દેખિયે, કૈસે નેવલે પાલે થે આપ લોેગોં ને

ઉત્તર પ્રદેશની પોલીસે આરુષિ હત્યાકાંડનો કેસ સીબીઆઈને સોંપ્યો. સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અરુણ કુમારની આગેવાની હેઠળ તપાસ આગળ ચાલી. યુપી પોલીસે જાહેર કર્યું હતું કે રાજેશ તલવારે પત્ની નુપૂરની મદદથી હેમરાજનો મૃતદેહ પોતાની અગાસીમાં ‘સંતાડી દીધો હતો’. અરુણ કુમારને ગળે આ વાત ઉતરી નહીં. કોઈ ખૂની, અને એમાંય તલવાર જેવા ભણેલાગણેલા, મૃતદેહને પોતાના જ ઘરની ટેરેસ પર ‘છુપાવી’ દેવાની મૂર્ખામી ના કરે. અરુણ કુમારને આ કેસનાં કાગળિયાં તપાસતાં ખબર પડી કે હેમરાજનો મૃતદેહ મળ્યો એ પહેલાં પોલીસે હેમરાજનો પત્તો મેળવવા ૧૬મી મેના દિવસે જ (આરુષિની હત્યા થઈ એ જ દિવસે) હેમરાજના મિત્ર કૃષ્ણાને ઉપાડ્યો હતો. કૃષ્ણા પણ હેમરાજની જેમ નેપાળી હતો અને જલવાયુ વિહારમાં જ કોઈને ત્યાં રહેતો હતો અને રાજેશ-નુપૂરના ડેન્ટલ ક્લિનિકમાં પરચૂરણ કામ કરવાની નોકરી કરતો હતો. યુપી પોલીસે દસ દિવસ સુધી કૃષ્ણાને ઉપલકમાં રાખ્યો હતો. ઑફિશ્યલ ધરપકડ કર્યા વિના ‘કડક’ પૂછપરછ કરવા માટે પોલીસે કોઈને પોતાના તાબામાં રાખે એને બોલચાલની ભાષામાં ‘ઉપલકમાં રાખ્યો’ કહેવાય.

અરુણ કુમારે યુપીના આઈજીપી ગુરુદર્શનની પ્રેસ કૉન્ફરન્સ ટીવી પર જોઈ હતી. કૃષ્ણાની કેસ ડાયરી વાંચીને અરુણ કુમારને બત્તી થઈ. ગુરુદર્શને મીડિયાને એ જ બધી માહિતી આપી હતી જે કૃષ્ણાએ પોલીસને કહી હતી. કૃષ્ણાએ પોલીસના મનમાં સજ્જડ ભરાવી દીધું હતું કે રાજેશ તલવાર લફરાબાજ હતો, એને ડૉ. અનીતા દુર્રાની સાથે સંબંધ હતો અને એના કારણે દુભાયેલી આરુષિ હેમરાજ પાસેથી હૂંફ મેળવતી હતી વગેરે વગેરે. આ બધી વિગતો કૃષ્ણા જે શબ્દોમાં બોલ્યો હતો અલમોસ્ટ એ જ શબ્દોમાં આઈ.જી.પી.એ., બીજા કોઈ ઈન્વેસ્ટિગેશન વિના મીડિયા આગળ રજૂ કરી હતી – કૃષ્ણાનું નામ લીધા વિના, જાણે પોલીસ ઈન્વેસ્ટિગેશનમાં આ બધી વાતો જાણવા મળી હોય એમ.

અરુણ કુમારે જૂનના પ્રથમ સપ્તાહમાં આ કેસ ડાયરી વાંચી. પહેલી જૂન ૨૦૦૮ના રોજ હેમરાજનો મૃતદેહ જેણે શોધ્યો તે રિટાયર્ડ પોલીસ અફસર કે. કે. ગૌતમે સીબીઆઈને સ્ટેટમેન્ટ લખાવ્યું કે: મેં હેમરાજના રૂમનું ઔપચારિક નિરીક્ષણ કર્યું ત્યારે ત્રણ વાત મારા ધ્યાનમાં આવી હતી. એક તો, હેમરાજની પથારી જે જે જગ્યાએથી દબાયેલી હતી તે જોતાં લાગતું હતું કે એ પથારી પર ત્રણ માણસો બેઠા હોવા જોઈએ. બીજું, હેમરાજના રૂમમાં ત્રણ ગ્લાસ મેં જોયા જેમાંના બેમાં

થોડી-થોડી વ્હિસ્કી હતી અને એની સાથે એક વ્હિસ્કીની બૉટલ હતી જેમાંની પોણા ભાગની વ્હિસ્કી વપરાઈ ગઈ હતી. ત્રીજું, હેમરાજના ટૉયલેટમાં નજર કરતાં લાગતું હતું કે એક કરતાં વધારે લોકોએ એનો ઉપયોગ કર્યો હોવો જોઈએ, એટલું એ ગંદું હતું.

અરુણ કુમારે નક્કી કર્યું કે કૃષ્ણાની ફરી એકવાર પૂછપરછ થવી જોઈએ. કૃષ્ણાની સત્તાવાર ધરપકડ કરીને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (સી.એફ.એસ.એલ.)માં કૃષ્ણાનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો. આ લાઈ ડિટેક્ટર ટેસ્ટના થોડા દિવસ પછી કૃષ્ણાને બૅન્ગલોર લઈ જઈને એના પર નાર્કો એનેલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં પોલિગ્રાફ ટેસ્ટનાં તારણો ક્ધફર્મ થઈ ગયાં. કૃષ્ણાએ આ બંને ટેસ્ટમાં વટાણા વેરી દીધા. ગુનાની વિગતો અને ગુના માટે વપરાયેલા હથિયાર વિશે પણ માહિતી આપી દીધી.

કૃષ્ણાએ કહ્યું કે કતલની રાતે એ પોતે, અને એ જ વિસ્તારના બીજા બે નોકરો – રાજકુમાર તથા વિજય મંડલ – તલવારના ફલેટમાં હેમરાજની રૂમમાં મધરાત વખતે હતા. કૃષ્ણાએ કહ્યું કે મેં રાજકુમારને ગુનો કરતાં જોયો છે, રાજેશ તલવારને આ બેઉ હત્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી.

થોડા દિવસ પછી, ૧૮ જૂને સીબીઆઈએ કૃષ્ણાના રિમાન્ડ લંબાવવા માટે એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો. સીબીઆઈએ કોર્ટમાં કૃષ્ણાએ આપેલાં સ્ટેટમેન્ટ્સની કેસ ડાયરી રજૂ કરી અને ખૂન માટે ખુકરી વાપરવામાં આવી છે એ પણ કોર્ટને જણાવ્યું. કોર્ટે વધારાના દિવસોની કસ્ટડી માટે મંજૂરી આપી. સીબીઆઈએ કૃષ્ણા જ્યાં રહેતો હતો તે સર્વન્ટ્સ ક્વાર્ટ્સ પર રેડ કરી અને લોહીના ડાઘાવાળી ખુકરી તેમ જ લોહીના ડાઘાવાળું જાંબલી કલરનું ઓશીકાનું ગલેફ કબજે કર્યું.

એ પછીનાં ત્રણ અઠવાડિયાઓમાં રાજકુમાર અને વિજય મંડલને પણ કસ્ટડીમાં લીધા. રાજકુમાર રાજેશ-નુપૂરના મિત્રદંપતી દુર્રાનીનો નોકર હતો. રાજકુમારના સાયન્ટિફિક ટેસ્ટ્સનાં તારણો આવ્યા પછી એનાં કાગળિયાં દેખાડીને સીબીઆઈના ઍડવોકેટ આર. કે. સૈનીએ દુર્રાની દંપતીને કહ્યું હતું: ‘દેખિયે, કૈસે નેવલે પાલે થે આપ લોગોં ને.’

વિજય મંડલ રાજેશ તલવારના પાડોશી પુનીશ ટંડનનો નોકર હતો. કૃષ્ણા જેવા જ ટેસ્ટ્સ આ બંને પર કરવામાં આવ્યા. ત્રણેય જણના ટેસ્ટ્સનાં તારણો એકબીજા સાથે ઘણી બાબતોમાં મેળ ખાતા હતા પણ એક બાબતે સાવ જુદા હતા – દરેક નોકર ખૂન બીજાએ કર્યું છે એવું કહેતો હતો. રાજકુમારે કહ્યું કે હેમરાજના રૂમમાં બેસીને અમે ટીવી પર નેપાલી ગીતો સાંભળતાં હતા. કૃષ્ણાને ચડી ગઈ, ટેરેસમાં હેમરાજ અને કૃષ્ણા વચ્ચે બોલાચાલી થઈ. હેમરાજે કૃષ્ણાને દબડાવ્યો: ‘આવાઝ સે સબ જાગ જાયેંગે.’ પછી નીચે આવીને આરુષિનું મર્ડર કર્યું.’

વિજય મંડલના ટેસ્ટ મુંબઈમાં થયા. એણે ક્ધફર્મ કર્યું કે હેમરાજના રૂમમાં અમે ત્રણેય (કૃષ્ણા, રાજકુમાર અને વિજય પોતે) એ રાત્રે મોજૂદ હતા. આરુષિ સાથે છેડતી કરવાની કોશિશ થઈ અને એ મરી ગઈ એવી ખબર પડ્યા પછી મને ડર લાગ્યો હતો.

કોર્ટમાં લાઈ ડિટેક્ટર કે નાર્કો ટેસ્ટ મંજૂર રાખવામાં આવતા નથી. આ ટેસ્ટ કરવા માટે આરોપીએ પોતે સંમતિ આપવી પડે અને કોર્ટે પણ મંજૂરી આપવી પડે, પછી જ ટેસ્ટ થાય. પોલિગ્રાફ ટેસ્ટમાં તમે સાચું બોલો છો કો જૂઠું એ તમારાં બ્લડ પ્રેશર, હાર્ટબીટ્સ વગેરેની વધઘટ પરથી તેમ જ બીજાં અનેક પેરામીટર્સ પરથી નક્કી થાય. નાર્કો ટેસ્ટમાં સોડિયમ પેન્ટોથોલનું ઈંજેક્શન આપીને તમારું ચેતાતંત્ર રિલેક્સ કરવામાં આવે, તમને સારું લાગવા માંડે અને તમે તમારી બનાવટભરી વર્તણૂક છોડીને તમારા મનમાં જે વાત હોય તે કહેવા માંડો. કોર્ટનું કહેવું હોય છે કે વ્યક્તિ જ્યારે પોતે જ પોતાના કાબૂમાં ન હોય ત્યારે જે કંઈ બોલે એને પુરાવો ગણી શકાય નહીં. આમ છતાં પોલીસ તપાસમાં આવા ટેસ્ટ ઘણા ઉપયોગી નીવડી શકે. આ ટેસ્ટમાં મળેલી માહિતીના આધારે પોલીસ તપાસ આગળ ચાલે, પોલીસ આવા ટેસ્ટમાંથી મળેલી ખૂટતી કડીઓના આધારે પુરાવાઓ ભેગા કરી શકે. દા.ત. ખુકરીથી ખૂન થયું છે એવું સ્ટેટમેન્ટ કોર્ટ મંજૂર ન રાખે પણ પોલીસને ટેસ્ટ દરમ્યાન ખબર પડે કે ખુકરીથી ખૂન થયું છે તો એ હથિયાર શોધીને કોર્ટમાં એને પુરાવા તરીકે રજૂ કરે તો એ પુરાવો કોર્ટે મંજૂર રાખવો પડે.

ત્રણેય નોકરોના ટેસ્ટ્સ પછી એક વાત નિશ્ર્ચિત થતી હતી કે એ રાત્રે તલવારના ફલેટમાં માત્ર ચાર જણ નહોતા, સાત જણા હતા. રાજેશ, નુપૂર, આરુષિ અને હેમરાજ ઉપરાંત કૃષ્ણા, રાજકુમાર અને વિજય પણ હતા. પ્રોબ્લેમ એટલો હતો કે કૃષ્ણાના કહેવા પ્રમાણે રાજકુમારે બંને ખૂન કર્યા હતા, રાજકુમાર કહેતો હતો કે કૃષ્ણાએ બેઉ ખૂન કર્યાં હતાં. ત્રણેયમાંથી કોઈએ રાજેશ તલવારે ખૂન કર્યું છે (કે ઈવન કરાવ્યું છે) એવું નહોતું કીધું. પણ આ ટેસ્ટ દરમ્યાન ઓકવામાં આવેલી માહિતી હતી. નોર્મલ પોલીસ પૂછપરછમાં ત્રણેય જણે સીધી ના પાડી હતી કે એ રાત્રે અમે હેમરાજની સાથે નહોતા, ત્રણેય કહેતા રહ્યા કે અમે અમારી પોતપોતાની ખોલીમાં હતા.

આમ છતાં અરુણ કુમાર પાસે સીબીઆઈ વતી આ કેસમાં આગળ વધવાની દિશા ખુલી ગઈ હતી જે યુપી પોલીસની દિશા કરતાં તદ્દન જુદી હતી. આખુંય ફોક્સ હવે તલવાર દંપતીને બદલે ત્રણ નોકરો પર જઈ રહ્યું હતું. કૃષ્ણા અને રાજકુમાર સામે સજ્જડ પુરાવા કે કબૂલાત વિના પણ ચાર્જ ફ્રેમ થઈ શકે એમ હતા અને એ બંને વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરીને આ કેસની વધુ વિગતે તપાસ થઈ શકતી હતી. પણ એ દરમ્યાન મીડિયામાં હ્યુમન રાઈટ્સવાળાઓએ સીબીઆઈ વિરુદ્ધ હલ્લો મચાવ્યો. કૃષ્ણાના ફૅમિલીએ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનને ફરિયાદ કરી કે કૃષ્ણાની મરજી વિરુદ્ધ એના પર નાર્કો એનેલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો અને એની મારપીટ કરીને એનું ક્ધફેશન લેવામાં આવ્યું.

અરુણ કુમારે વિચાર્યું કે સીબીઆઈની તપાસ આગળ વધારવાની સાથે વિજય મંડલનું સ્ટેટમેન્ટ કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (સી.આર.પી.સી.)ની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ પાસે લેવડાવવું જોઈએ. કારણ કે દેખીતી રીતે જ એ આ ઘટનાનો માત્ર સાક્ષી જ હતો, એટલે કૃષ્ણા અને રાજકુમાર વિશે એ જે કંઈ કહે તેના આધારે એ બંને વિરુદ્ધ ચાર્જશીટ ઘડી શકાય અને એને પોતાને હળવી સજા મળે એવું ગોઠવી શકાય.

૧૧મી જુલાઈ ૨૦૦૮ના રોજ અરુણ કુમારે પ્રેસ કૉન્ફરન્સ કરી અને કહ્યું કે: અત્યાર સુધીના ઈન્વેસ્ટિગેશન દરમ્યાન રાજેશ તલવાર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી અને એમના પર થયેલા એક નહીં, બબ્બે પોલિગ્રાફ ટેસ્ટ પરથી ખાતરી થાય છે કે એમણે એક પણ મુદ્દે પોલીસ/સીબીઆઈને ગેરમાર્ગે દોરી નથી. અરુણ કુમારે એ પણ કહ્યું કે ત્રણેય નોકરો પર થયેલા ટેસ્ટ્સને પરિણામે અમને એ ત્રણેય શકમંદ લાગી રહ્યા છે.

સી.બી.આઈ.ના કહેવાથી રાજેશ તલવારને તરત જ જામીન મળી ગયા. ૫૦ દિવસ જેલમાં સડીને રાજેશ તલવાર બહાર આવ્યા.

૨૦૦૮ના ઑગસ્ટ મહિનામાં અરુણ કુમાર અને એમની ટીમે વિજય મંડલને સરકારી ગવાહ બનાવીને કૃષ્ણા તથા રાજકુમાર વિરુદ્ધ એ જુબાની આપે એવી તૈયારી કરી લીધી હતી. આ કાર્યવાહી માટે અરુણ કુમારને પોતાના ઉપરી, સીબીઆઈના ડિરેક્ટર અશ્ર્વિની કુમારની, મંજૂરી મેળવવી પડે. અશ્ર્વિની કુમાર તે વખતે કલકત્તાની મુલાકાતે હતા. અપ્રૂવલ માટે કલકત્તાથી ના આવી.

શું કામ?

આવતી કાલે.

આજનો વિચાર

મને હૅપી લાઈફ જીવવામાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી. મારે પૅશનેટલી જીવવું છે. જે ડેન્જરસ છે, કારણ કે નેક્સ્ટ પળે શું થશે એની કોઈ ખબર હોતી નથી તમને.

– પાઉલો કોએલો

(‘એડલ્ટરી’ નવલકથામાં)

એક મિનિટ!

આલિયા ભટ્ટે છાપામાં આજે હેડલાઈન વાંચી: યાકુબ હૅન્ગ્ડ.

તરત એણે પપ્પાને જઈને કહ્યું: એક વાર એ લોકોએ રિસ્ટાર્ટ કરીને જોવું જોઈએ, પછી હૅન્ગ નહીં થાય.

(મુંબઈ સમાચાર, ૩૧/૭/૨૦૧૫)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *