શર્મ સેલ્ફ ઈમ્પોર્ટન્સ કી છોટી બહન હોતી હૈ

સંબંધોમાં નિયમો પાળવાના હોય પણ પહેલેથી નક્કી કરીને પાળવાના ન હોય. નિયમો નક્કી કરીને કોઈ પણ સંબંધ શરૂ ન થઈ શકે. બીજા પર નિયમોનું બંધન લાદીને કોઈ પણ સંબંધ પાંગરી ન શકે. બીજાના કહ્યા વગર અને બીજાને કહ્યા વગર પોતે પોતે નિયમો પાળવાના હોય અને એ દરેક નિયમમાં ફ્લેક્સિબલ રહેવાનું હોય. સમય, સંજોગ કે સામેની વ્યક્તિનો મિજાજ કે એનું વર્તન બદલાય ત્યારે નિયમોમાં પણ ફાઈન ટ્યુનિંગ કરી લેવું પડે. કોઈને એમ લાગે કે આવું કરવા જતાં, ફાઈન ટ્યુનિંગ કરવા જતાં, નિયમો તૂટી રહ્યા છે તો ભલે લાગે. જડબેસલાક નિયમો તમને પાછળ ધકેલી દે. દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ હોય અને તમે જો હજુ તમારા એ જ બંધિયાર જગતમાં રહ્યા તો વાસી થઈ જવાના. અને એને લીધે જે સંબંધને સાચવવા માટે તમે આ બધા નિયમોને ચુસ્તપણે વળગી રહ્યા છો તે સંબંધો જ મુરઝાઈ જવાના. 

માટે જ એ ફિલ્મનો બીજો જે ડાયલોગ હતો તે મને બહુ ગમ્યો: ‘ઈન રિશ્તોં કે રૂલ્સ ક્યા હોંગે?’ જવાબ મળે છે: ‘જો આસાની સે ટૂટ જાયે.’

ત્રીજો ડાયલોગ જે ગમ્યો તે હતો: ડરે હુએ લોગ અકસર અલ્ફાઝો કે પીછે છિપતે હૈં…

શબ્દો ઘણી વખત લાગણીઓ પ્રગટ કરવાને બદલે સાચી ભાવના છુપાવવા માટે વપરાતા હોય છે. એમાં શબ્દોનો શું વાંક? વાપરનારનો વાંક. ધારદાર ચાકુથી તરબૂચ કપાય અને કોઈનું માથું પણ વાઢી શકાય. એમાં ચાકુનો વાંક થોડો કહેવાય? પણ શબ્દોને કે ભાષાને વગોવવાની આપણને આદત પડી ગઈ છે, ખાસ કરીને કવિઓને કે સાહિત્યકારોને. આયરની જુઓ કે જેમનું અસ્તિત્વ જ આખું શબ્દોના આધારે છે તે જ લોકો એની અવહેલના કરતા જોવા મળે છે. 

જેમને કશુંક છુપાવવું છે તેઓ શબ્દોની પાછળ સંતાઈ જતા હોય છે. આવા લોકો કંઈક એવી શબ્દજાળમાં તમને લપેટી લેતા હોય છે જેનો સાચો અર્થ તારવવાનું કામ તમારા માટે મુશ્કેલ બની જતું હોય છે. તેઓના શબ્દોનો તેઓ મનફાવે તેવો અર્થ કાઢીને તમને બીજા માર્ગે દોરી જતા હોય છે. આવું કરનારા લોકો ઝિંદાદિલ નથી હોતા, ડરેલા હોય છે. એમને ખુલ્લા પડી જવાનો ડર હોય છે. એમને તમારી પાસેથી મળી રહેલું રિસ્પેક્ટ ગુમાવી દેવાનો ડર હોય છે. તેઓ વાસ્તવમાં જિંદગીથી જ ડરેલા હોય છે, કારણ કે એમને ક્યારેય ખુલ્લી રીતે જીવતાં જ આવડતું નથી હોતું. શબ્દચતુરાઈમાં રાચતા લોકોથી સાવધ રહેવું. 

ચોથી વનલાઈનર આ ફિલ્મની એ ગમી કે: મોહબ્બત કરને વાલોં કા ના, કભી ભરોસા નહીં કરના ચાહિયે.

જરા ટ્રિકી વાત છે આ. જે લોકો પ્રેમમાં છે એમને એકબીજા પર ભરોસો હોવો જોઈએ એવું આપણે માનતા આવ્યા છીએ. પણ અગેઈન, સમય અને સંજોગો બદલાય ત્યારે બધું જ બદલાઈ જતું હોય છે પ્રેમમાં. તેં તો તે વખતે આવું કહ્યું હતું અને હવે આજે કેમ તદ્દન ઊંધી વાત કરે છે એવી ફરિયાદ પ્રેમમાં વાજબી નથી. થઈ શકે. બોલેલું ફોક થઈ શકે. એનું કારણ કદાચ તમે પોતે જ હો એવુંય બને. તમારા બદલાવાને કારણે સામેની વ્યક્તિ પોતાના શબ્દોમાંથી ફરી જાય તો વાંક કોનો? પણ તમને તો તમારો વાંક દેખાવાનો નથી. તમે તો સામેવાળી પાર્ટીને જ બ્લેમ કરવાના છો. તમે એના માટે જ્યારે લવેબલ અને લાઈકેબલ નથી રહેતા ત્યારે એ તમને આપેલું પ્રોમિસ તોડી નાખે એમાં વાંક તમારો હોય છે એ સમજવું જોઈએ. પ્રોમિસ તૂટે ત્યારે હર્ટ જરૂર થવાય પણ એવે વખતે બેવફાઈનાં ફિલ્મી ગીતો સાંભળવાની મઝા લેવાને બદલે એણે શું કામ આ પ્રોમિસ તોડ્યું હશે એ વિશે જરા પોન્ડર કરવું જોઈએ. વાંક તમારો પણ હોઈ શકે. તમે જ તમારી એક્સપાયરી ડેટ જોઈ શક્યા નહીં. તમે તમારી ભાવનાઓને રિન્યૂ કરવાની તારીખ ચૂકી ગયા અને હવે લવેબલ/લાઈકેબલ ન રહ્યા. 

પાંચમો સંવાદ જે મને બહુ ગમ્યો તે ફિલ્મની શરૂઆતમાં જ આવે છે. હીરોને જ્યારે ડાન્સ ક્લાસમાં હીરોઈન લઈ જાય છે ત્યારે હીરો ડાન્સ કરવાની ના પાડે છે. આટલા બધા લોકો વચ્ચે હું ડાન્સ કરીશ તો મારું કેવું લાગશે એ પ્રકારનો હીરોનો ભાવ હીરોઈન કળી જાય છે એટલે એ હીરોને સંભળાવે છે: શર્મ સેલ્ફ ઈમ્પોર્ટન્સ કી છોટી બહન હોતી હૈ…

ભલે આ વાત નૃત્યના સંદર્ભમાં કહેવાઈ હોય પણ ઘણી બધી બાબતોમાં એ લાગુ પડે. નૃત્યની બાબતમાં તો સો ટકા. જે વ્યક્તિ ‘હું નાચીશ તો કેવી લાગીશ/કેવો લાગીશ’ એવું વિચારે તે નૃત્ય કરી શકે જ નહીં. અને આવું એ જ વ્યક્તિ વિચારે જેના પોતાના મનમાં પોતાના વિશે કંઈક વધુ પડતા ખ્યાલો હોય. નાચી લેવાનું. મઝા કરી લેવાની. સ્ટેપ્સ ખોટા પડ્યા તે બે જણાએ નોંધ્યું તો એમાં ક્યાં વળી બે બાપના થઈ જવાના છીએ?

નૃત્યની વાત બાજુએ મૂકીએ. પોતે કંઈક છે એવો ભાર લઈને ફરનારાઓ જ્યાં સંકોચ રાખવાની જરૂર પણ નથી હોતી તેવી બાબતનો સંકોચ રાખતા થઈ જાય છે. મને સેક્ધડ ક્લાસમાં ટ્રાવેલ કરતાં શરમ આવે એવું કહેનારાઓ પોતાને ગ્રેટ માનવામાંથી ઊંચા આવતા નથી. ક્યારેક એવા સંજોગો હોય તો ભોગવી લેવાની અગવડ. એમાં શરમ શેની. બે દાખલા હું તમને આપું. વર્ષો પહેલાં મુંબઈ પાછા આવતી વખતે મેં ફ્લાઈટમાં એક ખૂબ મોટા મીડિયા હાઉસના માલિક પિતા-પુત્રને જોયા. હાયહલ્લો કર્યું. મને એમ કે તેઓ આગળ બિઝનેસ ક્લાસમાં બેસશે, પણ એમની ટિકિટ મારી સાથે ઈકોનોમી ક્લાસમાં જ હતી. કૅટલ ક્લાસની સાંકડીમાંકડી સીટોમાં બેઉ પિતાપુત્ર નિરાંતે ગોઠવાઈ ગયા, હાલાકિ તેઓ પોતાના મીડિયા હાઉસના જોરે ચાર્ટર્ડ ફ્લાઈટમાં ફરી શકે એમ હતા. પણ બનાવટી સેલ્ફ ઈમ્પોર્ટન્સથી તેઓ દૂર રહેતા હતા. કદાચ એટલે જ તેઓ આ ઊંચાઈએ પહોંચ્યા. 

બીજો કિસ્સો ડૉ. પ્રકાશ કોઠારીનો. એક કાર્યક્રમમાંથી અમે સાથે પાછા આવી રહ્યા હતા. એમણે એમની ગાડી ઘરે મોકલી દીધી હતી જેથી અમે સાથે પ્રવાસ કરી શકીએ. તે વખતે એમનું ઘર ભવન્સ ચોપાટીની તદ્દન નજીક. ગાડી બરાબર ભવન્સ પર આવીને બંધ પડી. ડ્રાઈવરે કહ્યું કે પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. હું જે છાપામાં કામ કરતો હતો તેના તરફથી વાપરવા મળેલી કાર હતી અને ડ્રાઈવરની ગફલતથી ગાડી રિઝર્વમાં આવ્યા પછી પેટ્રોલ ભરાવવાનું રહી ગયું હતું. મેં પ્રકાશભાઈને કહ્યું, સૉરી તમારે હવે બાકીની ત્રીસ સેક્ધડ ચાલી નાખવું પડશે, હું અને ડ્રાઈવર બાજુની ન્યુ યોર્ક રેસ્ટોરાંની સામે આવેલા પેટ્રોલ પમ્પ પર ધક્કા મારીને ગાડી લઈ જઈએ છીએ. (તે વખતે ત્યાં પેટ્રોલ પમ્પ હતો) આ સાંભળીને પ્રકાશભાઈ સૂટનો કોટ કાઢીને મારી ગાડીમાં મૂકી દીધો, ટાઈ ઢીલી કરી અને શર્ટની બાંયો વાળીને કહે કે: આપણે સાથે આવ્યા છીએ તો આ રીતે છૂટા ન પડાય. પેટ્રોલ ભરાવીએ પછી તું મને ઘર સુધી મૂકી જા! આમ કહીને એ પણ કારને ધક્કા મારવા લાગ્યા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેક્સોલોજિસ્ટ. વળી પોતાનો જ એરિયા. આમેય એમનો ચહેરો બધે જ જાણીતો છતાં ત્રીસ સેક્ધડ દૂર આવેલા પોતાના ઘરે જવાને બદલે કોઈની ગાડીને ધક્કા મારીને પેટ્રોલ પમ્પ સુધી લઈ જાય. આવા માણસ તો પોતાની કારનેય ધક્કા ન મારે.

પોતાની જાતને જરાક વધારે પડતી સિરિયસલી લેનારા લોકો, સેલ્ફ ઈમ્પોર્ટન્સમાં માનતા લોકો હંમેશાં વિચારતા હોય છે કે આવું કરતી વખતે હું કેવો/કેવી લાગીશ. જેઓને ખબર છે કે પોતે જે છે એ છે. ગાડીને ધક્કા મારવાથી મારી મહાનતા ઓછી નથી થઈ જવાની અને ગાડીને ધક્કા નહીં મારું તો મારું સ્ટેટસ વધી નથી જવાનું. તેઓ જ પોતાના ક્ષેત્રમાં ઝળહળતા પ્રકાશ સાથે સૌને અજવાળતા હોય છે.

હવે ફિલ્મનું નામ કહેવું જોઈએ મારે. નિરંજન આયંગર અને કરણ જોહરે જેના સંવાદો લખ્યા છે તે કરણ જોહર દિગ્દર્શિત ફિલ્મ: અય દિલ હૈ મુશ્કિલ.

મને એક મિત્રે પૂછ્યું કેવી લાગી? મેં કહ્યું કે હું સેક્ધડ હાફ અડધો છોડીને થિયેટરમાંથી નીકળી ગયો. મિત્ર હસી પડ્યા અને બોલ્યા: સમજી ગયો! પછી મેં ઉમેર્યું પણ આ હું બીજી વાર જોવા ગયો હતો! મિત્ર વધારે જોરથી હસી પડ્યા. તમારે તમારી રીતે નક્કી કરી લેવાનું કે આ ફિલ્મ જોવી છે, નથી જોવી કે પછી પોણા બે વાર જોવી છે. 

આજનો વિચાર

અર્ણબ ગોસ્વામીએ ટાઈમ્સ નાઉ છોડી દીધું. હવે એ પોતાની માલિકીની મચ્છી માર્કેટ શરૂ કરશે. 

-વૉટ્સએપ પર વાંચેલ

એક મિનિટ!

છેલ્લા અઠવાડિયામાં જેટલી શુભેચ્છા મળી છે, જો એેની ૧ ટકો પણ ફળશે તો…

…આપડે મૂકેશ અંબાણીને લોન દેવાની ઈચ્છા છે.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 3 નવેમ્બર 2016)

1 comment for “શર્મ સેલ્ફ ઈમ્પોર્ટન્સ કી છોટી બહન હોતી હૈ

  1. મનસુખલાલ ગાંધી
    November 3, 2016 at 11:26 AM

    બહુ સુંદર લેખ મુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *