બાતનું બતંગડ

કોઈ કહે કે તમારા વિશે આણે આવું કહ્યું તો એ શબ્દોને તમારે કેટલા સિરિયસલી લેવાના? ચાન્સીસ આર ધેર કે એ થર્ડ પાર્ટી તમારા વિશે જે કઈ બોલી હોય એમાં મીઠું મરચું ભભરાવીને તો ક્યારેક ટોટલી મિસક્વૉટ કરીને તમને કહેવામાં આવતું હોય. તમારા સુધી આ વાત પહોંચાડનાર વ્યક્તિ પોતાના સ્વાર્થને કારણે, તમારી સાથેનો કે પેલી વ્યક્તિ સાથેનો કે પછી તમારા બંનેની સાથેનો સ્કોર સેટલ કરવા માગતી હોય એવુંય બને. એનો આશય એવો પણ હોય કે આ વાત સાંભળીને તમે ઉશ્કેરાઈ જાઓ અને આવેશમાં કંઈક એવું બોલી નાખો જે જઈને એ પેલાને સંભળાવે અને પરિસ્થિતિ વધારે વણસાવે.

કોઈ મને આવીને કહે કે મારા વિશે ત્રીજી વ્યક્તિ આવું કહેતી હતી તો મારે એ ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખવાનો? તમે એવું કરો? પ્રેક્ટિકલ દુનિયામાં તો ત્રીજી વ્યક્તિએ ખરેખર તમારા વિશે એવું કહ્યું હશે તો ય, જો એ તમારા કામની હશે તો તમે એ ઘરે આવશે તો માત્ર ચા જ નહીં પીવડાવો, જમાડીને જ મોકલશો. જો ખરેખર એ તમારા માટે કામની હશે, તમારો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ એનામાં હશે તો.

આનો અર્થ એ થયો કે કોઈ શું બોલે છે, શું નથી બોલતું એના આધારે સંબંધો સાચવવાના – બગાડવાના ન હોય. પણ કોઈ તમને કેટલું કામનું છે ને કેટલું કામનું નથી એના આધારે સંબંધો સચવાતા હોય છે. કોઈ વ્યક્તિ તમને દીઠી ગમતી ન હોય, તમારા લેવલની બિલકુલ ન હોય, તમારી દૃષ્ટિએ તમે એને વ્યક્તિ તરીકે કે પછી એના વ્યવસાય માટે તદ્દન નક્કામી ગણતા હો છતાં જો એ રિમોટલી પણ તમારા કામની હશે તો તમે એની સાથે નહીં બગાડો. એણે તમારા વિશે કંઈ પણ કહ્યું હશે તોય નહીં બગાડો. એ વ્યક્તિ કદાચ તમારા કામની નહીં હોય છતાં તમે એની સાથે સંબંધ નહીં બગાડો, જો એનામાં તમારું કશુંક બગાડવાની તાકાત છે એવું તમને લાગતું હશે તો.

આવું કરવું સારું કે ખરાબ એની વાત નથી અહીં. આવું જ થતું હોય છે એવા નિરીક્ષણની વાત છે. અને કોઈ કોઈના વિશે શું બોલે છે એ શબ્દોના નિરર્થકપણાની વાત છે. અભિપ્રાયોને અવગણવાની વાત છે.

મોહમ્મદ રફી ગાતે થે યા રોતે થે પ્રકારના શબ્દો ‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં હીરોઈનના એક સંવાદમાં ઝડપથી બોલાઈ જાય છે જેની સામે હીરો જે ગાયક છે, પોતાની આંગળી કાનની બૂટને લગાડીને એવી જેશ્ર્ચર કરે છે કે રફીસા’બ એના (માની લીધેલા) ગુરુ છે, ઉસ્તાદ છે, પોતે એમનો શાગીર્દ છે અને ફિલ્મમાં એક તબક્કે એ પેરિસના ડિસ્કોમાં ‘એન ઈવનિંગ ઈન પેરિસ’ના ટાઈટલ સોન્ગનું મુખડું પણ ગાય છે જે ઓરિજિનલમાં મોહમ્મદ રફીએ ગાયું છે.

હિન્દી ફિલ્મના મ્યુઝિક લવર્સ અને રફીના ચાહકો ઉશ્કેરાઈ ગયા. બાન્દ્રાના રફી ચોક પર જઈને ધરણા કરીને ફોટા પડાવી આવ્યા. રફીના પુત્રને ઉશ્કેરી આવ્યા. રફીપુત્રએ પણ જોશમાં આવીને કહી દીધું કે કરણ જોહર માફી માગે નહીં તો હું બદનક્ષીનો દાવો માંડીશ, આમ કરીશ ને તેમ કરીશ.

હું જો રફીસા’બનો દીકરો હોત તો મેં કહ્યું હોત કે અબ્બાજાન કેટલા મહાન ગાયક હતા એ એમની હયાતિમાં જ સ્થાપિત થઈ ચૂક્યું છે. એમના ઈન્તકાળ પછી ડઝનબંધ પ્લેબેક સિંગર્સ એમની નકલ કરવાવાળા આવીને ફેંકાઈ ગયા પણ હજુ સુધી કોઈ એમની પ્રતિભાને આંબી શક્યું નથી. મોહમ્મદ રફી એકમેવ હતા, ન ભૂતો ન ભવિષ્યતિ હતા. કોઈ એકાદ રમતિયાળ ફિલ્મી ડાયલોગથી એમની વિરાટ પ્રતિમા એક ઇંચ પણ નાની થતી નથી. રફીસા’બને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ ખૂબ આપ્યું છે એટલે હું આ ઈન્ડસ્ટ્રીના યુવા વારસદારો વિશે સહેજે પણ ઘસાતું નહીં બોલું. આ દરેક લોકોએ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સમૃદ્ધ કરવામાં પોતપોતાનો ફાળો આપ્યો છે.

તમે એક વાત મને કહો કે મારા વિશે કોઈ એમ લખે કે આ સૌરભ શાહને લખતા નથી આવડતું, આ લેખકમાં તો કંઈ અક્કલ જ નથી, આ તો મોદીનો ચમચો છે અને પદ્મશ્રી મેળવવા માટે ફાંફાં મારે છે તો મારા જે ચાહકો-વાચકો હોય એમણે એ લખનારના ઘર આગળ જઈને આંદોલનો કરવાનાં હોય? અરે ભાઈ, કોઈનો એવો અભિપ્રાય હોય તો તે એને મુબારક, મારે કે કોઈએ શું કામ પરટર્બ થવાનું? પ્લસ, ફિલ્મમાં કંઈ કરણ જોહરે પોતાના અભિપ્રાયરૂપે રોતે થે યા ગાતે થે વાળો ડાયલોગ નથી નાખ્યો. હીરો પોતાનો રફીપ્રેમ પ્રગટ કરી શકે એટલે એક બાઉન્સિંગ બોર્ડરૂપે આ સંવાદ આવે છે, એક કેરેક્ટ્રના અભિપ્રાયરૂપે આ સંવાદ આવે છે.

ફ્રેન્કલી, રફીપ્રેમીઓએ આટલા આળા થવાની બિલકુલ જરૂર નથી. રફીપુત્રે, રફીપરિવારે કે રફીચાહકોએ રફીસા’બના બહાને માઈલેજ મેળવવાની લાલચ છોડીને પોતાનો રફીપ્રેમ કોઈક અલગ રીતે, અત્યાર સુધી જે રીતે પ્રગટ કરતા આવ્યા છે તે રીતે, પ્રગટ કરતાં રહેવું જોઈએ – રફીને ગાઈને, રફીને સાંભળીને, રફી વિશે વાંચીને. કારણ કે આ ડાયલોગને જો તમે પ્રોપર રેફરન્સમાં જુઓ – સાંભળો તો તમને ખબર પડશે કે એ શબ્દો કંઈ રફીસા’બની પ્રતિભાને ખરડવા કે એમનું નીચાજોણું થાય એવા આશયથી નથી મુકાયા.

બાતનું બતંગડ બનાવવાની આપણી આદતો જૂની છે. બેઝિકલી આવી ટેવ બે પ્રકારના લોકોની હોય – જેઓ ગુડ ફોર નથિંગ હોય અને જેઓની પાસે નિરાંત જ નિરાંત હોય. અર્થાત્ જેઓ નવરા હોય. જે લોકો પાસે સમયનો અભાવ છે, જે લોકો ટેલેન્ટેડ છે તેઓ આવા વિરોધમાં જોડાયા વિના પોતાનું કામ આગળ ધપાવવામાં બિઝી છે.

‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ બનાવવા માટે કરણ જોહરની એક ડિરેક્ટર-રાઈટર તરીકે ટીકા કરતાં પચાસ લેખ લખી શકાય. પણ એવી વાંઝિયા મહેનત કરવાને બદલે મેં એમાંના જે સંવાદો ગમ્યા તેના વિશેની મારી સમજ મુજબની ટિપ્પણ કરીને દિવાળીનો મૂડ ખરાબ કર્યો નથી. (જે ગયા બેસતા વર્ષે ‘પ્રેમ રતન ધન પાયો’ જોઈને બગડી ગયો હતો.)

રફીસા’બ હોય કે તમારી કોઈ પ્રિય વ્યક્તિ હોય કે તમે પોતે હો. કોઈ કોઈના વિશે શું કહે છે એમાં ને એમાં પડ્યા રહીશું અને એવી જ વાતોને ચૂંથ્યા કરીશું તો બીજી હજાર વસ્તુઓ રોજની સામે મળવા આવે છે તેનો આનંદ લેવાનું ચૂકી જઈશું. સારી સારી વાતોને આપવા માટેનો ટાઈમ જ જિંદગીમાં ઓછો પડે છે તો આ બધામાં ક્યાં સુધી ડાયવર્ટ થયા કરીશું.

લોકોને જે કહેવું હોય તે કહે, ચાલો, આપણે આગળ વધીશું?

આજનો વિચાર

કમાણી પર્યાપ્ત ન હોય ત્યારે ખર્ચમાં લિમિટ રાખવી

અને

જાણકારી પર્યાપ્ત ન હોય ત્યારે ચર્ચામાં લિમિટ રાખવી.

– ફેસબુક પર ફરતું

એક મિનિટ!

ઈલાસ્ટિકવાળાં કપડાં પહેરવાના રવાડે માણસ જ્યારથી ચડ્યો છે ત્યારથી ‘બાંધછોડ’ કરવાનું જ ભૂલી ગયો છે!

– વૉટ્સએપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : સોમવાર, 7 નવેમ્બર 2016)

1 comment for “બાતનું બતંગડ

  1. મનસુખલાલ ગાંધી, U.S.A.
    November 8, 2016 at 9:22 AM

    બહુ જ સરસ સમજણ આપતો લેખ સુંદર લેખ…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *