‘રહસ્ય’ અને ‘રા શોમન’ રિવિઝિટેડ

કોઈ એક જ ઘટના પર બે તદ્દન અલગ નજરિયાથી કેવી રીતે ફિલ્મો બને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગયા શુક્રવારે રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજે લખેલી ‘તલવાર’ અને એનું સાવ નિકૃષ્ટ ઉદાહરણ છે આ વર્ષની ૩૦મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી મનીષ ગુપ્તાએ લખેલી ‘રહસ્ય’. એક ફિલ્મ ગાંધી જયંતીએ રિલીઝ થઈ, બીજી ગાંધી નિર્વાણદિને.

મનીષ ગુપ્તાએ અગાઉ બીજી ફિલ્મો ઉપરાંત ‘સરકાર’ જેવી ટૉપ ફિલ્મ લખેલી એટલે ‘રહસ્ય’માં પણ એ પ્રકારની કમાલ કરી હશે એવી આશા જાગે. પણ ‘રહસ્ય’ જોયા પછી શંકા જાય કે ‘સરકાર’ ‘લખાવવામાં’ રામ ગોપાલ વર્માએ મનીષ ગુપ્તા પાછળ ખૂબ મહેનત કરવી પડી હશે.

‘રહસ્ય’ બનાવીને મનીષ ગુપ્તા (જે આ ફિલ્મના દિગ્દર્શક પણ છે) ૨૦૦૮ના આરુષિ હત્યાકાંડને બીજા અનેક લોકોની જેમ ઍનકૅશ કરવા માગતા હતા. જોકે, ‘રહસ્ય’ બન્યા પછી કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ. રિલીઝ લંબાઈ ગઈ અને વિવાદ દરમિયાન પબ્લિસિટી મળી એનોય લાભ ‘રહસ્ય’ને ન મળ્યો એટલી ફિલ્મ નબળી હતી. બૉક્સઑફિસકલેક્શન ડૉટ ઈનના આંકડા પ્રમાણે ‘રહસ્ય’નો પહેલા દિવસનો વકરો માત્ર ૬ લાખ રૂપિયા હતો. બૉલીવુડહંગામા ડૉટ કૉમના આંકડા મુજબ પ્રથમ વીકએન્ડમાં રહસ્ય ૨૯ લાખ રૂપિયા લાવી, પહેલા અઠવાડિયામાં ૬૫ લાખ અને કુલ મળીને આ ફિલ્મે ૯૭ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો. ટોટલી ફલોપ. અને આવી ફાલતુ ફિલ્મ ફલોપ ગઈ તે જ સારું થયું (બધી નક્કામી ફિલ્મો ફલોપ નથી જતી એ અફસોસની વાત છે અને બધી સારી ફિલ્મ સુપર હિટ નથી એ બમણા અફસોસની વાત છે. પણ એટલું જરૂર કે જે ફિલ્મ ખરેખર સારી હોય તે ભલે હિટ કે સુપર હિટ ન જાય, પૈસા તો કમાઈ જ લે છે.)

‘રહસ્ય’ની સ્ટારકાસ્ટ જબરજસ્ત હતી. કે કે મેનન અને આશિષ વિદ્યાર્થી જેવા મહારથીઓ હતા. ટિસ્કા ચોપરા, મિતા વસિષ્ટ અને અશ્ર્વિની કાલસેકર પણ સારી અભિનેત્રીઓ છે. પણ આ બધા પાસે દિગ્દર્શકે ભયંકર ખરાબ કામ કરાવ્યું છે. સીબીઆઈ ઑફિસર તરીકે કે કે મેનન પાસે દિગ્દર્શકે અલમોસ્ટ જોકર જેવું કામ કરાવ્યું છે. આયમ શ્યૉર કે ‘તલવાર’માં ઈરફાન ખાન ન હોત અને એને બદલે કે કે મેનને લેવામાં આવ્યો હોત તો એણે ઈરફાન જેટલો જ સુંદર અભિનય કર્યો હોત. ધૅટ પ્રૂવ્ઝ કે અભિનેતા ગમે એટલો સારો હોય, જો દિગ્દર્શક નકામો હોય તો અભિનેતા વેડફાઈ જવાનો છે. રસોઈ બનાવનારના હાથમાં વિકટોરી નૉક્સનું ચાકુ ભલે મૂકી દો પણ જો એનાથી શાક સમારતાં ન આવડે તો લોહી નીકળે એવી વાત છે.

‘રહસ્ય’કાર મનીષ ગુપ્તા હાઈલી ઓવરરેટેડ ફિલ્મકાર છે. ખબર નહીં, કેટલાક રિવ્યૂઅર શું કામ એને માથે ચડાવતા હશે. આરુષિ કેસ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યા પછી મનીષ ગુપ્તાએ એમાં સિનેમેટિક લિબર્ટીઝને નામે બીજાં બે-ચાર ખૂન ઉમેરી દીધાં! વાત આખી ક્યાંથી ક્યાં લઈ ગયા. મૂળ કેસ ઉપર કોઈ રિસર્ચ કરવાને બદલે મીડિયામાં જોયેલી/ સાંભળેલી/ વાંચેલી વાતોના આધારે પતંગો ચગાવીને સ્ક્રીનપ્લે બનાવી નાખ્યો. દાખલા તરીકે ફોરેન્સિકવાળાના લોચાને કારણે આરુષિને બદલે બીજા કોઈના ડીએનએની સરખામણી એના માબાપના ડીએનએ સાથે કરવામાં આવી અને બેદરકાર પોલીસે જાહેર પણ કરી નાખ્યું કે સિન્સ ડીએનએ મૅચ નથી થતા એટલે આરુષિ આ દંપતીની સગી દીકરી નથી, દત્તક દીકરી છે. પાછળથી પુરવાર થયું કે આ તો કહેતા ભી દીવાના ને સુનતા ભી દીવાના જેવી વાત છે. પણ મનીષ ગુપ્તાએ પોતાની ફિલ્મમાં ટિસ્કાને લીધે નહીં પણ નોકરાણી અશ્ર્વિનીને કારણે આશિષ વિદ્યાર્થીથી આ દીકરી ૧૮ વર્ષ પહેલાં જન્મી હતી એવું ભરડી નાખ્યું. આવું તો બીજું કેટકેટલું એમણે ભરડ્યું છે. તેઓ ગયા અગાથા ક્રિસ્ટી ટાઈપનો ડ્રામો બનાવવા પણ થઈ ગયું એક હાસ્યાસ્પદ સુરસુરિયું. ગુપ્તા ભલે કહેતા હોય કે અમે કંઈ આરુષિ મર્ડર કેસ પરથી ફિલ્મ નથી બનાવી, માત્ર એક ધાગો જ લીધો છે અને પછી અમારી રીતે તદ્દન નવો પ્લોટ બનાવીને એના પર ચણતર કર્યું છે. ભલે કહે. પણ આરુષિના માતાપિતા ડૉ. રાજેશ અને ડૉ. નૂપુર તલવાર વતી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટેનો કેસ થયો ત્યારે હાઈ કોર્ટમાં બે-ચાર – દસ નહીં પૂરા સો મુદ્દા ગણાવવામાં આવ્યા જે આરુષિ મર્ડર કેસ અને આ ફિલ્મ (‘રહસ્ય’)માં કૉમન હતા. જોકે, લાંબી કાનૂની લડત પછી ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી અપાઈ. લડત જરૂરી હતી કારણ કે ફિલ્મમાં આરુષિની મમ્મીને (અભિનેત્રી ટિસ્કા)ને આરુષિનું, પોતાના નોકરનું અને પોતાના પતિનું – ત્રણ ત્રણ ખૂન કરતાં બતાવાઈ છે. આ ઉપરાંત બીજાં બે ખૂન માટે આ જ કેસની તપાસ કરતા પોલીસ ઈન્સ્પેક્ટરને એણે સોપારી આપી હતી એવું સીબીઆઈ ઑફિસર કે. કે. મેનનની તપાસમાં ‘ખુલે’ છે.

‘તલવાર’ની આખી વાત જ જુદી છે. આ કૉલમના નિયમિત વાચકો ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અવિરુક સેનના પુસ્તક ‘આરુષિ’ વિશે મેં લખેલી છ હપ્તાની સિરીઝ વાંચી ચૂક્યા છે. ન વાંચી હોય તો કંઈ નહીં, ‘તલવાર’ જોઈ આવજો. એટલે ખબર પડશે કે સારી ફિલ્મ કોને કહેવાય, સારા આશયથી બનેલી ફિલ્મ કોને કહેવાય.

આ બધામાં અકીરા કુરોસાવાની છેક ૧૯૫૦માં બનેલી જગવિખ્યાત જપાનીસ ફિલ્મ ‘રા શોમન’ કેમ ઘૂસી ગઈ?

કાલે.

આજનો વિચાર

મરી ગયા પછી પણ વૉટ્સઍપ અને ફેસબુકના મૅસેજ વાંચવા હોય તો…

…નેત્રદાન કરો.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બૉસે એક જોક સંભળાવી.

બધા ઍમ્પ્લોઈ હસ્યા.

એક ન હસ્યો.

બૉસ: તને મારી જોક ન ગમી?

એક: સર, મને બીજી જગ્યાએ નોકરી મળી ગઈ છે.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 8 ઓક્ટોબર 2015)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *