અનેકાંતવાદ અને ક્રિમિનોલોજી

એક જ ઘટનાના સાક્ષીઓ એ જ ઘટનાને પોતપોતાના દૃષ્ટિકોણથી વર્ણવે એને રાશોમન ઈફેક્ટ કહે. કમ્પેરેટિવલી નવો ફ્રેઝ છે આ. ૧૯૫૦માં લેજેન્ડરી જપનીસ ડિરેક્ટર અકીરા કુરોસાવાની વર્લ્ડફેમસ ફિલ્મ ‘રાશોમન’ રિલીઝ થયા પછી આ શબ્દપ્રયોગ ચલણી બન્યો. ફિલ્મમાં એક ખૂન થાય છે. આ ખૂન સાથે સંકળાયેલી અને ખૂનની સાક્ષી એવી વિવિધ વ્યક્તિઓ પોતપોતાના નજરિયાથી બયાન આપે છે કે ખૂન કોણે કર્યું. જેનું ખૂન થયું છે એ વ્યક્તિનો આત્મા પણ બીજાના ખોળિયામાં પ્રવેશીને આ ઘટનાનું બયાન આપે છે. એ જમાનામાં આવી ફોટોગ્રાફી, આવું દિગ્દર્શન, આવી નરેશન ટૅક્નિક અને ઍક્ટિંગ પાથ બ્રેકિંગ હતા. એક્સપરિમેન્ટલ ગણાય એવી ફિલ્મ છે – કમર્શિયલ ઢાંચાથી તદ્દન હટીને. ‘રાશોમન’ની અસર આજના આર્ટીશાર્ટી પીપલમાં એ હદ સુધીની છે કે મુંબઈમાં ‘પૃથ્વી’ થિયેટર્સમાં ભજવાતા પ્રયોગાત્મક નાટકોના કેટલાક (બધા નહીં, કેટલાક) દિગ્દર્શકો હજુય પોતાના ઍક્ટરો પાસે અકીરા કુરોસાવાએ પાસે કરાવ્યો હતો એવો અભિનય કરાવે છે. ૬૫ વર્ષમાં દુનિયા ક્યાંની ક્યાં આગળ નીકળી ગઈ. છતાં કેટલાક (બધા નહીં, કેટલાક) આર્ટીશાર્ટી ડિરેક્ટરો હજુય એ જ ટૅ્ક્નિકમાં પડ્યાપાથર્યા રહે છે. 

જૈન ધર્મમાં સ્યાદવાદ કે અનેકાંતવાદની ક્ધસેપ્ટ છે. એક જ વિષયને વિવિધ દૃષ્ટિકોણથી જોનારા બધા જ લોકો પોતપોતાની રીતે સાચા છે. મારા સફેદ શર્ટની પાછળ કાળો ધબ્બો હોય તો મારી પીઠ પાછળ ઊભેલી વ્યક્તિ મેં ડાઘાવાળું શર્ટ પહેર્યું છે એવું કહેશે અને મારી છાતી સામે ઊભેલી વ્યક્તિ મેં ચોખ્ખુંચણાક શર્ટ પહેર્યું છે એવું કહેશે. બંને પોતપોતાની રીતે સાચા છે. જૈન ધર્મની ક્ધસેપ્ટ આમ આદમીને સમજાય એ રીતે રજૂ કરવી હોય ત્યારે મારી પાસે આ દાખલો હાથવગો છે. 

અનેકાંતવાદનો સંબંધ સ્પિરિચ્યુઆલિટી સાથે છે જ્યારે રાશોમન ઈફ્ેકટને ક્રિમિનોલોજી સાથે સંબંધ છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ હું પણ સાચો ને તમે પણ સાચા એવું હોઈ શકે છે. પણ ગુનાશાસ્ત્રમાં આપણા બધામાંથી કોઈ એક જ વ્યક્તિ સાચી હોઈ શકે છે. કાં તો મેં ખૂન કર્યું હોઈ શકે, કાં તમે, કાં પછી એમણે. પોલીસ પાસે જ્યારે રાશોમન ઈફેક્ટવાળાં પરસ્પર વિરોધાભાસી એવાં બયાનો આવે ત્યારે તપાસકર્તા અફસરે નક્કી કરવું પડે કે કયું સ્ટેટમેન્ટ સાચું. આવું નક્કી કરવા માટે એણે એઝમ્પશન્સ, પ્રીઝમ્પશન્સ કે થિયરીઓ – માન્યતાઓનો આશરો ન લેવાનો હોય પણ નક્કર પુરાવાઓ પર આધાર રાખવાનો હોય. નક્કર સાબિતીઓ જ્યાં ઉપલબ્ધ નથી હોતી ત્યાં સાંયોગિક પુરાવાઓ – સર્કમસ્ટેન્શ્યલ એવીડન્સીસ પર આધાર રાખવો પડે. 

આ સાંયોગિક પુરાવાઓમાંના દરેક પુરાવાઓની કડી એકબીજા સાથે જોડાવી જોઈએ. જો વચ્ચેથી એકાદ કડી પણ મિસિંગ હોય તો આખો કેસ કડડભૂસ કરીને ભોંયભેગો થઈ જાય. 

કુરોસાવાની ‘રાશોમન’ ફિલ્મનો એન્ડ અધ્ધર લટકતો રાખવામાં આવ્યો છે. આર્ટ ફિલ્મ છે. પણ આરુષિ મર્ડર કેસ કોઈ ફિલ્મનો પ્લોટ નથી, નક્કર હકીકત છે. ‘તલવાર’ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે (અને અવિરુક સેનના ‘આરુષિ’ પુસ્તકમાં લખવામાં આવ્યું છે) એમ પોલીસનો આક્ષેપ છે કે ડૉ. રાજેશ તલવાર ગોલ્ફ રમતા હતા અને એમણે ગોલ્ફ ક્લબના ફટકાથી પોતાની દીકરી તથા નોકર હૅમરાજનું માથું ભાંગી નાખ્યું અને પછી ડેન્ટિસ્ટના સ્કૅલપલથી બંનેનું ગળું ચીરી નાખ્યું. પોલીસે ગુનાના હથિયાર તરીકે વપરાયેલી ગોલ્ફ ક્લબ પુરાવા તરીકે કોર્ટમાં રજુ કરી. ગુનાનું કોઈ સાક્ષી નથી એટલે સાંયોગિક પુરાવાના આધારે જ કેસ બનવાનો. હવે આ ‘હથિયાર’ (ગોલ્ફ ક્લબ) પોલીસને કેવી રીતે મળ્યું? ડૉ. રાજેશ તલવાર ઘરમાંના માળિયામાંથી શોધીને સામે ચાલીને પોલીસને આપી આવ્યા. કોઈ ખૂની આવું કરે? જે હથિયારથી પોતે ખૂન કર્યું હોય, જે પોલીસને મહિનાઓથી નથી મળતું તે હથિયાર પોતે ઘરમાંથી શોધીને સામે ચાલીને શું કામ આપવા જાય? કૉમનસેન્સનો સવાલ છે. 

પોલીસનો દાવો છે કે બેડરૂમમાં આરુષિ અને હેમરાજની હત્યા કરી નાખ્યા પછી હેમરાજની ડેડબૉડીને તલવાર દંપતી ટેરેસ પર છુપાવી આવી અને પછી આરુષિના બેડરૂમમાં આવીને હેમરાજના બ્લડનાં નિશાન લૂછીને મિટાવી દેવામાં આવ્યાં, માત્ર આરુષિનું જ બ્લડ રહેવા દેવામાં આવ્યું જેથી ફોરેન્સિક તપાસમાં બેડરૂમમાં આરુષિનું જ બ્લડ હતું એવું પુરવાર થાય. ‘તલવાર’ મૂવીમાં ઈરફાન ખાન પ્રથમ તપાસ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટરને પૂછે છે, ‘આરુષિનું લોહી લાલ હતું અને હેમરાજનું બ્લડ ભૂરું હતું? કોઈ કેવી રીતે એક જણનું બ્લડ ભૂંસી શકે અને બીજાનું રહેવા દઈ શકે?’ આ વખતે થિયેટરનું ઑડિયન્સ પણ પોલીસની બેવકૂફભરી થિયરી પર હસી પડે છે. 

ખૂની સાથે ચાલીને પોલીસને, મહિનાઓ પછી, ખૂન કરવામાં વપરાયેલું હથિયાર આપવા ન જાય એવું કોઈ બાળક પણ સમજે. પોલીસના સાંયોગિક પુરાવાઓની કડી અહીં તૂટે છે. આનો અર્થ એ થયો કે ખૂની ડૉ. રાજેશ તલવાર ન હોઈ શકે અને ખૂન ગોલ્ફ ક્લબથી થયું હોય એ શક્ય નથી. 

પોલીસે હેમરાજના મિત્ર કૃષ્ણાના ઘરેથી લોહીવાળી ખુકરી બરામદ કરી હતી. ખૂન માટે કૃષ્ણાએ આ હથિયાર વાપર્યું હોઈ શકે એવી તપાસ આગળ વધારવાને બદલે પોલીસે કૃષ્ણાને રફુચક્કર થવા દીધો અને ખુકરી પરના બ્લડની જાંચતપાસ કરાવીને એને સબૂત તરીકે કૉર્ટમાં પેશ કરવાને બદલે ડૉ. રાજેશ તલવારના ગોલ્ફ ક્લબને રજુ કરી. 

‘તલવાર’ ફિલ્મને કેટલાક ફિલ્મ રિવ્યુઅર્સ ‘રાશોમન’ સાથે સરખાવે છે તે ગલત છે, કારણ કે આરુષિ કેસમાં પોલીસે પોતે જ જુદું વર્ઝન ઊભું કરેલું છે. ગુનાના તમામ સાંયોગિક પુરાવાઓ તો માત્ર હેમરાજના રૂમમાં ભેગા થયેલા ત્રણ નોકરો તરફ જ આંગળી ચીંધે છે. માબાપની સંડોવણી આમાં ન હોઈ શકે એવા અનેક પુરાવાઓ સીબીઆઈની પહેલી ટીમે ભેગા કર્યા જ હતા. એમાંનો એક સાઉન્ડ ટેસ્ટ હતો. 

બાજુના જ બેડરૂમમાં કતલ થાય છે અને તમે ઊંઘતા રહ્યા એવા સવાલના જવાબમાં તલવાર દંપતીએ કહ્યું કે જૂનું ઍરકંડિશનરના અવાજમાં અમારા રૂમમાં બહારના કોઈ અવાજ નથી આવતા. સીબીઆઈની પહેલી ટીમે આ બાબતે જે ટેસ્ટ કર્યો તે ‘તલવાર’ ફિલ્મમાં ડીટેલમાં દેખાડવામાં આવ્યો છે જેનાથી પુરવાર થાય છે કે એસી ચાલુ હોય ત્યારે બાજુના રૂમમાં થથો ઘોંઘાટ પણ આ રૂમમાં સંભળાતો નથી. સીબીઆઈની પહેલી ટીમના એસ.પી. અરુણકુમારે (ફિલ્મમાં જેમનો રોલ ઈરફાન ખાન ભજવે છે તે) ‘તલવાર’ ફિલ્મ જોયા પછી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બિલકુલ આ જ રીતે સાઉન્ડ ટેસ્ટ થયો હતો જેના પરિણામ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા છે તે જ હતાં. 

‘તલવાર’ ફિલ્મ દરેક રીતે ઑથેન્ટિક છે. ‘રહસ્ય’ માત્ર વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા માટે બનેલી ફિલ્મ હતી. કયાં ‘તલવાર’નું રિચર્સ અને ક્યાં ‘રહસ્ય’ની પતંગબાજી. મર્ડર મિસ્ટરી બનાવનારની પોતાની પાસે નહીં તો એની ટીમ પાસે એટલી તો અક્કલ હોવી જોઈએ કે આરોપી જેલમાં હોય ત્યારે એને ‘જામીન’ મળે, ‘આગોતરા જામીન’ ન મળે. ‘રહસ્ય’માં આશિષ વિદ્યાર્થીને આગોતરા જામીન (એન્ટિસિપેટરી બેલ) મેળવીને જેલમાંથી છૂટતા બતાવવામાં આવ્યો છે. અતિ ટેલટેન્ડ મનીષ ગુપ્તાને કે એની ટીમના કોઈ પણ બુદ્ધિશાળી – તેજસ્વી સભ્યોને આવી, તદ્દન કૉમનસેન્સની કહેવાય એવી ભૂલ ટાળવાનું પણ ન સૂઝયું?

‘તલવાર’ રિલીઝ થવાની હતી એના ચાર દિવસ પહેલાં ‘રહસ્ય’કાર મનીષ ગુપ્તાએ એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે ‘તલવાર ફૅમિલીએ મસમોટી રકમ લઈને આ કેસ પરથી ફિલ્મ બનાવવાના હક્ક વેચ્યા છે.’ ધારો કે, એવું હોય પણ, તો મનીષ ગુપ્તાના પેટમાં શું કામ ચૂંક આવવી જોઈએ કે એણે આવું કહેવા પ્રેસ કૉન્ફરન્સ બોલાવવી પડે? આની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કૂથલીખોરોએ બીજી પણ એક અફવા ફેલાવી છે કે ‘તલવાર’ બનાવવા માટે તલવાર દંપતીએ ફિલ્મના મેકર્સને સામેથી જંગી રકમ આપી છે જેથી પોતે નિર્દોષ છે એવી ફિલ્મ બજારમાં આવી શકે. બે તદ્દન સામસામેના છેડાની અફવાઓ અને આવી કે કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવાનું કામ માત્ર એક જ પ્રકારના લોકોનું હોઈ શકે – પેટના બળેલાઓનું. 

આજનો વિચાર

જે માણસ દીકરીને ભણાવવાની જરૂર નથી એમ કહેતો હોય તે જ પોતાની પત્નીની સારવાર માટે લેડી ડૉક્ટર શોધતો હોય છે. 

– વૉટ્સઍપ પર વાંચેલું. 

એક મિનિટ!

બકો દુખી હતો. 

કોઈએ પૂછ્યું ટેન્શનમાં કેમ છે? 

બકો બોલ્યો: ‘યાર, એક ફ્રેન્ડે પ્લાસ્ટિક સર્જરી કરાવવા મારી પાસેથી છ લાખ રૂપિયા ઉધાર લીધેલા. અને હવે મુશ્કેલી એ છે કે હું એને ઓળખું કેવી રીતે?

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 9 ઓક્ટોબર 2015)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *