બે વત્તા બેનો જવાબ આવડી જવાથી ગણિતશાસ્ત્રી ન બની જવાય

પિક્ચરનું નામ હું નહીં લખું કારણ કે મને એ ઓવરઓલ જોઈએ તો બિલકુલ નહીં ગમી હોવા છતાં બે વાર જોઈ! બે નહીં, દોઢેક વાર. ધનતેરસે ફર્સ્ટ ડે રિલીઝ જોયા પછી બહુ ગુસ્સો આવતો હતો કે કેવો સરસ સબ્જેક્ટ વેડફી નાખ્યો, કેટલી ફાલતુ સેક્ધડ હીરોઈન લીધી વગેરે. પણ એનાં ગીતો ગૂંજ્યા કરતાં. ઘરે આવીને વારંવાર યુ ટ્યુબ પર જોયાં. ફિલ્મની કેટલીક યાદગાર મોમેન્ટ્સ પીછો નહોતી છોડતી, એસ્પેશ્યલી ફર્સ્ટ હાફ દરમ્યાનની. કાળી ચૌદસ અને દિવાળીના દિવસે પણ ફિલ્મ દિમાગમાંથી હટતી નહોતી. દિવાળીની સાંજે નક્કી કર્યું કે ચલો, ચલતે હૈ કલ. ફિરસે દેખેંગે! અને બેસતા વરસે ફરીથી જોઈ. જેટલી જોવી હતી એટલી જ જોઈ. ઈન્ટરવલ પછીનું બીજું ગીત ફિલ્મનું ટાઈટલ સૉન્ગ છે. એ જેવું પૂરું થયું કે તરત હાઉસફુલ ઑડિટૉરિયમ છોડીને નવા વર્ષનું ફર્સ્ટ ડિનર લેતાં લેતાં એની સારી મોમેન્ટ્સ વાગોળી અને જે ખરાબીઓ હતી તે વધુ ઊડીને આંખે વળગી. નક્કી કર્યું કે નવા વર્ષથી આમેય આસપાસ જે સારું છે તેની જ વાતો કરવી છે, જે નથી સારું એ નજરઅંદાજ કરવું છે, એની આંખ આડા કાન કરવા છે. એટલે એના જે મને ગમી ગયેલા ડાયલોગ્સ છે એમાંના થોડાક સંવાદ વિશે વાત કરવી છે. ફિલ્મ જેમણે જોઈ છે એમને ખબર પડી જશે કે કઈ ફિલ્મની વાત છે. જેમણે નથી જોઈ કે જેઓ નથી જ જોવા માગતા એમને ફરક નથી પડતો કે આ ડાયલોગ્સ ‘મોગલ-એ-આઝમ’ના છે, ‘શોલે’ના છે કે પછી ‘દીવાર’ના!

૧. સિર્ફ સૂર પકડને કો ગાના નહીં કહતે, મેરી જાન. તુમ્હારી આવાઝ મેં દર્દ ઔર મહોબ્બત કા નામોનિશાન નહીં. નો ફીલિંગ્સ:

ટૅક્નિક આવડી જવાથી ક્રિએટિવિટી આપોઆપ પ્રવેશી જતી નથી તમારામાં. સર્જનાત્મકતાને સંવારવા માટે જરૂર ટેક્નિક કામ લાગવાની જ છે. નાટક લખવાનો કે નાટકને ડાયરેક્ટ કરવાનો કસબ હાથ લાગી જવાથી સારા નાટ્યકાર બની જવાતું નથી. સારા ક્રાફ્ટસમૅન અર્થાત્ સારા કસબીઓ આપોઆપ સારા આર્ટિસ્ટ એટલે કે સારા કળાકાર બની જાય તે જરૂરી નથી. કસબ અને કળા બેઉ જુદી જુદી વસ્તુઓ છે. કળા અંદરથી ઊગે છે, એને તમારા વ્યક્તિત્વમાં ઉપરથી ચિપકાવી શકાતી નથી. ક્રાફ્ટ શીખી શકાય છે. અભિનય શીખવાડતી સંસ્થાઓ અભિનયનો ક્રાફ્ટ શીખવી શકે, કળા શીખવાડી શકાય નહીં. એ તો તમારી ભૂમિમાં એનાં બીજ વાવ્યાં હોય તો જ ઊગી નીકળે અને એય ઈટ ડિપેન્ડસ ઑન તમારી ભૂમિ કેવી અને કેટલી ફળદ્રુપ છે અને તમે વાવેલાં બીજ ક્યાંથી આવ્યાં છે. મહેશ ભટ્ટે પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ સંદર્ભ એક વખત જનરલ સ્ટેટમેન્ટ કરેલું જે મેં અનેક વાર ટાંક્યું છે: યુ કૅન નોટ પૉલિશ પેબલ્સ. તમે હીરાને જ ચમકાવી શકો, કાંકરાને નહીં. આર્ટનું આવું છે. ઈવન સિનેમેટોગ્રાફીની વાત લો. કૅમેરા ઍન્ગલ્સ, વિવિધ લેન્સીસના ઉપયોગો, લાઈટિંગ વગેરે પચાર ટૅક્નિકલ બાબતો તમને કોઈ શીખવાડી શકે. પણ એમાં ક્રિએટિવિટી ઉમેરીને ફિલ્મના એ પર્ટિક્યુલર સીનમાં જે લાગણીઓ દર્શાવાઈ તેને ઊભારવાની કળા બધા ક્રાફ્ટ્સમૅનમાં ન હોઈ શકે.

લખવાની બાબતમાં પણ એવું જ. ગુજરાતી જ નહીં બીજી ભાષામાં પણ તમે જુઓ કે કેટલા બધા લોકો શબ્દોના માત્ર કોગળા કરતા હોય છે. વાચકને આંજી નાખવા માટે ભપકાદાર શબ્દો વાપરવા, જોડીતોડીને પ્રાસ મેળવવા, શબ્દોની રમઝટ બોલાવી દેવી – આ બધું જેને શબ્દો સાથે ‘રમતાં’ આવડે છે એમના માટે ઘણું સહેલું છે. પહેલી નજરે વાચક પણ ઈમ્પ્રેસ થઈ જશે. તરત જ બીજાં ગ્રુપોમાં ફૉરવર્ડ કરશે કે એફબી પર શૅર કરશે. પણ ધ્યાનથી વાંચશો તો શબ્દોના એ ઝગમગાટ પાછળ રહેલી થર્મોકોલની ઈમારત દેખાશે. એ આખો મહેલ થર્મોકોલનો હશે. ભવ્ય પણ ખોખલો. પ્રભાવશાળી પણ ટેમ્પરરી. કારણ કે એ શબ્દો હૃદયના ઊંડાણમાંથી નથી આવ્યા હોતા. કારણ કે એ શબ્દો બીજાને ઈમ્પ્રેસ કરવા માટે ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં જોડતોડ કરીને મૂકવામાં આવ્યા છે. લખનારની અંદર અજવાળું થયા પછીના ઉજાસમાં દેખાતા શબ્દોની આભા કંઈક જુદી જ હોય છે. એની સાદગીને કોઈ ભપકાદાર, આંજી નાખે એવી શબ્દજાળની, શબ્દછલનાની જરૂર નથી હોતી.

ગાતાં શીખવાડવામાં આવે તો કોઈ પણ ગાઈ શકે. સૂર પકડતાં શીખવું કોઈ અશક્ય વાત નથી, અઘરું જરૂર છે. બે પૈંડાની સાઈકલ ચલાવતાં જેમને નથી આવડતું તેઓ હંમેશાં અચંબાપૂર્વક જોતા રહે છે કે આમ કેમ બૅલેન્સ રહેતું હશે. સાઈકલ શીખવી અઘરી છે, અશક્ય નથી. સૂરમાં ગાવું સાઈકલ શીખવા જેવું નથી. આ તો માત્ર ઉદાહરણ છે. ઉદાહરણને પકડીને બેસી રહેશો તો જે કહેવાયું છે તેના હાર્દ સુધી નહીં પહોંચી શકો. ઉદાહરણ, દાખલાઓ કે દૃષ્ટાંતકથાઓ પર જ જો આર્ગ્યુમેન્ટ્સ કર્યા કરશો તો જે ખજાનાની પેટી તમારી સામે જ છે તેનું ઢાંકણ ખોલવાનું ચૂકી જશો. સૂર તો લાગવો જ જોઈએ. લતા મંગેશકરથી માંડીને શ્રેયા ઘોસલ અને બેગમ અખ્તરથી લઈને કિશોરી આમોનકર સુધીનાં અનેક મહાન ગાયકોએ સૂરને સાધ્યો છે. માત્ર એમણે જ નહીં ભારતની બીજી નહીં નહીં તો લાખ – બે લાખ સ્ત્રીઓ – યુવતીઓ – ક્ધયાઓએ સૂર સાધ્યો છે, એસ્પેશ્યલી બંગાળી, તમિળિયન, કાનડી તથા મરાઠી કુટુંબમાં ઉછરેલી ગાયિકાઓએ. આ લાખ કે બે લાખ સ્ત્રીઓ પરફેક્ટ સૂરમાં ગાઈ શકે છે. ટેક્નિકલી સહેજ પણ ખામી નહીં કાઢી શકો તમે એ કોઈક રાગ ગાતાં હોય ત્યારે. એક પણ નોટ આઘીપાછી નથી થતી. પુરુષો તો લાખ – બે લાખ કરતાં પણ વધારે હશે. છતાં ફિલ્મી સંગીતમાં, શાસ્ત્રીય સંગીતમાં, સુગમ સંગીતમાં કે સંગીતના બીજા અન્ય પ્રકારોમાં કુલ મળીને અમુક હજાર વ્યક્તિઓ જ વિશાળ જનસમૂહ સુધી પહોંચે છે. બીજાઓ નથી પહોંચી શકતા તેનું એક કારણ (એક માત્ર નહીં, એક કારણ) એ કે એમના ગાવામાં હૃદયની ઊર્મિઓ ભળતી નથી, ઊર્મિઓ અંદર પેડલી હોવા છતાં ભળતી નથી. કારણ કે આ કામ ઑટોમેટિક થતું હોય છે. અપને આપ. બે હાથમાં બે જુદા જુદા પ્રવાહીના ગ્લાસ લઈને એક તપેલીમાં ઢોળવા જેવી આ પ્રક્રિયા નથી. ટેક્નિકલ એક્સ્પર્ટીસમાં ક્રિએટિવિટી કેવી રીતે ઉમેરવી એના કોઈ કોર્સીસ નથી ચાલતા બજારમાં. ક્રિકેટ શીખીને બધા સચિન તેન્ડુલકર કેમ નથી બની શકતા? હાર્વર્ડમાં બિઝનેસ મૅનેજમેન્ટ ભણીને બધા અંબાણી – અદાણીની કૉમ્પીટીશન કેમ નથી કરી શકતા? સ્ક્રિપ્ટ રાઈટિંગના કોર્સમાં હજારો રૂપિયાની ફીઝ ભર્યા પછી પણ બધા સલીમ – જાવેદ કે સ્નેહા દેસાઈ કેમ નથી બની શકતા?

સંદર્ભો ઓગાળી નાખ્યા પછી પણ જે સંવાદોમાં કહેવાયેલી વાત યુનિવર્સલી એપ્લાય કરી શકાય તે સંવાદો ચોટદાર હોય છે, યાદગાર હોય છે. આવો જ એક બીજો જાનદાર સંવાદ એ જ ફિલ્મનો છે: ‘ઈન રિશ્તોં કે રૂલ્સ ક્યા હોંગે?’ હીરોઈન હીરોને પૂછે છે. એકમેકના ભવિષ્ય વિશેની વાત છે. કાયમી સંબંધો જોડતાં પહેલાંની વાત છે. હીરો કહે છે: ‘જો આસાની સે ટૂટ સકે!’

ધપ્પ થઈને વાગે ને ઈમોશનલ તમ્મર આવી જાય એવો જવાબ છે. સંબંધોમાં તો જડબેસલાક નિયમો પાળવાના હોય, તો જ આગળ જઈને એ ઉછરે, ટકે. પણ આવો જવાબ? ઑન સેક્ધડ થૉટ તમને થાય કે યસ, આ જ સાચો જવાબ છે. એનાં કારણો શું? વિચારીને કહું! કાલે.

આજનો વિચાર

બે દિવસમાં એ લોકોનું ટેન્શન શરૂ જેમણે ગામ આખાને કહી રાખ્યું હતું કે બાકીના પૈસાની ગોઠવણ લાભ પાંચમ પછી સો ટકા થઈ જવાની!

– વૉટ્સ ઍપ પર વાંચ્યું.

એક મિનિટ!

બાટલો અને બાટલીનો ફરક.
બાટલો ચઢાવવો પડે
જ્યારે
બાટલી એની મેળે જ ચઢી જાય.

( મુંબઇ સમાચાર : બુધવાર, 2 નવેમ્બર 2016)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *