અખંડ સૌભાગ્યવતી રૂપિયા બે હજારની નોટ

કેવી બેવકૂફ જેવી આર્ગ્યુમેન્ટ છે કે મોદીએ બે હજાર રૂપિયાની નોટો એટલા માટે છપાવી કે જેથી સૂટકેસની સાઈઝ અડધી થાય, ભાજપના રાજકારણીઓ તથા ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓને એમનું કાળું નાણું સાચવવામાં સહુલિયત થાય. આવી વાહિયાત દલીલો કરનારા તો સાવ ચૂહા જેવા અને એને વાયિરલ કરનારા સવાયા ચૂહા જેવા.

બે હજારની નોટના આગમન પહેલાં ૫૦૦ની નોટ આવી ત્યારે આમાંના કોઈએ કહ્યું હતું કે આ તો કાળાબજારિયાઓની સગવડ માટે આવી છે? એક હજારની નોટ આવી ત્યારે કોઈએ કહ્યું હતું? ઈવન, મોરારજી દેસાઈએ ૧૯૭૮માં જેના પર પ્રતિબંધ મૂક્યો તે દસ હજાર રૂપિયાની નોટ ચલણમાં હતી ત્યારે પણ કોઈએ કહ્યું હતું? અને ઈનફેક્ટ દસ હજારની નોટ તો ખરેખર નહેરુ તથા એમના વારસદારો તથા એ બધાના અગલિયા-બગલિયાઓ માટે જ હતી. રિયલના વ્યવહારોમાં ક્યાંય દેખાતી નહોતી. અરે, મોરારજીકાકાએ બાન કરેલી હજારની નોટ પણ એ જમાનામાં ભાગ્યે જ નોર્મલ આર્થિક વ્યવહારોમાં વપરાતી હતી. નહેરુના આજની તારીખના વારસદારો એ ભૂલી જાય છે અને ઉપરથી મોદી પર આક્ષેપ કરે છે?

તમે સ્કૂલમાં હતા ત્યારે ૩૫ પૈસામાં મળતી કોકાકોલા આજે સાડા ત્રણ રૂપિયામાં મળે તો દસ ગણા ભાવ વધ્યા કહેવાય. સાત રૂપિયે મળે તો વીસ ગણા અને ૧૪ રૂપિયે મળે તો ચાળીસ ગણા. અર્થાત્ તે જમાનાના સો રૂપિયાની કિંમત આજના લગભગ સો ગુણ્યા ચાળીસ કેટલા થાય? ચાર હજાર રૂપિયા જેટલી થઈ. આ નૉર્મલ ભાવવધારો છે, એને મોંઘવારીની રાડારાડ સાથે સાંકળવાનો નહીં. તમારી આવકનો પણ એ જ રીતનો ગુણાકાર થયો છે. તમારા ઘરની કિંમતનો, તમારાં સોનાનાં દાગીનાનો અને બધી જ અસક્યામતોના મૂલ્યમાં આવો ગુણાકાર થયો છે. આ હિસાબે જોઈએ તો વ્યવહારના ચલણરૂપે સો રૂપિયા કરતાં ચાળીસગણું મૂલ્ય ધરાવતી, ચાર હજાર રૂપિયાની નોટો રિઝર્વ બૅન્કે અત્યારે છાપવી જોઈએ, પણ મોદીએ એના પર ક્ધટ્રોલ મૂકીને માત્ર બે હજાર રૂપિયાની નોટો છાપી છે. હું માનું છું કે આજે નહીં તો આવતી કાલે સરકારે પાંચ હજાર રૂપિયાની નોટો પણ છાપવી જોઈએ અને સરકાર છાપશે પણ ખરી.

બીજી વાત.

અત્યારે સરકારે નવી પાંચસોની અને નવી હજારની નોટો બજારમાં ન મૂકી પણ પહેલાં બે હજારની જ મૂકી કેમ? કાળા બજારિયાઓ માટે?

ના, ભઈલા, ના. આવી દલીલો એ જ લોકો કરે જે હજુ પાણીને ભૂ કહેતા હોય અને બાળોતિયું અર્થાત્ ડાયપર પહેરતા હોય.

સિમ્પલ લૉજિસ્ટિક્સનો નિર્ણય છે. ઑલરેડી બજારમાં ફરતી પાંચસો-હજારની નોટો પાછી ખેંચી લઈને રિપ્લેસ કરવી હોય તો બે હજારની નોટને બદલે પહેલાં પાંચસોની એટલી નોટો છાપે તો ચારગણો અને હજારની એટલી નોટો છાપે તો બમણો ટાઈમ લાગે. સરકારે ઓછામાં ઓછા સમયમાં જે કામ થઈ શકે તે કરવાનું નક્કી કર્યું – બે હજારની નોટ પહેલાં છાપો. બીજી પછી. સિમ્પલ. આમાં સરકારની દાનત પર કોઈને શંકા શું કામ જવી જોઈએ?

ઈકોનોમિસ્ટનો અંચળો ઓઢીને કે સી.એ. હોવાનો દાવો કરીને કેટલાક ચૌદસિયાઓ પ્રજાને તદ્દન ઊંધે માર્ગે દોરતી પોસ્ટ્ વાઈરલ કરે છે. આપણે બેવકૂફો સમજ્યા કર્યા વિના એને વૉટ્સઍપ પર ફૉરવર્ડ કરીએ છીએ – બજાર મેં નયા આયા હૈ, એવું માનીને.

એક વાત સમજી લઈએ કે જે કંઈ ‘સમાચાર’ માટે શંકા જાય કે તે સાચા છે કે નહીં તેને પ્રથમ નજરે ખોટા જ માનવાના અનલેસ એના ખરાપણાના પુરાવાઓ તમને ન મળે. આજકાલ તો ‘પુરાવા’ પણ બનાવટી ફરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચત્તાપાટ ભોંય પર સૂતા હોય એવા ફોટા પર જાણીતી ઈન્ટરનેશનલ ટીવી ચેનલનો લોગો ફટકારીને એક ફોટો વાઈરલ થયો જે હું કોઈ વૉટ્સઍપ ગ્રુપમાં મેમ્બર છું ત્યાં એક અલેલટપ્પુએ આગળપાછળ જોયા કર્યા વિના નાખી દીધો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન! આ લો, પુરાવો! એ જ રીતે કેટલાક મીડિયામાં બે હજારની ‘બનાવટી’ નોટના બનાવટી સમાચાર છપાયા. મીડિયા પણ હવે સોશ્યલ મીડિયાના ત્રાસનું પુનરાવર્તન કરતું થઈ ગયુું છે. મીડિયાવાળાઓ પાસે તો પાવરફુલ સોર્સીઝ હોવાના તે છતાં કેટલાક લોકો આવા ગપગોળાના ‘પુરાવા’ જેવા ફોટા છાપે તો ઘણું શોચનીય છે, નિંદનીય છે. અફવાઓનું બજાર કોઈ પણ પ્રકારના કટોકટીના ગાળામાં ગરમ રહેવાનું. તમારા વૉટ્સઍપ પર જે કંઈ તમને મળે તેને ક્ધફર્મ કરવા જેટલી ધીરજ/દાનત/આવડત/હેસિયત ના હોય તો એને વાંચીને આંગળાનાં ટેરવાંને કાબૂમાં રાખો. ફટ દઈને ફૉરવર્ડ કરવાની મૂર્ખામી કરવાની ટેવ છોડો. શું મળે છે તમને આવી બકવાસ વાતો ફૉરવર્ડ કરવાથી. વૉટ્સઍપ ફોગટમાં છે એટલે ફૉરવર્ડ કરો છો? કાલ ઊઠીને, આ તો મોદીકાકો છે, તમે લાસ્ટ યરમાં કરેલા બધા ફૉરવર્ડ પર દસ-દસ રૂપિયાનો ટેક્સ વસૂલ કરશે, લખી રાખજો! કેટલાક સીએ/અર્થશાસ્ત્રી હોવાનો દાવો કરનારા કહે છે કે ઝિમ્બાબ્વે જેવા દેશોની કથળી ગયેલી ઈકોનોમીને બચાવવા જેમ એક મિલિયન કે પાંચ મિલિયનના ચલણની નોટો બહાર પડે એમ ભારતમાં બે હજાર રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી છે-આપણું અર્થતંત્ર ખોખલું છે.

આવી વાતો માનશો નહીં, ભાઈઓ. ઝિમ્બાબ્વે વગેરે દેશોની કરન્સી સાથે આપણા ચલણની તેમ જ એ લોકોના અર્થતંત્રની સાથે આપણી ઈકોનોમીની સરખામણી કરવી એટલે ચન્કી પાન્ડેની અભિનયની ક્ષમતાની સરખામણી નસિરુદ્દીન શાહની એક્ટિંગ સાથે કરવા જેવું છે. ભીંડાની સરખામણી સ્ટ્રોબરી સાથે થઈ શકે?

એ લોકોએ ફુગાવાથી ખાડે ગયેલી ઈકોનોમીને બચાવવા મિલિયન્સમાં ગણતરી થાય એવી નોટો છાપવી પડે છે. ભારતે કંઈ દસ લાખ રૂપિયાની નોટ નથી છાપી, એક લાખની પણ નથી છાપી. કેટલાક દોઢડાહ્યા વળી દલીલ કરે કે અમેરિકા કે બ્રિટનમાં ક્યાં હજાર કે બે હજાર ડૉલર કે પાઉન્ડ કે યુરોની ચલણી નોટો છે?

અરે ભાઈ, અમેરિકામાં તો ૧ સેન્ટનો સિક્કો પણ છે જેનું મૂલ્ય આપણા આઠ આનાના સિક્કા કરતાં વધારે છે. અમેરિકામાં ૧૦૦ ડૉલરની મોટામાં મોટી નોટ છે જેનું મૂલ્ય પાંચ હજાર રૂપિયા કે લાખ રૂપિયા કરતાં પણ વધારે છે. અમેરિકા જો હજાર કે બે હજાર ડૉલરની નોટ છાપે તો એનો મતલબ એ થયો કે એણે પચાસ હજાર રૂપિયા કરતાં પણ વધારેના ચલણની નોટ છાપી છે. એને જેમ સો ડૉલરની નોટ જોઈએ છે એમ આપણને બે હજાર રૂપિયાની નોટ ના જોઈએ? આવું જ પાઉન્ડ-યુરોની બાબતમાં તમારે સરખામણી કરવાની હોય તો એકસમાન ત્રાજવાં-કાટલાં વાપરવાનાં. તમારું જોખવા આ અને મારું જોખવા પેલા એવું ના ચાલે.

સીએ વગેરે હોવાનો દાવો કરતી પોસ્ટ્સને તો શંકાથી જુઓ જ, કોઈ જાણીતા નામે ફરતી પોસ્ટ્સ પર પણ ફ્ટ દઈને ભરોસો ના કરવાનો હોય, ફ્રોડ માણસો આજકાલ જાણીતા નામોની આડશે ધુપ્પલ ચલાવતા હોય છે. એવી પોસ્ટ્સ પર ભરોસો કરવો નહીં અને એવી અપવાઓ ફૉરવર્ડ કરવી નહીં. સોમવારથી આટલા બધા લોકો હડતાળ કરશે તો આખા દેશનો વ્યવહાર ઠપ થઈ જશે જ્યાં સુધી ચલણનિર્ણય બદલાશે નહીં ત્યાં સુધી – આવા ‘સમાચારો’ ક્રિયેટ કરવા તો ગુનો છે જ, એને ફૉરવર્ડ કરવા એ પણ સાઈબર ક્રાઈમ જ છે – પોલીસ તમારી પાસે આવી શકે છે, તમને સજા પણ થઈ શકે છે.

જાતજાતની અફવાઓનાં પડીકાં બજારમાં ફરે છે. કૃપા કરીને તમારી કૉમન સેન્સ પર શ્રદ્ધા રાખો, તમને મળતા ફૉરવર્ડિયા માલ પર નહીં.

અને હા, તાજા કલમમાં એક ખાસ વાત: બે હજારની નોટમાં એવી કોઈ ચીપબીપ નથી જે તમારા આર્થિક વ્યવહારો ટ્રેક કરે. આવું દર્શાવતી વીડિયો ફોરવર્ડ કરતા નહિ, પણ તમને જેણે મોકલી હોય એના માથામાં મારીને આ ફકરો એને વંચાવજો!

આજનો વિચાર

જ્યારે દૂધ તમારી પાસે હતું ત્યારે તમે તમારા સી.એ.ને એ વિશે જાણ કરી નહીં. હવે જ્યારે દૂધ ફાટી ગયું છે ત્યારે સી.એ.ને ફોન કરીને પૂછો છો: રસગુલ્લા બનાવવાની રેસિપી શું?

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

એક પતિ: યાર, વાઈફના નામે અઢી લાખ ડિકલેર કરી નાખો, કોઈ પ્રૉબ્લેમ નહીં આવે.

બીજો પતિ: મને ખબર છે. અને ધારું તો બેઉના નામે અઢી-અઢી કરીને પાંચ લાખ ડિક્લેર કરી દઉં પણ પછી ઘરમાં પેલીને મોઢું કેવી રીતે બતાવું!

( મુંબઇ સમાચાર : સોમવાર, 14 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *