ઘરમાં રાખેલી કૅશથી કોના કોના હક્ક ડૂબ્યા

કોઈએ મને કાલે બે હજારની નવી નોટનો ફોટો પાડીને મોકલ્યો જેની નીચે લખેલું કે આ જુઓ, એમાં હિંદીમાં પણ ‘દોન હજાર’ લખ્યું છે જે ‘દો હજાર’ હોવું જોઈએ અને ઉર્દૂમાં ‘હજાર’ની જગ્યાએ ‘બજાર’ છપાયું છે.

મેં લાઈનબંધ વિવિધ ભારતીય ભાષાઓમાં લખાતી રકમ વિશે તપાસ કરી. રિઝર્વ બૅન્કની સાઈટ પરથી જાણવા મળ્યું કે મોકલનારે જેને હિન્દી ગણાવી હતી તે હકીકતમાં કોંકણી ભાષા હતી જેમાં મરાઠીની જેમ જ બેને ‘દોન’ કહેવાય છે. રહી વાત ઉર્દૂની જે વાંચતાં-લખતાં આપણને આવડે નહીં પણ એમાં પણ ‘બજાર’વાળું ચોક્કસ જ કોઈએ ધુપ્પલ ચલાવ્યું હશે. જાણી જોઈને. જેમ યુપીના ભાજપ ચીફની દીકરી પાસે બે હજારની નવી નોટોની થપ્પીવાળો ફોટો વાઈરલ કરવામાં આવ્યો એમ. એ રાજકારણીને બે દીકરા જ છે, દીકરી નથી. અને જે મહિલાનો ફોટો હતો તે બૅન્ક કર્મચારી હતી.

સોશ્યલ મીડિયા દ્વારા આ રીતે અફવાઓ અને ગેરમાહિતી ફેલાવવાનું ચલણ હવે વધતું જવાનું. હાર્દિક પટેલના ગાંડિયાવેડા વખતે ગુજરાતમાં નેટ બંધ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચાંપલા લોકોએ એનો વિરોધ કર્યો હતો. પણ આવાં પગલાં સરકારે લેવાં જ પડે. એમાં કંઈ ખોટું નથી. ગયા મહિને જમ્મુ-કાશ્મીર ગયો ત્યારે ખબર પડી કે ગુજરાતથી આવેલા ઘણાના ફોન ત્યાં નહોતા ચાલતા, કારણ કે એ બધા પ્રી-પેઈડ કાર્ડવાળા હતા. પોસ્ટ પેઈડ સિમકાર્ડ જ ચાલુ હતા. જે વિસ્તારમાં જેવી પરિસ્થિતિ હોય તે મુજબ સરકારે નિર્ણયો લેવા પડે અને જગત આખામાં એમ જ હોય છે. ચાહે એ અમેરિકા હોય કે ચાઈના કે સિંગાપોર કે સાઉદી અરેબિયા.

નરેન્દ્ર મોદીએ ચલણી નોટો અંગે લીધેલા નિર્ણય વિશેના આજના આ ત્રીજા અને સિરીઝના અંતિમ લેખમાં કેટલીક બાકી રહી ગયેલી વાતો કવર કરવાની છે.

બૅન્કની લાઈનોમાં કોઈ ઉદ્યોગપતિ, કરોડપતિ કે કાળાબજારિયા કેમ ન દેખાયા? કેજરીવાલ, માયાવતી કે પેલો બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટવાળો મમતાદીદીનો પી. આર. જે સવાલ કરે છે તેને આપણા મોદી વિરોધી સોશ્યલ મીડિયા બહાદુરો રિપીટ કરે છે.

બૅન્કોમાં લાગતી આ લાઈનો કાળું ધન બદલાવવા કે જમા કરાવવા માટેની નથી. જે ઉદ્યોગપતિ, કરોડપતિ વગેરેપતિ પાસે ચિક્કાર કાળું નાણું છે એ આ લાઈનમાં કેવી રીતે દેખાય? એમના પૈસા તો ઑલરેડી ડૂબી ગયા કાં તો એમણે લાખના બાર હજાર કરાવી લીધા, કાં એમના સી.એ. તથા ટેક્સ ક્ધસલ્ટન્ટને ધંધે લગાડી દીધા, કાં પછી એમાં તમાકું ભરીને ચિરૂટ બનાવીને ફૂંકી માર્યા. એ લોકો કેવી રીતે આ લાઈનમાં દેખાય?

અને જે લોકો લાઈનોમાં ઊભા છે તેઓ આજીવન આ જ રીતે જાણે રોજ બૅન્કોમાં આવીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના છે એવો માહોલ ઊભો કરે છે આ કેટલાક ગુજરાતી કૉન્ગ્રેસી નેતાઓ પોતાના એફબી પેજ પર અને કેટલાક મીડિયાવાળા.

એક જાણીતી ટીવી ચૅનલવાળા પોતાના કૉરસપોન્ડન્ટને શ્રીનગર મોકલીને ત્યાંના એટીએમમાંથી પૈસા નીકળે છે, નથી નીકળતા – એવું બતાવ્યા કરે છે. અરે ભાઈ, રેગ્યુલર એટીએમ વાપરનારાને ખબર હશે કે એવું તો કેટલીયવાર બન્યું છે કે તમને અમુક એટીએમમાંથી પૈસા ન મળે, કારણ કે ત્યાં કૅશ ખૂટી ગઈ હોય, કે પછી સર્વર ડાઉન હોય કે પછી મશીન જ બગડી ગયું હોય. એટીએમની આવી રોજિંદી તકલીફોનું બિલ અત્યારના સમયમાં મોદીના નામે શું કામ ફાડો છો, ભઈ?

હવે રહી રહીને રાહુલબાબા પબ્લિસિટી મેળવવા એટીએમની લાઈનમાં ઊભા રહી ગયા. શું કામ? ચાર હજાર રૂપિયા કાઢવા છે. ભઈલા, મમ્મી પાસેની નોટો વાપરી શકાય એવી નથી રહી એટલે? અને લો, કેજરીવાલને પણ જવાબ મળી ગયો. કેજરી પૂછતા હતા ને કે લાઈનમાં મોટા લોકો કેમ નથી! નૌટંકી.

મીડિયા ભડકાવે છે કે શુક્રવારથી પેટ્રોલ પમ્પો ૭ કલાક માટે બંધ રહેશે. સ્કૂટર-રિક્શા -કારવાળાઓએ પેટ્રોલ વિના ‘ટળવળવું’ પડશે. જરા ધ્યાનથી આ ‘સનસનાટી’ ભર્યા સમાચાર વાંચો. શુક્રવાર મધરાતથી ૭ કલાક બાદ અર્થાત્ શનિવારે સવારે સાત વાગ્યાથી પેટ્રોલ પંપ પાછા ખૂલી જશે. હવે કોઈ પણ શહેરમાં ચોવીસે કલાક ખુલ્લા રહેતા પેટ્રોલ પમ્પો કેટલા? મોટા ભાગના પમ્પ નોર્મલ દિવસોમાં રાત્રે બંધ જ રહેતા હોય છે. પણ મોદીવિરોધી કંઈ પણ કહો કે કરો તે તમારી બહાદુરીમાં ખપી જાય એવા ભ્રમને કારણે લોકો આવા ન્યૂઝ ચગાવતા થઈ ગયા છે.

મોદીના આ ચલણનિર્ણયના વિરોધીઓમાં ત્રણ પ્રકારના લોકો છે. એક, જેમને ચચર્યું છે તેઓ. લાખો કે કરોડોની કૅશ ઘરમાં રાખીને પોરસાતા હતા એ લોકો. તેઓએ રાતોરાત અમુક લાખ/કરોડ ગુમાવી દેવા પડ્યા છે. તેઓ તો મોદીના આ નિર્ણયની ટીકા કરવાના જ છે. બીજો પ્રકાર છે મોદીના આજીવન ટીકાકારોનો. જેમની વિચારસરણી ભારતની સંસ્કૃતિ વિરુદ્ધની છે, જેઓ બાય હાર્ટ કૉન્ગ્રેસી/સામ્યવાદી સેક્યુલર છે. જેઓ મુસ્લિમ તથા દલિત પ્રજાને હાથો બનાવીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માગે છે. ત્રીજા પ્રકારમાં બે પેટા પ્રકાર છે. એક તો બેવકૂફો અને બીજા દોઢડાહ્યાઓ. જે બેવકૂફ છે તે લોકો બીજાએ ચાવેલું પાન પોતાના મોઢામાં નાખીને પૂછયા કરે છે કે ચલણી નોટો બદલીને શું મોટી તોપ ફોડી મોદીએ. પહેલાં આ કામ તો કરો, તે કામ તો કરો. પછી પૂછે છે કે આ નિર્ણયને લીધે મને શું ફાયદો થયો? ભઈલા, મોદી તારા ફાયદા માટે કામ નથી કરતા, દેશના ફાયદા માટે કામ કરે છે. મોદી વિદેશપ્રવાસો કરે કે મોંઘાં કપડાં પહેરે એમાં તારા પેટમાં શું કામ તેલ રેડાય છે? તું જે દલિતનેતાઓમાં શ્રદ્ધા રાખે છે તે અને જે કૉન્ગ્રેસી નેતાઓનાં તળિયાં ચાટે છે તેમની છૂપી લાઈફસ્ટાઈલ જોને. મોદી તો જે કરે છે તે બધું જ ખુલ્લેઆમ કરે છે. તને બીજાઓની લુચ્ચાઈ નથી કઠતી પણ મોદીની સચ્ચાઈ કઠે છે, કારણ કે તારા જેવા ચિરકુટો બીજા લોકોને ગાળો આપ્યા સિવાય કશું કરવાના જ નથી જિંદગીમાં. એકેય નક્કર કામ નહીં કરો તમે લોકો. અને જેઓ કરે છે તેમના પર કાદવ ઉછાળતા રહેશો.

બીજો પેટા પ્રકાર દોઢડાહ્યાઓનો. મોદી કરતાં પોતાનામાં વધારે અક્કલ છે એવું માનીને આ સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સ કેજરીવાલોના ખોળામાં બેસીને માયાવતીના શબ્દો બોલવા માંડે છે. અરે ભાઈ, જે લોકો મોદીને સવાલો પૂછી રહ્યા છે તેઓ પોતાની ઔકાત તો જરા સમજે. તમે નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છો, તમારા ઘરના નોકરની નહીં. પહેલાં તો એ ભ્રમમાંથી બહાર આવી જાઓ કે તમે સવાલો કરવાને લાયક છો, કારણ કે તમે તમારા કરતાં અનેકગણા વધારે કૅપેબલ માણસની વાત કરી રહ્યા છો. એમને તમારા કરતાં વધારે આવડે છે તે એમનામાં તમારા કરતાં વધારે અક્કલ છે એવું એમણે વારંવાર પુરવાર કર્યું છે.

મારો તો ચલણની બાબતના નિર્ણયનો વિરોધ કરનારાઓને એક સીધો સવાલ છે: તમે સાચા માણસની કદર કરવા માગો છો કે લુચ્ચા માણસોની? ‘મોદીની ભક્તિ’ અને લુચ્ચાઈનાં ગુણગાનમાંથી પસંદ કરવાનું હોય તો શું પસંદ કરો તમે? અને શું જોખમી છે આ દેશ માટે? ભારતના સૌથી હાર્ડ વર્કિંગ, સૌથી નિ:સ્વાર્થ અને સૌથી ઑનેસ્ટ રાજનેતાની તમે સાથે છો કે એમની વિરુદ્ધ?

જવાબ આપો.

અને જો આ સવાલોના જવાબ આપવામાં તમને શરમ આવતી હોય તો જવાબ એ સવાલોના આપો જે તમે સોશ્યલ મીડિયા દ્વારા મોદીને પૂછી રહ્યા છો. તમે મોદીની જગ્યાએ હો તો શું કરો, પ્રેક્ટિકલ બનીને શું કરો, એના વિગતવાર જવાબ આપો – એકે એક સવાલનો જવાબ આપો. બહુ અક્કલ છેને તમારામાં? તો થોડી નક્કર સુઝાવો માટે પણ વાપરો ને. ઘરડી ડોશીની જેમ ઓટલે બેસીને વહુને વગોવવાનું બંધ કરો.

વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ ભારત જેટલા વિશાળ, પથરાયેલા દેશના ખૂણેખૂણે આવેલી બૅન્કોની શાખાઓમાં ખાનગીમાં નવી છપાયેલી કરન્સી નોટ્સનાં બંડલો સુરક્ષિત પહોંચી જાય એ બદલ તમે આ સરકારને અભિનંદન નહીં આપો? રાતોરાત દસ લાખ લોકોને જમવાની વ્યવસ્થા જેણે ઊભી કરી દીધી હોય એના જમણવારમાં જઈને બટાકાના શાકમાં હાથ નાખીને જે કાચું છે એ જ બટાકું બતાડશો તમે બધાને? કેટલા મોટા સ્કેલની આ વાત થઈ, કોઈ અંદાજ છે તમને? અને અગાઉ આટલા મોટા પાયે ભારતમાં કે બીજા કોઈપણ દેશમાં આવું આયોજન થયું છે? સરકારની એફિશ્યન્સી તો જુઓ તમે. લાઈનમાં ઊભા રહેવું પડે છે તે બરાબર પણ તમને બે હજારની નોટ એ લોકો જૂની નોટના બદલામાં આપી શકે છે એ નથી જોતા?

પ્રામાણિક લોકોનો ફાયદો થતાં અને અપ્રામાણિક લોકોનું નુકસાન થતું આપણે બહુ નથી જોયું. હંમેશાં એક જ ફીલિંગ રહી છે કે છેવટે તો અપ્રામાણિક લોકો જ ફાવી જાય છે. આજે પહેલી વાર પ્રેક્ટિકલી હું ને તમે એક વાર પ્રામાણિકતામાં શ્રદ્ધા ધરાવતા થઈ ગયા છીએ, અપ્રામાણિક બનવાથી નુકસાન જ નુકસાન છે એવું દૃઢતાથી માનતા થઈ ગયા છીએ.

જરૂર, જે લોકોએ પોતાના ઘરમાં મોટી મોટી કૅશ ભરી રાખી હશે તેઓ જરૂર મહેનતથી પણ એ પૈસા કમાયા હોઈ શકે છે. ડૉકટરો – સર્જ્યનોએ દિવસરાત ખડે પગે ઑપરેશનો કરીને, હજારોનાં જાન બચાવીને કે એમની આવરદા વધારીને, એમનું સ્વાસ્થ્ય સુધારીને જે કમાણી કરી હશે તેનો પણ આમાં સમાવેશ થતો હશે. ડૉકટરો કે એ પ્રકારના વ્હાઈટ કૉલરનો જૉબ કરનારાઓએ જ નહીં રસ્તા પર બાર બાર કલાક પગ તોડીને ઊભા રહેનાર તમારા શહેરના ફેમસ સેન્ડવિચવાળા, ઢોસાવાળા, ગોળાવાળા, ભેળ-સેવપૂરીવાળાએ પણ પોતાની પરસેવાની લાખો રૂપિયાની કમાણી આ રીતે સાચવી હશે. આ બધા જ લોકોને અત્યારે લાગી રહ્યું હશે કે સરકાર વિન્ડિક્ટિવ બની રહી છે, અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારી પાસે ક્યાં ક્રાઈમ મની કે ઈઝી મની કે ઈધરનું ઉધર કરીને કમાયેલા મની છે… એમના માટે આપણી સહાનુભૂતિ પણ એમની ફરિયાદ વાજબી નથી. આ કૅશમાંથી તમે પરદેશ જઈને શૉપિંગ કરીને આવતા હતા ત્યારે તમને વિચાર નહોતો આવ્યો કે તમે સરકારનો આ નાણાં પરનો (ટેક્સ લેવાનો) હક્ક ડુબાડી રહ્યા છો? તમારા દીકરાને અમેરિકાની મોંઘી યુનિવર્સિટીમાં મોકલતી વખતે આ રકમમાંથી કેટલીક હવાલા દ્વારા મોકલીને એની સ્ટુડન્ટ લાઈફના ખર્ચા કાઢ્યા ત્યારે ભારત સરકારનો હક્ક ડુબાડતા નહોતા તમે? તો પછી અત્યારે તમારો હક્ક ડૂબતો થઈ ગયો આ નાણાં પર. અત્યાર સુધી તમને કેમ એવો વિચાર ન આવ્યો કે મારી મહેનતના પૈસાને ટેક્સ ભર્યા વિના કૅશમાં ઘરે રાખીને હું રિસ્ક લઈ રહ્યો છું. તે જ વખતે અક્કલ ચલાવી હોત તો?

એક ગજબના ઐતિહાસિક બનાવના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. મને તો થાય છે કે કાલે ફરીવાર બૅન્કની ભીડમાં આંટો મારીને સેલ્ફનો ચૅક આપીને હજારેક રૂપિયા ઉપાડી લાવું. આવો રોમાંચ રોજ રોજ કયાં માણવા મળવાનો છે!

આજનો વિચાર

જે પ્રેમીપંખીડાં ૫૦૦-૫૦૦ અને ૧૦૦૦-૧૦૦૦ની નોટો લઈને ભાગ્યા હશે એમનું શું?

… ઘર આ જા પરદેસી તેરા દેસ બુલાયે રે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

જે લોકો મોદીવિરોધી હોય એમને વિનંતી કે કૃપા કરીને નોટ બદલાવતા નહીં. વિરોધ કરવાનો સાચો તરીકો એ જ છે!

ફેસબુક પર ફરતું

( મુંબઇ સમાચાર : શનિવાર, 12 નવેમ્બર 2016)

3 comments for “ઘરમાં રાખેલી કૅશથી કોના કોના હક્ક ડૂબ્યા

 1. D R Zala
  November 19, 2016 at 6:41 PM

  Nice, sir.

 2. GAURANG VYAS
  November 26, 2016 at 12:02 PM

  LIKE

 3. December 22, 2016 at 1:03 PM

  Just loved this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *