અને હવે જન્ક ફૂડની સામેના સરકારી જંગને સપોર્ટ કરીએ

સરકાર કે સરકાર સાથે સંકળાયેલી કોઈ પણ સંસ્થા હવે જે કંઈ નિર્ણય લે છે તેની સામે સામ્યવાદીઓ અને સેક્યુલરો તેમ જ આ લોકોનું પીઠબળ ધરાવતું અમુક મીડિયા વિરોધ કરશે જ કરશે.

પાંચસો અને હજારની નોટો પાછી ખેંચવાનો એક બહુ મોટો નિર્ણય હતો જેને બિરદાવવામાં આ લોકોને શરમ આવી અને તેઓ અર્થાત્ મમતા-માયાવતી – મુલાયમની ગૅન્ગ તેમ જ કેજરીવાલ – રાહુલ જેવાં ડાયપર પહેરનારાં બાળકો સરકારના આ ભવ્ય નિર્ણયનો બેફામ તેમ જ બેબુનિયાદ વિરોધ કરીને ઉઘાડા પડી ગયા. આ જ લોકો શાળા-કૉલેજોમાં યોગ શિખવાડવાની ખિલાફ છે. જાણે યોગ કરવાથી મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે વટલાઈ જશે.

ચલણી નોટોની હોહાના માહોલમાં એક બહુ અગત્યનો અને દૂરગામી અસરો ધરાવતો નિર્ણય ઘણાની ધ્યાન બહાર જતો રહ્યો.

ગુુુરુવાર, ૧૦મી નવેમ્બરની સાંજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.)ની વેબસાઈટ પર એક સકર્યુલર પોસ્ટ થયો છે. યુ.જી.સી. વિશે એક વાક્યમાં માહિતી આપીને વાત આગળ વધારીએ. દેશભરની તમામ યુનિવર્સિટીઓને ભારત સરકાર આ સંસ્થા (નામે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને એમનો વહીવટ સ્મૂધ કરી આપે છે. સાથોસાથ યુ.જી.સી.એ અભ્યાસ તથા વહીવટને લગતા અમુક સ્ટાન્ડર્ડસ સેટ કર્યા છે જે દરેક યુનિવર્સિટીએ પાળવાનાં હોય. યુ.જી.સી.નાં ચૅરપર્સન તરીકે એક જમાનામાં મધુરીબેન શાહ નામનાં તેજસ્વી વિદુષી ગુજરાતણ હતાં.

યુ.જી.સી. ડૉટ એ.સી. ડૉટ ઈન નામની વેબસાઈટ પર આ અઠવાડિયે લાગેલા સર્ક્યુલરમાં કહેવાયું છે:

‘કૉલેજોની કૅન્ટીનમાં જન્ક ફૂડ પીરસવાનું બંધ કરી દેવું જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય, તેઓની જિંદગી બહેતર બને, વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તેઓ અને યુવાન ઉંમરે મેદસ્વી (ચરબીથી લથબથ, અદોદળા) થતાં તેઓ બચે. ખરાબ લાઈફ સ્ટાઈલથી થનારા રોગો (ડાયાબીટીસ, હાઈપર ટેન્શન, હાર્ટ અટૅક વગેરે)થી તેઓ બચે… કારણ કે આ રોગોનો સીધો સંબંધ વધુ પડતા શારીરિક વજન સાથે છે.’

આ સર્ક્યુલરમાં ફોડ પાડીને કહેવાયું નથી કે ‘જન્ક ફૂડ’ કોને કહેવું પણ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, વેફર્સથી માંડીને થમ્સઅપ – કોકાકોલા – પેપ્સી અને વડાપાંઉ વગેરેને પણ તમે ‘જન્ક ફૂડ’માં ગણી શકો. જે ફૂડ તમારા શરીરમાં નકરી કેલરીઝ જ ઉમેરતું હોય પણ એના પ્રમાણમાં તમને પોષણ ન આપતું હોય તે ‘જન્ક ફૂડ’. જન્ક એટલે ડિક્શનરી મીનિંગ પ્રમાણે ભંગાર. જન્ક યાર્ડ એટલે ભંગારવાડો.

અમેરિકાની સ્કૂલો-કૉલેજોમાં જન્ક ફૂડનો પ્રૉબ્લેમ દાયકાઓથી છે. આજે અમેરિકાની બહુમતી પ્રજા, તે કાળિયાઓ હોય કે ધોળિયાઓ, અદોદળી થઈ ગઈ છે તેનું કારણ નાનપણથી એમણે ખાધેલું આ જન્ક ફૂડ જ છે. મોટા થયા પછી પણ એમની આ ખરાબ ફૂડહેબિટ સુધરતી નથી. પરિણામે ચાળીસી પછીના અમેરિકાનોનાં શરીરો ઘૂંટણનાં દર્દ, અસ્થમા, હાય બી.પી., કોલેસ્ટરોલ તથા ડાયાબીટીસનાં દર્દોથી ખદબદે છે. કરોડો ડૉલર્સના સરકારી ખર્ચે એમની સારવારો થાય છે.

ભારતમાં આવું ન બને તે માટે નવી સરકાર ચૌક્ધની થઈ છે તો કેટલાક લોકો એનો વિરોધ કરવા માંડ્યા છે. વિદ્યાર્થીઓએ, યંગ જનરેશને શું ખાવું ને શું નહીં તે સરકાર શું કામ નક્કી કરે? અરે ભાઈ, સરકાર નક્કી નહીં કરે તો કોણ કરશે? કૉલેજોની કેન્ટીનની જ વાત છે ને. બહાર જઈને ડૉમિનોઝના પિત્ઝા કે કે.એફ.સી.ની ફ્રાઈડ ચીકન કે મેકડોનાલ્ડ્સના બર્ગર તેઓ ખાઈ જ શકે છે ને. સરકાર ક્યાં ના પાડે છે. કોઈને ઝેર ખાવું હોય તો ખાય, સરકારના બાપના કેટલા ટકા. પણ યુનિવર્સિટી કે કૉલેજના કૅમ્પસમાં આહારને લગતી પણ શિસ્ત હોવી જોઈએ.

મેં જોયું છે કે શાળાઓની કૅન્ટીનમાં કૉલાઝ બનાવનારી કંપનીઓ કેટલું હેવી માર્કેટિંગ કરતી હોય છે. મારાં બાળકો જે જમાનામાં સ્કૂલમાં હતાં તે જમાનામાં મેં તેના પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી. (એ સ્કૂલની સ્થાપના મધુરીબેન શાહે કરી હતી).

વિદ્યાર્થીઓને યંગ એજમાં જ આહાર વિશેની જે આદતો પડવાની છે તે જિંદગીભર ચાલુ રહેવાની છે. અહીં કોઈ વિદેશી કંપનીના બહિષ્કારની વાત નથી. પિત્ઝા, બર્ગર, કોલાઝ વગેરેનું ઉત્પાદન ૧૦૦% ભારતીય માલિકીની કંપનીઓ કરતી હોય તો પણ તેનો વિરોધ જ છે. મલ્ટીનૅશનલ કંપનીઓનો જ શું કામ રસ્તા પર વેચાતાં વડાપાઉંનો પણ વિરોધ છે. કોઈ ગરીબ માણસ વડાપાઉંનો સ્ટોલ લગાવીને બે પૈસા કમાય એમાં તમને શું વાંધો હોઈ શકે એવી દલીલ વાહિયાત છે અહીં. વડાપાઉંની સરખામણી હું ડ્રગ્સ સાથે નથી કરતો એટલે કોઈએ એવી ચાંપલી દલીલ મારી સામે નહીં કરવી પણ કોઈ ગરીબ માણસ ડ્રગ્સ વેચીને પોતાની માના ઈલાજ માટે પૈસા રળતો હોય તો શું તે ચલાવી લેવાય? ના. કોઈ ગરીબને નોકરી ના મળતી હોય તો એ ડોક મઝદૂરમાંથી સ્મગલર બની જાય એવી કથા ફિલ્મોમાં અતિ રોમાંચક લાગે. પણ રિયલ લાઈફમાં તમે એને જસ્ટિફાય કરી શકો નહીં.

જન્ક ફૂડ આફ્ટર ઑલ જન્ક ફૂડ છે. ઈડલી-ઢોંસા-ઢોકળા – હાડવો વગેરે પણ ઈન અ વે જન્ક ફૂડ છે કારણ કે એમાં આથો લાવવાની જરૂર પડે છે. સેવટાંમેટાનું શાક પણ જન્ક ફૂડ છે કારણ કે ટામેટું ચૂલે ચડે એટલે ઝેર બરાબર થઈ જાય. ખાંડ તો ઈન ઍની ફૉર્મ ઝેર જ છે અને નમક (મીઠું) પણ ખપ પૂરતું જ ખોરાકમાં જરૂરી છે અન્યથા ઝેર છે. ચાઈનીઝ વાનગીઓમાં વપરાતા ઘણા પદાર્થો તેમ જ તેલ, ચીઝ, બટર, બ્રેડનો ખૂબ ઉપયોગ થતો હોય તે બધું જ ફૂડ જન્ક ફૂડ છે.

ચલણી નોટો અંગેનો નિર્ણય લીધા પછી દેશના અર્થતંત્ર પર જે પોઝિટિવ અસર પડવાની છે એવી જ શુભ અસર યુ.જી.સી.એ લીધેલા જન્ક ફૂડને બાન કરવાના નિર્ણયથી દેશના આરોગ્ય પર પડવાની છે. મને સમજ નથી પડતી કે મોદી સરકારને દિનરાત ભાંડ્યા કરતા લોકો આવા નિર્ણયોને આવકારતા લેખો લખનારાઓને મોદીભક્ત શું કામ કહેતા હશે! અરે ભાઈ, અમે છીએ જ મોદીભક્ત, બસ. બીજું કંઈ? અને હા, પદ્મશ્રીની કોઈ લાલચ નથી અમને. અમારે તો ભારતરત્ન જોઈએ છે. સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને લતા મંગેશકરની જેમ. અને એટલે જ એવાં એવાં કામો કરવા માગીએ છીએ જે આ દેશનું નામ રોશન કરે. આવા લેખો તો પાશેરામાં પહેલી પૂણી છે, સમજ્યા?

કાગળ પરના દીવા

કૉન્ગ્રેસે ૭૦ વર્ષ સુધી ભારતને લૂંટ્યું. મોદીએ ૭૦ જ મિનિટમાં આખી કૉન્ગ્રેસ લૂંટી લીધી.

– વૉટ્સએપ પર વાંચેલુ

સન્ડે હ્યુમર

કિડનેપર (ફોન પર): અમે તારા બેટાનું અપહરણ કરી લીધું છે…

બાપ (અધવચ્ચે જ): નહીં, હું તો બહુ ગરીબ મજદૂર છું. મારી પાસે કંઈ નથી.

કિડનેપર: અબે, અમે તને હજારની નોટોમાં બે લાખ મોકલી રહ્યા છીએ. તારા ખાતામાં જમા કરીને વ્હાઈટના કરી આપ…

( મુંબઇ સમાચાર : રવિવાર, 13 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *