દસ રૂપિયાના સિંગદાણા ખાનારો બે હજારના છુટ્ટા માગી શકે?

તમે સવારે નોકરી કરવા ઑફિસે જઈ રહ્યા હો અને ન કરે નારાયણ અને લોકલ ટ્રેનમાંથી પડીને તમે પાટા પર કપાઈ જાઓ તો તમારાં સંતાનો તમે જેમની ઑફિસમાં કામ કરી રહ્યા છો એમને તમારા મોત બદલ જવાબદાર ઠેરવીને એમની પાસે વળતર માગી શકે?

હું જૂની પાંચસોની નોટ બદલાવા ઘરેથી નીકળું અને બૅન્ક પર પહોંચું એ પહેલાં રોડ અકસ્માતમાં મારું જયશ્રીકૃષ્ણ થઈ જાય તો મારા મોત બદલ મોદીનો ચલણનિર્ણય કારણભૂત છે એમ કહી શકાય?

તર્ક તો એમ કહે છે કે જો મોદીએ આ નિર્ણય ન લીધો હોત તો મારે જૂની નોટો બદલાવવા ઘરની બહાર નીકળવું જ ના પડ્યું હોત. હું ઘરમાં જ રહ્યો હોત એટલે મને માર્ગમાં એક્સિડેન્ટ ન નડ્યો હોત. આમ મારા મોત માટે મોદીનું જ ગળું

પકડવું જોઈએ અને તમારા મોત માટે તમારી ઑફિસના બૉસનું કે માલિકનું, કારણ કે એમણે તમને નોકરી આપી એટલે તમે ઑફિસે જવા નીકળ્યાને? નોકરી જ ન આપી હોત તો? તો તમે ઘરમાં જ હોત અને ટ્રેનમાં ટ્રાવેલ ન કરતા હોત. પછી પાટા પર કપાઈ જવાની દુર્ઘટના જ બની ન હોત.

આવા તર્કને જુઠ્ઠું લૉજિક કહેવાય અને આજકાલ જૂની ચલણી નોટ બંધ કરવાના મોદીના નિર્ણય પછી આવા ફૉલ્સ લૉજિકવાળાઓ ડાઈમ અ ડઝન તમને મળી આવશે. મુદ્દાસર જ વાત કરું. એક પછી એક પોઈન્ટ લઈએ:

૧. બૅન્કની લાઈનમાં ઊભા રહેલા કોઈ વૃદ્ધનું મોત થાય કે કોઈની પાસે નવા ચલણનો અભાવ હોવાથી એને સારવાર ન મળે ને એનું મોત થયું હોય તો એવા કિસ્સાઓમાં આપણી સહાનુભૂતિ છે, મોદીની પણ હશે જ. પણ એ કિસ્સાઓને મોદીના નિર્ણય સાથે સાંકળી શકો નહીં તમે લોકો, સમજ્યા?

૨. બે હજારની નોટ લઈને તમે દસ રૂપિયાનાં કેળાં કે સિંગચણા ખાવા જશો તો ફેરિયો તમને ૧૯૯૦ રૂપિયા કેવી રીતે છુટ્ટા આપવાનો છે? આ પણ એક આવો જ સ્માર્ટી કુતર્ક છે, છલનાભરી દલીલ છે. તમે અગાઉ ૧,૦૦૦ની નોટ આપતા હતા ત્યારે પણ (‘પણ’ બોલ્ડમાં વાંચજો) કેળાવાળો કે સિંગચણાવાળો તમને ૯૯૦ રૂપિયા છુટ્ટા નહોતો આપી શકતો. ઈવન ૫૦૦ની નોટ આપો તોય કેળાવાળો કે સિંગચણાવાળો છુટ્ટા નહોતો આપી શકતો અને દસમાંથી નવ કિસ્સામાં તમે સોની નોટ આપો તોય કેળાવાળો કે સિંગચણાવાળો તમને કહેશે સા’બ, છુટ્ટા હોગા તો દીજિયે.

આવી જુઠ્ઠી દલીલો કરવી કે તમને ૨,૦૦૦ના છુટ્ટા કોણ આપશે તો તમે ગેરમાર્ગે દોરો છો પ્રજાને. કેળાવાળો કે સિંગચણાવાળો ક્યાંથી લાવે ૨,૦૦૦ના છુટ્ટા?

૩. શનિવારે મારે નેક્સ્ટ વીક માટે ઘરખર્ચની જોગવાઈ કરવાની હતી, કારણ કે પેલી ૨,૦૦૦ની નવી નોટ તો હું મઢાવવાનો હતો. મારી બૅન્કમાં જઈને સેલ્ફના ચેક પર મેક્સિમમ લિમિટ જેટલા રૂ. ૧૦,૦૦૦ ઉપાડ્યા જેમાં કુલ મળીને બે-અઢી કલાક લાગ્યા. કશો વાંધો નહોતો. ભીડ હતી, બપોરની ગરમી હતી, પણ મને ખબર છે કે આ રોજનું નથી. નોર્મલ દિવસોમાં એટીએમમાં જઈને બે મિનિટ માટે મફતની ઍરકંડિશન્ડ હવા માણીને પૈસા કઢાવ્યા જ છે અને થોડા દિવસો પછી કઢાવી જ શકાશે.

૪. બૅન્કે પાંચ નોટ બે હજારવાળી આપી. બીજે દિવસે મારા નિયમિત કરિયાણાવાળાને ફોન પર ચારસોએક રૂપિયાની નાનીમોટી ચીજવસ્તુઓ માટે ઓર્ડર લખાવીને કહ્યું કે મારી પાસે બે હજારની નોટ છે તો છુટ્ટા મોકલજો. મારી મનોમન તૈયારી હતી કે જો એ ના પાડશે તો કહીશ કે જેટલા હોય એટલા છુટ્ટા મોકલજો અને બાકીના જમા રાખજો. અને ધારો કે એની પાસે બિલકુલ છુટ્ટા નથી એવું એ કહેશે તો બાકીના પંદરસો – સોળસો મારા નામે જમા રાખવાનું કહીશ જેથી આગામી દિવસોમાં જે કંઈ પણ મગાવીએ એનું બિલ કપાતું રહે. ઈન ફૅક્ટ, છેલ્લાં સાત-આઠ વર્ષથી મારા બિલ્ડિંગ પાછળના એ કરિયાણાવાળા સાથે મારે વહેવાર છે અને ક્યારેય એની પાસેથી ઉધારી કરીને માલ નથી લીધો પણ અત્યારના સંજોગોમાં જો મારી પાસે નવું ચલણ ન હોત તો આયમ શ્યોર કે એણે મને એટલો માલ તો ક્રેડિટ પર આપ્યો જ હોત, એ પછી પણ આપતો રહ્યો હતો અને આવા જ સંબંધો આપણને દરેકને આવા દુકાનદારો સાથે હોવાના. મારા આશ્ર્ચર્ય વચ્ચે એણે છૂટા આપવાની હા પાડી અને મારી પાસે સો-સોની પંદરેક નોટો આવી ગઈ.

કદાચ છુટ્ટા ન મળ્યા હોત તો પણ કોઈ મોટી અગવડ પડી ન હોત એ કહેવા માટે આ લખ્યું. અને આવી જ પરિસ્થિતિ દરેકની હોવાની. અગવડોનું એક્ઝજરેશન કરવાની મીડિયાને ટેવ પડી ગઈ છે.

૫. મીડિયામાં આવા અતિશયોક્તિભર્યા ન્યૂઝ જોઈને કોણ ગુસ્સે થાય છે? મારો અનુભવ તેમ જ મારું અનુમાન એમ કહે છે કે જેઓ પોતાના ઘરમાં બેસીને ટીવી પર લાંબી લાંબી લાઈનો જોતા રહે છે એવા લોકો. ઘરની બહાર નીકળીને જેઓ ખરેખર અગવડ ભોગવે છે એ લોકોને કોઈ જ ફરિયાદ હોતી નથી, કારણ કે એમને નાનીમોટી તકલીફ પડ્યા પછી કાં તો નોટ્સ એક્સચેન્જ કરી આપવામાં આવી છે કાં તો ખાતામાંથી કે એટીએમમાંથી તાત્કાલિક ખપપૂરતા પૈસા વિથ્ડ્રો કરવા મળ્યા છે.

૬. બૅન્કમાં સેલ્ફનો ચેક વિથ્ડ્રો કરાવવા ગયો ત્યારે પહેલાં આજુબાજુવાળા કુલ પાંચેક એટીએમ પર મેં આંટા માર્યા. કાં તો લાંબી લાંબી લાઈન હતી, કાં એટીએમ બંધ હતાં – પૈસાના અભાવે. એ દરેક એટીએમવાળી બૅન્ક પાસે ઊભા રહીને મેં જોયું કે બૅન્કનો સ્ટાફ ઈનવેરિયેબલી અત્યંત શાલીનતાપૂર્વક, ભદ્રતાપૂર્વક વર્તન કરતો હતો. ક્યારેક કોઈ ગ્રાહક તપીને વાત કરે તો પણ બૅન્ક અધિકારી નમ્રતાથી વર્તતા હતા અને આ એ સ્ટાફ હતો જેણે બૅન્કમાં નોકરી લેતી વખતે પોતાની એસી ક્યુબિકલની બહાર આવીને કલાકો સુધી તડકામાં ઊભા રહીને સેવા આપવી પડશે એની કલ્પના પણ નહીં કરી હોય અને માઈન્ડ વેલ, લાઈનમાં ઊભેલા લોકોમાંથી બધા જ એ બ્રાન્ચના કે એ બૅન્કના ક્લાયન્ટ નહોતા. રાધર, મોટા ભાગનાંઓનાં ખાતા તો બીજી જ કોઈ બૅન્ક કે બ્રાન્ચમાં હોવાના. આમ છતાં બૅન્કનો સ્ટાફ વિનયભર્યું વર્તન કરતો હતો. આપણી ઈન્ડિયન બૅન્ક્સના સ્ટાફની વર્તણૂક વિશે જે જૂની છાપ છે તે ફાઈનટ્યુન કરવી પડે એવું આ શું કહીશું એને, હૃદયંગમ દૃશ્ય હતું.

૭. સૂટબૂટવાળા લોકો કેમ લાઈનમાં દેખાતા નથી એવું કેટલાક ગાંડિયાઓ બોલ્યા. જેની પાસે એક નહીં પંદર સૂટ વૉર્ડરોબમાં પડ્યા હોય એ માણસ બૅન્કની લાઈનમાં જાય ત્યારે શું કામ ભરતડકામાં સૂટબૂટ પહેરીને જાય, પાગલ છે એ!

૮. પૅનિક રિએક્શનને કારણે જેમને જરૂર નથી એવા લોકો પણ બૅન્ક/ એટીએમમાં ભીડ કરે છે. મેં પણ અલગ રીતે એવી ભૂલ કરી. સેલ્ફના ચેકથી દસ હજાર ઉપાડતાં પહેલાં હું એટીએમના આંટાફેરા કરી આવ્યો હતો. વિચ મીન્સ કે મને એટીએમમાં તે દિવસની લિમિટ પ્રમાણે બે જ હજાર મળવાના હતા જે મળવાથી હું ખુશ હોત અને મારું ગાડું થોડા દિવસ પૂરતું ગબડ્યું જ હોત. પણ સેલ્ફનો ચેક લખતી વખતે મારી અક્કલ ન ચાલી કે મારે અત્યારની મેક્સિમમ લિમિટને બદલે માત્ર બે કે બહુ બહુ તો ચાર હજાર ઉપાડવા જોઈએ જેથી બાકીની ત્રણ-ચાર બે હજારવાળી નોટો બીજા કોઈને બૅન્ક આપી શકે. અત્યારે મારા ઘરમાં એ વધારાની નોટો આમ જ પડી છે જે બીજા કોઈને ઉપયોગી થઈ શકી હોત. ‘ના, મારામાં હવે એટલી બધી પણ માનવતા/ ઉદારતા/ સહિષ્ણુતા નથી કે ફરી પાછો હું બૅન્કમાં જઈને એ નોટો ડિપોઝિટ કરી આવું. પણ હા, એટલી નિખાલસતા જરૂર છે કે મને કઠેલી મારી ભૂલ હું તમારા બધાની આગળ કબૂલ કરી શકું).

૯. અંબાણી-અદાણી અને જેટલી-અમિત શાહને તો પહેલેથી જ મોદીએ કહી દીધેલું એટલે એ બધા લોકોને કોઈ તકલીફ ના પડી.

આવું કહેવાવાળાઓને હું પૂછું છું કે તમારી પાસે કોઈ પુરાવો છે? તો કહે ના.

હવે તમે મને પૂછો કે મારી પાસે એવો કોઈ પુરાવો છે કે મોદીએ આ બધા માંધાતાઓને આગોતરી જાણ નહોતી કરી? હું કહીશ કે ના, નથી.

વિચ મીન્સ કે આપણા બંનેમાંથી કોઈની પાસે જેના પુરાવા નથી એ વાતની ચર્ચા જ ન હોઈ શકે. મનઘડંત વાતો કરીને તમારો ઈગો પોરસાય એવો આ વખત નથી.

આપણે મિડલ ક્લાસ જીવો સમજી શકતા નથી કે મુકેશભાઈઓ કે ગૌતમભાઈઓને બ્લૅકના નાણાંની જરૂર જ નથી હોતી. તમે તમારા કરતાં શ્રીમંત મિત્ર/ ઓળખીતાની પત્નીને દુબઈ કે પેરિસ જઈને બે નંબરના હવાલાના નાણાંથી ચાર પાંચ લાખની લુઈ વિતોંની બૅગ લાવતાં જોઈ હશે. નીતાભાભી આવી બેગો વ્હાઈટમાં, પોતાના કાર્ડ પર ખરીદી શકે એટલી ચિક્કાર ધનની માલિક છે. આપણે આપણી આસપાસ જે શ્રીમંતો જોયા છે એમને જ વૈભવશાળી લાઈફસ્ટાઈલ માટે ટૅક્સ ભર્યા વિનાનાં નાણાંની જરૂર છે. પેલા લોકો પાસે તો વ્હાઈટનો જ એટલો પૈસો છે કે જેમાંથી તેઓ ચાર-પાંચ લાખની બેગ જ નહીં, કરોડો રૂપિયાનાં ચાર્ટર્ડ વિમાનો પણ ખરીદી શકે.

બીજું, મોદી પોતાની નજીકના કોઈ રાજકારણીઓને કે વગેરેઓને જાણ કરે એવા મૂરખ લાગે છે તમને? મોદીએ જતનપૂર્વક પ્રામાણિકતાની બાબતમાં પોતાનું શિયળ સાચવીને રાખ્યું છે. એક ડાઘ લાગવા દીધો નથી એના પર. તો અત્યારે શું કામ તેઓ એવું રિસ્ક લે? જેને આગોતરી જાણકારી આપી દીધી હોય એ વ્યક્તિના આર્થિક વ્યવહારો કેટલાય લોકોના રડારમાં હોવાના. આજે નહીં ને કાલે વાત બહાર આવ્યા વિના રહે જ નહીં કે મોદીની જાહેરાત થઈ એના આટલા કલાક કે આટલા દિવસ પહેલાં ફલાણાએ પોતાની આટલા કરોડ રૂપિયાની ૫૦૦ કે ૧,૦૦૦ની નોટનો વહીવટ કરી નાખ્યો. મોદી એમના વિરોધીઓ માને છે એટલા બુદ્ધિહીન નથી, મિત્રો.

૧૦. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે જે માણસ વર્ષે એક કરોડ રૂપિયાની કમાણી કરે ને એમાંના પચ્ચીસ લાખ પર ટેક્સ ભરીને છાતી કાઢીને ફર્યા કરે કે હું તો ટેક્સપેયર છું. સરકારને દર વર્ષે એ માગે એટલો ટેક્સ ભરું છું. જે ૭૫ લાખ રૂપિયા પર એણે ટેક્સ નથી ભર્યો, ટેક્સ બચાવ્યો છે, રાધર ટેક્સની ચોરી કરી છે એ પૈસામાંથી કેટલાક ખર્ચીને એ શાંઘાઈ, સિંગાપોર ફરવા જશે અને પાછો આવીને ભારતની ટીકા કરશે: સાલું, આપણે ત્યાં એના જેવા રસ્તા નહીં. શું સાલી સિસ્ટમ છે, એકદમ એફિશ્યન્ટ! ભાઈ, જે કરચોરીના પૈસા ખર્ચીને તમને આ બધું ડહાપણ સૂઝે છે તે પૈસામાંથી તેં અને તારા જેવા બીજા લાખો જો ટેક્સ ભર્યા કરતા હોત તો આ દેશમાં શાંઘાઈ – સિંગાપોરને ટક્કર મારે એવા અને એમના કરતાં ઘણા વહેલા એવા રસ્તાઓ, એવી સિસ્ટમો આવી ગયા હોત.

અને છેલ્લે. મોદીની બારીક સેન્સ ઓફ હ્યુમર સમજવા જેટલી ક્ષમતા ન હોય તો ભલે પણ તમારી અક્કલનું પ્રદર્શન તો ન કરો. મોદીએ કહ્યું કે કાળાં નાણાંના સંવરનારાઓની કુંડળી હું દેશ આઝાદ થયો ત્યારથી જોવડાવીશ! ઈન અ વે, આ એક સટ્ટાક હતું – કૉન્ગ્રેસીજનો માટે. બાકી જેમ તમને ખબર હોય કે ઈન્કમ ટેક્સવાળાઓ છેલ્લાં છ વર્ષ કરતાં જૂના હિસાબો માગી શકતા નથી એમ શું મોદીને ખબર ન હોય! કેવી બાલિશ વાતો કરો છો? મોદી પોતાના મનમાં શું સમજે છે એવું બોલવાની ‘હિંમત’ દેખાડતા લોકો પોતાની જાતને શું નું શુંય સમજતા હશે. આવા લોકો દ્વારા ફેલાવવામાં આવતી વિકૃત દલીલો તેમ જ માહિતીના નામે પધરાવવામાં આવતી મનઘડંત વાતો તેમ જ એમણે ઊભા કરેલા બનાવટી પુરાવાઓ સાવધાન, સાવધાન, સાવધાન! જેમની ચોક્કસ જગ્યાએ રેલો આવી પૂગ્યો છે તેઓ જ આ હરકત કર્યા કરે છે અને કરતાં રહેવાના છે. માટે ફરી એક વાર: સાવધાન!

આજનો વિચાર

વિપક્ષી રાજકારણીઓ કહે છે કે સામાન્ય નાગરિક પાસે તો બ્લેક મની છે જ નહીં, એ શું કામ એક દિવસ માટે પણ બૅન્ક કે એટીએમની લાંબી લાઈનોમાં ઊભો રહીને હેરાનગતિ ભોગવે?

ભારતીય સેનાનો સૈનિક કોઈ દિવસ કહેતો નથી કે મારે ક્યાં પાકિસ્તાન સાથે અંગત અદાવત છે કે હું સીમા પર વર્ષો સુધી ટાઢ-તડકો-વરસાદ સહન કરતો રહું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બે મિત્રો વર્ષો પછી મળ્યા.

પહેલો દોસ્ત: કેમ છે? બાલ-બચ્ચાં શું કરે છે? કેવું ચાલે છે એમનું? સેટલ્ડ?

બીજો મિત્ર: સૌથી મોટો એસ.બી.આઈ.માં છે, એની વાઈફ આઈ.સી.આઈ.સી.આઈ.માં છે, બીજો દીકરો એચ.ડી.એફ.સી.માં અને એની વાઈફ કૅનેરા બૅન્કમાં છે અને સૌથી નાની જે દીકરી છે તેનાં હજુ લગ્ન નથી થયાં, એ બૅન્ક ઓફ બરોડામાં છે.

પહેલો દોસ્ત: સારું કહેવાય યાર, બધાને બૅન્કની મસ્ત જોબ મળી ગઈ.

બીજો દોસ્ત: ના એ બધા અત્યારે નોટ બદલાવવા ત્યાં લાઈનમાં ઊભાં છે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 15 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *