ખોંખારો નહીં તો પછી ડંડૂકો: નવા વર્ષનો એકમાત્ર સંકલ્પ

નવા વર્ષના આ સપરમા દહાડે એક સંકલ્પ લેવો છે અને લીધા પછી આખું વર્ષ જ નહીં, આખી જિંદગી એને ચુસ્તપણે, દૃઢતાથી વળગી રહેવું છે: જે લોકોને મારું અપમાન કરવામાં રસ છે એવા લોકોના હાથમાં હું ક્યારેય મારું સ્વમાન નહીં મૂકું.

કેટલાક લોકો તમારી નજીક જ એટલા માટે આવતા હોય છે અને કહેતા હોય છે કે લાગ મળ્યે તમારા ચહેરા પર કાળી શાહીનો ખડિયો ફેંકી શકે. આ એવા લોકો હોય છે જેમને ક્યારેય તમારા જેવી સિદ્ધ, પ્રતિષ્ઠા, 

પદ કે પૈસો ન મળ્યાં હોય. તમને ખુશ જોઈને તેઓ ભડભડ બળતા હોય છે અને તમને ખરાબ સંજોગોમાંથી પસાર થતાં જોઈને તેઓ મુક્તમને ડિસ્કો કરતા હોય છે. તમે એમના બાપનું કશું જ ન બગાડ્યું હોય તે છતાં તમારા સ્વમાનને કચડી નાખવાની એક પણ તક તેઓ જતી કરતા નથી. તમારું નીચાજોણું થાય એવા પ્રસંગો તેઓ જાતે ઊભા કરતા હોય છે. તમારા શુભેચ્છક હોવાનો દેખાવ ચાલુ રાખવા તેઓ બીજાઓના ખભાનો ટેકો લઈને બંદૂક ફોડતા હોય છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વરણી થઈ તે પછી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો અને બીજી બાજુ મીડિયામાં સિલેક્ટિવ બનીને લાંબા ઈન્ટરવ્યૂઝ આપવાનું શરૂ કર્યું. ૨૦૧૪ની વાત. રાજદીપ સરદેસાઈ આણિ કંપનીએ ૨૦૦૨ના રમખાણો દરમ્યાન જે કક્ષાનું પત્રકારત્વ કર્યું તે અધમતાની હદ સુધી ભારતનું પત્રકારત્વ ક્યારેય ગયું નહોતું. રાજદીપ સાથેની ટીવી મુલાકાતમાં નરેન્દ્રભાઈને ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વિશે કોઈ સવાલ પૂછવામાં આવ્યો. રાજદીપનો આશય સ્પષ્ટ હતો. સૌ કોઈ જાણે છે કે મોદી આ બાબતમાં નિષ્કલંક હતા અને છે. પણ રાજદીપ રમખાણોના ઉલ્લેખ દ્વારા કાદવ ઉછાળવા માગતો હતો. સેક્યુલર પત્રકારોની આ ગંદી આદત છે – વગર લેવેદેવે, કોઈ સંદર્ભ વિના, ગમે ત્યાંથી જોડીને કોઈ એવી વાત લઈ આવવી જેને લીધે હિન્દુત્વ, હિન્દુત્વના પ્રહરીઓ અને હિન્દુ પ્રજા બદનામ થાય, એમનું નીચાજોણું થાય. પણ મોદી તો મોદી છે. એમણે રાજદીપની સામે કોઈ તુચ્છ મગતરાને જોતા હોય એવી નજરે જોઈને કહ્યું: દો હઝાર દો કે બાદ ઈન બારહ સાલોં મેં દુનિયા કહાં સે કહાં આ ગયી હૈ ઔર આપ કી સુઈ અભી ભી વહાં પે અટકી હુઈ હૈ…!

તમારું અહિત ઈચ્છનારાઓ તમારા ભૂતકાળમાંથી એવી એવી વાતો લઈ આવીને તમારા ચારિત્ર્યને ગંદું બનાવવાની કોશિશ કરશે જે વાતોને આજની તારીખે તમારા કામ સાથે કે તમારા જીવન સાથે કોઈ લેવાદેવા ન હોય. તમે એમનું કોઈ કરતાં કોઈ નુકસાન ન કર્યું હોય પણ તમારી વિરાટ હસ્તી પર પોતાના થૂંકની પિચકારી છોડવાની લાલચ તેઓ રોકી નથી શકતા. શું કામ નથી રોકી શકતા! કારણ કે તમારા જેવી હસ્તી પર થૂંકવાની એમની તાકાત છે એવું પુરવાર કરીને તેઓ પોતાના સાથી-વહેંતિયાઓ પાસેથી તાળીઓ ઉઘરાવવા માગતા હોય છે. રસ્તે ચાલતા મામૂલી માણસની ટીકા કરે તો કોઈ ભોજિયોભાઈ પણ એમને ના પૂછે. પણ કોઈ તાલુકાગામમાંથી પ્રગટ થતા ફરફરિયામાં બરાક ઓબામાને ધોકો લઈને ધોઈ નાખતો તંત્રીલેખ લખી નાખશે તો ચારેકોર પોતાની આ હિંમત બદલ વાહવાહી ફેલાઈ જશે એવી ભ્રમણામાં જીવતા પત્રકારો જેવા જ આ લોકો છે – તમારી વિરાટ પ્રતિમા પર થૂંકવાની લાલચ રાખનારાઓ.

કૃત્રિમ પ્રયાસો વડે તમારા માટે ઊભી કરવામાં આવેલી ક્રાઈસિસની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને તમે ફરી એક વાર શુદ્ધ સુવર્ણરૂપે દુનિયા સમક્ષ સાબિત થયા તે આ લોકોને પચતું નથી. પોતાની નબળી પાચનક્રિયાઓનો વૈદ પાસે ઈલાજ કરાવવાને બદલે તેઓ તમારા વિશે, એક જમાનામાં એમણે જ ફેલાવેલી અસંગત વાતો ટાંકીને વાતાવરણ દુર્ગંધમય બનાવતા હોય છે.

આવા લોકોની સામે નિરાંતે બેસીને ખુલાસાઓ કરવામાં તમારું મગજ દુષિત થવાનું છે. બહેતર છે કે હસીને એમના જડબા પર તડાતડી બોલાવી દે એવો એક નાનકડો જવાબ આપીને એમનાથી દૂર થઈ જવું.

નવા વર્ષમાં મારે મારું નીચાજોણું કરાવવા આતુર એવા લોકો સાથે એવો જ જડબાતોડ વ્યવહાર કરવો છે જેવો મોદીએ પેલા સેક્યુલર સાથે કર્યો. મારું સ્વમાન આંચકી જવાની હોંશ રાખનારાઓને એમની હેસિયત દેખાડી આપવી છે. મને શરમિંદો કરીને પોતાનો કૉલર ટાઈટ કરવાની ખ્વાહિશ રાખનારાઓ જો મારા ખોંખારાથી સાનમાં ન સમજે તો મારા ડંડૂકાના પ્રહારે પછી માથે તમ્મર આવશે ત્યારે તો સમજશે જ.

આ મારી વાત નથી, તમારી વાત છે. તમારી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એવા લોકો આવી ચડે છે જેઓ તમને, તમારા વીતેલા સમયને પીંખી નાખીને તમારો વર્તમાન કુઠિત અને તમારું ભવિષ્ય ધૂંધળું કરી નાખવા માગે છે. એવી ઠાવકાઈ અને સલૂકાઈથી તેઓ પેશ આવશે કે ઘડીભર તમે એમને તમારા સ્વજન માની બેસશો. પણ તમારી કોઈ કાચી પળે તેઓ પોતાનું પોત પ્રકાશશે અને તમારા પરિવારમાં, તમારા સમાજમાં તમારું નીચાજોણું થાય એવી એવી વાતો – હરકતો કરશે. તમે શરમિંદા થશો તો એમને વધારે જોર ચઢશે. તમે નાનમ અનુભવશો તો તો તેઓ ચડી જ બેસશે તમારા પર.

તમારું અત્યાર સુધીનું જીવન એ તમારું છે, તમારો હક્ક છે એ વીતેલા સમય પર. કોઈ અલેલટપ્પુ આવીને તમારી સાથે ટપલીદાવ રમી જાય એ તમને મંજૂર નથી હોતું, પણ અત્યાર સુધી તમે ચૂપ રહેતા. વિવેકથી અતવા તો પછી ગિલ્ટ ફિલથી. પણ આજે સંકલ્પ કરો કે ચૂપ રહેવાથી વાત વધારે વણસે છે એટલે કાં તો ખોંખારો, નહીં તો પછી ડંડૂકો.

નૂતન વર્ષના અભિનંદન!

આજનો વિચાર

પાકિસ્તાન પર આતંકવાદી હુમલો… સાંભળીને એવું લાગે કે કોઈ સેક્સવર્કર પર રેપ થયો.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

રાહુલ: મમ્મી, હું હમણાં ફ્રી છું તો કૈંક સીઝનલ બિઝનેસ કરું?

સોનિયા: કર ને બેટા… (મનમાં: દેશને પણ નિરાંત)… પણ શું કરીશ?

રાહુલ: વિચારું છું કે ફટાકડા ભાડે આપું…!

( મુંબઇ સમાચાર : સોમવાર, 31 ઓક્ટોબર 2016)

1 comment for “ખોંખારો નહીં તો પછી ડંડૂકો: નવા વર્ષનો એકમાત્ર સંકલ્પ

  1. Parul
    November 1, 2016 at 1:57 PM

    Mast lekh…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *