હું કોણ છું અને રિચ ઍન્ડ ફેમસ થવાની કળા

જેમને જીવનમાં કશું નથી કરવું એમના માટે લાઈફને લગતા ઘણા પ્રશ્નો છે. જે લોકો દિવસરાત પોતાના કામમાં ગળાડૂબ ખૂંપેલા હોય છે એમને એવા સવાલો થતા નથી. બિઝી લોકોને આ જીવનનો અર્થ શું છે, હું કોણ છું, આ પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો, મોક્ષ એટલે શું કે પછી પુનર્જન્મ છે કે નહીં એવા સ્યુડો અધ્યાત્મવાદી પ્રશ્ર્નો થતા જ નથી. મને કે ગઈકાલે જે રિક્શાવાળો મને મારા ઘરેથી સ્ટેશન સુધી લઈ ગયો એને આજ દિવસ સુધી એવો સવાલ થયો નથી કે: હું કોણ છું? નવરી શ્રીમંત શેઠાણીઓને અને નિવૃત્ત થઈને પરવારી ચૂકેલા મોટા પેટવાળા મિડલ ક્લાસી વયસ્કોને આવા પ્રશ્ર્નો રોજના હિસાબે થતા રહે છે. કેટલાક મુગ્ધ તરુણ – તરુણીઓ પણ હૅન્ડસમ બાબાગુરુઓ કે સૅક્સી બેબીગુરુઓના બહેકાવવામાં આવી જઈને કૉલેજમાં ગર્લફ્રેન્ડ/ બૉયફ્રેન્ડ સાથે ઑવરનાઈટ પિકનિક પર જવાને બદલે ઘરે આવીને પૂછતા હોય છે: મમ્મા, હું કોણ છું.

દરેક ક્ષેત્રમાં કેટલાક ફેક સવાલ હોય છે. એવા સવાલો જેના કોઈ જ જવાબ ન હોઈ શકે. આ સવાલોનો ઉદ્ભવ માત્ર બીજાઓને ભરમાવવા માટે થયેલો હોય છે. વર કમાવા ગયો હોય ત્યારે મહારાજે બનાવેલું લંચ ખાઈને ઍરકંડિશન્ડ બેડરૂમના ખાટલામાં આળોટતાં આળોટતાં પ્લસ સાઈઝની ગૃહિણીઓ ઓડકાર ખાધા પછી અને મુખવાસ ખાતાં પહેલાં વિચારતી હોય છે: હું કોણ છું, મારા અસ્તિત્વનો અર્થ શું છે? અડધો કલાકનો લંચટાઈમ ઝટપટ પૂરો કરીને ડી માર્ટ કે બિગ બાઝારના કરિયાણાના કાઉન્ટર પર પાછી હાજર થઈ જતી મહેનતુ સેલ્સગર્લને ક્યારેય આવા સવાલો નથી પજવતા.

આવા સવાલો ઊભા કરીને, આત્મા-પરમાત્મા વિશેનું અગડંબગડં ગૂંથીને પ્રજાને લૂંટવાનો ધંધો દરેક દેશમાં, દરેક ધર્મોમાં થતો આવ્યો છે અને આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. લોકોને પરસેવો નીતારીને મહેનત કરવાની પ્રેરણા આપવાને બદલે ભાગ્યાધીન થઈ જવાની વાતો સાંભળવાની આપણને મઝા આવતી હોય છે. હું જે છું તે મારા ભાગ્યને કારણે છે ને મને જે કંઈ નથી મળતું તે મારા નસીબમાં જ નથી એવું માની લેવાથી એક જુઠ્ઠું આશ્ર્વાસન મળી જાય છે. બાબાગુરુઓના વારતહેવારે થતાં પ્રવચનો-વીડિયો સાંભળી/ જોઈને તેમ જ ટીવીની ભક્તિચેનલોમાં એમના ઈન્ટરવ્યૂઝ પરથી મગજમાં ભૂંસું ભરાઈ જાય છે જેમાં કલ્પનાનું ફેવિકોલ ઉમેરાયા પછી એ એટલું સજ્જડ રીતે ચોંટી જતું હોય છે કે તમારી સૌથી નિકટની, તમારું સૌથી વધારે હિત ઈચ્છતી વ્યક્તિ પણ એને ઉખાડી શકતી નથી.

બાબાગુરુઓ એક તરફ છે અને આ તરફ એમના જેવા જ મોટિવેશનલ સ્પીકર્સ કે લાઈફ કોચ જેવા ધંધામાં પડેલાઓ છે. તેઓ પણ તમને છેતરવાનો જ ધંધો કરે છે. પાંચ હજાર રૂપિયાની ફી લઈને તેઓ તમારી કોણીએ પાંચ રૂપિયાનો ગોળ લગાડી આપે છે અને કહે છે કે એ કેવી રીતે ચાટી શકાય તે હું તમને શીખવાડીશ. તમારામાં એબિલિટી હશે તો તમે જરૂર ચાટતા થઈ જશો. તેઓ તમને મૂકેશ અંબાણીનો દાખલો આપીને કહે છે કે તમે પણ મૂકેશ અંબાણી બની શકો છો. જુઠ્ઠાડા છે તેઓ. જો મોટિવેશનલ કોર્સ કરીને મૂકેશ અંબાણી બની શકાતું હોત તો આજે મુંબઈ એકલામાં એક હજાર ‘એન્ટિલા’ ઊભાં હોત. – સ્ટીવ જૉબ્સ જેવી સફળતા જો આ પ્રેરણાત્મક પ્રવચનો સાંભળીને મળી શકતી હોત તો દુનિયા આખીમાં ‘એપલ’ જેવી દસ હજાર કંપનીઓ સફળતાપૂર્વક ચાલતી હોત.

તમને છેતરવા માટે, ઉલ્લુ બનાવવા માટે આવા મહાન લોકોના દાખલાઓ ટાંકીને કહેવામાં આવતું હોય છે કે તમે પણ એવા બની શકો છો. આફ્રિકાના કોઈ ગરીબ દેશની અપંગ નીગ્રો છોકરીને ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું મન થયું અને વર્ષો પછી એ ત્રણ ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી. આવા દાખલા આપીને તમને જ્યારે કહેવાય છે કે તમે પણ ધારો તો એવા બની શકો છો ત્યારે તમને એક ફેક ઉત્સાહનું ઈન્જેક્શન મારવામાં આવતું હોય છે. પેલી નીગ્રો અપંગ છોકરી જેવી બીજી લાખો અપંગ ક્ધયાઓ છે. એ પણ ગોલ્ડ મેડલિસ્ટ થઈ શકી હોત. પણ ના થઈ. અપંગ ન હોય એવી તો બીજી કરોડો ક્ધયાઓ આખી દુનિયામાં છે. પણ એમનેય ગોલ્ડ મેડલ ન મળ્યા. અને મોટિવેશનલ સ્પીકર આમ છતાં તમને ભરમાવે છે કે તમે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી શકો છો! એ તમને તમારા મોઢા પર કહેતો નથી કે તમારામાં મોં પરથી માખી ઉડાડવાની પણ ત્રેવડ નથી તો ગોલ્ડ મેડલ શું જીતવાના તમે? એ નથી કહી શકતો કારણ કે એ તમારી પાસેથી ફી પેટે પાંચ હજાર રૂપિયા લઈને બેઠો છે. તમારા જેવા બીજા સેંકડો પાસેથી લીધા છે અને ભવિષ્યમાં પણ લીધા કરવાનો છે કારણ કે આ એનો ધંધો છે, એનું ગુજરાન આવી વાતોનાં વડાં કરવાથી ચાલે છે. એ જો તમને કહેતો હોય કે તમે પણ મૂકેશ અંબાણી કે સ્ટીવ જૉબ્સ બની શકો છો તો સૌથી પહેલાં એ પોતે કેમ અંબાણી નથી બની જતો… કોણ રોકે છે એને? પણ એને ખબર છે કે એ નથી બની શકવાનો. અને એને એ પણ ખબર છે કે તમે પણ રિચ ઍન્ડ ફેમસ નથી બની શકવાના.

સફળતાના શોર્ટ કટ નથી હોતા. પાંચ હજાર રૂપિયાની ફી આપીને પાંચ રૂપિયાનો ગોળ કોણી પર લગાવીને તમને દીવા સ્વપ્નો બતાવતો મોટિવેશનલ સ્ટીકર તમને શોર્ટ કટ દેખાડીને છેતરી રહ્યો છે. જો ખરેખર એ તમને ગોળનો સ્વાદ ચખાડવા માગતો હોય તો એણે સૌથી પહેલાં તો તદ્દન નોન-ગ્લેમરસ વાતો કરવી પડે. ક્યા પ્રકારની જમીનમાં શેરડી ઊગે તે સમજાવવું પડે. તમારી ભૂમિ શેરડી ઊગે એવી છે કે નહીં તેની ચકાસણી કરવી પડે. જો તમારી ભૂમિ એવી ફળદ્રુપ ન હોય તો બીજા ક્યા ઓછા ઉપજાઉ પાક એમાં લઈ શકાય તે સમજાવવું પડે અને જો તમારી ભૂમિ જો બંજર, બિલકુલ બિનઉપયોગી થઈ ગઈ હોય તો તે વિશે પણ બિનધાસ્ત તમને કહી દેવું પડે જેથી તમે ખોટી ભ્રમણામાં ના રહો.

અને જો શેરડીને લાયક જમીન હોય તો માત્ર જમીન હોવાથી કશું નથી વળવાનું. સારી શેરડી ઉગાડવા કેટકેટલી મહેનત કરવી પડશે તે જણાવવું પડે. ક્યારેક શેરડીનો પાક નિષ્ફળ જાય તો બીજા વર્ષે ફરી મહેનત કરવી પડે અને ઉપરાછાપરી પાક નિષ્ફળ જાય તો પ્રૉબ્લેમ કંઈક બીજો જ છે એ દિશામાં વિચારવું પડે. જો સારો પાક મળ્યો તો એમાંથી રસ કાઢીને ગોળ બનાવવાની પ્રક્રિયા શીખવવી પડે. ધીરજ રાખીને આ બધામાંથી પસાર થયા હશો તો કોણીએ લગાડેલો પાંચ રૂપિયાનો ગોળ ચાટવાના વ્યર્થ પ્રયત્નો નહીં કરવા પડે, તમારી સામે ગોળના સેંકડો રવા ભરેલું ગોડાઉન હશે.

સ્ટીવ જૉબ્સ કંઈ પ્રેરણાત્મક પ્રવચનો સાંભળીને સ્ટીવ જૉબ્સ નહોતો બન્યો. મૂકેશ અંબાણીએ બાબાગુરુઓ પાસે જઈને હું કોણ છું/ મારા અસ્તિત્વનો અર્થ શું છે એવા સવાલો નહોતા કર્યા. જે લોકો સફળ છે, જે લોકોનું નામ છે, જે લોકોએ પોતાના કામમાંથી દામ કમાયા છે એ સૌએ ગઈ કાલે મને સ્ટેશન સુધી લઈ ગયેલા રિક્શાવાળાની જેમ દિવસરાત મહેનત કરેલી છે. મૂકેશભાઈ, સ્ટીવભાઈ કે રિક્શાવાળાભાઈએ ક્યારેય પોતાની જાતને કોસી નથી, ક્યારેય નસીબનો વાંક કાઢયો નથી. અને સૌથી મોટી વાત એ દરેકને પોતપોતાની હેસિયતની ખબર છે. મૂકેશ અંબાણી હિન્દી ફિલ્મોના શોખીન છે, રોજ રાત્રે એક હિન્દી મૂવી પોતાના ઘરના થિયેટરમાં જુએ છે. પણ એમને એમની હેસિયતની, ત્રેવડની, ઔકાતની ખબર છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન પોતાના ઘરમાં અવરજવર હોવા છતાં અને ધારે તો પોતાના માટે બસો-ત્રણસો કરોડનું ચિલ્લર ફેંકીને ફિલ્મ બનાવી શકે એમ હોવા છતાં ક્યારેય એમણે ન તો પોતાને હીરો લઈને ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે, ન ફિલ્મ ડાયરેક્ટ કરવાની.

તમારું ફ્રસ્ટ્રેશન એટલા માટે છે કે તમે ક્યારેય સપનું જોતાં પહેલાં તમારી લાયકાત માપતા નથી અને પછી અટવાયા કરો છો મોટિવેશનલ કોર્સોમાં, બાબા-બેબીગુરુઓમાં અને પૂછતા રહો છો: હું કોણ છું, આ શરીર શું છે અને પર્રમાટ્મા સાથેનું મિલન કેવી રીતે થાય?

કાગળ પરના દીવા

ગઈ કાલે લાભ પાંચમના દિવસે કામકાજ ફરી શરૂ કરતી વખતે તેંત્રીસ કરોડ દેવોને એક જ વિનંતી કરી કે મને સંપત્તિ નથી જોઈતી, મને બંગલો નથી જોઈતો, મને બીએમડબ્લ્યુ પણ નથી જોઈતી. બસ, બધા દેવો મને માત્ર એક-એક રૂપિયો આપો!

– વૉટ્સએપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

જિજ્ઞેશ: અગાઉ પુરુષોની જિંદગીમાં ઘરવાળી અને બહારવાળી જ રહેતી.

બકો: અને હવે?

જિજ્ઞેશ: હવે એમાં વૉટ્સએપવાળી અને ફેસબુકવાળી પણ ઉમેરાઈ છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 6 નવેમ્બર 2016)

1 comment for “હું કોણ છું અને રિચ ઍન્ડ ફેમસ થવાની કળા

  1. મનસુખલાલ ગાંધી, U.S.A.
    November 8, 2016 at 9:26 AM

    સોનેરી સલાહ આપતો સુંદર લેખ………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *