એક ધૂપછાંવ લેખ

એક રીતે જોઈએ તો આજના લેખને અત્યારે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા સાથે કોઈ સંબંધ નથી અને બીજી રીતે જોઈએ તો છે.

૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે વડા પ્રધાને જે જાહેરાત કરી તેના અનુસંધાને લગભગ રોજેરોજ નાનીમોટી નવી જાહેરાતો આવતી રહે છે. બરાબર સાત દિવસ પછી જાહેરાત થઈ કે હવેથી નોટો બદલાવવા જનારની આંગળીએ મતદાન વખતે થતું એવું ટપકું થશે જેથી એકની એક વ્યક્તિ વારંવાર ન આવે. અગાઉના પાંચ-છ દિવસ દરમિયાન પણ અનેક જાહેરાતો થઈ. હૉસ્પિટલ – પેટ્રોલ પમ્પો પર જૂની નોટો ચલાવવાની તારીખ વધારવામાં આવી. ટોલ નાકા પર પૈસા લેવાનું બંધ થશે એવી જાહેાત થઈ. પછી એની ડેડલાઈન પણ વધારાઈ. એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે જે ચાર્જ લાગતો તે પણ ટેમ્પરરી નાબૂદ થયો. આવી નાનીમોટી અનેક જાહેરાતો મોદીના ચલણ નિર્ણય પછી થતી રહી છે.

સરકારની આ એજિલિટી છે. પ્રજાની કામચલાઉ સર્જાયેલી હાલાકિ દૂર થાય એ માટેની તત્પરતા છે. આંખ-કાન ખુલ્લા રાખીને સરકાર કામ કરે છે. એનો આ પુરાવો છે. બાર-બાર કલાકે ફિલ્ડમાંથી જે ફીડ બૅક મળે છે તેને સરકારી તંત્ર રિસ્પૉન્ડ કરે છે અને કરતી રહેશે.

કોઈ કહેશે કે પ્રોપર પ્લાનિંગ વિના ઉતાવળે જાહેરાત કરી દીધી એટલે રોજ નવી નવી જાહેરાતો કરવી પડે છે, નિર્ણયો બદલવા પડે છે.

ના, એવું નથી. પ્લાનિંગ પ્રોપર જ હતું અને એટલે જ ચોવીસ કલાકમાં લોકોને નવી નક્કોર બબ્બે હજારની નોટો મળતી થઈ. પ્લાનિંગ પ્રોપર હતું ત્યારે તો હવે મોટાભાગની પ્રજાના નાના નાના આર્થિક વ્યવહારો રાબેતા મુજબના થવા માંડ્યા છે. વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા વિપક્ષી રાજકારણીઓ અને મોદી છીંક ખાય તોય મોદી છેલ્લા શ્ર્વાસ લઈ રહ્યા છે એવો પ્રચાર કરવા માગતી ટીવી ચેનલો તમને ઊંધું જ ભરમાવે છે. તમે જાતે બૅન્કમાં જઈને અનુભવ કરી આવો. એક જ દિવસ લાઈનમાં ઊભા રહેવાની તકલીફ સહન કરવાની છે, આખી જિંદગી નહીં અને સાચું કહું તો તમારી જિંદગીમાં એક જ વખત આવો વખત આવવાનો છે માટે આને તકલીફને બદલે તમારે લહાવો ગણવાનો હોય. હા, ચાર કલાક તડકામાં નોટ બદલાવવા કે રકમ વિથ્ડ્રો કરવાનો લહાવો લેવાનો છે. લાઈફમાં આવો મંગળ અવસર ફરી ક્યારેય નથી આવવાનો. ઘરે બેસીને કકળાટ કરવાને બદલે નીચે ઊતરી ને એક વખત જરૂર આવો લહાવો લઈ આવો – જો ઘરમાં વાપરવા જોગ કૅશ ન હોય તો.

કોઈ પણ કામ જે તમે કે બીજા કોઈએ અગાઉ ન કર્યું હોય તે થાય ત્યારે એના અમલમાં મુકાયા પછી જ ખબર પડે કે હવે ક્યાં ફાઈન ટ્યુનિંગ કરવાનું છે, પ્લાનિંગના સ્ટેજ પર જે લૂપહોલ્સ એન્વિસેજ ના કર્યા હોય એ પ્લગ કરવાના છે, પ્લાનિંગ વખતે જે બાબતો અન્ડરએસ્ટિમેટ કરી હોય તે ગણતરી હવે સુધારી લેવાની છે.

વૉર વખતે કેટલું મેટિક્યુલસ પ્લાનિંગ થતું હોય છે? થતું હોય છે કે નહીં? ઝીણામાં ઝીણા લૉજિસ્ટિક્સની વિગતો, સ્ટ્રેટિજીની વિગતો કાગળ પર પ્લાન થયા પછી જ દુશ્મન દેશ પર હલ્લો બોલાવાતો હોય છે. આમ છતાં બેટલ ફિલ્ડમાં સૈનિકો ઘવાય છે, ક્યારેક શહીદ થાય છે, ક્યારેક અણધારી આપત્તિઓ આવી પડે છે, રાશન કે દારૂગોળાનો સપ્લાય ફરીથી મગાવવો પડે. આટલું મેટિક્યુલસ પ્લાનિંગ થયેલું હોવા છતાં આવી બધી અણધારી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જે તમારે એ સર્જાય ત્યારે તરત જ એની સાથે ડીલ કરવું પડે.

તમારી પોતાની જિંદગીમાં એવી કેટકેટલીય બાબતો બની હશે, યાદ કરો, જ્યારે તમે જબરજસ્ત પ્રોપર – મેટિક્યુલસ પ્લાનિંગ કરીને કોઈ નિર્ણય લીધો હોય અને લીધા પછી એનો અમલ કરતી વખતે ખ્યાલ આવે કે અરે, આ બાબત તો ધ્યાનમાં જ નહોતી, કે અરે પેલું તો ધ્યાનબહાર જ રહી ગયું. અને તમે વિધાઉટ લુકિંગ બૅક, તમારા નિર્ણયનો ગોટો વાળ્યા વિના એ નાની નાની બાબતો સાથે ડીલ કરો. તે વખતે તમારી આસપાસના કુટુંબીઓ/ મિત્રો/ કલીગ્સ વગેરે તમને ટોણો મારવાના, ખખડાવવાના પણ, કે શું જોઈને આવા નિર્ણયો લેતા હશો, પહેલેથી વિચારીને ન રખાય કે અત્યારે હવે દોડાદોડ કરો છો, એવા કયા મોટા રહી ગયા હતા આવા નિર્ણયો લીધા વગર.

જિંદગીમાં કંઈક મોટું – મહત્ત્વનું કામ કરવું હોય, કોઈએ ક્યારેય ન કર્યું હોય એવું કામ કરવું હોય તો આવું થવાનું જ. આવું થશે એવા ડરથી, કોઈ તમારો ઉધડો લઈ નાખશે એવા ડરથી, તમારી જિંદગીને લગતા મહત્ત્વના, ઑફબીટ નિર્ણયોનો અમલ કરતાં અચકાવાનું નહીં. નાનીમોટી ધ્યાન બહાર રહી ગયેલી વાતો અમલીકરણ પછી ફાઈનટ્યુન કરી લેવાની.

બીજી વાત.

મોદીના આ નિર્ણયથી શું કાળું નાણું સાફ થઈ જશે? ફરી ક્યારેય નહીં સર્જાય? આ બેઉનો જવાબ નેગેટિવમાં છે. કાળું નાણું હન્ડ્રેડ પર્સેન્ટ સાફ થવાનું નથી. અને ભવિષ્યમાં ફરી કાળું નાણું સર્જાવાનું જ છે.

સિન્સ સર્જાવાનું જ છે એટલે તમારે અત્યારે તમારા ઘરની ગટર ઊભરાતી હોય તે સાફ નહીં કરાવવાની? બે વર્ષ પછી પાછી ઊભરાશે તો રહેવાદોને અત્યારે, ખોટી માથાકૂટ શું કામ કરવી એવું વિચારશો તમે? આ તો એક ઑન ગોઈંગ પ્રોસેસ છે.

આ એક નિર્ણયથી કાળું નાણું સદંતર સાફ થઈ જશે? કાળું નાણું સાફ કરવા માટેના ઘણા બધા નિર્ણયોમાંનો આ એક નિર્ણય છે. અગાઉ કેટલાક લેવાયા હતા, ભવિષ્યમાં બીજા કેટલાક લેવાશે.

તમારો દીકરો કમાતો-ધમાતો નથી એટલે એને નોકરીએ લગાડી દો એના બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે એમ માનીને તમે એને ક્યાંક સારી નોકરીએ લગાડી દો છો. શું એના બધા જ પ્રોબ્લેમ આ એક નિર્ણયને કારણે સોલ્વ થઈ જશે? પૈસાના પ્રોબ્લેમ સોલ્વ થશે. પણ એય જો એ ઉડાઉ નહીં હોય તો, જો એ નિયમિત નોકરી કરવા જશે તો. પણ એનો જે પીવાનો પ્રોબ્લેમ છે તે તો નોકરી મળવાથી સોલ્વ થવાનો નથી. એનો જે વાતે વાતે ઝઘડી પડવાનો પ્રોબ્લેમ છે તે તો નોકરી મળી જવાથી સોલ્વ થવાનો નથી. એને એની પત્ની માટે સતત શંકા રહે છે એ સમસ્યા તો આ નોકરીથી ઉકેલાવાની નથી.

જિંદગીની કોઈ પણ મોટી સમસ્યા માત્ર એક નિર્ણય લેવાથી ઉકલી જતી નથી. દરેક સમસ્યાના ઉકેલ માટે એક કરતાં વધુ નિર્ણયો લેવા પડે. અને એ વધારાના નિર્ણયો લીધા વિના જો એકમાત્ર નજરે ચડતો ઉકેલ અમલમાં મૂકીને રાહ જોયા કરીએ કે બસ, હવે એ સમસ્યાનું નિરાકરણ આવી ગયું તો એવું થવાનું નથી, મિત્રો. તમને જો એમ લાગતું હોય કે લગ્ન કરવાથી તમારા બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે તો તમે લગ્ન કર્યા પછી પણ નાખુશ જ રહેશો. તમારી ઘણી બધી સમસ્યાઓ એમની એમ જ રહેવાની છે લગ્ન કર્યા પછી પણ. એ માટે તમારે લગ્ન કરવા ઉપરાંત બીજા ઘણા નિર્ણયો લેવાના આવશે. તમારી આર્થિક બાબતો અંગેના, તમારા સ્વભાવ, તમારા સંબંધો અંગેના. સામેની વ્યક્તિને લગતા નિર્ણયો પણ તમારે લેવાના આવશે. માત્ર લગ્ન કરી લેવાથી એ બધા જ પ્રોબ્લેમ્સ ઉકલી જવાના નથી.

આવું જ નવું ઘર લેવાની બાબતમાં, આવું જ ગાડી ખરીદવાની બાબતમાં કે આવું જ જિંદગીની દરેક મહત્ત્વની દરેક બાબતમાં. ગાડી ખરીદી લેવાથી તમારી કમ્યુટિંગની સમસ્યા સો ટકા હલ થઈ જશે એવું માનતા હો તો તમે ખાંડ ખાઓ છો. તમારે રોજના પેટ્રોલ, મન્થલી ઈએમઆઈ અને ત્રૈમાસિક કે છમાસિક સર્વિસિંગના તેમ જ વાર્ષિક મેઈન્ટેનન્સના ખર્ચાની જોગવાઈ કરવાની રહેશે. પાર્કિંગની જોગવાઈ કરવાની રહેશે. ટ્રાફિકનો સામનો કરવાનો રહેશે. ગાડી બગડી જાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે. આવું જ નવા ઘર વેગેરની બાબતમાં.

કોઈ એક નિર્ણય લઈ લેવાથી એને લગતી તમામ સમસ્યાઓ નાબૂદ થઈ જતી નથી, તમારે એ નિર્ણયને આનુષાંગિક એવા બીજા અનેક નિર્ણયો અમલમાં મૂકવાની તૈયારી રાખવી પડે.

મને ખબર નથી કે આજે મેં મોદીના ચલણ નિર્ણય વિશે લેખ લખ્યો છે કે પછી કોઈક ભળતા જ વિષય વિશે!

આજનો વિચાર

રાત્રે ઠંડીના લીધે તાપણું કરવા આંગણામાં થોડો કચરો પેટાવ્યો…

…સવાર સવારમાં બધા પૂછતા હતાં: કેટલા હતા?

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

પહેલો મિત્ર: કેમ ટેન્શનમાં છે, યાર?

બીજો મિત્ર: મારી પત્નીના ખાતામાં પંદર લાખ નાખ્યા છે. ઈન્કમ ટેક્સવાળા એને પકડી તો જશે ને?

( મુંબઇ સમાચાર : બુધવાર, 16 નવેમ્બર 2016)d

1 comment for “એક ધૂપછાંવ લેખ

  1. અશ્વિન પટેલ
    November 19, 2016 at 10:19 PM

    Hello sir , I became a fan of U.. Recently I came to know about u..all the articles are excellent …thank U sir …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *