એક કૂતરું, ત્રણ ચકલાં

બેસતા વર્ષની રજા પછી ત્રીજને દિવસે છાપાં આવ્યાં તો શું વાંચવા મળે છે? દિવાળીના દિવસો દરમિયાન પ્રદૂષણમાં કેટલો વધારો થયો, નોઈઝ પોલ્યુશન પણ પીક પર પહોંચ્યું. એટલું તો એટલું કોઈ કોર્પોરેટરનું ‘બિન્ગો’ નામનું બીગલ બ્રીડનું કૂતરું ‘ફટાકડાના અવાજથી મરી ગયું’ એટલે એક પ્રાણીપ્રેમીએ એને બીજાં બે બીગલ ભેટ આપ્યાં. ગુજરાતથી આવેલાં છાપાંમાં વાંચ્યું કે ફટાકડા ફૂટવાથી ત્રણ ચકલાંની પાંખો કપાઈ ગઈ. મારું હૃદય દ્રવી ઊઠ્યું. બીજા એક અખબારમાં હેડલાઈન વાંચી કે, ‘આય કફ્રડ અપ બ્લડ ઑન દિવાલી નાઈટ’ જેની નીચે ન્યૂઝ આઈટમ હતી કે એક સજ્જન પોતાના એરિયામાં સતત ફટાકડા ફૂટતા હોવાથી ૨૦ મિનિટ સુધી ખાંસતા રહ્યા અને એમને કફમાં લોહી નીકળ્યું. પોલીસને ફોન કર્યો પણ એય ન આવી. એક ડૉક્ટરે પોતાના પેશન્ટને થોડા દિવસ માટે શહેરની બહાર જતા રહેવાનું કહ્યું. આ બધું વાંચીને મને એટલો ગુસ્સો આવ્યો કે આ હિન્દુઓ કેવા જુલમી છે એમને બીજાઓની કંઈ જ પડી નથી. મારું ચાલે તો દિવાળીની ઉજવણી પર જ પ્રતિબંધ મૂકી દઉં. નો ફટાકડા, નો પ્રદૂષણ, નો નોઈઝ પોલ્યુશન.

અને તમે આ આંકડાઓ જુઓ તો ખરા. આવાઝ ફાઉન્ડેશન નામની અવાજના પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવતી એન.જી.ઓ.એ આપેલા આંકડા છે. રાત્રિ દરમિયાન ૪૫ ડેસિબલથી વધુ અવાજ કરી શકાતો નથી અને આ વર્ષે મરીન ડ્રાઈવ પર ૧૧૩ ડેસિબલનો ઘોંઘાટ હતો. કાનના પડદા ફાડી નાખે એવો. ગયા વર્ષે ૧૨૩ અને એના આગલા વર્ષે ૧૦૫ ડેસિબલ અવાજ હતો. ૨૦૧૩માં ઑગસ્ટ ક્રાન્તિ મેદાન – ગોવાલિયા ટેન્ક પર ૧૨૪ ડેસિબલ ઘોંઘાટ હતો. અને તમને ખબર છે કે એક બાળકે તો ફટાકડા ફોડવામાં ગફલત થઈ એટલે એક આંખ ગુમાવી દેવી પડી. અને કચરો?

મરીન ડ્રાઈવ પર દિવાળીવાળા રવિવારની રાત્રે ફટાકડા ફોડ્યા પછી પૂરા બાર ટન કચરો હતો, બાર ટન. એકડે બગડે ૧૨. અને શહેરની ઍર ક્વૉલિટી તો સાવ ખાડે જ ગઈ હતી દિવાળીના દિવસો દરમિયાન. અરે, શ્ર્વાસ લેવાનુંય મુશ્કેલ. એક ફટાકડાની લૂમ ફૂટે એટલે ફેફસાંમાં સિત્તેર સિગરેટ પીધી હોય એટલો ધુમાડો ઘૂસી જાય. મને તો નફરત થઈ ગઈ આ બધું વાંચીને આપણા આ તહેવારો પર. બળ્યું. આપણી આવી જંગલી ઉજવણીઓને લીધે સભ્ય સંસ્કૃતિઓવાળા આપણા વિશે કેવું ને કેવું વિચારતા હશે. મને આવાઝ ફાઉન્ડેશન દ્વારા દરેક મીડિયાને રિલીઝ કરવામાં આંકડા વાંચીને આ એન.જી.ઓ. વિશે વધુ જાણવાનું મન થયું.

મને ત્રણ વાત જાણવા મળી:

૧. આવાઝ ફાઉન્ડેશનનાં સ્થાપક સુમૈરા અબ્દુલઅલી નામનાં ૫૫ વર્ષનાં મુસ્લિમ મહિલા છે. એમને મધર ટેરીઝા અવૉર્ડ મળી ચૂક્યો છે. આ જ અવૉર્ડ મિહિર દેસાઈને પણ એનાયત થઈ ચૂક્યો છે. મિહિર દેસાઈ અત્યંત આદરણીય લૉયર છે, હ્યુમન રાઈટ્સ માટે લડનારા લૉયર છે. ગુજરાતી સાહિત્યકાર ર. વ. દેસાઈના વંશજ છે. તિસ્તા સેતલવાડની કાયદાકીય બાબતોમાં મિહિર દેસાઈ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ખુદ તિસ્તા સેતલવાડને પણ મધર ટેરીઝા અવૉર્ડ મળી ચૂક્યો છે. મોદી ચીફ મિનિસ્ટર પદે હતા ત્યારે એમને હેરાન કરનારાઓમાંના એક પુલિસ અફસર સંજીવ ભટ્ટને પણ આ અવૉર્ડ મળી ચૂક્યો છે. અમદાવાદના કટ્ટરવાદી ખ્રિસ્તી મિશનરી ફાધર સેડ્રિક પ્રકાશને પણ આ અવૉર્ડ મળી ચૂક્યો છે અને નર્મદા યોજનાના વિરોધી બહેન શ્રી મેધાબેન પાટકર પણ આ અવૉર્ડથી સન્માનિત થઈ ચૂક્યાં છે. એટલું જ નહીં ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો દરમિયાન દાહોદમાં જે બિલ્કિસ બાનો કેસ બન્યો જેના ડઝનેક જેટલાં હિન્દુ આરોપીઓને જનમટીપ/ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તે બિલ્કિસ બાનો પણ આ અવૉર્ડથી, સન્માન પામેલા છે. આપણે આગળ વધીએ.

૨. સુમૈરા અબ્દુલઅલીની ૨૦૦૬માં સ્થપાયેલી એન.જી.ઓ. આવાઝ ફાઉન્ડેશને દર દશેરાના દિવસે શિવાજી પાર્કમાં શિવસેનાની જે સ્થાપના દિવસની જાહેરસભા થાય છે તે સભા દરમિયાન કેટલો અવાજ થાય છે તેના આંકડા મળ્યા. ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫નાં આંકડા ભેગા કરીને પોલીસ તથા મુંબઈ હાઈ કોર્ટને સોંપ્યા. જેના આધારે પોલીસે આ જાહેર સભાના આયોજકો પર, શિવસેના પર કેસ ફાઈલ કર્યાં છે.

૩. સુમૈરા અબ્દુલઅલીએ મુંબઈની મસ્જિદો રોજ વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધીની નમાઝ દરમિયાન લાઉડ સ્પિકર દ્વારા બાંગ પોકારીને આજુબાજુનાં કેટલા મીટર કે કિલોમીટરના વિસ્તારમાં નોઈઝ પૉલ્યુશન ફેલાવે છે તે વિશે હજુ કોઈ સંશોધન કર્યું હોય અને સંશોધન કરીને પોલીસ તથા અદાલતને એ આંકડા સબમિટ કર્યા હોય તેવું મારી જાણમાં હજી સુધી નથી આવ્યું.

દર વર્ષે ડઝનબંધ ચીકન ચાવી જનારા લોકો ત્રણ ચકલાંની પાંખો કપાય ત્યારે જાહેરમાં દુ:ખ વ્યક્ત કરે છે ત્યારે વરવું લાગે છે. દેશમાં કરોડો મરઘીઓ ચવાઈ જાય છે. બચાવવી હોય તો એને પહેલાં બચાવો. ત્રણ ચકલાંની કપાયેલી પાંખોવાળા અરેરાટી ફેલાવતા ફોટાઓને બદલે છાપવા જ હોય તો કેવી રીતે રોજ હજારો ચીકનને રહેંસી નાખવામાં આવે છે, એને ભુંજી, તળીને કેવી રીતે પીરસવામાં આવે છે તેના ફોટા છાપો. બીગલ જેવા વહાલા લાગતા શ્ર્વાનના ફોટા છાપીને હૃદયદ્રાવક વર્ણન કરવાને બદલે દેવનારના કતલખાનામાં કૅમેરામેનને મોકલો. બકરી ઈદે લાખો બકરાં કપાય છે. ઈદ સિવાયના બાકીના દિવસોએ હજારો પ્રાણીઓને હલાલ કરવામાં આવે છે. રિબાવી રિબાવીને મારવામાં આવે છે. પ્રાણીઓને રિબાવવાના એટલા માટે કે એવું ધર્મમાં લખ્યું છે. એક ઝાટકે કપાયેલા પ્રાણીનું માંસ એમના માટે હરામ છે. હલાલ માંસ જ ખપે. ઝટકા માંસ ન ખવાય. અને અહીં તમને એક કૂતરાની અને ત્રણ ચકલાંની પડી છે?

આ કોણ લોકો છે જે મને ડે ઈન ને ડે આઉટ ભરમાવી રહ્યા છે. મિઝ અબ્દુલઅલીની કુંડળી કાઢવાનું સૂઝયું ન હોત તો હું ભોળો તો એમ જ માની બેસત ને કે દિવાળી કેટલો ગંદો તહેવાર છે? પછી હું ખાલી થર્ટી ફર્સ્ટની નાઈટે જ ફટાકડા ફોડતો હોત કારણ કે એ દિવસે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે એવું કોઈએ હજુ સુધી મને કહ્યું નથી. હું તો ઉતરાણને દિવસે પતંગ ચગાવવાનું પણ બંધ કરી દેવાનો હતો કારણ કે દર મકરસંક્રાંતિના બીજા દિવસે માંજાથી કપાયેલા પક્ષીઓના ફોટા મેં જોયા હતા. દુકાળગ્રસ્ત વિસ્તારોને વીસ લિટરની બિસ્લેરીનો બાટલો મોકલી આપીને મેં હોળી પણ પાણી વિનાની જ રમવી એવું નક્કી કરી લીધું હતું. મહોર્રમના તાજિયા પધરાવવાથી નદી-તળાવમાં થતાં થર્મોકોલ વગેરે ના પોલ્યુશનના ફોટો નહોતા જોયા ત્યાં સુધી હું પણ પેલા ઈકો-ફિકો ફ્રેન્ડલીવાળાઓની વાતોમાં આવીને મોંઘીદાટ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો હતો. મને અત્યાર સુધી જે તહેવારો માટે જે સંસ્કૃતિ માટે, જે પરંપરા માટે ગૌરવ હતું તે ગૌરવ કોણ છિનવી રહ્યું છે મારી પાસેથી? હું હિન્દુ છું અને એટલે ગમાર, અભણ, બરછટ, મવાલી, રાઉડી છું એવું કોણ મારા દિમાગમાં ભરાવી રહ્યું છે? હું હિન્દુસ્તાનમાં રહું છું કે પાકિસ્તાનમાં? ભારતમાં મારી સંસ્કૃતિ ઉછરી છે કે સાઉદી અરેબિયામાં?

મારે હજું થોડુંક કહેવું છે. તમારી પાસે ટાઈમ છે? તો કાલે મળીએ.

આજનો વિચાર

આ દેશના પ્રધાનમંત્રી પર હવે આર્થિક કૌભાંડોના આક્ષેપને બદલે આતંકવાદીઓને મારવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે. શું આ અચ્છે દિન નથી!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

કવિ: દોસ્ત, એવી ચા બનાવ કે રોમેરોમમાં દીવા પ્રગટે.

ચાવાળો: સાહેબ, ચામાં દૂધ નાખું કે ઘાસલેટ?

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 4 નવેમ્બર 2016)

1 comment for “એક કૂતરું, ત્રણ ચકલાં

  1. November 5, 2016 at 11:43 AM

    VERY GOOD SAURABHBHAI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *