શું તમે જ તમારી ૧૪ વર્ષની દીકરીના ખૂની છો?

તમને આપણા દેશના પોલીસતંત્ર પર, ન્યાયતંત્ર પર ભરોસો છે? મને છે. ગુનેગારોને પકડીને, એમને સજા કરીને આ બંને તંત્રો કરોડો દેશવાસીઓને સુરક્ષિત રાખે છે.

પણ પોલીસ અને અદાલત પરથી ભરોસો ઊઠી જાય એવી ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે. ૨૦૦૮ની સાલમાં દેશભરમાં સનસનાટી મચાવનાર દિલ્હીનો આરુષિ હત્યાકાંડ એવો જ એક કિસ્સો છે. ૧૪મી વર્ષગાંઠના ૮ દિવસ પહેલાં દિલ્હીના જલવાયુ વિહાર કૉમ્પ્લેક્સમાં રહેતી આરુષિનો મૃતદેહ એના બેડરૂમમાંથી મળી આવ્યો. કોઈ વજનદાર હથિયારથી એનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું અને ધારદાર હથિયારથી એનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. બીજે દિવસે, ૧૭ મે, ૨૦૦૮ના રોજ એ જ મકાનની અગાસી પરથી બીજો એક મૃતદેહ મળી આવ્યો, જે આરુષિના ઘરના નોકર હેમરાજનો હતો. પોલીસે અઠવાડિયામાં જ કેસનો ફેંસલો થઈ ગયો છે એવી જાહેરાત કરી. આરુષિ અને હેમરાજને સેક્સ કરતાં જોઈ ગયેલા આરુષિના માબાપ આના માટે જવાબદાર છે. સી.બી.આઈ. ઈન્ક્વાયરી થઈ. ડિસેમ્બર ૨૦૧૦માં આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી એમ કહીને સી.બી.આઈ.એ કેસ બંધ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી. પણ ક્લોઝર રિપોર્ટમાં બીજી ઘણી આડીઅવળી વાતો ઉમેરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે આ રિપોર્ટને જ ચાર્જશીટ બનાવીને કેસ અગળ ચલાવવાનો ઑર્ડર આપ્યો. જૂન ૨૦૧૨થી સેશન્સ કોર્ટમાં કેસ શરૂ થયો અને ૨૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ચુકાદો આવ્યો. આરુષિના માતાપિતાને ખૂની ઠેરવીને કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી. ટીનએજર દીકરી ગુમાવનાર માબાપ અત્યારે જેલમાં છે. એમની અપીલ હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે.

લોકોને ક્રાઈમના ન્યૂઝમાં ગજબનો રસ પડતો હોય છે. મીડિયા માટે આવા ચકચારભર્યા સમાચાર ટીઆરપી વધારવાનું, સર્ક્યુલેશન વધારવાનું એક મોટું સાધન બની જાય છે. આરુષિ હત્યાકાંડના સમાચારો આવતા તે વખતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મૅચ ચાલતી હતી. આરુષિના સમાચારનું ટીવી રેટિંગ આઈ.પી.એલ. કરતાં વધારે રહેતું. અપર મિડલ ક્લાસની ૧૪ વર્ષની છોકરીને ૪૫ વર્ષના ઘરનોકર સાથે સંબંધ હોય અને પોલીસના કહેવા પ્રમાણે છોકરીના માબાપ જ ખૂની હોય એવા સમાચાર સાંભળવા – જોવા-વાંચવા મળે ત્યારે પ્રેક્ષકો-વાચકોને જલસો થઈ જાય. આવા હાઈપ્રોફાઈલ કેસમાં મીડિયાટ્રાયલ ચાલે એટલે પોલીસ અને કોર્ટ પર દબાણ વધતું જાય. તેઓ પોતાની ‘તટસ્થતા’ પુરવાર કરવા આતુર હોય, પબ્લિક પર્સેપ્શન પ્રમાણે આગળ વધવા ઉતાવળા હોય.

આરુષિ હત્યાકાંડ આવા પબ્લિક પર્સેપ્શનનો આદર્શ નમૂનો છે. આ દેશમાં પોલીસ અને કોર્ટ કઈ રીતે કામ કરે છે એનો ખ્યાલ આ કેસમાં વિગતવાર ઊંડે ઊતરવાથી આવે. બે પ્રકારના નિર્દોષો આપણે ત્યાં કુટાઈ જતા હોય છે. એક તો એવા ઈનોસન્ટ લોકો જેઓ કોઈના વેસ્ટેડ ઈન્ટરેસ્ટને કારણે ફસાઈ જાય. એમને ફસાવવા પાછળ, બદનામ કરવા પાછળ, હેરાન કરવા પાછળ કોઈકનો કે કેટલાક લોકોનો ચોક્કસ સ્વાર્થ હોય. બીજા એવા નિર્દોષ લોકો જેમની સામે કોઈને ક્ધિનાખોરી ન હોય પણ વખાના માર્યા તેઓ આ કરપ્ટ સિસ્ટમનો ભોગ બને. કોઈ એમની પાછળ હાથ ધોઈને ન પડ્યું હોય પણ સિસ્ટમના કેટલાક લોકો પોતાનું પરફોર્મન્સ દેખાડવા અતિ આતુર હોય એટલે અથવા તો ઈન્વેસ્ટિગેશન તથા ન્યાય વિશેના ખોટા વિચારો આ પોલીસ તંત્રના તથા કોર્ટના લોકોના મનમાં ઘૂસેલા હોય એટલે અને પોતે જો ભૂલ કરશે તો પોતાનું કોઈ કશું જ બગાડી લેવાનું નથી એવો કૉન્ફિડન્સ હોય એટલે તેઓ નિર્દોષ લોકોને રંજાડતા હોય છે. મીડિયામાં અને પોતાના ફિલ્ડના લોકોમાં જાણીતા થવાનો આ સીધો અને તદ્દન ચીપ રસ્તો હોય છે.

આરુષિ હત્યાકાંડને અત્યારે યાદ કરવાનું કારણ એ કે આ મહિને સુપ્રસિદ્ધ પત્રકાર અવિરુક સેનનું ‘આરુષિ’ નામનું પુસ્તક પ્રગટ થયું છે. અવિરુક સેને મે, ૨૦૧૨થી નવેમ્બર, ૨૦૧૩ સુધી આ કેસ સેશન્સમાં ચાલ્યો ત્યારે પ્રિન્ટ મીડિયા માટે એનું વિગતવાર રિપૉર્ટિંગ કર્યું છે. આ પુસ્તક માટે અવિરુક સેને આ કેસ સાથે સંકળાયેલા લગભગ તમામ અગત્યના લોકોના પર્સનલ ઈન્ટરવ્યૂઝ કર્યા છે. ક્રાઈમ રિપૉર્ટિંગ કોને કહેવાય તે જાણવા દરેક પત્રકારે ત્રણસો પાનાંનું આ પુસ્તક વાંચી જવું જોઈએ. ડિફેન્સ લૉયર્સ, પબ્લિક પ્રોસિક્યુટર્સ, પોલીસ ઈન્વેસ્ટિગેટર્સ, સાક્ષીઓ, આરોપીઓ અને ચુકાદો આપનાર સેશન્સ જજ સહિતના તમામ પાત્રોનાં ઈન્ટરવ્યૂઝ એમાં છે. એક પર્ટિક્યુલર ક્રાઈમ કેસ વિશે આટલી બધી વિગતો સાથે કોઈ પુસ્તક લખાયું હોય એવું ભારતમાં ભાગ્યે જ બનતું હોય છે.

પુસ્તક તમારી આંખ ઉઘાડી દે છે. કેસ કરતાં વધારે સેન્સેશનલ આ બુક છે. ઝીણી ઝીણી વિગતો એક પછી એક તમારી આંખ સામે ખૂલતી જાય અને તમને લાગે કે આ હદે સિસ્ટમો મેનિપ્યુલેટ થઈ શકે? મીડિયાને કારણે પબ્લિક જેને ગુનેગાર માની ચૂકી છે એમને જો કસૂરવાર ઠેરવવામાં નહીં આવે તો લોકો અમારી ‘તટસ્થતા’ પર શંકા કરશે એવું માનીને પુરાવાઓ સાથે ચેડાં થાય, સાક્ષીઓ પાસે જુઠ્ઠું બોલાવવામાં આવે અને રિયલ કલ્પ્રિટ્સને છોડી દેવાય ત્યારે એનો અંજામ કેવો આવે એ જાણવા આ પુસ્તકનું એકેએક પાનું ધ્યાનથી વાંચવું પડે, કદાચ બેવાર વાંચવું પડે.

ટીવી પર સનસનાટીભર્યા સમાચારો આવે ત્યારે ઘરના સોફા પર ચિપકીને બેસી જતા લોકોએ તો ૨૦૧૩ના નવેમ્બરમાં કોર્ટે ચુકાદો આપ્યો તેના પાંચ વર્ષ પહેલાં મે, ૨૦૦૮માં જ માની લીધું હશે કે આરુષિના માબાપ જ ખૂની છે. નોકર સાથેનો સંબંધ ખુલ્યો એટલે રોષમાં આવીને એમણે આ કૃત્ય કર્યું. અને કોર્ટ જ્યારે એમને જનમટીપ ફરમાવે ત્યારે સ્વાભાવિક રીતે, સો કોઈ કહેવાના: જોયું, અમે તો પહેલેથી જ કહેતા હતા.

મીડિયા ટ્રાયલની આ જ સૌથી મોટી ખાસિયત છે. કોઈ પણ વ્યક્તિ પર આક્ષેપ થાય એટલે મીડિયા એને એ રીતે ઉછાળે જાણે એ ગુનેગાર છે. ‘આધારભૂત સૂત્રો’ના નામે મનઘડંત વાતો ફેલાવવામાં આવે જેને હકીકતો સાથે કોઈ લેવાદેવા ન હોય. મીડિયામાં ચગેલી વાતને કારણે પોલીસ પર પ્રેશર આવે. પોલીસ પોતે ઈન્વેસ્ટિગેશનનું સંપૂર્ણ ચિત્ર આપવાને બદલે સિલેક્ટેડ વાતો મીડિયામાં લીક કરે અને કયારેક તો જુઠ્ઠા પુરાવાઓ ઊભા કરીને મીડિયાના પર્સેપ્શન મુજબ કેસ તૈયાર કરે. આ કેસ કોર્ટમાં આવે ત્યારે જજ પર ભયંકર માનસિક દબાણ હોય. જજને લાગે કે: જે કેસ આટલો ચગ્યો છે તેના આરોપીને છોડી દઈશ તો કરપ્ટ છું કે કોઈના દબાણ હેઠળ કામ કરું છું એવું લાગશે અને જો એને ગુનેગાર ઠેરવી દઈશ તો મીડિયામાં મારી પ્રશંસા થશે, હું કોઈનીય સાડીબારી રાખતો નથી (કે રાખતી નથી) એવી છાપ ઊભી થશે અને સેશન્સમાંથી હાઈ કોર્ટમાં કે હાઈ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી મળવાના મારા ચાન્સીસ બ્રાઈટ થશે અને જજની નોકરી છોડીને વકીલાત કરવી હશે તો નામ

જાણીતું થઈ ગયું હોવાથી ક્લાયન્ટોનો વરસાદ વરસશે.

કોઈ માને કે ના માને, આપણી સિસ્ટમો આ રીતે પણ ચાલતી હોય છે. મીડિયા માટે, પોલીસ માટે, કોર્ટ માટે કે પછી બીજી તપાસ એજન્સીઓ માટે એક જ સૂત્ર હોય છે: વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરો.

આરુષિ કેસનું જજમેન્ટ આવ્યાના સાડા ત્રણ મહિના પછી પુસ્તકના લેખક અને બેજોડ ક્રાઈમ રિપૉર્ટર અવિરુક સેન શ્યામ લાલનો ઈન્ટરવ્યૂ લેવા ગયા. સેશન્સ કોર્ટના જજ શ્યામ લાલે આરુષિના માતાપિતાને જનમટીપની સજા સંભળાવી હતી. સજા કર્યાના ચાર દિવસ બાદ શ્યામ લાલ ઉંમરને લીધે કાયદેસર નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી એમણે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. મુલાકાત વખતે શ્યામ લાલના વકીલપુત્ર આશુતોષ પણ ઘરમાં હાજર હતા.

વાતવાતમાં અવિરુક સેને નિવૃત્ત જજને પૂછ્યું, ‘જજમેન્ટનું એક પાનું લખતાં જનરલી તમને કેટલી વાર લાગે?’

‘એક પેજ? દસ મિનિટ, મેક્સિમમ. માત્ર દસ મિનિટ.’ શ્યામલાલે કહ્યું.

દીકરા આશુતોષે ટાપસી પૂરી, ‘પણ આરુષિ કેસમાં મામલો જરા જુદો હતો… અમારે જજમેન્ટમાં જરા સરસ સરસ શબ્દો વાપરવાના હતા… એટલે એકનું એક પાનું ફરી ફરીને લખવું પડતું જેથી ક્યાંય કોઈ ભૂલ ન રહી જાય. એટલે જરા વાર લાગી.’

વકીલ પુત્ર આશુતોષે અવિરુક સેનને માહિતી આપે કે: ‘જજમેન્ટ લખતી વખતે ટાઈપિસ્ટની તંગી બહુ નડી. હિન્દી ટાઈપિસ્ટ આસાનીથી મળી જાય, અંગ્રેજીમાં ટાઈપ કરવાવાળું મળે નહીં એટલે અમારે સ્પેશ્યલ અરેન્જમેન્ટ કરવી પડી. ઈન ઇફેક્ટ, જજમેન્ટનાં શરૂઆતનાં દસ પાનાં મેં જ ટાઈપ કર્યાં હતાં.’

જજમેન્ટ ૨૧૦ પાનાનું હતું. એમાંનો ઘણો મોટો ભાગ અગાઉ આવી ગયેલાં જજમેન્ટોનો ઉતારો જ હતો પણ અવિરુક સેનને ઉત્કંઠા હતી કે કેટલા દિવસ થયા હશે આખું જજમેન્ટ લખતાં. આશુતોષે અવિરુકની જિજ્ઞાસા સંતોષી:

‘એક મહિના કરતાં વધારે વખત થયો…’ આશુતોષ બોલી ગયો.

‘તો તમે એક મહિના પહેલાં જઈને તમારા ફાધરને મદદ કરી….?’ અવિરુકે ક્ધફર્મ કરવા માટે પૂછ્યું.

‘હા, હું ત્યાં જ તો હતો.’ આશુતોષે ક્ધફર્મ કર્યું.

અવિરુક સેન પોતાની અંદર ફૂટેલા બૉમ્બધડાકા જેવી લાગણી ખાળીને બાઘાની જેમ બેસી રહ્યા. એમણે મનોમન ગણતરી માંડી. જજ શ્યામ લાલે ૨૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ જજમેન્ટ અનાઉન્સ કર્યું. આરુષિના માતાપિતાના વકીલે ૨૪ ઑક્ટોબર, ૨૦૧૩ના દિવસે ફાઈનલ સ્ટેટમેન્ટ બોલવાનું શરૂ કર્યું. પંદર દિવસ સુધી ડિફેન્સ લૉયરનું ફાઈનલ સ્ટેટમેન્ટ ચાલ્યું જેમાં એમણે ૨૪ મુદ્દા એવા ગણાવ્યા જેને ધ્યાનમાં રાખવામાં આવે તો કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડવા પડે. એમાંના ૭ મુદ્દા તો અતિ મહત્ત્વના હતા જે કેસને યુ-ટર્ન આપી શકતા હતા. જજ શ્યામ લાલ અને એમના પુત્ર આશુતોષે જજમેન્ટ લખવાનું શરૂ કર્યું ત્યારે બચાવ પક્ષના વકીલે હજુ સુધી ફાઈનલ સ્ટેટમેન્ટની પ્રસ્તાવના પણ નહોતી બાંધી.

જજ શ્યામ લાલ ડિફેન્સ લૉયરને ઉતાવળ કરવાનું કહેતા. ફાઈનલ સ્ટેટમેન્ટ વહેલી તકે ટાઈપ કરાવીને કોર્ટને સબમિટ કરી દો એવી તાકીદ કર્યા કરતા. બચાવ પક્ષના વકીલે ૧૦મી નવેમ્બરની આસપાસ મૌખિક દલીલો પૂરી કરીને લેખિત સ્ટેટમેન્ટ કોર્ટમાં સબમિટ કર્યું, પણ તે વખતે ન તો વકીલને ન એમના ક્લાયન્ટ દંપતીને ખબર હતી કે આનો કોઈ અર્થ નથી, આરોપીઓ ગિલ્ટી છે એવા ચુકાદા પર તો ઑલરેડી કામ શરૂ થઈ ગયું છે.

વધુ આવતી કાલે.

આજનો વિચાર

કાયમ માટે કોઈને ગુડબાય કહેવાય છે ત્યારે આપણે પોતે થોડાક મૃત્યુ પામતા હોઈએ છીએ.

– રેમન્ડ શેન્ડલર

એક મિનિટ!

કોઈકે ૭૦ વર્ષના પતિને પૂછ્યું,

‘તમે હજુ પણ તમારી પત્નીને જાનુ, ડાર્લિંગ, સ્વીટી, હની, બેબી… કહો છો. તમારા આ આટલા બધા પત્નીપ્રેમનું રહસ્ય શું છે?’

‘કંઈ નહીં ભાઈ, દસ વરસ પહેલાં હું એનું નામ ભૂલી ગયો અને હવે મને પૂછતાં ડર લાગે છે.’

(મુંબઈ સમાચાર, ૨૭/૭/૨૦૧૫)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *