્ડઈ કે ટોયોટા જેવી ‘સસ્તી’ ગાડીઓ ખરીદવા પર ધ્યાન આપવું પડશે. ગાડીની એવરેજ પણ પૂછવી પડશે કારણ કે અગાઉની જેમ બ્લેક મનીથી પેટ્રોલ નહીં ભરાવી શકાય, ટેક્સ પેઈડ મની વાપરવા પડશે.

સાદગીની વાત નથી. ત્યાગની પણ વાત નથી. વૈભવ જરૂરી છે. પણ વલ્ગર દેખાડાઓ બંધ થઈ જવાના. સાવ બંધ તો, નહીં પણ ઘણા ઓછા થઈ જવાના. લગ્નો-સમારંભોમાં ડેકોરેટર્સ – કેટરર્સને કૅશથી બિલો ચૂકવાતાં તે હવે ચેક પેમેન્ટ કરવા પડશે. ઓછા ભપકાથી ચલાવી લેવું પડશે. જેમની પાસે અમુક સો કરોડ વ્હાઈટના છે તેમને તો હજુય પોસાશે. પણ જેઓ મધ્યમ વર્ગની રેખાની આસપાસ ગરબે ઘૂમે છે તે સૌ કોઈ હવે અનટેક્સ પેઈડ મની આ બધી લક્ઝરીઝમાં નહીં વાપરી શકે અને આ વાત સારી બનવાની. કોઈકે સમજાવ્યું હતું એમ ઈલેક્ટ્રિસિટી વાપરનારા સો ગ્રાહકોમાંથી જો પાંચ જણા લંગસિયું નાખીને વીજચોરી કરતા હોય તો એ પાંચ ઘરોમાં જે વીજળી વપરાઈ તેનો વીજભાર બાકીના ૯૫ જણા એ પોતાના બિલમાં ભરવો પડે છે. આ જ રીતે જેઓ પોતાની આવક પર ટેક્સ નથી ભરતા, બે નંબરના નાણાંથી વહેવાર ચલાવે છે એમની કરચોરીનો ભાર ઈન્ડાયરેક્ટલી, જેઓ ઑનેસ્ટ છે, ટેક્સપેયર્સ છે, એમણે ઉપાડવો પડે છે.

છેલ્લે એક વાત સમજવી જરૂરી છે. બ્લેક મની અને કરપ્શન – બેઉ જુદી જુદી વસ્તુઓ છે. ભ્રષ્ટાચાર વ્હાઈટ મનીથી પણ થઈ શકે છે અને જેઓ ભ્રષ્ટાચારી ન હોય તેમની પાસે પણ કાળું નાણું હોઈ શકે છે.

એક તદ્દન સાદો (અને બિલકુલ કાલ્પનિક) દાખલો આપું. હું પ્રવચન કરવા જઉં અને મારી ફીના અડધા પૈસા ચેકથી લઉં અને અડધા કૅશમાં લઉં તો કોઈ ભ્રષ્ટાચાર કર્યા વિના મારી પાસે કાળું નાણું આવવાનું.

હવે જો હું કાળું નાણું રાખતો જ ન હોઉં પણ પત્રકાર તરીકે કોઈને બ્લેક મેલ કરીને પૈસા પડાવતો હોઉં અને એ પૈસા મારા મૅગેઝિનમાં જાહેરખબર આપવાના બહાને ચેકથી લઈને બૅન્કમાં જમા કરતો હોઉં અને એના પર ટેક્સ પણ ભરતો હોઉં તો મારી પાસે બ્લેક મની ભલે ન હોય પણ હું ભ્રષ્ટાચારી જરૂર છું.

અત્યારે ભ્રષ્ટાચાર દૂર કરવા માટેનાં પગલાં નથી લેવાઈ રહ્યાં. બ્લેકમની દૂર કરવા માટેનાં પગલાં લેવાઈ રહ્યાં છે. ડોન્ટ એક્સપેક્ટ કે મોદીના ચલણનિર્ણયથી પંચાયત કે મ્યુનિસિપાલિટીમાં થતો ભ્રષ્ટાચાર અટકી જશે. એ આખી સિસ્ટમ જુદી છે. એને નાથવા માટેનાં પગલાં અલગ હશે. અત્યારે તો બધું જ ફોકસ દેશમાં જે કંઈ આર્થિક વહેવાર થાય તેના પર ટેક્સ ભરાય તે બાબત પર છે.

બસ, બવ ગ્યાન થૈ ગ્યું. હવે કામે લાગીએ?

આજનો વિચાર

જે લોકો કહી રહ્યા છે કે નોટબંદીથી ૧૨૫ કરોડ ભારતીઓને તકલીફ થઈ રહી છે એમને વિનંતી કે એમાંથી મારું નામ છેકી કાઢજો. મને કોઈ તકલીફ નથી થતી.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

રિપૉર્ટર: શું તમે નોટબંદીથી ખુશ છો?

લાઈનમાં ઊભેલો બકો: હા, ખૂબ સરસ નિર્ણય છે.

રિપૉર્ટર: અબે, તારે ટીવી પર દેખાવું છે કે નહીં.

બકો: બે દિવસથી ભૂખ્યો તરસ્યો લાઈનમાં ઊભો છું.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 18 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *