મોદીનો માસ્ટર સ્ટ્રોક: અંતરાત્મા તમને પ્રામાણિક ન બનાવે ત્યારે એ કામ કાનૂને કરવું પડે

માયૂસીના દિવસો હતા એ. ૨૦૧૧ની આસપાસનો ગાળો. કોઈ કામ નહોતું હાથમાં. આ કૉલમની સેક્ધડ સિઝનની ક્યાંય દૂર દૂર સુધી કોઈ શક્યતા પણ નહોતી. નાસીપાસ થઈ જવાની તૈયારીમાં હતો. એ જ અરસામાં એક નિકટતમ કલ્યાણમિત્ર આગળ હૃદય ઠાલવતો હતો ત્યારે એમણે મારી પૂરેપૂરી વ્યથા સાંભળ્યા પછી સધિયારો આપતાં કહ્યું હતું: થોડો વખત હજુ ખમી જાઓ, હવે પ્રામાણિકતાનો જમાનો આવી રહ્યો છે.

મને ખૂબ સારું લાગ્યું હતું એવું સાંભળીને. મને સારું લગાડવા જ એ દોસ્તારે મને આવું કહ્યું હશે એવું પણ લાગ્યું હતું. પછી એમણે વ્યવહારજગતનાં સંખ્યાબંધ ઉદાહરણો આપીને કહ્યું હતું કે આ દેશે આટઆટલા ટાઈપના સમયગાળા જોઈ લીધા છે. હવે બસ પ્રામાણિકતા સિવાય બીજો કોઈ સમયગાળો બાકી નથી રહ્યો. ઓનેસ્ટીનો યુગ આવ્યે જ છૂટકો છે.

પછી તો ભુલાઈ ગઈ એ વાત. ક્યારેક કૉન્ગ્રેસ શાસનનાં ટુજી કૌભાંડની વાત આવે, ક્યારેક પોલિટિશ્યનોના બીજા કોઈ લોચાલાપસી બહાર આવે ત્યારે હું એ મિત્રને ફોન કરીને યાદ કરાવું કે આવી રહ્યો તમારો પ્રામાણિકતાનો યુગ! એ હસીને મારો કટાક્ષ સહન કરી લે. પછી ૨૦૧૪ની ચૂંટણીનાં પડઘમ વાગ્યાં. નરેન્દ્ર મોદી હજુ ગુજરાતના સીએમ જ હતા. એક દિવસ ભાજપે એમને વડા પ્રધાનપદના ઉમેદવાર ઘોષિત કર્યા. ચૂંટણીપ્રચાર શરૂ થયો. ઓપિનિયન પોલ્સ. મતદાનનો દિવસ. મતગણતરીનો દિવસ અને મોદીની પીએમપદે સોગંદવિધિ.

મિત્રની વાત સાચી પડી રહી હતી પણ હજુય રિયલ અચ્છે દિન હવામાં જ તરતા હતા અને મંગળવારે રાત્રે આઠ વાગ્યા પછી દરેક ટીવી ચેનલ પર મોદીની ઘોષણા સાંભળી, ઘડીભર માની શકાયું નહીં. મોદી પોતે આ જાહેરાતો કરતા ન હોત તો અફવા લાગી હોત. પણ અહીં તો વડા પ્રધાન સ્વયં ટીવીના પડદે હતા. ગુજરાતના સીએમ હતા અને ગામ આખું એમના માથે ગોધરાકાંડનાં માછલાં ધોતું હતું ત્યારે કોણે કલ્પના પણ કરી હશે કે આ માણસ ભવિષ્યમાં એક તબક્કે એવા પાવરફુલ બનશે કે ચલણમાંથી પાંચસો અને હજારની નોટો રાતોરાત દૂર કરી નાખવાની હિંમત અને દૂરંદેશી દેખાડશે.

મોદીનો સંદેશો સ્પષ્ટ છે. ત્રણ આસ્પેક્ટ છે? ૧. પ્રામાણિક બનો, એમાં તમારો જ ફાયદો છે. ૨. પ્રામાણિક નહીં બનો તો ઘણું મોટું નુકસાન છે, હવે પહેલાં જેવું નથી. અને ૩. તમે ભલે પ્રામાણિક નહીં બનો તો સરકાર તમને પ્રામાણિક બનવાની ફરજ પાડશે.

ફર્સ્ટ સિઝનના એક લેખમાં અલગ સંદર્ભમાં લખેલું વાક્ય યાદ આવ્યું: માણસનો અંતરાત્મા એને પ્રામાણિક ન બનાવતો હોય તો એ કામ કાનૂને ઉપાડી લેવું પડે.

મોદી અત્યારે એ જ કરી રહ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ. ટેક્સ ભર્યા વગરનો પૈસો રિયલ એસ્ટેટમાં રોકવામાં તકલીફો ઊભી થાય એ કામ આગલી સરકારો દ્વારા થઈ ચૂકેલું. સ્ટેમ્પ ડ્યુટી અને રેડી રેકનર દ્વારા. જમીન-ફલેટ પછી બીજી પ્રાયોરિટી સોનું-ઝવેરાત હોય. મોદીએ એ લૂપહૉલ પ્લગ કર્યો ત્યારે ભાજપ અને મોદીના અનેક સમર્થકોએ મોટો વિરોધ કર્યો હતો. ઝવેરી પાસે સોનું-ઝવેરાત ખરીદવા માટે પૅન કાર્ડની નોંધણી ફરજિયાત બનાવવાથી સરકારી અમલદારોની હેરાનગતિ વધી જશે એવી એ લોકોની ફરિયાદ હતી, પણ મોદી સરકાર જાણતી હતી કે એ દરવાજા તોડૂંગાવાળી બાળરમત હવે આર્થિક ક્ષેત્રે રમાવાની છે. ભવિષ્યમાં લોકો માટે ટેક્સ ચૂકવ્યા વગરનું નાણું રોકડરૂપે રાખવાનું મુશ્કેલ બની જશે ત્યારે તેઓ સોનું-ઝવેરાત ખરીદવા જ દોડવાના છે. એટલે એ દરવાજો એમણે પહેલેથી જ બંધ કરી દેવાનું વિચાર્યું. સાવ નાના અને નીચલા મધ્યમવર્ગના તેમ જ ગરીબીની રેખાની આસપાસ જીવતા લોકોને સીધી સરકારી સહાય મળે, કોઈ બિચૌલિયા વિના મળે એવું કારણ આપીને જનધન યોજના દ્વારા એમનાં કરોડો બૅન્ક અકાઉન્ટ્સ ખુલ્યાં જેમાં ઝીરો બૅલન્સની આવશ્યકતા હતી. મોટી ચલણી નોટો બંધ થયા પછી આ નાના માણસો સહેલાઈથી પોતાને વેતનરૂપે કે અન્ય મહેનતાણારૂપે મળેલી પાંચસોની નોટ વટાવી શકે એ માટે એમની પાસે બૅન્ક અકાઉન્ટ આવી ગયું.

અને પછી, મોદીએ આ માસ્ટર સ્ટ્રોક માર્યો રિઝર્વ બૅન્કના નવા ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને વિશ્ર્વાસમાં લઈને. આગલા બડબડિયા અને ભડભડિયા ગવર્નર રઘુરામ રાજન કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવામાં મોદીએ દૂરંદેશી દેખાડી ત્યારે કૉન્ગ્રેસીઓ મોદી પર ચડી બેસેલા, પણ મોદીને ખબર હતી કે એ માણસ ભલે વિદ્વાન હોય, એફિશ્યન્ટ હોય પણ એમની વફાદારી આગલી સરકાર સાથે હતી.

મોદીના અત્યારના આ પગલાંથી શું રાતોરાત દેશમાં ભ્રષ્ટાચાર મટી જશે? કાળું ધન નામશેષ થઈ જશે? કોઈ કાળે એવું નથી થવાનું અને ખુદ મોદી પણ એવા ભ્રમમાં નહીં હોય. પણ હવે બ્લેક મનીમાં ડીલ કરતાં પહેલાં માણસ બે વાર વિચાર કરશે. કૅશ મળી તો ખરી પણ સંઘરવી કેવી રીતે? મોદીનો ટાર્ગેટ તમારી પાસેથી બસો-પાંચસોની રિશ્વત લેતો ટ્રાફિક કૉન્સ્ટેબલ કે રેલવેનો ટી.સી. નથી. મોદીનો ટાર્ગેટ નાનું મોટું બે નંબરી કામકાજ કરતો વેપારી પણ નથી. મોદીનો ટાર્ગેટ ઘરમાં પાંચ-પંદર-પચાસ લાખની ગજા અને જરૂરિયાત પ્રમાણેની રોકડ રાખતો મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગનો આદમી પણ નથી. ખુદ એમણે જ પ્રવચનમાં કહ્યું છે એમ એમના નિશાના પર હાઈ સ્ટેક્સમાં રમતા (ભુજબળ, શરદ પવાર જેવા) રાજકારણીઓ છે. અમરસિંહ ટાઈપના સત્તાના દલાલો છે. એવા ઉદ્યોગપતિઓ અને બ્યુરોક્રેટ્સ છે જેઓ કાળા પૈસાના જોરે ચૂંટણી સમયે સત્તાનું બૅલેન્સ પલટાવવામાં માહિર થઈ ચૂક્યા છે. એવા ઈન્ટરનેશનલ ખેલાડીઓ છે જેમના માટે ભારતની ભૂમિ કાળું ધન ધોવાની લૉન્ડ્રી છે. એવી એન. જી. બોઝ છે જે બ્લેક મની ડોનેશનમાં લઈને એમની અણગમતી સરકારોને પજવ્યા કરવામાં નિપૂણ બની ગઈ છે. એવા દેશદ્રોહીઓ છે જે મોટી રોકડ રકમની હેરફેર તથા સાચવણી કરીને આતંકવાદીઓને પનાહ આપે છે અને અફકોર્સ પાકિસ્તાનના એ શાસકો છે જેઓ ભારતની બનાવટી ચલણી નોટો છાપીને આપણું અર્થતંત્ર ખોરવી નાખવાના મનસૂબા ધરાવે છે.

તકલીફ તો પડવાની. નાની મોટી તકલીફો સૌ કોઈને પડવાની. પણ એ સૌ નાના મોટા માણસો ખુશી-ખુશી આ કામચલાઉ તકલીફો સહન કરીને મોદીને બિરદાવવાના. પણ જે લોકો રાતના આઠ વાગ્યા પછીની ઘોષણા સાંભળીને રાતના બાર પહેલાં જવેલરની દુકાને જઈને દોઢા ભાવે સોનું ખરીદી આવ્યા તેઓ મોદીને ગાળો દેવાના. એમને હજારના સાતસો આપે તો સાતસો લઈ લેવામાં પણ વાંધો ક્યારે ન હોય? જ્યારે એમને ખાતરી હોય કે અધરવાઈઝ તો અમે આ નોટો બૅન્કમાં જમા કરાવવા જઈ શકવાના જ નથી. એમના માટે મોદીની પોલિસીઝને ગાળો આપવી જરૂરી બની જાય છે અને બીજા કૉન્ગ્રેસીઓ-સેક્યુલરો. તમે જોયું? રાહુલ ગાંધી સહિતની આ સઘળી પ્રજા ઈમિજિયેટલી મોદીને ભાંડવામાં પડી ગઈ. હજુ તો જુઓ, પાણીમાંથી પોરા કાઢનારા ચશ્મિષ્ટ સેક્યુલર ઝનૂની વિશ્ર્લેષકો મોદીની કેવી કેવી ટીકાઓ કરે છે. એમનું એ કામ છે. હાથીની પાછળ પાછળ ચાલતા શ્ર્વાને જે કામ કરવાનું હોય છે એ કામ તેઓ પૂરેપૂરી વફાદારીથી રોજિંદા ધોરણે નિભાવતા હોય છે, કારણ કે આવાં કામો કરવાનો એમને સરપાવ મળતો હોય છે.

ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે કોઈને અંદાજ નહોતો કે મોદી કયો માસ્ટર સ્ટ્રોક મારવાના છે, અમે તો એ દિવસે બપોરે અમારા આગલા મહિનાના લેખનના પુરસ્કારની રકમ ખાતામાં પહોંચી ગઈ છે એવો બૅન્કનો એસએમએસ વાંચીને સાંજે ખુશ થતાં થતાં એટીએમમાંથી પાંચ હજાર રૂપિયા કાઢી આવ્યા. પાંચસોની નવ નોટ એમાં આવી. બાકીની સો-સોની પાંચ. એક પાંચસોની નોટ વટાવીને ઘરમાં પહેરવાનાં સસ્તા ચંપલ લીધાં. બીજી નોટ વટાવીને મહેમાનો માટે બિયર ખરીદ્યો. સાત નોટ છે હજુ જેમાંથી એક સ્મૃતિરૂપે સાચવી રાખવી છે અને બાકી વધેલી છમાંથી બે નોટ જેની પાસે હજાર-હજારની બહુ હોય એવાને આપીને એક હજારની લઈ લેવી છે – સ્મૃતિ રૂપે. મોદીના ફોટા સાથે મઢાવીને રાખીશું. બાકી રહી ચાર પાંચસોવાળી નોટો નેક્સ્ટ વીક બૅન્કમાં જઈને નવી નક્કોર બે હજાર રૂપિયાની એક નોટ લઈ આવીશું અને એને પણ ફ્રેમમાં ઉમેરી દઈશું. મોદીએ દેખાડેલી છપ્પનની છાતીને બિરદાવવા સાડા ત્રણ હજારનો સેક્રિફાઈસ મામૂલી કહેવાય.

હવે પછીના બે-પાંચ-સાત દિવસ પૈસા બાબતે તંગીમાં જવાના. છતે પૈસે તકલીફ પડવાની. માર્કેટમાં ખરીદીઓ બંધ થવાની, ઓછી થઈ જવાની, ટર્ન ઓવર ઘટી જવાનું, દુકાનોના ગલ્લા જે અગાઉ છલકાતા તે થોડા દિવસ માટે ઊણા રહેવાના.

પણ દરેક વાતનો ઈલાજ છે જ. ચેક પેમેન્ટ. ઑન લાઈન ટ્રાન્ઝેક્શન. કાર્ડ પેમેન્ટ. અરે, એક મઝાની વાત આજે સવારે બની. ગઈ કાલ રાતની ઉજવણી પછી વહેલી સવારે વૉક લેતાં લેતાં ખ્યાલ આવ્યો કે સવારે ડિટોક્સમાં લેવાતો જ્યુસ બનાવવા ઘરમાં કારેલાં જ નથી. પાછા વળતાં વહેલા ખૂલી જતા ‘હાઈકો’ મૉલમાંથી કારેલાં, ટામેટાં, કાકડી ખરીદ્યાં. બિલ થયું ૮૮ રૂપિયા. ખિસ્સામાં સો-પચાસની નોટો તો હતી પણ એ વાપરતાં જીવ ન ચાલ્યો. ક્યાંક અણીના ટાંકણે કૅશની જરૂર પડી તો, એમ વિચારીને કાર્ડથી પેમેન્ટ કર્યું! આટલું બચુકલું પેમેન્ટ કાર્ડથી! મિત્રો, હવે કારેલાં પણ વ્હાઈટમાં ખરીદવાનો સમય આવી ગયો છે. કારણ? કારણ એ કે સચ્ચાઈ કડવી હોતી, હેં!!

મોદીના રાજમાં જીવવાની મઝા શું છે એનો રિયલ અનુભવ ગઈ કાલથી શરૂ થયો. અત્યાર સુધી જે હતું એ તો ટ્રેલર હતું. છેલ્લા બાર કલાકથી રહી રહીને કલ્યાણ મિત્રના એ શબ્દો ગૂંજ્યા કરે છે: માયૂસ નથી થવાનું, નાસીપાસ નથી થવાનું, ના હિમત નથી થવાનું. પ્રામાણિકતાનો યુગ આવી રહ્યો છે. નર્મદા વિશે કાલે.

આજનો વિચાર

પ્રાઈમ મિનિસ્ટરની રાતના ૮ વાગ્યાની ઘોષણા પછીના એક જ કલાકમાં વૉટ્સ-ઍપ પર જે હિસાબે જૉક્સનો મારો ચાલ્યો તે બતાવે છે કે ભારતની ખરી સમસ્યા બ્લેક મની નથી, અનએમ્પ્લોયમેન્ટ છે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

જેવી જેની ઔકાત.

દરેક જણ પોતાના ગજા પ્રમાણે ફેસલો લે.

કૉન્ગ્રેસે પાવલી બંધ કરાવી હતી, મોદીએ…!

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 10 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *