૫૦૦ની નોટના બદલામાં ૪૯૦ લેવાય? ૩૫૦ લેવાય?

તકલીફ પડે છે, તકલીફ પડે છે વાળું બૌ ચાઈલું. કોઈનું લગન અટકી પઈડું, કોઈ તીર્થધામમાં અટવાયું, તાજમહાલ જોવા આવેલા કોઈ ફિરંગીઓ એમ બોલીને પાછા ગયા કે માં કસમ હવે ઇન્ડિયામાં પગ નહીં મેલીએ. ના આવશો, બાપલા. અમે તો આમેય તમારા ભૂખડી બારસ જેવા દેશમાં આવવા માગતા નથી, તમારે શું લેવા અહીં આવવું જોઈએ. જો તમને અમારી ક્લીનિંગ પ્રોસેસ સાથે લેવાદેવા ન હોય તો. કોઈ કેમિસ્ટે પ્રિસ્ક્રિપ્શન હોવા છતાં પાંચસોની નોટના બદલામાં દર્દી માટે દવા ન આપીને સરકારની સૂચનાનું ઉલ્લંઘન કર્યું. એમાં સરકાર શું કરે? થાઈલેન્ડથી પાછા ફરીને મોદી પેલા દર્દીની ખબર કાઢવા જાય? સાથે દવા લઈને? તમે જાણો ને પેલો કૅમિસ્ટ જાણે.

આપણી તકલીફોને સરકાર પર ઢોળી દેવાની આપણી જૂની કુટેવ છે. ગઈ કાલે એક સજ્જન મોદીના આ પગલાની ટીકા કરતાં મને કહે કે મારી પાસે માત્ર બે જ નોટ સો-સોની છે. બાકીની પાંચેય પાંચસોવાળી છે. બે દિવસ સુધી જીવવું કેવી રીતે મારે? મેં એમને કહ્યું: ભાઈ, તમારા-મારા જેવા મિડલક્લાસી માણસોએ મહિનાની આખર તારીખોમાં બસો રૂપિયા વિનાય દિવસો ગાળ્યા છે. નથી ગાળ્યા? જરૂરી ચીજો વિના ચલાવ્યું છે ને એવા દિવસોમાં? તો પછી આ તો નવમી તારીખ છે, શરૂઆતના દિવસો છે. ખુશી ખુશી નીકળી જશે.

અને આમ છતાંય જેમને લાગતું હોય કે અમને તો જેન્યુઈન તકલીફ પડે. ભૂખ્યા રહેવું પડ્યું. પાંચ કિલોમીટર તડકામાં ચાલીને જવું પડ્યું વગેરે તો એમને માટે નમ્રતાપૂર્વક કહેવાનું કે તમે દેશ માટે એકાદ-બે દિવસ પૂરતું આટલુંય સહન નથી કરવા માગતા? સરહદ પર ચોકી કરતા જવાનો શું એરકન્ડિશન્ડમાં બેઠા છે? લક્ઝરી કારમાં ફરે છે? નિયમિત ટાઈમસર ભોજન પામે છે? દિવસરાત તડકો કે ટાઢ જોયા વગર દસ-વીસ કિલોમીટર તો આમ ચાલી નાખે છે- ભારેખમ બૂટ, બંદૂક અને બૅગપેક સાથે. તમારી જેમ માના હાથનું કે પત્નીના હાથનું ભોજન નથી મળતું એમને સરહદ પર. ક્યારેક સારું, ક્યારેક કાચુંપાકું, ભાવતું-ન ભાવતું જે મળ્યું તેનાથી ચલાવી લેવું પડે છે. અને સૌથી મોટી બે વાત. તમારી તકલીફ તો બે દિ’ની છે. એણે તો નિવૃત્તિ સુધી ડે ઈન ને ડે આઉટ આવી તકલીફો સહન કરવાની છે અને એથીય મોટી વાત તમારા માથે મોતનું જોખમ છે? એના માથે છે.

તમે કહેશો કે એને તો આ તકલીફો સહન કરવાનો પગાર મળે છે, મને શું મળે છે આ તકલીફો સહન કરીને? ભઈલા, તને સુરક્ષા મળે છે. તારાં બૈરીછોકરાંને અને તારાં માબાપને પોલીસની, સંરક્ષણ દળોની સુરક્ષા મળે છે. એના બદલામાં તું બે દિવસ માટે સાવ મામૂલી તકલીફો સહન કરવા તૈયાર નથી?

મુલાયમ સિંહ યાદવ અને મુલાયમના પૂંછડાં જેવા બીજા મુસ્લિમવાદી સેક્યુલરો કહે છે કે મોદીએ આ નિર્ણય અઠવાડિયા સુધી મોકૂફ રાખવો જોઈએ. કોઈ કહે છે કે રાતના બાર વાગ્યાથી નિર્ણયને અમલમાં બનાવ્યો એને બદલે ૩૦ ડિસેમ્બર સુધીની મુદત આપી હોત તો શું ખાટુંમોળું થઈ જાત એ જ મને સમજાતું નથી. અહીં આવ, હું તને સમજાવું, બાબાભાઈ. બરાક ઓબામાને જઈને તેં કહેલું કે ઓસામા બિન લાદેન પર રાતોરાત અણધાર્યો હુમલો કરવાને બદલે એને તમારે કહેવું જોઈતું હતું કે આવતી ક્રિસમસ સુધી તું ક્યાંય જતો નહીં, છે ત્યાં જ રહેજે, ખબરદાર જો તારા કમ્પાઉન્ડની બહાર નીકળ્યો છે તો, અમે ત્યાં સુધી તને ગોળીએ ઉડાવવાની પ્રેક્ટિસ કરીને આવીએ જ છીએ, બસ આવ્યા જ સમજો.

વૉર્નિંગ ઇનફ મળી ગઈ હતી. સોનું ખરીદવા માટે પેન કાર્ડ નંબર ફરજિયાત બનાવવામાં આવ્યો ત્યારે જ સમજનારાઓએ સાનમાં સમજી જવું જોઈતું હતું કે મોદી અને જેટલી કંઈ રમતરોળા નથી કરી રહ્યા. જ્વેલરોને પજવવામાં એમને મઝા નથી આવતી. જ્વેલરો એમનો ટાર્ગેટ છે પણ નહીં એવુંય કોઈ સમજયું નહીં. બે નંબરી આવકમાંથી સોનું ખરીદનારાઓ મોદીના રડાર પર હતા.

નાનું બાળક કીડી સાથે રમત કરે તે જોયું છે તમે? કીડી આમથી જતી હોય તો આમ આડશ મૂકે, તેમની જતી હોય તો તેમ આડશ મૂકે. કીડીની ફરતે પાણીનું કુંડાળું કરી દે ને પછી એક જગ્યાએથી એ કુંડાળું તોડી નાખે જેથી કીડી ત્યાંથી બહાર નીકળી શકે. મોદીએ કાળું નાણું જાહેર કરીને પેનલ્ટી ભરીને છૂટી જવાની યોજના તમને આપી હતી. પિસ્તાલીસ ટકા કે એવી કંઈક પેનલ્ટી ભરીને કાળાનું ધોળું કરી આપતા હતા. એટલીસ્ટ ફિફ્ટી પર્સેન્ટ તો મળતા હતા અને તે પણ ઑફિશ્યલ.

ગઈ કાલે પાંચસોની નોટના ઝવેરી બજારમાં સાડાત્રણસો બોલાતા હતા અને આજે બસો મળશે એવી વહેતી વાત છે. ટૂંકમાં મોદીએ તમને આપેલી એમ્નેસ્ટી સ્કીમની છટકબારીમાંથી તમારી કીડી નીકળી ગઈ હોત તો તમારે તમારા બ્લેકમનીના પચાસેક ટકા જ ગુમાવવા પડ્યા હોત, બાકીની રકમ વ્હાઈટ થઈ ગઈ હોત તે નફામાં. હવે તમે લાખના બાર હજાર કરશો ને તે પણ જે બાર હજાર થઈ ગયા તે બ્લેકના જ કહેવાશે, વ્હાઈટના નહીં.

મહિનાએક પહેલાં બહારગામ ગયો ત્યારે દિલ્હીના એક સજ્જન મળ્યા હતા. પાક્કા હિન્દુવાદી, ભાજપના સમર્થક પણ મોદી વિરોધી. શું કામ? અગાઉ નહોતા પણ હવે થઈ ગયા હતા મોદી વિરોધી. એમનું કહેવું હતું કે ઈન્કમ ટેક્સના અફસરો પોતાનું પરફોર્મન્સ દેખાડવા એમની પાસે પાંચ કરોડ રૂપિયા ડિક્લેર કરાવી ગયા. મોદી-જેટલી ઈન્કમ ટેક્સ અફસરોને ગાળો આપતા હતા. મને લાગે છે કે હવે એમને અફસોસ થતો હશે. પાંચને બદલે પચાસ કરોડ ડિક્લેર કરાવ્યા હોત તો આજે લાખના બાર હજાર કરવાનો વારો ન આવ્યો હોત.

જે મિત્રે મને માત્ર બે જ નોટ સો-સોની છે એવું કહ્યું ત્યારે મેં એમને આવી નાની તકલીફો સહન કરવાનાં કારણો આપતાં એક વાત કહી હતી. મેં એમને પૂછયું તમારી પાંચસોની નોટના બદલામાં અત્યારે હું તમને એમ કહું કે લાવો, હું તમને એના બદલામાં ૪૯૦ આપું તો આપશો તમે, નહીં આપો. મને કોઈ એવી ઓફર આપશે તો હું પણ ૫૦૦ના ૪૯૦ નહીં લઉં. તમે ને હું દસ રૂપિયા પણ જતા કરવા તૈયાર નથી, કારણ કે આ આપણા મહેનતના ટેક્સ-પેઈડ, ટીડીએસ કપાઈ ગયા પછી હાથમાં આવેલા પૈસા છે.

મેં એમને કહ્યું કે અડધો કલાક પહેલાં જ સાંતાક્રુઝમાં સેવપૂરી ખાતી વખતે મેં ઝવેરી બજારવાળો ભાવ સાંભળ્યો અને મારી બાજુમાં પોતાની પત્ની સાથે ભેળ ખાઈ રહેલા એક ગુજરાતી યુવાને ફોન પર આ ભાવ કોઈને કહીને વાત કરી કે સારો ભાવ કહેવાય, પાકું કરી લઉં?

મિત્રો, ૫૦૦ના ૪૯૦ લેવા પણ તૈયાર ન હોય એ લોકો માટે મોદીએ આ નથી કર્યું. મહેનતની કમાણીના માણસ દસ રૂપિયા પણ ન જવા દે. પાંચસોના સાડાત્રણસો સ્વીકારવા કોણ લોકો તૈયાર હોય? તમે જ કહો.

કાલે આ વિશે બાકીની વાત કરીને પૂરું.

પછી સોમવારથી નર્મદે સર્વ દે. તાજા કલમમાં જણાવવાનું કે પાંચસોની ચાર જૂની નોટના બદલામાં અમારી પાસે એક નવીનક્કોર ગુલાબી રંગની બે હજાર રૂપિયાની નોટ આવી ગઈ છે જે જિંદગીમાં ક્યારેય નહીં વપરાય. નવમી નવેમ્બરની યાદમાં કાયમ અમારી પાસે રહેશે.

આજનો વિચાર

ઊઠો, જાગો અને નવી નોટની પ્રાપ્તિ માટે લાઈન લગાવો.

– સ્વામી વિવેકાનંદની માસીનો દીકરો
(વૉટ્સઍપ પર વાંચેલું)

એક મિનિટ!

અભી અભી પાંચસો કા પેટ્રોલ ભરાયા. ઐસા લગ રહા હૈ કિ માનો લાશ ઠિકાને લગા દી હો!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 11 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *