કૃષ્ણાના ઓશીકાનું જાંબલી રંગનું ગલેફ

આરુષિ-હેમરાજ ડબલ મર્ડર કેસના ઈન્ચાર્જ સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અરુણ કુમારે નોકરો પર ચાર્જશીટ કરવાની જે દરખાસ્ત તૈયાર કરી તેને એમના ઉપરી સીબીઆઈના ડિરેક્ટર અશ્ર્વિની કુમારે રિજેકટ કરી એની પાછળનું એક માત્ર કારણ હતું અરુણ કુમારની રેપ્યુટેશન.

અગાઉ અરુણ કુમારે બે હાઈપ્રોફાઈલ કેસ ઈન્વેસ્ટિગેટ કર્યા હતા. એમાંનો એક કેસ હતો નિઠારી હત્યાકાંડ અને બીજો કેસ પણ એટલો જ ચકચાર જગાવનારો હતો જેમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહ તોડી કુટુંબની દીકરી ઈન્વોલ્વ હતી. નોઈડાના બહુચર્ચિત નિઠારી હત્યાકાંડમાં મોનિનંદર સિંહ પંધેરની કોઠીની પાછળની ગટરમાંથી ઘણી સ્ત્રીઓ અને બાળકોના અવશેષો મળી આવ્યા હતા. શ્રીમંત અને પ્રતિષ્ઠિત પંધેર પર મીડિયાએ શંકાની સોય તાકી હતી પણ સીબીઆઈની તપાસમાં પંધેરના નોકર સુરિન્દર કોલીએ એકલાએ જ વારાફરતી આ તમામ મર્ડર કર્યાં હતાં એવું બહાર આવ્યું હતું. તોડીવાળા કેસમાં રિઝવાનુર રહમાન નામના એક કૉમ્પ્યુટર એન્જિનિયરની ૨૦૦૭માં કલકત્તામાં હત્યા થઈ હતી જે ઉદ્યોગપતિ અશોક તોડીની દીકરી પ્રિયંકાને પરણ્યો હતો. આ કેસમાં પબ્લિક પર્સેપ્શન એવું બનાવવામાં આવ્યું હતું કે તોડી પરિવારે જ જમાઈ રિઝવાનુરની હત્યા કરીને એણે આપઘાત કર્યો છે એવી છાપ ઊભી કરી છે પણ સીબીઆઈની તપાસમાં આ આત્મહત્યાનો જ કેસ છે એવું ખુલ્યું હતું.

આ બે કેસ પછી છાપ એવી ઊભી થઈ હતી કે સીબીઆઈ વતી અરુણ કુમાર જે ચકચારભર્યા કેસની તપાસના ઈન્ચાર્જ હોય છે તે કેસમાં શ્રીમંત અને વગદાર લોકો આરંભમાં શકમંદ હોવા છતાં છેવટે નિર્દોષ છૂટી જતા હોય છે.

અરુણ કુમારે પોતાના ઉપરીને કહીને એક છેલ્લો ચાન્સ લીધો. ડીએનએ અને લોહીના નમૂના તેમ જ ફિંગરપ્રિન્ટ્સના રેકૉર્ડસના આધારે નોકરો પરનો શક ખાતરીમાં પલટાઈ શકે એમ હતું. આ બધું જ હૈદરાબાદની લૅબોરેટરીને મોકલી આપવામાં આવ્યું હતું પણ હજુ સુધી એના ફાઈનલ રિપોર્ટ્સ સીબીઆઈને મળ્યા નહોતા. અરુણ કુમારે એ ફાઈનલ રિપોર્ટ્સ આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું.

નવેમ્બરમાં એ રિપોર્ટ્સ સીબીઆઈની ઑફિસમાં આવ્યા કે તરત જ એમાંથી એક સનસનીખેજ મુદ્દો મીડિયામાં લીક થઈ ગયો. કોણે આ માહિતી લીક કરી તેની અરુણ કુમારને પણ ખબર નથી. આરુષિના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી એ જ દિવસે આરુષિના વજાઈના

સ્વૅબને સરકારી પેથોલોજિસ્ટ રિચા સકસેના પાસે મોકલવામાં આવ્યા હતા. એ જ દિવસે સાંજે આ તપાસનો રિપોર્ટ પણ આવી ગયો હતો કે આરુષિ પર બળાત્કાર થયો હોવાનાં કોઈ ચિહ્નોે જણાતાં નથી.

રિચા સકસેના આ રિપોર્ટ આપ્યા પછી જ્યારે એક સપ્તાહ માટે પટના ગઈ હતી ત્યારે સીબીઆઈમાંથી એમને ફોન આવ્યો હતો કે આરુષિના વજાઈના સ્વૅબવાળી સ્લાઈડ્સની જરૂર પડી છે. રિચા સક્સેનાએ ઑફિસના કયા કબાટમાં એ સ્લાઈડ્સ મૂકી છે તે સીબીઆઈને કહ્યું. કબાટમાં બીજી એક મહિલાની પણ સ્લાઈડ હતી. કઈ સ્લાઈડ કોની છે એવી નોંધ ક્યાંય નહોતી. સીબીઆઈએ બીજી સ્લાઈડ લઈને હૈદરાબાદ મોકલી. હૈદરાબાદથી રિપોર્ટ આવ્યો કે ડીએનએ, લોહી તેમ જ વજાઈના સ્વૅબના પરીક્ષણ પરથી પુરવાર થાય છે કે આરુષિ રાજેશ-નૂપુરનું સંતાન નથી! પોસ્ટમોર્ટમ પછી ડૉ. સુનીલ દોહરેએ વજાઈના સ્વૅબની સ્લાઈડ બનાવી હતી. ભવિષ્યમાં દોહરેને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે એના પર આરુષિનું નામ કેમ નહોતું નોંધ્યું ત્યારે (૩૦ નવેમ્બર ૨૦૦૯ના રોજ) દોહરેએ સીબીઆઈને કહ્યું: ‘નોઈડામાં જ નહીં આખા ઉત્તર પ્રદેશમાં આ રીતે સ્વૅબ લેવાનું કૉમન નથી’ માટે એ અંગેની કોઈ નિશ્ર્ચિત પ્રોસીજર નથી અને એટલે સ્લાઈડ પર આરુષિનો નામોલ્લેખ નહોતો!

હવે મીડિયાને કેસનો નવો એંગલ મળી ગયો. તલવાર-દંપતીએ પોતે જ સ્લાઈડ બદલાવી નાખી જેથી આરુષિ-હેમરાજના સેક્સસંબંધોનો પુરાવો નષ્ટ થઈ જાય. મીડિયામાં એક વાત એવી પણ ઊડી કે આરુષિને આ દંપતીએ દત્તક લીધેલી અને માબાપ એને પ્યાર નહોતા કરતા અને છેવટે એ સગી દીકરી ન હોવાથી એને મારી નાખી. સરકારી પેથોલોજિસ્ટ રિચા સક્સેનાએ ખાતરીપૂર્વક કહ્યું કે મેં આરુષિના વજાઈના સ્વૅબવાળી જે સ્લાઈડનું પરીક્ષણ કર્યું એમાં એના પર બળાત્કાર થવાની કોઈ સંભાવના નહોતી જ નહોતી અને મારી વાત પુરવાર કરવા હું લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવા પણ તૈયાર છું.

પણ મીડિયાનું અને સીબીઆઈનું ફોકસ હવે એક જ હતું: આરુષિ તલવાર દંપતીની સગી દીકરી નહોતી. હાલાકિ આ જ રિપોર્ટના આગલા પાને આઈટમ નંબર બે પર ન તો અરુણા કુમારનું ધ્યાન ગયું, ન એમની ટીમનું. અરુણ કુમાર અને એમની ટીમ પોતાની તથા સીબીઆઈની ઈમેજને થયેલા નુકસાનને ભરપાઈ કરવામાં પડી ગઈ હતી. તલવાર દંપતીનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે દબાણ થયું.પોલિગ્રાફ ટેસ્ટ તો થઈ જ ચૂક્યો હતો.

વજાઈનલ સ્વૅબના હેન્ડલિંગની બાબતમાં પોતાની કોઈ બેદરકારી ન હોવા છતાં સીબીઆઈની ઈન્વેસ્ટિગેટિવ ટીમના આગેવાન તરીકે અરુણ કુમારે જવાબદારી સ્વીકારવી પડી કારણ કે મીડિયાએ સીબીઆઈને આડે હાથ લીધી હતી.

૨૦૦૯ના સપ્ટેમ્બરમાં અરુણ કુમારની જગ્યાએ સીબીઆઈના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પુલિસ એ. જી. એલ. કૌલને આ કેસના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા. અરુણ કુમાર વાસ્તવમાં કૌલના સિનિયર હતા. કૌલ જ્યારે અરુણ કુમારના હાથ નીચે કામ કરતા હતા ત્યારે અરુણ કુમારે જાહેરમાં અને પ્રાઈવેટમાં પણ કૌલને ઠપકાર્યા હતા. અરુણ કુમારને ખબર હતી કે કૌલ દહેજ મૃત્યુના કેસમાં સગાંવહાલાઓ પાસેથી પૈસા કઢાવવાની કોશિશ કરતા હતા. કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં કૌલ સીબીઆઈની આર્થિક ગુના શાખામાં હતા. ત્યાં કરપ્શનના આરોપસર કૌલ પર ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી થયા પછી એમને ક્લીન ચીટ આપવામાં આવી હતી. અરુણ કુમારે કૌલને નિઠારી હત્યાકાંડ વખતે પણ, એ પોતાની ટીમમાં હોવા છતાં, સાવ નાનકડી કોઈ બાબતમાં જ સાથે રાખ્યા હતા અને આરુષિ કેસમાં તો બિલકુલ જ ટીમની બહાર રાખ્યા હતા. એ કૌલ હવે આ જ કેસની સંપૂર્ણ જાંચતપાસના મુખિયા બની ચૂક્યા હતા.

કૌલની એક ખાસિયત હતી. ભૂતકાળમાં એમણે જે ઈન્વેસ્ટિગેશન કર્યા હતા એમાં તેઓ સેક્સનો એન્ગલ સિફતપૂર્વક ઘુસાડી દેતા. આને કારણે બે ફાયદા થતા. મીડિયામાં એ કેસ ચગતો અને પબ્લિકનું ધ્યાન એ કેસની વિગતો પરથી હટીને કેસનાં મુખ્ય પાત્રો સુધી સીમિત રહેતું.

સીબીઆઈ ઑફિસર્સમાં જેમની ઈમાનદારી પર શક હોય એવા અફસરોનાં નામ ઓડીઆઈ લિસ્ટમાં રહેતા. આ ખાનગી લિસ્ટ રહેતું. કૌલ પણ ઑફિસર ઑફ ડાઉટફુલ ઈન્ટેગ્રિટીની યાદીમાં હતા. અરુણ કુમારે ‘આરુષિ’ પુસ્તકના લેખક અવિરુક સેનને પછીથી માહિતી આપી હતી કે કૌલનું નામ નિયમિતરૂપે એ યાદીમાં આવ્યા કરતું.

ભોપાલમાં માનવધિકાર કાર્યકર્તા શહલા મસૂદ હત્યાકાંડની તપાસ કૌલે કરી હતી. છત્તીસગઢમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના નેતા રામ અવતાર જગ્ગીની હત્યાના કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અમિત જોગીને ફસાવવામાં પણ કૌલનો બહુ મોટો હાથ હતો. આ બેઉ કેસમાં કૌલે સેક્સના એંગલને કેવી રીતે વાપરીને કેસને ચગાવ્યો અને કેવી રીતે નિર્દોષોને ફસાવ્યા એની લાંબી કહાણી છે જે અવિરુક સેને પુસ્તકમાં વિગતે વર્ણવી છે.

કૌલ આરુષિ-હેમરાજ હત્યાકાંડ કેસના ઈન્ચાર્જ બન્યાના ત્રીજે જ દિવસે સીબીઆઈએ ડિકલેર કર્યું કે હેમરાજનો સેલફોન ઍક્ટિવ છે અને અત્યારે તે પંજાબમાં વપરાઈ રહ્યો છે. નોકરોના નાર્કો રિપોર્ટ્સમાં હેમરાજના ફોનનો નાશ કરી નાખ્યો છે એવી વાત હતી. પણ કૌલના આ ‘ધડાકા’થી નોકરોના નાર્કો ટેસ્ટની સચ્ચાઈ પર પ્રશ્ર્નાર્થ લાગી ગયો, એની વિશ્ર્વસનીયતા નષ્ટ થઈ ગઈ. હવે કહી શકાય એમ હતું કે આ નાર્કો રિપોર્ટ્સ પર ભરોસો મૂકી શકાય એમ છે જ નહીં.

ઈન્ચાર્જ બન્યાના પ્રથમ પખવાડિયામાં કૌલે નવી થિયરી ઘડી કાઢી. અરુણ કુમાર પર તલવાર દંપતીનો નાર્કો ટેસ્ટ કરાવવાનું દબાણ હતું પણ અરુણ કુમાર એ દબાણને વશ થયા નહોતા. કૌલે ધરાર દંપતીનો નાર્કો ટેસ્ટ કરાવ્યો પણ એમાંય કૌલને દંપતી ખૂનમાં સંડોવાયેલું છે એવી કોઈ વાત મળી નહીં. કૌલે હિંમત હાર્યા વિના આગળ વધવાનું નક્કી કર્યું. કૌલે આરુષિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. દોહરેનું નવેસરથી નિવેદન લીધું જેમાં દોહરેએ અગાઉ જે વાત કરી હતી તેના કરતાં જુદી જ વાત કરી: આરુષિની વજાઈના તપાસતાં મેં જોયું કે એ ખાસ્સી પહોળી હતી એટલું જ નહીં એમાંથી ગર્ભાશયનું મુખ પણ જોઈ શકાતું હતું અને એના યોનિપટલનું વિચ્છેદન થયું હતું જોકે એ વિચ્છેદન ઘણું જૂનું હતું અને રૂઝ આવી ગઈ હતી.

મીડિયામાં આ સ્ટેટમેન્ટ લીક થયા પછી પબ્લિક પર્સેપ્શન ક્લિયર થઈ ગયું: આરુષિ પહેલેથી હતી જ એવી અને હેમરાજ સાથેના સંબંધ પછી એની યોનિમાંથી કોઈ પુરાવા ન મળે એટલે માબાપે એનું મર્ડર કરીને યોનિ લૂછી કાઢી જેને કારણે વજાઈના ખૂબ પહોળી થઈ ગઈ.

કૌલની થિયરી મુજબ તલવાર દંપતીએ આરુષિના રૂમમાં આરુષિ-હેમરાજનું ખૂન કરી નાખ્યું અને હેમરાજની લાશને ચાદરમાં લપેટીને અગાસીમાં સંતાડી દીધી. આરુષિના રૂમમાં પોલીસને હેમરાજના લોહીનું એક ટીપું પણ નહોતું મળ્યું. કૌલે થિયરી બનાવી કે આ ખૂનીઓ તો ડૉકટરો છે, એમને કોનું બ્લડગ્રુપ કેવું છે એની ખબર હોય. એ બંનેએ આરુષિના રૂમમાં જ્યાં જ્યાં હેમરાજનું લોહી હતું તે સાફ કરી નાખ્યું જેથી પોલીસને માત્ર આરુષિના જ લોહીના નમૂના મળ્યા!

હૈદરાબાદથી આવેલા રિપોર્ટના આગલા પાને જે આયટમ નં. બે હતી તેમાં નોકર કૃષ્ણાની રૂમમાંથી મળેલા ઓશીકાના જાંબલી ગલેફ પર હેમરાજના લોહીના ડાઘ હતા એવું પુરવાર થતું હતું. તલવાર દંપતી માટે પોતાના બચાવનો અને કૃષ્ણાની સંડોવણીનો આ ઘણો મોટો પુરાવો હતો. આ પુરાવાને આધારે તેઓ કૌલની થિયરીને નષ્ટ કરી શકે એમ હતા.

પણ કૌલ એક એવો ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર હતો જે પોતાની થિયરી કોર્ટને ગળે ઉતારીને જ રહેતો. કૌલે આ જડબેસલાક પુરાવાને પણ ફેરવી નાખ્યો. લિટરલી ફેરવી નાખ્યો.

વધુ વાત સોમવારે.

આજનો વિચાર

અહીં એકઠા થયેલા આપણે સૌ આદરણીય લોકો છીએ. આપણે કંઈ વકીલોની જેમ એકબીજાને (આ બાબતની) ખાતરી આપવાની ન હોય.

– મારિયો પૂર્ઝા (‘ગૉડફાધર’માં)

એક મિનિટ!

એક વાર બકો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં એણે એક ઝાડની ડાળી પર સાપ લટકતો જોયો.

બકો ઊભો રહી ગયો.

અને સાપ તરફ જોઈને બોલ્યો: સિર્ફ લટકને સે કુછ નહીં હોગા, મમ્મી કો બોલો કૉમ્પ્લાન પિલાયે…

(મુંબઈ સમાચાર, ૧/૮/૨૦૧૫)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *