આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ

જ્યારે તમારા પગ તળેથી ધરતી સરકી જતી હોય અને જ્યારે તમે ડૂબતા હો અને તરણાનોય તમને સહારો ન મળે એમ હોય ત્યારે તમે શું કરો? બેફામ બની જાઓ, ઘાંઘા બની જાઓ, ધમપછાડા કરવા માંડો. કેરમ રમનારાઓની ભાષામાં તમારી કૂકરી ગાંડી થઈ ગઈ હોય ત્યારે શું કરવું?

અમારી પાસે એ સમસ્યાના કેટલાક રામબાણ ઈલાજ છે.

૧. પંત્તાંની બાજી વિખેરી નાખો. કોની પાસે કયું પત્તું છે એની સમજ ન પડે એ રીતે બધાં જ પત્તાં ફેંકી નાખો અર્થાત્ આડેધડ ભળતી જ દલીલો કરવા માંડો. દાખલા તરીકે ચર્ચા પાંચસો-હજારની નોટ પરના પ્રતિબંધ પરની થતી હોય, એ નિર્ણયની આડઅસરોની થતી હોય ત્યારે સાંઈબાબા હવામાંથી ભભૂતિ અને સોનાની ચેન કાઢતા હોય તેમ તમારે હવામાંથી વિજય માલ્યા અને લલિત મોદી કાઢવાના અને મંડી પડવાનું કે પહેલાં એમને ભારત પાછા લઈ આવો પછી બધી વાત. કોઈ તમને પૂછે કે એ બેને કે એમના જેવાઓએ જે કૌભાંડ કર્યાં એ તો તમારા પ્રિય નેતાઓ શાસનમાં હતા ત્યારે કયાર્ં તો તે વખતે તમે એમને કેમ પકડીને જેલમાં ધકેલ્યા નહીં, ત્યારે તમારે ઊલટાનું બમણા જોરથી ઉછળીને કહેવાનું કે માલ્યાને ભગાડવામાં મોદીનો જ હાથ છે, મોદીનો જ હાથ છે, માલ્યા મોદીનો માણસ, એને મોદીએ જ છટકી જવા દીધો. તમારી રાડારાડમાં મોદીના ચલણ-નિર્ણયની ચર્ચા અભરાઈએ મુકાઈ જશે. તમારા માટે મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી જેવી ભવ્ય જીત થશે અને ચર્ચામિત્રોમાં તમારો જયજયકાર થશે.

૨. પેટ દુખતું હોય ત્યારે કહેવાનું નહીં કે મને પેટમાં ચૂંક આવે છે. નહીં તો લોકો કહેશે કે હા, છેલ્લા સાત દિવસથી પેલું જ ખા ખા કરે છે તો પેટ દુખે જ ને! તમે સાત દિવસ નહીં સિત્તેર વર્ષથી આ દેશનું જે ખા ખા કર્યું તેને કારણે હવે તમારા પેટમાં ચૂંક આવતી હોય તો ફરિયાદ નહીં કરતા કે પેટ દુખે છે, નહીં તો વૈદરાજ મોદી તમારો કાન પકડશે ને પૂછશે કે શું ખાધું હતું આટલા દાયકાઓ દરમ્યાન? તમારે માથું કૂટીને ગરીબોની વાત કરવાની. હાય હાય ગરીબો બિચારાની કેવી હાલત થઈ ગઈ છે આ ડિમોનિટાઈઝેશનને કારણે, બિચારાઓ સાત – સાત દિવસથી ભૂખ્યાતરસ્યા બૅન્કોની લાઈનમાં ઊભા છે, સરકાર એમને પાણીનું પવાલુંય નથી આપતી. ગરીબો, દલિતો, બિછડે હુએ લોગ, મહિલાયેં, સિનિયર સિટિઝન્સ, વિકલાંગ – જે યાદ આવે તેમની દુહાઈઓ આપીને તમારે માથું કૂટવાનું. કોઈનું ધ્યાન નહીં જાય કે તમને પેટમાં શું ચૂકે છે.

૩. આંકડાઓ છુટ્ટા મારો. ન હોય તો ફેબ્રિકેટ કરો ને છેવટે કહો કે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું. ઈન્ટરનેશનલ મની વૉચને ટાંકીને ભારતના પીએમે એમના ચૂંટણી પ્રચારમાં કેટલા હજાર કરોડનું કાળું નાણું વાપર્યું તેનો ‘પુરાવો’ આપો. આ નામની કોઈ સંસ્થા છે કે નહીં અને હોય તો એનું ફંડિંગ ક્યાંથી આવે છે, શું કામ આવે છે એની તપાસ ચાલુ ચર્ચાએ કોઈ કરવાનું નથી હોતું, તમતમારે ફટકારો આંકડાઓ. ભારતનું નાઈન્ટી પર્સેન્ટ કાળું નાણું સ્વિસ બૅન્કોમાં છે, ચલણ નિર્ણયથી ભારતના રિટેલરોનો ૮૭.૩૬ પર્સેન્ટ બિઝનેસ ઘટી ગયો છે. દેશની ૯૩.૭૧ ટકા પ્રજા મોદીના આ નિર્ણયથી ત્રાસીને આપઘાત કરવા માટે ઉંદર મારવાની દવા ખરીદી ગઈ છે એવું કેમિસ્ટ એસોસિયેશન ઑફ સમથિંગ નથિંગનું કહેવું છે, ચલણ નિર્ણયથી ભારતની બ્લેક ઈકોનોમીમાં ત્રણસો ટકાનો વધારો થશે એવું રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ પટાવાળાનું કહેવું છે. કહો તમતમારે. તમે જ્યારે નિર્વસ્ત્ર થઈ જાઓ ત્યારે તમારી પાસે પહેરવા માટે માત્ર આંકડાઓ જ બચતા હોય છે.

૪. દલીલોની સંતાકૂકડી રમતાં તમને આવડે છે? આવો, શીખવાડું. પહેલાં તો તમારે આડેધડ કહી દેવાનું કે ભાજપના નેતાઓના ફાયદા માટે ચલણ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મારી પાસે પુરાવા છે કે ૭મી અને ૮મી નવેમ્બરે પશ્ર્ચિમ બંગાળની ફલાણી બૅન્કમાં ભાજપિયાઓએ આટલા કરોડની ૫૦૦-૧૦૦૦ની નોટો બૅન્કમાં જમા કરાવી દીધી. હવે કોઈ તમારી દલીલને પડકારતાં કહે કે ભાજપનું કાર્યાલય માત્ર પશ્ર્ચિમ બંગાળના એ શહેરમાં જ થોડું છે? આખા દેશમાં એ પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, કાર્યાલયો છે તો ત્યાંની બૅન્કોની બ્રાન્ચીઝમાં પણ કોઈએ ને કોઈ કરોડો જમા કેમ નહીં કરાવ્યા? અને બીજું, આગલે દિવસે જ શું કામ જમા કરાવવાનું રિસ્ક લે, પકડાઈ ના જાય? એમને જાણ થવાની હોય તો વેળાસર થઈ જાય જેથી તમારા જેવાઓ પકડી ના પાડે એ રીતે રોજ થોડા થોડા કરોડ સગેવગે કરી નાખે.

પણ આવી દલીલ સાંભળીને તમારે શરણાગતિ સ્વીકારી લેવાની કોઈ જરૂર નથી. તમારે સંતાકૂકડી રમવાનું શરૂ કરી દેવાનું. ના, હું કંઈ ટાંકી પાછળ નહોતો, પેલા કાતરિયામાં ભરાયો હતો એમ કહીને તમારે પલટી મારવાની. મોદીના આ નિર્ણયથી તમામ ભાજપિયા અને આર. એસ. એસ.વાળા નારાજ છે.

કોઈ તમને પૂછવા નહીં આવે કે તમે જ ઘડી પહેલાં કહ્યું હતું કે એ લોકોએ તો નોટો બદલાવી લીધી છે પછી હવે શું કામ એમનામાં નારાજગી હોય!

૫. વસ્તી ગણતરીવાળા આવે ત્યારે તમે નર છો કે નારી એવું પૂછે ત્યારે ભલે તમે એમ ન લખાવ્યું હોય કે હું ‘ન્યુટ્રલ’ છું પણ પેટ દુખતું હોય ત્યારે તમારે પહેલેથી જ કહી દેવાનું કે ભઈ, હું તો ‘ન્યુટ્રલ’ છું. હું ન તો આ નિર્ણયની ખિલાફ છું, ન એની તરફેણમાં છું. ન હું મોદી ભક્ત છું, ન મોદી વિરોધી છું. (આવું જ તમે ૨૦૦૨નાં રમખાણો વખતે કહેતા હતા, યાદ કરો: ન હું હિન્દુ તરફી છું, ન હું મુસ્લિમ તરફી છું, હું તો બસ માત્ર રાષ્ટ્રનું હિત જોઉં છું એટલે તિસ્તા સેતલવાડનો અને ડૉ. ઝાકિર નાઈકનો સાથ આપું છું).

તમારી ‘ન્યુટ્રાલિટી’ સ્થાપિત કરી દીધા પછી તમે જે કંઈ બોલશો, લખશો એને બીજા લોકો ભાવપૂર્વક ફૉરવર્ડ કર્યા કરશે, ખાતરી રાખજો. ભોળા, ઈનોસન્ટ વાસ્તવમાં તો ચૂહા જેવા લોકોને આવા ‘ન્યુટ્રલ’ લોકો બહુ ગમે.

૬. જે કંઈ દલીલ થઈ રહી હોય એના કરતાં ઊંધી જ વાત કરશો તો તમારું માન, તમારું ઈમ્પોર્ટન્સ વધશે. ફલાણાએ આવું કહ્યું છે એમ કહીને કોઈ તમારી આગળ આદરણીય માણસની વાત ટાંકે તો તમારે કહેવાનું કે એમને ખબર જ નથી કે હકીકત તો આ છે, આવું કહેશો તો તમારી આસપાસના લોકો પેલા આદરણીય માણસ કરતાં પણ તમે વધુ વિદ્વાન છો, વધુ સમજુ છો, વધુ હોંશિયાર છો એમ માનીને સાષ્ટાંગ દંડવત્ કરતા થઈ જશે. તમને બાબાગુરુ ગણતા થઈ જશે.

૭. તમારી પાસે હંમેશાં બે ધારવાળું ચાકુ રાખવાનું. આ બાજુથી કોઈની દલીલ ન કપાય તો તરત જ બીજી ધારથી કાપવાની. દુનિયાના કોઈ દેશમાં આ રીતે ચલણી નોટો પાછી ખેંચવામાં આવી નથી અને મોદીનો નિર્ણય બેવકૂફીભર્યો છે એવી દલીલ તમે કરો અને સામે કોઈ કહે કે દુનિયાના કોઈ દેશે ચંદ્ર પર માણસ ન મોકલ્યો હોય ને કોઈ દેશ મોકલે ત્યારે એ પગલાંની ટીકા કરવાની હોય કે પ્રશંસા?

આવું સાંભળીને તમારે ઝંખવાણા પડી જવાની બિલકુલ જરૂર નથી. તમારે છરીની બીજી બાજુ વાપરીને બકરો હલાલ કરવાનો અને કહેવાનું કે: ‘વાંધો નહીં, આવો નિર્ણય લેવામાં. પણ લોકોને આ રીતે લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે એ જોવાની જવાબદારી શું સરકારની નથી? સરકારના આ પગલાંથી દેશનું ભલું થશે કે નહીં એ તો સમય જ કહેશે પણ અત્યારે બિચારો ગરીબ અને મધ્યમ વર્ગ જે યાતનામાં ભીંસાઈ રહ્યો છે એનાં આંસુ કોણ લૂછશે?’ તમારી આ દર્દભરી દલીલ સાંભળીને આગલી બેવકૂફીને લોકો ભૂલી જશે.

૮. આંખ આડા કાન કરતાં તમને આવડે છે? ના, ના. એમ કાન કાપીને તમારી આંખ પર મૂકવાની સર્જરી નહીં કરાવી લાવતા. આ તો એક રૂઢિપ્રયોગ છે. તમને શીખવાડું કે આંખ આડા કાન કેવી રીતે કરવાના હોય.

કાશ્મીરમાં દિવસો કે અઠવાડિયાઓ સુધી નહીં, પણ મહિનાઓ સુધી આતંકવાદીઓને કારણે જનજીવન ખોરવાયેલું રહ્યું છે, કર્ફયુ લાગતો હોય છે. મમતા બેનર્જીની પાર્ટીએ અગાઉ વારંવાર બંગાળ બંધ અને ભારતબંધ કરાવ્યાં છે. સામ્યવાદીઓ તો છાશવારે દેશના વિવિધ પ્રદેશોમાં બંધનાં એલાન આપતા રહે છે. ખુદ કૉન્ગ્રેસ પણ આ પાપમાંથી મુક્ત નથી. શિવસેનાએ મુંબઈ બંધ અત્યાર સુધીમાં કેટલીવાર કરાવ્યાં તેનો હિસાબ ખુદ શિવસેના પાસે જ નહીં હોય. આ બધી પાર્ટીઓ અને આ બધા નેતાઓના બંધ દરમ્યાન શું બૅન્કો ખુલ્લી રહેતી હતી? એટીએમ સુધી જવાનું હતું? અરે, દૂધ-શાકભાજીનાય ફાંફા હતા અને દુકાનોય બંધ રહેતી. દાળચોખાય નહોતા મળતા. કામ પર જવાનું નહીં, બેકાર બનીને ઘરમાં બેસી રહેવું પડતું. ગરીબ અને મધ્યમવર્ગની આ બધી જ અગવડો જે તમારે લીધે ઊભી થઈ તેને તમારે અત્યારે નજરઅંદાજ કરવાની. માત્ર ફોકસ એટલું જ રાખવાનું કે લોકોને ચલણી નોટો બદલાવવામાં કે વટાવવામાં તકલીફ પડે છે. બાકી બધો જ વ્યવહાર દેશભરમાં રાબેતા મુજબ ચાલે છે એનો ઉલ્લેખ પણ નહીં કરો ત્યારે તમે સફળતાપૂર્વક આંખ આડા કાન કર્યા છે એવું કહેવાશે.

અને હજુ એક વાત.

૯. તમે આજે જે કંઈ છો તે બેઈમાન લોકોએ તમારા માટે વાપરેલી બે નંબરી આવકને કારણે છો. તમારા પોતાના ઘરમાં કરોડો રૂપિયાની પાંચસો-હજારની નોટો ઉધઈ ખાઈ રહી છે. આવા સંજોગોમાં તમારે યુપીનરેશ અખિલેશ મુલાયમસિંહ યાદવની જેમ જાહેરમાં બ્લેકમનીનો બચાવ કરતાં કહેવાનું કે: ‘કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે એમ બ્લેક મનીને લીધે જ તો ઈન્ડિયાની ઈકોનોમી રિસેશન દરમ્યાન – મંદી દરમ્યાન ટકી રહી હતી.’

અખિલેશને કોઈ પૂછતું નથી એમ તમને પણ કોઈ નહીં પૂછે કે અણ્ણા હઝારેએ જ્યારે ભ્રષ્ટાચાર અને કાલાધન વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ ચલાવી ત્યારે તમે આ દલીલ કરીને એમની સામે પડવાને બદલે એમનું ધોતિયું પકડીને એમની સાથે શું કામ ચાલતા હતા!

આજનો વિચાર

જો પ્રેમમાં પૈસાનું મહત્ત્વ જ ના હોત તો દરેક છોકરીના સપનામાં કોઈ રાજકુમાર જ કેમ આવે? કોઈ દિ’સાંભળ્યું છે કે મારા સપનામાં આજે મજૂર જાન લઈને આવ્યો હતો!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

જગો: કાકા, અહીંથી એસ.બી.આઈ.ની બ્રાન્ચ કેટલી આઘી?

કાકા: દોઢ-બે કિલોમીટર જેટલી હશે અહીંથી…

જગો: ત્યાં સુધી જવા કોઈ વાહન મળે? રિક્શા કે બસ, કંઈ પણ…

કાકા: છાનોમાનો મારી વાંહે ઊભો રઈ જા…

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 17 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *