હવે હાઈ કોર્ટ શું કરશે

સીબીઆઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પુલિસ અને હવે આરુષિ-હેમરાજ કેસના ઈન્ચાર્જ બની ચૂકેલા એ.જી.એલ. કૌલે કોઈ નવા ઈન્વેસ્ટિગેશન વિના, નોકરોને બદલે તલવાર દંપતી જ ખૂની છે એવી થિયરી ઘડી કાઢી. મર્ડરવેપન તરીકે ખુકરી જપ્ત થઈ હોવા છતાં રાજેશ તલવારને મર્ડરર બતાવવા કોઈ નવા વેપનની જરૂર પડવાની હતી. કૌલે એ હથિયાર પણ ‘શોધી’ કાઢ્યું. ગોલ્ફ ક્લબ. ગોલ્ફ રમવાની સ્ટિક. રાજેશ તલવાર શિકાઉ ગોલ્ફર હતો. અત્યાર સુધી આ ગોલ્ફ ક્લબ ક્યાંય પિક્ચરમાં નહોતી. કૌલે રાજેશ તલવારના ડ્રાઈવર ઉમેશને પકડીને ટૉર્ચર કરીને એની પાસે નિવેદન લેવાની કોશિશ કરી કે ઉમેશે આ ગોલ્ફ ક્લબ ‘સંતાડવામાં’ મદદ કરી હતી. ઉમેશે મચક ના આપી. કૌલે તલવાર દંપતીના મિત્ર અજય ચડ્ઢાને કહ્યું કે રાજેશ-નૂપુર વિરુદ્ધ નિવેદન આપો. અજય ચઢ્ઢાએ ના પાડી. કૌલે અજયને બ્લેકમેલ કરતાં કહ્યું કે તારી અને નુપૂર તલવાર વચ્ચે આડા સંબંધ છે એવું હું મીડિયાને કહીશ તો તારું કુટુંબજીવન બરબાદ થઈ જશે. અજયે કહ્યું કે તમે થાય તે કરી લો, હું તલવાર દંપતી વિરુદ્ધ નિવેદન નહીં આપું.

નવા ‘પુરાવા’ ઊભા કરવામાં નિષ્ફળ ગયેલા કૌલે પોતાની થિયરી પુરવાર કરવા ધરાર ગાંધીનગરની ફોરેન્સ્કિ સાયન્સ લેબોરેટરીના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. એમ. એસ. દહિયાને સાધીને ક્રાઈમ સીન રિક્ધસ્ટ્રકટ કરવા દિલ્હી બોલાવ્યા. ૧૬મી મે ૨૦૦૮ના રોજ કેવી રીતે બે ખૂન થયાં એનું નાટ્યરૂપાંતર કરવાનું હતું. લોહી માટે લાલ રંગનો શાલિમારનો નેરોલેક પેઈન્ટ વાપરવામાં આવ્યો. રાજેશ તલવારની ગોલ્ફ કિટ જપ્ત કરવામાં આવી. એના પરથી લોહીના કોઈ નિશાન ન મળ્યાં એટલે માની લેવામાં આવ્યું કે ચાલાકીપૂર્વક એની સફાઈ કરવામાં આવી છે. બેઉ વિક્ટિમનું ગળું ખુકરીથી નહીં પણ રાજેશ તલવાર પોતાના ડેન્ટલ ક્લિનિકમાં જે સ્કેલપલ વાપરે છે તેનાથી ચીરવામાં આવ્યું છે એવી થિયરી ઘડવામાં આવી. પોલીસે કે સીબીઆઈએ પહેલાં કે પછી ક્યારેય રાજેશના ક્લિનિકમાંથી સ્કેલપલ જપ્ત કર્યું નહોતું કે ભવિષ્યમાં કોર્ટમાં પણ રજૂ કર્યું નહીં. છતાં આ થિયરીને માન્ય રાખવામાં આવી.

૨૦૧૦માં સીબીઆઈના ડિરેક્ટર અશ્ર્વિની કુમારની બદલી થઈ. એમની જગ્યાએ અમર પ્રતાપ સિંહની નિમણૂક થઈ. ચાર્જ લીધા પછી અમર પ્રતાપ સિંહે અત્યાર સુધી થયેલી તપાસના રિપોર્ટ્સ તેમ જ પુરાવાઓ વિશે વિચાર કરીને સીબીઆઈની તપાસ ટીમ તથા સીબીઆઈના વકીલ આર. કે. સૈનીની મીટિંગ બોલાવી. મીટિંગમાં બધાને સાંભળી લીધા પછી નવા ડિરેક્ટરે નિર્ણય લીધો કે તલવાર દંપતી વિરુદ્ધ કોઈ કેસ થઈ શકે એમ છે જ નહીં અને નોકરોની બાબતમાં વધુ તપાસ થઈ નથી એટલે આ બધામાંથી કોઈના પર હત્યાઓનો આરોપ લગાવી શકાય એમ નથી. સીબીઆઈએ વધુ તપાસ અટકાવીને કેસ બંધ કરવાનું નક્કી કર્યું. ડિરેક્ટર અમર પ્રતાપ સિંહે તપાસ ટીમના ઈન્ચાર્જ કૌલને કહ્યું કે તમે કલોઝર રિપોર્ટ તૈયાર કરો જે કોર્ટમાં રજૂ થશે અને કોર્ટની મંજૂરી પછી આ કેસ પૂરો થયેલો ગણવામાં આવશે.

આ સૂચના મળ્યા પછી કૌલે ગાંધીનગરવાળા દહિયા પાસે ક્રાઈમ સીન રિક્ધસ્ટ્રક્ટ કરાવ્યો હતો એટલું જ નહીં રાજેશ તલવારના બીજા બે મિત્રો ડૉ. રોહિત કોચર અને ડૉ. રાજીવ વાર્ષ્ણેય પાસે સીઆરસીસીની કલમ ૧૬૪ હેઠળ નિવેદન લીધાં હતાં. ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં દાખલ થયાના માત્ર બે અઠવાડિયામાં અગાઉ લેવાયેલાં આ બંને સ્ટેટમેન્ટ્સમાં રાજેશ તલવાર જ ગુનેગાર છે એવા ઈશારાઓ કરતી વિગતો નોંધવામાં આવી. કોર્ટ માટે આ નિવેદનોની વિગતો કરતાં પણ એમાંનું પહેલું વાક્ય વધુ અગત્યનું હતું: ‘રાજેશ મારો મિત્ર છે.’ કોઈ માણસ સત્યનો સાથ આપવા પોતાના જ મિત્ર વિરુદ્ધ ગવાહી આપે એ વાત કોર્ટને ગમી જવાની હતી.

કૌલે આ બે નિવેદનો ગાઝિયાબાદની કોર્ટમાં લેવડાવવાને બદલે દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં લેવડાવ્યાં. હાલાકિ જ્યુરિસ્ડિક્શન પ્રમાણે ગાઝિયાબાદની કોર્ટમાં નોંધાવા જોઈએ. ઉપરાંત ૧૬૪મી કલમ હેઠળનું નિવેદન સામાન્ય રીતે આરોપીનું કબૂલાતનામું હોય અથવા તો કોઈ આંખે દેખ્યા સાક્ષીનું નિવેદન હોય. આમાંથી કોઈ વાત આ બંને નિવેદનોને લાગુ પડતી નહોતી. નિવેદનો નોંધ્યા પછી એને ગાઝિયાબાદની કોર્ટના મેજિસ્ટ્રેટ પ્રીતિ સિંહને મોકલી દેવામાં આવ્યાં. આ જ પ્રીતિ સિંહ પાસે ક્લોઝર રિપોર્ટની અરજી આવવાની હતી. અહીં પણ કૌલે નિયમભંગ કર્યો. આ બે નિવેદનો જો કોર્ટને આપવાનાં જ હોય તો તે ક્લોઝર રિપોર્ટની સાથે આપવાનાં હોય, નહીં કે એની પહેલાં.

૩૧ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ મેજિસ્ટ્રેટ પ્રીતિ સિંહની કોર્ટમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો. તલવાર દંપતીને આ રિપોર્ટની નકલ મળી. રાજેશ-નુપૂર આ રિપોર્ટ વાંચીને ચોંકી ગયાં. ક્લોઝર રિપોર્ટ નિર્દોષ નહોતો. એમાં રાજેશ-નૂપુર કસૂરવાર છે એવા ઘણા બધા ઈશારાઓ મૂકવામાં આવ્યા હતા. રાજેશ-નૂપુરે કોર્ટમાં અરજી મૂકી કે આ ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાને બદલે કેસમાં હજુ આગળ વ્યવસ્થિત જાંચતપાસ થવી જોઈએ જેથી પોતે તદ્દન નિર્દોષ છે એવું તેઓ પુરવાર કરી શકે. આ અરજી કોર્ટમાં દાખલ કરવા જઈ રહ્યા હતા ત્યારે રાજેશ તલવાર પર પોલીસ અને જાહેર જનતાની હાજરીમાં કોઈ અજાણ્યા શખ્સે ખાટકીના મોટા છરાથી રાજેશ પર હુમલો કર્યો. રાજેશ લોહીલુહાણ થઈ ગયો. એનો ચહેરો કાયમ માટે વિકૃત થઈ ગયો.

મૅજિસ્ટ્રેટ પ્રીતિ સિંહ પાસે બે વિકલ્પ હતા. કાં તો ક્લોઝર રિપોર્ટ સ્વીકારીને કેસની ફાઈલ કાયમ માટે બંધ કરી દેવી અથવા તો પછી ક્લોઝર રિપોર્ટ નકારીને સીબીઆઈને આ કેસ ફરીથી જાંચતપાસ કરવાનો હુકમ આપવો. પણ મેજિસ્ટ્રેટે ત્રીજો રસ્તો અપનાવ્યો. એમણે આ રિપોર્ટને ચાર્જશીટમાં ફેરવીને રાજેશ-નૂપુરને આરોપી ગણી કેસ ચલાવવાનો હુકમ કર્યો.

સાત વર્ષથી વધુ સજા જે આરોપસર થઈ શકે તેવા કેસ મેજિસ્ટ્રેટની કોર્ટને બદલે એનાથી ઉપલી અદાલત – સેશન્સ કોર્ટમાં ચાલતા હોય છે. કેસ સેશન્સ કમિટ ન થાય એ માટે રાજેશ નૂપુરે અલાહાબાદની હાઈ કોર્ટમાં અરજી કરી. હાઈ કોર્ટે અરજી નામંજૂર કરી. વાત સુપ્રીમ કોર્ટ સુધી ગઈ. સુપ્રીમ કોર્ટે પણ અરજી નામંજૂર રાખી. આ કાનૂની લડાઈનો તલવાર દંપતીને જો કોઈ ફાયદો થયો તો એટલો કે સુપ્રીમ કોર્ટના કહેવાથી સીબીઆઈએ કેસની તપાસને લગતાં તમામે તમામ કાગળિયાંની નકલ આરોપીઓને સોંપવાનો હુકમ કર્યો.

રાજેશ તલવારના મોટા ભાઈ ડૉ. દિનેશ તલવાર પહેલેથી જ પોતાના નાના ભાઈની પડખે હતા. કેસની તપાસનાં કાગળિયાંનો અભ્યાસ કરતાં દિનેશ તલવારના ધ્યાનમાં આવ્યું કે પુરાવા નં. ઝેડ-ટ્વેન્ટી જે કૃષ્ણાના રૂમમાંથી મળી આવેલો ઓશીકાનો જાંબલી રંગનો ગલેફ છે તેના પર હેમરાજનું લોહી મળી આવ્યાનું લેબોરેટરીમાં સાબિત થઈ ગયું છે. કોઈ કોર્ટ આ પુરાવો નકારી શકે એમ નથી. તપાસ ટીમે કોર્ટમાં આ વિશે ખુલાસો કરવો જ પડે અને કૃષ્ણાને આરોપી બનાવવો જ પડે.

તાબડતોબ આ વાત કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવી. ૧૦ માર્ચ ૨૦૧૧ના રોજ સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે ઝેડ-ટ્વેન્ટી લખવામાં જરા ભૂલ થઈ હતી. હકીકતમાં ઝેડ-ફોર્ટિનની જગ્યાએ ઝેડ-ટ્વેન્ટી લખાઈ ગયું અને ઝેડ-ટ્વેન્ટીની જગ્યાએ ઝેડ-ફોર્ટિન.

આ શું રમત હતી? ઝેડ-ફોર્ટિન હેમરાજના રૂમમાંથી મળી આવેલો સફેદ રંગનો ગલેફ હતો. સીબીઆઈએ પોતાનો કેસ વીક થતાં જોયો એટલે ચાલાકીપૂર્વક (અને ગેરકાયદે) બંને પુરાવાની અદલાબદલી કરી નાખી. હવે કૃષ્ણાની રૂમમાંથી મળેલો જાંબલી રંગનો ગલેફ હેમરાજની રૂમમાંથી મળ્યો છે એવું બતાવવામાં આવ્યું અને એના પર જો હેમરાજના લોહીના ડાઘા હોય તો એમાં કશું અસ્વાભાવિક નથી એવી દલીલ થઈ. ઝેડ-ફોર્ટિનવાળો સફેદ ગલેફ જેના પર લોહીના કોઈ ડાઘા નહોતા અને જે હેમરાજના રૂમમાંથી જપ્ત થયો હતો તે હવે ઝેડ-ટ્વેન્ટી બની ગયો અર્થાત્ કૃષ્ણાના રૂમમાંથી જપ્ત થયો છે એવું બતાવવામાં આવ્યું.

તલવાર દંપતીનું કિનારે આવેલું વહાણ ડૂબી ગયું. ચોથી જૂન ૨૦૧૨ના રોજ ગાઝિયાબાદની, સેશન્સ કોર્ટનો દરજ્જો ધરાવતી સીબીઆઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ શ્યામ લાલ સમક્ષ કેસની પહેલી સુનાવણી થઈ. જજ શ્યામ લાલ દોઢ વર્ષ પછી, નવેમ્બર ૨૦૧૩માં રિટાયર્ડ થવાના હતા. નિવૃત્તિ પહેલાં આ કેસ ચાલી જાય અને પોતે ચુકાદો આપી દે તો પોતાને માથે યશકલગી મુકાઈ જાય એવું જજ શ્યામ લાલે વિચારી લીધું હતું.

કોર્ટની દોઢ વરસની કાર્યવાહી દરમિયાન અગત્યના મુદ્દાઓને જજ શ્યામ લાલ મંજૂર ન રાખે ત્યારે તલવાર દંપતીએ અનેક વખત અલાહાબાદની હાઈ કોર્ટમાં અપીલ કરવી પડતી, ત્યાંથી નામંજૂરી આવ્યા પછી સુપ્રીમ કોર્ટમાં ધા નાખવી પડતી. જજ શ્યામ લાલની આડોડાઈને કારણે આવું વારંવાર બન્યું. સુપ્રીમ કોર્ટમાં સારા લૉયર્સ એક વખત હાજર થવાના રૂપિયા દસથી પંદર લાખની ફી ચાર્જ કરે. હાઈ કોર્ટમાં એક લાખ રૂપિયા અને ગાઝિયાબાદની કોર્ટમાં વકીલો પાછળ દર મહિને રૂપિયા ૫૦,૦૦૦ થી એક લાખનો ખર્ચ થતો. સુપ્રીમ કોર્ટમાં હરીશ સાળવે જેવા ટોચના લૉયર્સ વિનામૂલ્યે કેસ લડતા. બીજાઓને ફી આપવી પડતી. રાજેશ – નૂપુરની બધી જ બચત ધોવાઈ ગઈ. નોઈડાનું ક્લિનિક વેચીને રૂ. ૭૦ લાખ ઊભા કર્યા. તે પણ વપરાઈ ગયા. મોટા ભાઈ દિનેશ તલવારની બચતમાં મસમોટું ગાબડું પડી ગયું.

કેસ ચાલ્યો તે ગાળામાંના પાંચ મહિના દરમિયાન નૂપુરને, પુરાવાઓ સાથે ચેડાં ન કરે તે માટે, જેલમાં પૂરવામાં આવી. સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા ત્યારે એ બહાર આવી. કેસ દરમિયાન સરકાર – સીબીઆઈ તરફથી ૩૯ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા. બચાવ પક્ષ માત્ર ૧૩ સાક્ષીઓ લાવવા માગતો હતો છતાં ૭ માટે જ મંજૂરી આપવામાં આવી. આ કેસ ચાલતો હતો એ દરમિયાન છપાયેલા એક સમાચાર વાંચીને પત્રકાર નલિની સિંહના મગજમાં બત્તી થઈ. અરુણ શૌરીનાં સગાં બહેન અને પત્રકારત્વના વિશ્ર્વમાં એટલું જ આદરણીય નામ ધરાવતાં નલિની સિંહ ૨૦૦૮માં એક નેપાલી ટીવી ચેનલ સાથે સંકળાયેલાં હતાં. નલિની સિંહે તલવાર્સ તથા એમના લૉયર્સને એક ખૂબ કામ લાગે એવી માહિતી કહી. મર્ડરના થોડાક મહિના પછી સીબીઆઈમાંથી અનુજ આર્ય નામના એક ઑફિસરે નલિની સિંહને ફોન કરીને પૂછ્યું હતું કે મે મહિનાની ૧૫-૧૬મીની રાત્રે તમારી ચેનલ પરથી જે ગીતો ટેલીકાસ્ટ થયાં એનું લિસ્ટ મળશે? નલિની સિંહે એ યાદી આપી. અનુજ સિંહે પાછળથી નલિની સિંહને કહ્યું કે નોકરોએ એમના નાર્કો ટેસ્ટમાં હેમરાજના રૂમમાં બેસીને ટીવી પર નેપાલી ગીતો જોયાં એવું કહ્યું હતું અને કેટલાંક ચોક્કસ ગીતોની પંક્તિ પણ તેઓ નાર્કો ટેસ્ટમાં બોલ્યા હતા. નલિની સિંહે આપેલી યાદીમાં એ ગીતો સામેલ હતાં. તલવાર્સે આ માહિતી મળતાં જ જજ શ્યામ લાલ સમક્ષ અરજી કરી કે બે વધુ સાક્ષી – નલિની સિંહ અને અનુજ આર્યને બોલાવવાની મંજૂરી આપવામાં આવે. જજ શ્યામ લાલે આ અરજી ફગાવી દીધી.

સરકાર વતી દલીલો પૂરી કરીને ફાઈનલ સ્ટેટમેન્ટ આપતાં ૧૨ નવેમ્બર, ૨૦૧૩ના રોજ સીબીઆઈના વકીલ આર. કે. સૈનીએ કોર્ટને કહ્યું: ‘…ઔર રાજેશ તલવાર પીતા રહા ઔર સાથ ડીએનએ ધુલતા રહા… ઉસકે બાદ પૂરી રાત યે દોનોં (રાજેશ અને નૂપુર) પોર્નોગ્રાફિક ફિલ્મ્સ દેખતે રહેં…’ (આ એ જ સૈની હતો જેણે તપાસના ઈનિશ્યલ સ્ટેજમાં નોકર રાજકુમારના નાર્કો ટેસ્ટ પછી રાજકુમાર જેમને ત્યાં કામ કરતો તે તલવાર્સના મિત્ર દુર્રાનીસને કહ્યું હતું કે ‘દેખિયે, કૈસે નેવલે પાલે થે આપ લોગોં ને…’)

ગોલ્ફ ક્લબથી આ ખૂન કરવાનું સંભવ નથી એ પુરવાર કરવા તલવાર્સના એક વકીલ સત્યકેતુ સિંહે ગાઝિયાબાદની કોર્ટમાં જજ શ્યામ લાલ આગળ ડેમોન્સ્ટ્રેશન આપીને પુરવાર કર્યું કે માથા પર જીવલેણ ઘા કરવા માટે ગોલ્ફ ક્લબને જેટલી સ્વિંગ કરવી પડે એટલો અવકાશ જ નહોતો આરુષિના રૂમમાં. જજે આ વાત રેકૉર્ડ પર પણ ન લીધી. કાર્યવાહી દરમિયાન ડગલે ને પગલે જજે ખુલ્લેઆમ સીબીઆઈની તરફેણ કરી અને તલવારદંપતિના વાજબી મુદ્દાઓ પણ માન્ય ન રાખ્યા જેની વિગતવાર નોંધ અવિરુક સેને ‘આરુષિ’ પુસ્તકના કેસની કાર્યવાહી વિશેનાં સોથી વધુ પાનામાં લીધી છે.

૨૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ જજ શ્યામ લાલે ડૉ. રાજેશ તલવાર અને ડૉ. નૂપુર તલવારને આરુષિ અને હેમરાજના ખૂન બદલ કસૂરવાર ઠેરવ્યા અને બીજા દિવસે બેઉને જનમટીપની સજા ફટકારી. ચાર દિવસ પછી જજ નિવૃત્ત થયા. એમણે અલાહાબાદ હાઈ કોર્ટમાં જઈને વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. શ્યામ લાલે પોતાનું બસો પાનાંનું જજમેન્ટ ચોપડીરૂપે છપાવ્યું અને હાઈ કોર્ટના જજસાહેબો સહિત બધા વકીલોને પણ એ ચોપડી ભેટ આપી.

જજમેન્ટ આવ્યાના એક વર્ષમાં જ, ૧૦ ઑક્ટોબર, ૨૦૧૪ના પરોઢિયે એ.જી.એલ. કૌલને અચાનક હાર્ટ ઍટેક આવ્યો અને એમનું મૃત્યુ થયું. ગાંધીનગરની ફોરેન્સિક લૅબનાં ડૉ. અમિતા શુકલાએ અવિરુક સેનને આ પુસ્તક માટે ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું કે જજમેન્ટ પછી કૌલ કોઈ બીજા કેસના સંદર્ભમાં મને મળ્યા હતા. મેં એમને પૂછ્યું હતું કે આરુષિ કેસમાં અમે કરેલા નાર્કો ટેસ્ટને તમારે કોર્ટમાં મૂકવા તો જોઈતા હતા, પછી ભલે કોર્ટ એને નામંજૂર રાખે. આ સાંભળીને કૌલે હસીને ડૉ. અમિતા શુકલાને આ શબ્દો કહ્યા હતા, ધ્યાનથી વાંચજો: ‘મેડમ, અમે જો તમારા બધા જ ટેસ્ટ્સ (રિઝલ્ટ) રેકૉર્ડ પર મૂક્યા હોત તો આખો કેસ અપસાઈડ ડાઉન થઈ ગયો હોત.’

અવિરુક સેને આ પુસ્તક માટે બીજા પણ કેટલાક પર્સનલ ઈન્ટરવ્યૂઝ લીધા. આરુષિ કેસના બે મહિના પછી રિટાયર્ડ થયેલા સીબીઆઈ ડિરેક્ટર વિજય શંકર, કૌલ પહેલાંના ઈન્ચાર્જ અરુણ કુમાર, ડૉ. એમ. એસ. દહિયા, કે. કે. ગૌતમ વગેરે. દરેક સાથેની વાતચીતમાં ભલે પ્રગટપણે તલવારદંપતી નિર્દોષ છે એવું ન કહેવાયું હોય પણ એ લોકોની વાતનો નિચોડ એ જ છે: તલવાર્સ ગિલ્ટી નથી. પુસ્તકના અંતે કૃષ્ણા, રાજકુમાર અને વિજય મંડલ – આ ત્રણેય નોકરોના નાર્કો રિપોર્ટ્સ તથા પોલિગ્રાફી ટેસ્ટના સત્તાવાર રેકોર્ડ્સમાં નોંધાયેલા એમનાં નિવેદનોની વિગતો આપવામાં આવી છે.

ત્રણસો પાનાંનું અંગ્રેજી પુસ્તક બે વાર વાંચ્યા પછી અને ત્રીજી વાર એની વિગતો આ લેખમાં લખતી વખતે જોઈ ત્યારે અને આ પુસ્તકનો હિંદી અનુવાદ વારંવાર રીફર કર્યા પછી એક વાચક તરીકે હું આ નતીજા પર આવ્યો છું: જો મીડિયાનું કે સીબીઆઈનું કે બીજા કોઈનું પણ દબાણ નહીં હોય તો રાજેશ – નૂપુરની અપીલને મંજૂર રાખીને હાઈ કોર્ટ એમને છોડી દેશે.

આ શ્રદ્ધાનું કારણ છે. તમને યાદ હોય તો સિરીઝના પહેલા જ લેખના પ્રથમ વાક્યમાં મેં લખ્યું હતું: ‘તમને આપણા દેશના પોલીસતંત્ર પર, ન્યાયતંત્ર પર ભરોસો છે? મને છે…’

અને બીજા પૅરેગ્રાફના આરંભે એવું પણ લખ્યું હતું: ‘પણ પોલીસ અને અદાલત પરથી ભરોસો ઊઠી જાય એવી ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે.’

સિરીઝ પૂરી કરતી વખતે ઉપરના વાક્યમાં પોલીસ અને અદાલતની સાથે વધુ એક શબ્દ ઉમેરવાનું મન થાય છે: મીડિયા.

ગયા મહિને ‘આરુષિ’ પુસ્તક બજારમાં આવ્યું ત્યારે લેખક – પત્રકાર અવિરુક સેનને પ્રકાશન નિમિત્તે લેવાયેલા કોઈ ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, ‘પેલા ત્રણ નોકરો (જે એ રાત્રે હેમરાજ સાથે હતા તે) ક્યાં છે અત્યારે?’

અવિરુકે કહ્યું: ‘સાચો જવાબ આપું – મને ખબર નથી. ક્યાંય પણ હોઈ શકે. કૃષ્ણા અને રાજકુમાર નેપાલ (પોતાના વતનમાં) ભાગી ગયા હોઈ શકે. ત્રીજો કદાચ ચાંદની ચોકમાં ક્યાંક હશે, ત્યાંની કોઈ દુકાનમાં કે પછી એને ગામ પાછો જતો રહ્યો હોઈ શકે. મને ખબર નથી.’

પ્રશ્નકર્તાએ કહ્યું: ‘ડર લાગે એવી વાત છે. આમાંના કોઈ એક કે કોઈ બે કે ત્રણેય ખૂની છે.’

અવિરુકે જવાબ આપ્યો: ‘બિલકુલ.’

આજનો વિચાર

તમે જો સાચું બોલવાનું રાખશો તો તમારે કશું યાદ નહીં રાખવું પડે.

– માર્ક ટ્વેઈન

એક મિનિટ!

શરાબી: એ ભાઈ શટર ખોલ, દારૂ જોઈએ છે.

દુકાનદાર: ચલ ભાગ અહીંથી, રાતના બે વાગી ગયા છે.

શરાબી: કામચોર, તું કંઈ સુપ્રીમ કોર્ટથી પણ મોટો છે કે? કોર્ટ અઢી વાગ્યે ખૂલી શકતી હોય તો તું કેમ દુકાન નથી ખોલતો!

( મુંબઇ સમાચાર : સોમવાર , 3 ઓગસ્ટ 2015)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *