નમામિ દેવી નર્મદે

હરિ મહિધરે ૧૯૬૫ની સાલમાં રોલિફ્લેક્સ કૅમેરા વડે એક બપોરે ભેડા ઘાટના ખડક પરથી એકબીજાનો હાથ પકડીને નર્મદાના પાણીમાં ભૂસકો મારતા ત્રણ છોકરાઓની તસવીર લીધી. ત્યારથી નર્મદા અને એમના કૅમેરા વચ્ચે આજીવન સંબંધ બંધાયો. ‘બીનેવોલન્ટ નર્મદા’ના ૨૨મા પાને તમને એ પચાસ વર્ષ જૂની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર જોવા મળશે. સસરાએ ભેટ આપેલા રોલિફ્લેક્સને લઈને હરિ મહિધર વતન જબલપુરની એકે એક ગલીમાં ફરી વળતા. કૌટુંબિક વ્યવસાય આરસપહાણ અને ટાઈલ્સના વેપારનો અને મૂળ વતન તો કચ્છમાં.

પુસ્તકની અનુક્રમણિકાનાં પાનાં પર તમને અમરકંટકથી ભેડા ઘાટ (જબલપુર) થઈને ઓમકારેશ્ર્વર પહોંચી કેવડિયા, ગરુડેશ્ર્વર, ચાંદોદ થઈ કબીરવડ, ભરૂચ પસાર કરીને ખંભાતના અખાતમાં વહી જતી નર્મદા નદીના વહેણનો નકશો જોવા મળે છે. પ્રથમ તસવીર અગિયારમી સદીમાં બનેલી મા નર્મદાની પથ્થરની મૂર્તિની છે જે અત્યારે જબલપુરના મંદિરમાં છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈને વહેતી નર્મદાના ફોટાઓમાં એકવીસમા પાને ગુજરાતના ડભોઈ નજીકના ચાંદોદ ગામે થઈને વહેતી નર્મદાની તસવીર છે. ચાંદોદ શ્રાદ્ધ કરવા માટેની પવિત્ર ભૂમિ છે. મમ્મી ગુજરી ગઈ ત્યારે સરાવવા માટે મોટાભાઈ સાથે ચાંદોદ ગયા હતા. ત્યાં વાળ ઉતરાવ્યા હતા. માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને નર્મદા મૈયાનાં દર્શન કર્યાં. હોડીમાં ઊભા રહીને ભરબપોરના તડકામાં બે કાંઠા વચ્ચે શાંત વહેતી નદી પાર કરી હતી. મુંબઈથી વડોદરા-અમદાવાદ જતી વખતે જે નર્મદાના દૂરથી દર્શન કરીને વંદન કરતા આવ્યા હતા તે નર્મદાનાં નીરની છાલક માના આશીર્વાદ લાવતી હતી.

‘બીનેવોલન્ટ નર્મદા’માંની હરિ મહિધરની તસવીરો માટે ટેક્સ્ટ લખનારા વિઠ્ઠલ સી. નાડકર્ણી ધુંઆધાર ધોધની તસવીર વિશે વાત કરતા લખે છે કે આદિ શંકરાચાર્યે છેક આઠમી સદીમાં ‘નર્મદા અષ્ટકમ્’ રચીને નર્મદાનો મહિમા ગાયો છે. તેરમી સદીમાં થઈ ગયેલા મરાઠી સંત જ્ઞાનદેવની રચના ગાતી વખતે લતા મંગેશકરે ચંદ્ર જેવી શીતળતા આપતા મધ્યાહ્નના સૂર્યની યાદ અપાવે એવો શીતળ સૂરજ ધુંઆધારના ધોધ પર ભરબપોરે આ લેખક અને આ તસવીરકારની જોડીએ માણ્યો છે. આદિ શંકરાચાર્ય લાખો પક્ષીઓ ગુંજન કરતાં હોય એવી ઉપમા ધુંઆધારના ધોધનો અવાજ સાંભળીને આપે છે. નીર-તીર-ધીર-પક્ષી-લક્ષ-કુજિતમ્… પણ અત્યારે હવે પક્ષીઓને બદલે અહીં એકઠા થયેલા પર્યટકોનો કોલાહલ સંભળાય છે. આઠમી સદીથી એકવીસમી સદી સુધીની આ પ્રગતિ. જોકે, આજે પણ નર્મદાની પરકમ્માનો મહિમા હજુ એટલો જ છે. તેરસો કિલોમીટરની યાત્રા ઉપરાંત એક છેડે પહોંચીને સામે કાંઠે જઈ ત્યાંથી ફરી બીજા તેરસો કિલોમીટરની એક પૂરા છવ્વીસો કિલોમીટરની પ્રદક્ષિણા કરનારા યાત્રાળુઓ પણ અત્યારના જમાનામાં છે. સૌ કોઈ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત રાખીને પરકમ્મા કરતા હોય છે.

અમરકંટકની તસવીરોમાં ઊડીને આંખે વળગતો ભગવો રંગ નર્મદાના ભૂરા-સફેદ-ભૂખરા – શ્યામ રંગોમાં ભળી જાય છે ત્યારે ભારતની આગવી સંસ્કૃતિનું સ્મરણ થાય છે. વિનાયક પેશ્ર્વા ભૂસ્તરશાસ્ત્રી છે. બાજીરાવ પેશ્ર્વા-પ્રથમના તેઓ આઠમી પેઢીના વંશજ છે. એ વડવાએ અઢારમી સદીની મધ્યમાં ચોથા મરાઠારાજા છત્રપતિ શાહુ મહારાજના પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી. ડૉ. વિનાયક પેશ્ર્વાએ નર્મદા વિશે ઊંડું ફિલ્ડવર્ક કર્યું છે. એમના મત મુજબ નર્મદા વિશ્ર્વની સૌથી જૂની નદી છે. ‘ગંગા તો ઉંમરની દૃષ્ટિએ નર્મદાની સામે બાળકી કહેવાય’, એવો એમનો મત આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે. કદાચ આ મત સાચો હોય, ન પણ હોય. પણ નદીઓ સાથે જોડાયેલી ભારતની સંસ્કૃતિ જગતની અન્ય કોઈપણ સંસ્કૃતિ કરતાં વધુ જૂની, વધુ સમૃદ્ધ અને વધુ વિશાળ છે એમાં કોઈ બેમત નથી. આપણા બ્રિટિશ અને સામ્યવાદી ઈતિહાસકારોએ પરદેશની પુરાતન સંસ્કૃતિને જેટલું પ્રાધાન્ય આપ્યું છે એટલું ભારતની સંસ્કૃતિના વારસાને નથી આપ્યું. એટલા માટે પણ આ પુસ્તક ‘બીનોવેલન્ટ નર્મદા’ આપણા માટે ઉપયોગી છે.

મધ્ય પ્રદેશના શાહપુરા નજીક આવેલા ફૉસિલ નૅશનલ પાર્કની તસવીરો જોવા જેવી છે. પરદેશમાં બનતી ડાયનોસોરની ફિલ્મોથી પ્રભાવિત થઈ જનારાઓએ આ તસવીરો ખાસ જોવી જોઈએ. અહીં માંડુ પાસે અલમોસ્ટ સાડાછ કરોડ વર્ષ જૂનાં અશ્મિઓ મળી આવ્યા છે, જે ડાયનાસોરનાં તેમ જ એની વિષ્ટાનાં છે. આ ઉપરાંત યુકેલિપ્ટ્સના વૃક્ષના અશ્મિઓ મળી આવ્યા છે જે એ જમાનાના છે જ્યારે ભારત, આફ્રિકા, ઑસ્ટ્રેલિયાના ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા અને તે જમાનામાં પણ નર્મદા નદી મોજૂદ હતી એવા પુરાવા છે. આવી પ્રાચીન સભ્યતાને લઈને વહેતી નર્મદાનાં દર્શનમાત્રથી ધન્ય થઈ જઈએ એમાં નવાઈ નથી.

નર્મદાના તીરે યોજાતા કુંભમેળાની તસવીરો જોઈને તમને ભારતની આ એક ઔર આગવી પરંપરા માટે આદર થાય. જે જમાનામાં કમ્યુનિકેશન્સનાં કોઈ સાધનો નહોતાં, સંદેશવ્યવહારનાં જ નહીં, યાતાયાત યાને કિ ટ્રાન્સપોર્ટેશનના પણ ખૂબ ટાંચાં સાધનો હતાં એ કાળમાં દર ચાર યા બાર વર્ષે દેશના વિવિધ સ્થળોએ કુંભ મેળાઓ યોજવાની પરંપરા શરૂ થઈ. આવા આયોજનનું મૂળ કારણ દેશના ખૂણે ખૂણેથી યાત્રાળુઓ – પ્રજ્ઞાવાન સાધુસંતો એક જગ્યાએ ભેગા થાય, પોતપોતાના વિસ્તારોમાં શું શું બની રહ્યું છે એની માહિતીની આપ-લે કરે, એકબીજાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે એ મૂળ આશય. ધર્મના નામે લોકો આપોઆપ કુંભમેળામાં ખેંચાઈ આવે. આજે પરદેશમાં કે દેશમાં વિવિધ ક્ષેત્રને લગતા ઈન્ડસ્ટ્રિયલ ટ્રેડ ફેર્સ થાય છે. એનો મૂળ આઈડિયા કોઈકને આ ભારતના કુંભમેળાઓમાંથી આવ્યો હોવો જોઈએ. કુંભમેળા દરમિયાન થતી ભીડ, અસ્વચ્છતા કે ગેરવ્યવસ્થા પર જ ફોકસ કરતા સુધરેલી જમાતના લોકો ભલે આપણને પછાત ગણે, નર્મદા અને એની આસપાસના કાંઠા વિસ્તારો, જંગલો તથા વનસૃષ્ટિને તમે હરિ મહિધરના કૅમેરાની આંખે જોશો તો લાગશે કે જિંદગી કેટલી વિશાળ છે, સુધરેલી જમાતની આંખે દેખાય એના કરતાં તો કરોડગણી વિશાળ! વધુ કાલે.

આજનો વિચાર

મોદી ભારત માતાની જય બોલીને સત્તા પર આવ્યા. આજે આખો દેશ ભારત માતાની જય બોલાવી રહ્યો છે.

કેજરીવાલ ખાંસતા ખાંસતા દિલ્લીની ગાદી પર આવ્યા. આજે પૂરી દિલ્લી ખાંસી ખાઈ રહી છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

રાહુલ: મેં ગયા મહિને તમારી પાસેથી મરઘીના દાણા ખરીદ્યા હતા.

દુકાનદાર: એમાં કંઈ ખરાબી નીકળી?

રાહુલ: એક મહિનો થઈ ગયો મેં કૂંડામાં એને વાવ્યે. હજુ સુધી મરઘી નથી ઊગી…

( મુંબઇ સમાચાર : બુધવાર, 9 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *