અશ્વિની ભટ્ટ, અમૃતલાલ વેગડ અને હરિ મહિધર

ત્રણેય નામમાં શું સામ્ય છે? ત્રણેય ગુજરાતી છે. પછી? ત્રણેયે નર્મદાનું મહાત્મ્ય અને સૌંદર્ય પોતપોતાની રીતે ગાયું છે. અશ્ર્વિની ભટ્ટે ભેડા ઘાટનું વર્ણન કર્યું. અલમોસ્ટ ચાર દાયકા પહેલાં. અશ્ર્વિનીભાઈના વાચકોને લીધે જબલપુર – મધ્ય પ્રદેશનું પર્યટન ખાતું ધમધમતું થઈ ગયું. ત્યાર બાદ અમૃતલાલ વેગડે નર્મદાની વિવિધ પરકમ્માનાં તબક્કાવાર વર્ણનો લખ્યાં.

અશ્ર્વિની ભટ્ટે ફિક્શનમાં નર્મદા વિશે જે કામ કર્યું એટલું જ ખૂબસૂરત કામ અમૃતલાલ વેગડે નૉન-ફિક્શનમાં કર્યું. શબ્દોમાં તો જાણે નર્મદા વિશે જેટલું કામ થવાનું હતું તે થઈ ગયું. હવે શું બાકી રહ્યું? નર્મદાના સૌંદર્યને ચિત્રો દ્વારા, તસવીરો દ્વારા પ્રગટ કરવાનું હજુ બાકી હતું. ગંગા વિશે અનેક તસવીરપુસ્તકો પ્રગટ થયાં છે. કેટલીક બાબતોમાં ગંગા કરતાં પણ નર્મદાનું મહાત્મ્ય મોટું છે. ગંગામાં ડૂબકી મારવાથી પુણ્ય મળે, યમુનાનાં દર્શનથી અને નર્મદાના સ્મરણમાત્રથી પુણ્યશાળી થઈ જવાય. એટલે જ પુરાણકથા એવી છે કે લાખો લોકો ગંગાસ્નાન કરીને પોતાનાં પાપ ધોઈ જાય એ પછી ગંગા આ તમામ પાપમાંથી મુક્ત થવા નર્મદામાં સ્નાન કરી આવે અને ફરી પવિત્ર થઈ જાય.

હરિ મહિધર ગુજરાતી છે. ભારતના મશહૂર તસવીરકારોની અગ્રણી હરોળમાં એમનું નામ આદરપૂર્વક લેવાય છે. વિદ્યાર્થી અવસ્થામાં પેઈન્ટિંગ અને ફાઈન આર્ટ્સમાં રસ હતો પણ પછી પ્રેસ ફોટોગ્રાફી કરવા ૨૨ વર્ષની ઉંમરે એક હિન્દી અખબારમાં જોડાયા. અલમૉસ્ટ પાંચ દાયકા પહેલાં મુંબઈ આવીને તે જમાનાના મશહૂર ફોટોગ્રાફર મિત્તર બેદી સાથે જોડાયા. ઈન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફીમાં ખૂબ કામ કર્યું. મોટી મોટી ઍડવર્ટાઈઝિંગ એજન્સીઓ માટે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર ઈન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફી કરી. જહાંગીર આર્ટ ગેલેરી સહિત અનેક નામી જગ્યાઓએ એમની તસવીરોનાં પ્રદર્શન ભરાયાં. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ (હવે છત્રપતિ શિવાજી વાસ્તુ સંગ્રહાલય) તેમ જ ગોવાનાં વિવિધ ચર્ચ વિશેનાં એમનાં તસવીરી પુસ્તકો ખૂબ વખણાયાં છે. સોની (ઈન્ડિયા)નાં તેઓ બ્રાન્ડ ઍમ્બેસેડર છે. ગંગા વિશે આટલી બધી કૉફી ટેબલ બુક્સ તો નર્મદા વિશે કેમ નહીં, એવા સવાલના ઉત્તરરૂપે ‘બીનેવોલન્ટ નર્મદા’ નામનું દળદાર પુસ્તક સર્જાયું. મોટી મોટી રંગીન તસવીરોથી છલોછલ આ કૉફી ટેબલ બુક હરિ મહિધરની આઠ વર્ષની તપશ્ર્ચર્યાનું ખૂબસૂરત ફળ છે. આ પુસ્તક માટે જ હરિ મહિધર ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ્યા હશે એવું પરિણામ આવ્યું છે. હરિ મહિધર પોતે નર્મદાના કાંઠે ઉછરેલા છે – જબલપુર વિસ્તારમાં… સોનાના આ પુસ્તકમાં સુગંધ ઉમેરી છે વિઠ્ઠલ સી. નાડકર્ણીના શબ્દોએ. વિઠ્ઠલ નાડકર્ણી ‘ધ ઈલસ્ટ્રેટેડ વીકલી’, ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘ધ ઈકનૉમિક ટાઈમ્સ’ અને ‘ધ સાયન્સ ટુડે’માં સિનિયર હોદ્દાઓ પરથી ફરજ બજાવી ચૂક્યા છે. શાસ્ત્રીય સંગીતના ઊંડા જાણકાર અને યોગાભ્યાસી. બીજા એક ઈન્ટરનેશનલી અક્લેમ્ડ ગુજરાતી ફોટોગ્રાફર તીથલ નિવાસી (હવે સ્વર્ગવાસી) અશ્ર્વિન મહેતા (જેમની તસવીરો તમે સ્વામી આનંદનાં પુસ્તકો પર જોઈ છે) ને અંજલિ આપતું એક પુસ્તક પણ વિઠ્ઠલ સી. નાડકર્ણીએ લખ્યું છે. ઈન્સિડેન્ટલી, આજથી ૩૬ વર્ષ પહેલાં, વીસેક વર્ષની ઉંમરે હું વિઠ્ઠલ સી. નાડકર્ણીને આઈ.એન.ટી. દ્વારા આહવા (ડાંગ)માં યોજાયેલા લોકકળા મહોત્સવમાં મળ્યો હતો. ત્યાં પત્રકાર તરીકે બીજા દિગ્ગજોમાં હરકિસન મહેતા હતા. હું તે વખતે ફિલ્ડમાં નવોસવો. હરિ મહિધરના આ પુસ્તકના લોકાર્પણ સમયે વિઠ્ઠલ નાડકર્ણીને મેં વાત યાદ કરાવી. એમને મને મળ્યાનું સ્મરણ ન હોય તે સ્વાભાવિક છે. મને આવી હસ્તીને મળ્યાનું કાયમી સ્મરણ હોય એ સ્વાભાવિક છે.

હરિ મહિધર સાથે બેસી તમે કલાકો સુધી નર્મદા વિશેની વાતો સાંભળી શકો. મહા સુદ સાતમે નર્મદા જયંતી આવે. આ વર્ષે ૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ના દિવસે આવશે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુએ ક્ધયા નર્મદાને પાણીરૂપે વહેવાનો આદેશ આપ્યો. કથા એવી છે કે દેવતાઓએ નિવેદન કર્યું હતું કે, હે ભગવાન! અમે દેવતાઓ ભોગવિલાસમાં રત હોઈએ છીએ, અનેક રાક્ષસોનો વધ પણ કરીએ છીએ. આમ અમે અનેક પાપથી ખરડાયેલા હોઈએ છીએ. એનું નિવારણ કરવાનો કોઈ ઉપાય બતાવો.

ત્યાં જ શિવજીની ભૃકુટિમાંથી એક તેજોમય બિન્દુ પૃથ્વી પર પડ્યું અને થોડા જ સમયમાં એ બિન્દુનું ક્ધયામાં પરિવર્તન થયું. એનું નામ નર્મદા પડ્યું. એને અનેક વરદાનોથી સજ્જ કરવામાં આવી. એમનું એક વરદાન હતું કે તારા જળમાં જે કોઈ કંકર – પથ્થર હશે તે તમામ શિવતુલ્ય ગણાશે. ઉત્તર દિશામાં ગંગા જેટલી પવિત્ર છે એમ આ બાજુ દક્ષિણમાં નર્મદા પણ એટલી જ પવિત્ર છે. મધ્ય પ્રદેશના અમરકંટકથી શરૂ થતી નર્મદા અરબી સમુદ્રમાં ભળી જાય છે ત્યાં સુધીની પગપાળા પરિક્રમા કરનારા ભાગ્યશાળી થઈ જાય છે. નર્મદાનાં દર્શનથી અપાર શાંતિ મળે છે એ તો મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં જનારા સૌ કોઈએ અનુભવ્યું છે.

ભરૂચ પાસેના ખંભાતના અખાતમાં ભળી જતી નર્મદાએ અમરકંટકથી તેરસો કિલોમીટરનો પ્રવાસ કર્યો હોય છે. રેવાના લાડકા નામે ઓળખાતી નર્મદા ભારતની પાંચમી સૌથી લાંબી નદી અને માત્ર ભારતમાં જ વહેતી હોય એવી નદીઓમાં ત્રીજી સૌથી લાંબી નદી. પહેલી બે ગોદાવરી અને કૃષ્ણા. ઓમકારેશ્ર્વર, ભેડા ઘાટ, ધુંઆધાર ધોધ વગેરે અનેક મુકામો એવાં છે જ્યાં કાયમ માટે રોકાઈ જવાનું તમને મન થાય.

ભારતની સંસ્કૃતિ વિવિધ નદીઓના કાંઠે પાંગરેલી સંસ્કૃતિ છે. આ નદીઓએ જીવન આપ્યું, સમૃદ્ધિ બક્ષી અને મનની સમતુલા જળવાય એ માટે એક અલગ જ આધ્યાત્મિક સૃષ્ટિ સર્જી. આને કારણે આ તમામ નદીઓને ધાર્મિક દરજ્જો મળ્યો, મા સમાન સન્માન મળ્યું. નર્મદા જયંતી નિમિત્તે ફેબ્રુઆરીમાં જબલપુર જવાનો પ્રોગ્રામ ગોઠવાય તે પહેલાં એક ડૂબકી હરિ મહિધરની તસવીરો તથા વિઠ્ઠલ સી. નાડકર્ણીના શબ્દો દ્વારા નર્મદા મૈયાનાં પાવન નીરમાં મારી લઈએ. કાલથી.

આજનો વિચાર

જીવનની ઢળતી સાંજે હવે તો મન પર ગેરુઓ રંગ ચડ્યો છે. મોહ, માયા, મમતાનાં બંધનો શિથિલ થઈ ગયાં છે. મહત્ત્વાકાંક્ષાઓ હવે મારો પીછો નથી કરતી. જીવનમાં શાંતરસનું આગમન થઈ ચૂક્યું છે. ભૂતકાળ સ્મૃતિઓમાં લીલોછમ સચવાયો છે – અને વર્તમાન જીવન – સાફલ્યની સાક્ષી પૂરે છે. હવે જો કોઈ અપેક્ષા હોય તો તે છે શાંતિ.

– જયવંતીબેન મહેતા (આત્મકથા ‘સમયની સાથે સાથે’માં).

એક મિનિટ!

જમાઈ: આ તમારી છોકરીનો બહુ ત્રાસ છે. સૌલ્લિડ ખપાવે છે. કોઈ કારણ વગર લડવા માંડે છે…

સસરા: ભાઈ, તમારી પાસે જે કટપીસ છે ને એનો આખો તાકો મારી કને છે, કહો તો મોકલાવું થોડા દિવસ માટે…

( મુંબઇ સમાચાર : મંગળવાર, 8 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *