દરવાજો અંદરથી લૉક કર્યો હતો કે બહારથી

શુક્રવાર, ૧૬ મે ર૦૦૮ના રોજ સવારે ૬ વાગ્યે ભારતી મંડલે એલ-૩૨, જલવાયુ વિહાર ફ્લેટની ડોરબેલ વગાડી. રોજની જેમ ઘરનોકર હેમરાજ દરવાજો ખોલશે એવું ભારતીએ ધાર્યું હતું. ભારતી રોજ સવારે અને સાંજે આ ઘરમાં કામ કરવા આવતી. થોડી વાર સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહીં. એટલે ભારતીએ બીજી વાર ઘંટડી મારી. હેમરાજને બદલે ઘરની શેઠાણી ડૉ. નૂપુર તલવારે દરવાજો ઉઘાડ્યો. ડૉ. નૂપુર તલવાર અને ડૉ. રાજેશ તલવાર ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં. આરુષિ એમની ટીનએજ દીકરી.

તલવારકુટુંબના આ અપાર્ટમેન્ટ કે ફ્લૅટના પ્રવેશદ્વારની રચના કંઈક આવી છે. ફ્લૅટમાંથી બહાર નીકળવા માટે સૌથી પહેલાં લાકડાનો મુખ્ય દરવાજો ખોલવો પડે જે બંધ થઈ જાય તો અંદરના મોર્ટાઈઝ લૉકનો નકુચો વાળીને કે પછી બહારથી ચાવી વડે ખોલી શકાય. મેઈન ડોરની જ ફ્રેમમાં બીજો એક જાળીવાળો દરવાજો છે જે ભીડેલો હોય ત્યારે બહારથી કે અંદરથી કોઈ પણ ખોલી શકે કે લૉક કરી શકે પણ જો બહારથી એને લૉક કરવામાં આવ્યો હોય તો અંદરથી એ લૉક ન ખૂલે, પછી બહારથી ચાવી વડે જ ખોલી શકાય. આ બે દરવાજા પછી સાવ નાનકડો પૅસેજ આવે જે પૂરો થયા પછી ત્રીજો દરવાજો આવે લોખંડની ગ્રિલનો, જેને લૉક ન હોય, માત્ર આગળિયો હોય, જે બહારથી કે અંદરથી કોઈ પણ બંધ કરી શકે પણ બે સળિયા વચ્ચે હાથ નાખીને કોઈ ખોલી ન શકે.

ભારતીએ આ ત્રીજા દરવાજાની બહાર ઊભાં રહીને બીજી બેલ મારી એ પછી ડૉ. નૂપુર તલવારે ઘરનો પહેલો દરવાજો ઉઘાડીને ભારતીને જોઈ એટલે બીજો દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ એ દરવાજો બહારથી લૉક હતો. નૂપુરે ભારતીને કહ્યું કે હેમરાજ નીચે દૂધ લેવા ગયો હશે અને એણે જ બહારથી લૉક કર્યો હશે. ભારતીએ કહ્યું કે હું નીચે જઉં છું. તમે બાલ્કનીમાંથી ચાવી ફેંકો એટલે આ દરવાજો ઉઘાડીને હું અંદર આવું. નૂપુરે કહ્યું, ભલે.

દરમિયાન ડૉ. રાજેશ તલવાર જાગી ગયા. બેડરૂમમાંથી બહાર આવીને ડ્રોઈંગરૂમમાં જતાં

એમની નજર ડાઈનિંગ ટેબલ પર પડેલી બેલેન્ટાઈન્સ સ્કૉચ વ્હિસ્કીની બૉટલ પર પડી. રાજેશે વિચાર્યું કે રાત્રે અમે કોઈએ, ડ્રિન્ક તો લીધું નથી, બૉટલ અહીં ક્યાંથી આવી? રાજેશે નૂપુરને પૂછ્યું. નૂપુર પણ અજાણ હતી. કંઈક અજુગતું થયું હોવાની અમંગળ શંકાથી તરત જ બંને આરુષિના બૅડરૂમ તરફ ધસી ગયાં. રૂમનો દરવાજો ભીડાયેલો હતો, પણ અંદરથી લૉક નહોતો ઉઘાડ્યો.

રૂમમાં ચારે તરફ લોહીના છાંટા હતા. નૂપુરે બ્લેન્કેટ ઉઠાવીને જોયું તો આરુષિનું ગળું ચીરાયેલું હતું અને એની ખોપડી ફાટી ગઈ હતી.

આરુષિનો મોબાઈલ મિસિંગ હતો પણ એના પૉકેટમનીના પૈસા અને આઈપોડ સહિતની બીજી બધી જ ચીજવસ્તુઓ જેમની તેમ હતી. બેઉ જણ ડઘાઈ ગયાં. શું કરવું એની સૂઝ નહોતી. રાજેશ રૂમની અંદર બહાર આંટાફેરા કરતો રહ્યો અને ન રહેવાયું એટલે દીવાલ સાથે માથું અફાળવા લાગ્યો.

દરમિયાન, ભારતી નીચેથી ચાવી ઉપાડીને ઉપર આવી ગઈ હતી. બીજો દરવાજો લૉક હતો. એણે ચાવીથી ઉઘાડ્યો અને અંદર આવી. ભારતીએ જોયું કે પતિ-પત્ની હાંફળાફાંફળા અને બહાવરા બની ગયાં હતાં. ભારતીને એમના ભયભીત ચહેરા જોઈને લાગ્યું કે ઘરમાં ચોરી થઈ ગઈ છે. ‘આન્ટીએ આવીને મને ગળે વળગાડી અને એ રડવા લાગી. મેં પૂછ્યું શું થયું, આટલું રડો છો શું કામ? ત્યારે એમણે મને કહ્યું કે જા, અંદર જઈને જો કે શું થયું છે. હું આન્ટીની સાથે અંદર ગઈ અને આરુષિના રૂમની બહાર ઊભી રહી.’ ભારતી આ ઘટનાની સૌપ્રથમ સાક્ષી હતી (તલવાર દંપતી ઈન્વોલ્વ્ડ પાર્ટી કહેવાય.) પોલીસે એ જ દિવસે એનું સ્ટેટમેન્ટ લીધું જેમાં એણે પોતે બેલ વગાડીથી લઈને આરુષિના રૂમમાં જે જોયું તે બધી જ વિગતોનું વર્ણન કર્યું. એ પછી ભારતીનું બીજું નિવેદન પણ પોલીસે નોંધ્યું અને ત્રીજું-છેલ્લું સ્ટેટમેન્ટ ૧૧ જૂન, ર૦૦૮ના રોજ નોંધ્યું.

આઘાતમાંથી બહાર આવીને ભારતીએ તલવારદંપતીને પૂછ્યું કે હું પાડોશીઓને અને વૉચમેનને જાણ કરું? પતિ-પત્નીએ હા પાડી. ભારતીએ નીચે ઊતરીને તલવારદંપતીના પાડોશી ટંડનકુટુંબને અને સિક્યુરિટી ગાર્ડ્સને જાણ કરી. ગાર્ડ્સે પોલીસને જાણ કરી. દિલ્હીનો જલવાયુ વિહાર કૉમ્પલેક્સ નોઈડામાં છે એટલે ટેક્નિકલી દિલ્હીની નહીં પણ ઉત્તર પ્રદેશની પોલીસનું જ્યુરિસ્ડિક્શન ગણાય. યુ.પી. પોલીસના દત્તારામ નાનોરિયા અને એમની ટીમ એક કલાક પછી આવી. નાનોરિયા આ કેસના સૌપ્રથમ આઈ.ઓ. (ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર) હતા. એમણે જ એ દિવસે મોડેથી ભારતીનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર લીધું હતું.

આ કેસના અનેક સાક્ષીઓમાંથી સૌથી મહત્ત્વના ત્રણ સાક્ષીઓમાંની ભારતીનું સ્ટેટમેન્ટ ઘણું અગત્યનું હતું. ર૦૦૮માં લેવાયેલા ભારતીનાં ત્રણેય સ્ટેટમેન્ટ એકસરખા હતાં. ભારતીના નિવેદન પરથી પુરવાર થતું હતું કે એ રાત્રે ઘરમાં કોઈક બીજી વ્યક્તિ પણ પ્રવેશી હોઈ શકે જે પોતાનું ‘કામ’ કરીને, તલવારદંપતી પોતાનો પીછો ન કરે એવી અગમચેતી વાપરીને, બહારથી દરવાજો લૉક કરીને જતી રહી.

દરવાજો બહારથી બંધ નહોતો એવું જો પુરવાર કરવામાં આવે તો શંકા સીધી રાજેશ-નૂપુર પર આવે, કારણ કે એ રાત્રે ઘરમાં ચાર જણ હતાં જેમાંથી બેનાં મર્ડર થયાં તો ખૂની કોણ? જે બે બચ્યાં તે કે તેમાંનું કોઈ એક.

પાંચ વર્ષ પછી, ર૦૧૩માં માતાપિતાને દીકરી-નોકરનાં ખૂની ગણાવીને, સેશન્સમાં કેસ ચાલતો હતો ત્યારે સરકારી ગવાહ તરીકે આવેલી ભારતીએ ફેરવી તોળવ્યું.

ભારતીએ કોર્ટને કહ્યું: ૧. સૌથી બહારની લોખંડની જાળી અંદરથી બંધ કરી હતી. હું જાળીને અડકી પણ એ અંદરથી લૉક હતી. હકીકતમાં ભારતીએ બે વખત બેલ મારતી વખતે જાળીને સ્પર્શ પણ કર્યો નહોતો અને નીચે ફેંકેલી ચાવી લઈને ઉપર આવી ત્યારે પણ જાળી ખુલ્લી જ હતી. ર. ભારતીએ કોર્ટને કહ્યું કે વચ્ચેનો દરવાજો બહારથી લૉક છે, એવી ખબર પડતાં આન્ટીએ મને પૂછ્યું કે હેમરાજ ક્યાં છે. મેં કહ્યું મને ખબર નથી. પછી આન્ટીએ કહ્યું કે હેમરાજ કદાચ દૂધ લેવા મધર ડેરી પર ગયો હશે. એમણે મને એવું પણ કહ્યું કે હેમરાજે જ દૂધ લેવા જતી વખતે વચલો દરવાજો લૉક કર્યો હોવો જોઈએ. આન્ટીએ મને નીચે જઈને બેસવાનું કહ્યું અને હેમરાજ આવશે ત્યારે દરવાજો ખોલશે એવું પણ કહ્યું. એટલે મેં આન્ટીને કહ્યું કે તમે મારા માટે બાલ્કનીમાંથી ચાવી નીચે ફેંકો તો હું ચાવી લઈને દરવાજો ખોલું. આન્ટીએ કહ્યું ભલે તું નીચે જા, હું ચાવી ફેંકું છું. હું નીચે ગઈ ત્યારે આન્ટીએ મને બાલ્કનીમાંથી કહ્યું કે વચલો દરવાજો લૉક નથી. પણ માત્ર આગળિયો વાસીને બંધ કર્યો છે, તું ઉપર આવી જા. મેં કહ્યું કે તમે ચાવી તો ફેંકો, કારણ કે જો ઉપર આવીને ખબર પડશે કે દરવાજો લૉક કર્યો છે તો મારે ફરી ચાવી લેવા નીચે ઊતરવું પડશે. આન્ટીએ (વચલા) દરવાજાની લાંબી ચાવી ફેંકી જે લઈને હું ઉપર આવી. મેં સૌથી પહેલા (લોખંડની ગ્રિલવાળા) દરવાજાને ધક્કો માર્યો ને એ ખૂલી ગયો. પછી હું (બીજો) દરવાજો ખોલીને અંદર આવી. (હકીકત એ હતી કે નૂપુર તલવારે ભારતીને નીચે રાહ જોવાનું કહ્યું જ નહોતું.)

સી.બી.આઈ.એ. ભારતીના આ બદલાયેલા નિવેદન પરથી કોર્ટમાં સાબિત કર્યું કે તલવારકુટુંબના ઘરનો લોખંડની ગ્રિલવાળો દરવાજો બહારથી નહીં પણ અંદરથી લૉક હતો. ભારતી નીચે ચાવી લેવા ગઈ એ દરમિયાન નૂપુરે હેમરાજના સર્વન્ટ્સ ક્વાર્ટરવાળા રૂમમાં જઈને એ દરવાજાને ખોલી નાખ્યો હોવો જોઈએ. ભારતીએ અગાઉ પોલીસને આપેલાં ત્રણ નિવેદનો વિશે કહ્યું કે, ‘મેં એવું કહ્યું જ નથી કે બેલ વગાડ્યા પછી લોખંડની ગ્રિલવાળો દરવાજો ખોલીને હું અંદર આવી પછી મેં જોયું કે વચલો (જાળીવાળો) દરવાજો લૉક હતો.’

કોર્ટમાં ભારતીની ઊલટતપાસમાં ભારતીએ બચાવપક્ષના વકીલને કહ્યું: ‘જો મુઝે સમઝાયા ગયા હૈ, વહી બયાન મૈં યહાં દે રહી હું.’

નવેમ્બર ૨૦૧૩માં રાજેશ-નૂપુરને જનમટીપની સજા થયા પછી ‘આરુષિ’ પુસ્તક લખવા માટે લેખક-પત્રકાર અવિરુક સેને જે વ્યક્તિઓના પર્સનલ ઈન્ટરવ્યૂઝ કર્યાં તેમાં ભારતી મંડલ પણ હતી. ઝૂંપડપટ્ટી જેવી બસ્તીમાં ભારતીનું ઘર શોધીને અવિરુક સેને ભારતી સાથે જે વાતચીત કરી એમાં જાણવા મળ્યું કે પોલીસ કે સીબીઆઈના માણસો અત્યાર સુધીમાં કમસે કમ અડધો ડઝન વખત એને પોલીસવાનમાં નાખીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને કલાકો સુધી બેસાડી રાખતા અને પૂછતાં કે તે દિવસે સવારે ભારતી કેવી રીતે ઘરમાં આવી. ભારતી એકની એક વાતનું પુનરાવર્તન કરીને કંટાળી જતી પણ લાચાર બનીને પોલીસ આગળ એ ઘટનાનું વર્ણન કરતી રહેતી ભારતીએ અવિરુક સેનને કહ્યું,

‘એ દિવસે સવારે પણ હું રોજની જેમ આવી હતી અને બીજાં ઘરોમાં કામ કરવા જતી વખતે જે કરતી હોઉં છું તે જ કર્યું બેલ મારીને ગ્રિલવાળો દરવાજો ઊઘડવાની રાહ જોઈ. હું એ દરવાજાને અડકી પણ નહોતી.’

‘ખરેખર નહોતી અડકી?’ અવિરકે પૂછ્યું.

‘હા, હું ક્યારેય અડકતી નહોતી.’

‘તેં (ગ્રિલવાળો) દરવાજો ખોલવાની કોશિશ પણ નહોતી કરી?’

‘ના. હું ત્યાં જ રાહ જોતી ઊભી રહી અને પછી આન્ટીએ (અંદરનો પહેલો) દરવાજો ખોલ્યો.’

‘તને બરાબર યાદ છે?’

‘હા, હું દરવાજાને અડકી જ નહોતી. રોજની જેમ હું એ જ રીતે ઊભી રહી-દરવાજાની ઘંટડી મારી અને હેમરાજ દરવાજો ખોલે એની રાહ જોઈ.’

‘રોજની જેમ જ?’

‘હા. અમે નોકરો ક્યારેય દરવાજો ખોલીને ઘરમાં ધસી ન જઈએ. અમારા માટે દરવાજો ખૂલે એની રાહ જોઈએ, પછી જ અંદર જઈએ.’

તો પછી કોર્ટમાં ભારતીના નિવેદનમાં એવું કેમ લખાયું કે ભારતી ગ્રિલવાળા દરવાજાને અડકી હતી? આ સી.બી.આઈ.ની ચાલાકી હતી.

કોર્ટની પ્રોસીજરથી જેઓ વાકેફ હોય એમને ખબર છે કે નૉર્મલી અદાલતમાં વકીલો સાક્ષીઓને જે કંઈ સવાલો કરે તેના જવાબો કોર્ટની કાર્યવાહીમાં સવાલજવાબરૂપે નહીં, પણ માત્ર સાક્ષીના શબ્દોમાં એના નિવેદનરૂપે રેકૉર્ડ થતા હોય છે. ભારતીને સરકારી વકીલ દ્વારા જે પૂછવામાં આવ્યું તેમાંથી સવાલો કાઢી નાખીને માત્ર એના જવાબોને સ્ટેટમેન્ટરૂપે નોંધવામાં આવ્યાં. ભારતીએ જે કહ્યું તે નોંધીને એને સંભળાવવામાં આવ્યું અને ભારતીની મંજૂરી પછી એને કોર્ટના રેકૉર્ડમાં ઉમેરવામાં આવ્યું. ભારતીને જે સ્ટેટમેન્ટ સંભળાવવામાં આવ્યું તેમાં બધી જ વિગતો ભારતીએ જે કહી હતી તે જ હતી પણ એ વિગતોની ભરમારવાળા લાંબા વાક્યમાં ‘હું દરવાજાને અડકી’ એ શબ્દો ઉમેરી દેવામાં આવ્યા જે ભારતીના મોઢે બોલાયા જ નહોતા. અભણ ભારતીનું ધ્યાન એ ન બોલાયેલા, પણ સ્ટેટમેન્ટમાં નોંધાયેલા, શબ્દો તરફ ન જાય તે સ્વાભાવિક હતું.

બચાવપક્ષના વકીલે આ શબ્દો તરફ કોર્ટનું ધ્યાન દોરીને એ વિશે ઘણી બહસ કરી પણ કોર્ટે એ વાંધાઓ રેકૉર્ડ પર લીધા વિના જ ભારતીનું, ઉમેરાયેલા શબ્દો સાથેનું, સ્ટેટમેન્ટ રેકૉર્ડ પર લઈ લીધું અને તલવારદંપતીનું ભાવિ સીલ થઈ ગયું.

આરુષિ કેસમાં સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ્સ અને પુરાવાઓ સાથે ચેડાં કરવાનો આ એકમાત્ર કિસ્સો નહોતો.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

માત્ર સાત દિવસમાં ભારતીય પ્રજાએ બે ફિલ્મ જોવા માટે રૂપિયા ૪૦૦ કરોડ ફૂંકી માર્યા. અને ટીકાકારો હજુય મોદીને પૂછે છે કે અચ્છે દિન કબ આયેંગે?

-વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

પત્ની: હું ઘર છોડીને જઈ રહી છું.

પતિ: હું નિર્મલબાબા પાસે જઉં છું.

પત્ની: મને પાછી બોલાવવા?

પતિ: ના, એ કહેવા કે બાબા તમારી કૃપા મળવાની શરૂઆત થઈ ગઈ છે…

(મુંબઈ સમાચાર, ૨૮/૭/૨૦૧૫)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *