લૂઝ કૅરેક્ટરનું ફૅમિલી અને ડૉ. રાજેશ તલવારની ધરપકડ

સવારના પહોરમાં હેમરાજ ક્યાં ગયો એ જાણવા નૂપુર તલવારે હેમરાજના સેલફોનનો નંબર લગાવ્યો. સામે છેડે રિંગ વાગી. થોડી રિંગ પછી સામેના છેડેથી ફોન કટ કરી નાખવામાં આવ્યો. તે વખતે કોઈને ખબર નહોતી કે ઉપર અગાસીમાં હેમરાજનો મૃતદેહ પડેલો છે.

આરુષિની હત્યાના સમાચાર મળતાં એ જ કૉમ્પલેક્સમાં રહેતા નૂપુરનાં માતાપિતા દોડી આવ્યાં. રાજેશ તલવારના ભાઈભાભી તથા રાજેશનાં ડેન્ટિસ્ટ મિત્રો દુર્રાની પણ આવી પહોંચ્યાં. આ તરફ પોલીસ, પ્રેસનું ધાડું, બીજા પરિચિતો તેમ જ અજાણ્યાઓ પણ કુતૂહલથી આવી પહોંચ્યા. કોઈએ પોલીસનું ધ્યાન દોર્યું કે અગાસી તરફ જતા દાદરા પર લોહી છે અને અગાસીનું તાળું બંધ છે ત્યારે પોલીસે રાજેશ તલવાર પાસે તાળાની ચાવી માગી. રાજેશે કહ્યું કે અગાસીની ચાવી હેમરાજ પાસે હોય છે.

પોલીસના એક ઉપરીએ પોતાની હાથ નીચેના કૉન્સ્ટેબલોને તાળું ખોલવાનો હુકમ કર્યો પણ પોલીસોને ચાવી બનાવવાવાળો કોઈ મળ્યો નહીં. દરમ્યાન, હેમરાજ હજુ સુધી ગાયબ હતો એટલે પોલીસના કહેવાથી રાજેશે હેમરાજને શકમંદ ગણાવીને આરુષિના ખૂનની એફ.આઈ.આર. લખાવી.

આરુષિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો. ડૉ. સુનીલ દોહરેએ બપોરે ૧ વાગ્યાની આસપાસ પોસ્ટમોર્ટમ કર્યું. આરુુષિના પ્રાઈવેટ પાર્ટ્સ ચેક થયા. કશું ‘અજુગતું’ વર્તન એની સાથે થયું નથી એવી નોંધ લખાઈ. આમ છતાં સાવચેતીરૂપે આરુષિના પ્રાઈવેટ પાર્ટ્સ લૂછીને એ પોતું (સ્વૅબ) નોઈડાની સરકારી હૉસ્પિટલના પેથોલોજિસ્ટને મોકલવામાં આવ્યું. સાંજે એનો રિપોર્ટ પણ આવી ગયો. આરુષિ સાથે જાતીય જબરજસ્તી કે એના પર બળાત્કાર નથી થયો એ ક્ધફર્મ થઈ ગયું.

મૃતદેહને લગતી કાયદાકીય વિધિઓ પતાવ્યા બાદ પોલીસની પરવાનગીથી મોડી સાંજ પછી આરુષિના અંતિમ સંસ્કાર થયા. બીજે દિવસે આરુષિના અસ્થિ પધરાવવા રાજેશ-નૂપુર, દિનેશ તલવાર તથા અન્યોને ઘર સોંપીને, હરદ્વાર જવા નીકળ્યા. હજુ તલવાર દંપતી અસ્થિકુંભ સાથે ઘરની બહાર નીકળ્યું હતું. ત્યાં થોડી મિનિટોમાં જ ભાઈ દિનેશ તલવારનો ફોન આવ્યો. રાજેશ-નૂપુર પાછા વળ્યા. કે. કે. ગૌતમ નામનો નિવૃત્ત પોલીસ અફસર અને બીજા પોલીસો ઘરમાં હતા. ગૌતમે સવારે જ અગાસીના દરવાજાનું તાળું તોડાવીને ખોલ્યું હતું. હેમરાજનો મૃતદેહ ચિક્કર લોહીના ખાબોચિયામાં ગંધાતો પડેલો હતો. મે મહિનાની ગરમીમાં લોહી સુકાઈ જવા આવ્યું હતું. દરમિયાન, રાજેશ-નૂપુર પાછાં આવ્યાં. રાજેશ પાસે પોલીસે ક્ધફર્મ કરાવ્યું કે આ મૃતદેહ હેમરાજનો જ હતો.

અત્યાર સુધી હેમરાજ આરુષિના ખૂનનો શકમંદ હતો. અહીં ખુદ હેમરાજની જ હત્યા થઈ ગઈ હતી. તો પછી હવે ખૂની કોણ? મીડિયા માટે આ જબરજસ્ત ન્યૂઝ હતા. એ આખું અઠવાડિયું સમાચારોની દુનિયા ધમધમતી રહી. ૨૨ મેના રોજ (૧૬ મેના દિવસે આરુષિનું ખૂન થયું. એના બીજા દિવસે હેમરાજનો મૃતદેહ મળ્યો) પોલીસે રાજેશ-નૂપુરને કહ્યું કે એક શકમંદ અમે પકડ્યો છે એને ઓળખવા તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે. તલવાર દંપતી પોતાની કારમાં પોલીસ સ્ટેશન જવા નીકળ્યું. એમની કારની આગળ પોલીસની વાન હતી અને કારની પાછળ સંખ્યાબંધ ટીવી ચૅનલોની ગાડીઓ દોડતી હતી. થોડાક કિલોમીટર ગયા પછી પોલીસે રસ્તામાં જ તલવાર દંપતીને કહ્યું કે અત્યારે તમારી જરૂર નથી, તમે પાછા ઘરે જતા રહો. એ પછીના દિવસે, ૨૩ મેના રોજ પોલીસ રાજેશ-નૂપુરને પૂછતાછ માટે પોલીસ લાઈન્સ લઈ આવી. પતિપત્નીને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યાં. પોલીસે રાજેશને ગઈ કાલનું વીડિયો ફૂટેજ બતાવીને કહ્યું કે અમારી પાસે પુરાવા છે કે ગઈ કાલે તમે બંને ભાગી છૂટવાની કોશિશ કરતા હતા. પોલીસે ટીવી ન્યૂઝ ચેનલોના કૅમેરા અને ફલૅશલાઈટની ચકાચૌંધ વચ્ચે, હક્કાબક્કા થઈ ગયેલા ડૉ. રાજેશ તલવારની ડબલ મર્ડરના આરોપસર ધરપકડ કરી. રાજેશ ચિલ્લાતો રહી ગયો કે મને ફસાવવામાં આવી રહ્યો છે, પણ કોઈને એ સાંભળવામાં રસ નહોતો.

એ જ દિવસે યુ. પી. પોલીસની મેરઠ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પુલિસ (આઈ.જી.પી.) ગુરદર્શન સિંહે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને આ ડબલ મર્ડર કેસ સૉલ્વ થઈ ગયાની અને આરોપી ડૉ. રાજેશ તલવારની ધરપકડ થઈ ગયાની વધામણી ખાધી. આઈ.જી.પી.એ પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કર્યું કે રાજેશને એના મિત્રદંપતી દુર્રાનીમાંની પત્ની અનીતા દુર્રાની સાથે આડા સંબંધો હતા. દુર્રાનીની દીકરી વિદુષી રાજેશની દીકરી આરુષિની ખાસ ફ્રેન્ડ હતી. આરુષિએ બાપના આ આડા સંબંધોથી ઉશ્કેરાઈને, એનો બદલો લેવા પોતાના ૪૫ વરસના ઘરનોકર હેમરાજ સાથે અફેર શરૂ કર્યું. એ રાત્રે રાજેશે ૧૧ વાગ્યે ઘરે આવીને જોયું કે હેમરાજ આરુષિના બેડરૂમમાં હતો. બેઉ જણા ‘વાંધાજનક’ પોઝિશનમાં હતા. રાજેશે હેમરાજને ટેરેસ પર લઈ જઈને એની હત્યા કરી નાખી. નીચે આવીને પહેલાં બેલેન્ટાઈન્સ સ્કૉચના પેગ માર્યા. પછી કુટુંબની આબરૂ બચાવવા દીકરી આરુષિના રૂમમાં જઈને એનું ખૂન કરી નાખ્યું.

૨૩મી મેએ આઈપીએલમાં પંજાબ અને હરિયાણા ટકરાયા હતા. આ ક્રિકેટ મૅચ કરતાં આઈજીપીની પ્રેસ કૉન્ફરન્સ બતાવતી ટીવીની ન્યૂઝ ચૅનલોનું રેટિંગ વધારે હતું. એ દિવસ પછી પ્રિન્ટ મીડિયામાં અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં મોટાં અખબારો તેમ જ જાણીતી ન્યૂઝ ચૅનલો મસાલેદાર અફવાઓ ઉડાવતાં થઈ ગયાં. ટીવી પર આ કેસનું કવરેજ જોઈને એકતા કપૂરના મોઢામાં લાળ ટપકી અને ‘કહાની ઘર ઘર કી’નો એક એપિસોડ આ ખૂનકેસ પરથી બનાવવામાં આવી રહ્યો છે એવી જાહેરાત પણ કરી દેવામાં આવી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શી પર ધ નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સનું દબાણ આવ્યું એટલે મંત્રીશ્રીએ પર્સનલી ચૅનલના લાગતાવળગતાઓ સાથે વાત કરીને આવો કોઈ એપિસોડ પ્રસારિત નહીં થાય એની બાંહેધરી લેવી પડી.

પોલીસે તલવાર દંપતીને મીડિયા સાથે વાત કરવાની ના પાડી હતી પણ ૨૫ મેના રોજ નૂપુર તલવારે ધરાર એનડીટીવીને ઈન્ટરવ્યૂ આપ્યો. આઈ.જી.પી. ગુરદર્શન સિંહ કોઈ જાંચતપાસ કર્યા વિના કેવાં જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે એની પોલ ખુલ્લી પાડી. આ બાજુ પોતે ખુલ્લી પડી રહી છે એ જાણીને પોલીસે કેસને વધારે વળ આપવાનું નક્કી કર્યું. અત્યાર સુધી આ કેસમાં નૂપુર તલવારનું ક્યાંય નામ નહોતું. પોલીસે મીડિયાને માહિતી લીક કરવા માંડી: આ બે ખૂન થયાં ત્યારે નૂપુર પણ ઘરમાં જ હતી. એ પણ આ બે હત્યાઓમાં સાઝેદાર છે. મીડિયાના શોરબકોર વચ્ચે યુ.પી.ની ચીફ મિનિસ્ટર માયાવતીએ આ કેસ પોલીસના હાથમાંથી લઈને પહેલી જૂને સીબીઆઈને સોંપી દેવો પડ્યો. આ ગાળામાં આરુષિ પોતે લૂઝ કૅરેક્ટરની હતી, એનો બાપ લૂઝ કૅરેક્ટરનો છે, એની મા લૂઝ કૅરેક્ટરની છે એવી ‘માહિતી’ મીડિયામાં બેફામ છપાવા લાગી. સી.બી.આઈ.એ એક કરતાં વધારે વખતે રાજેશના લાઈ ડિટેક્ટર ટેસ્ટ કર્યા. દરેક ટેસ્ટમાં રાજેશ સાચું બોલે છે એવું પુરવાર થયું. રાજેશનું કહેવું હતું કે આ ખૂન મેં નથી કર્યાં, મને ખબર નથી કે કોણે કર્યાં. પણ લોકોને રાજેશના બોલવા પર ભરોસો નહોતો. લોકો પોલીસ અને પ્રેસ જે કંઈ કહે તે યથાતથ સ્વીકારી લેવા આતુર હતા કારણ કે લોકોને ‘ખબર પડી’ ગઈ હતી કે આ આખુંય તલવાર ફૅમિલી છે જ ‘લૂઝ કૅરેક્ટરનું’. સી.બી.આઈ.એ આ કેસ હાથમાં લઈ લીધો એ પછી પણ મીડિયામાં લૂઝ કૅરેક્ટરવાળી સ્ટોરીઝ છપાતી રહી. જૂનના અંતમાં મુંબઈના એક અગ્રણી અંગ્રેજી સાંધ્ય દૈનિકમાં ‘આધારભૂત સૂત્રો’ને ટાંકીને અહેવાલ છપાયો કે તલવાર દંપતી વાઈફ-સ્વૅપિંગ રેકેટ ચલાવે છે અને ફેબ્રુઆરીથી આની તપાસ થઈ રહી છે. ક્યારેક તો આરુષિ ઘરમાં હોય તો એને એના રૂમમાં પૂરીને એ જ ઘરમાં આ ક્લબના સભ્યો રંગરેલિયાં મનાવતાં એવું ‘એક પાડોશી’નું કહેવું છે. આ ‘સમાચાર’ બીજી ટીવી ચૅનલો તથા કેટલાક છાપાએ ઊંચકી લીધા અને સી.બી.આઈ.ના સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે એવા રિપોર્ટ્સ પ્રસારિત થયા. હેમરાજ આરુષિને બ્લેકમેઈલ કરતો એવું પણ ઉમેરવામાં આવ્યું.

૨૦૦૮ના જુલાઈની શરૂઆતના દિવસો. રાજેશ તો જેલમાં જ હતો. નૂપુરે સી.બી.આઈ.ની ટીમના ઈનચાર્જ અરુણ કુમારને આ ‘ક્લબવાળા સમાચાર’ વિશે લખ્યું. સી.બી.આઈ.એ આ ‘સમાચાર’ને સત્તાવાર રદિયો આપતું નિવેદન બહાર પાડ્યું. અને મીડિયા? કોઈ કરતાં કોઈએ ન તો આ સમાચાર ખોટા છે એવો ખુલાસો કર્યો, ન માફી માગી. મીડિયામાં આ સરકસ ચાલતું હતું ત્યારે કોઈને ખબર નહોતી કે હેમરાજનો મૃતદેહ મળ્યો તે પહેલાં પોલીસે હેમરાજના મિત્ર, એ જ કૉમ્પ્લેક્સમાં નોકર તરીકે રહેતા કૃષ્ણાને ઉપાડ્યો હતો. પોલીસની ડાયરીમાં નોંધાયેલું કૃષ્ણાનું નિવેદન કોર્ટ સુધી પહોંચ્યું જ નહીં. હેમરાજનો મૃતદેહ મળ્યો એ દિવસે રિટાયર્ડ પોલીસ અફસર કે. કે. ગૌતમે હેમરાજની ખાલી ઓરડીમાં શું શું જોયું એ વિગતો પણ કોર્ટ સુધી પહોંચી નહીં. કૃષ્ણાએ નિવેદનમાં શું કહ્યું? ગૌતમે શું જોયું? અને શું કામ એ માહિતી કોર્ટને પહોંચી નહીં. એ જાણવા આવતી કાલનો હપ્તો વાંચવાનું ચૂકશો નહીં અને ચૈનથી સૂવું હોય તો જાગતા રહેજો.

આજનો વિચાર

જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય તો સૂર્યની જેમ બળતાં શીખો.

– સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામ

એક મિનિટ!

કાલે આખો દિવસ ફોનની ઘંટડી વાગતી જ રહી. કામ કરવા માટે ઘડીભરની ફુરસદ ન મળી. આજે સવારે દિમાગમાં વિચાર આવ્યો. બધાને વૉટ્સઍપ પર મૅસેજ મૂકી દીધો કે યાર, પાંચ લાખની જરૂર છે, ગોઠવણ કરી શકો તો સારું. કસમથી હજુ સુધી એક પણ વાર ફોનની રિંગ વાગી નથી. એટલું જ નહીં, જેને સામેથી ફોન કરું છું એ પણ ઉપાડતો નથી. (ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સૌને અર્પણ).

-વૉટ્સઍપ પર ફરતું.

(મુંબઈ સમાચાર, ૩૦/૭/૨૦૧૫)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *