જીવનના અંતે લાખના બાર હજાર બતાડતી બૅલેન્સશીટ જોવા મળે ત્યારે

પીએમનું સ્વચ્છતા અભિયાન ગજબનું છે અને દિમાગ પર છવાઈ ગયું છે. ખરેખર!

રોજ ઝાડુપોતું કરીને ઘર સાફ રાખીએ છીએ, મન કેમ નહીં? બેચાર છ મહિને ગાડીને સર્વિસ સેન્ટરમાં મોકલી દઈએ છીએ, મનને કેમ નહીં? વરસમાં એક વાર ફેક્ટરી બે દિવસ બંધ રાખીને તમામ મશીનરીના પૂરજા છૂટા કરીને ઓવરહોલિંગ કરી ફરી જોડી દઈએ છીએ, આ વિધિ મન સાથે કેમ નથી થતી.

મન સાથેનો રિશ્તો ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ ગયો છે. મન આપણાથી છૂટું પડી જશે તો જઈ જઈને ક્યાં જશે એવું વિચારીને આપણે મુસ્તાક બનીને ફરતા રહીએ છીએ. અચાનક માથા પર પડેલો સફેદ વાળ દેખાય છે કે પુત્રી પહેલી વાર એના બૉયફ્રેન્ડ વિશે વાત કરે છે કે પત્ની ઘૂંટણના વાની ફરિયાદ કરે છે ત્યારે સમજાય છે કે પાણીનો રેલો પગ તળે આવી ગયો છે. આટલાં વર્ષોમાં મન કેટલું જડ, બંધિયાર અને ગૂંગળામણભર્યું બની ગયું છે તેની સૌપ્રથમવાર પ્રતીતિ થાય છે. વતનના ઘરના દરવાજે લાગેલા તાળાને બાર વર્ષ પછી ખોલતી વખતે જેટલી તકલીફ પડે એટલી જ તકલીફ આપણા મનમાં પુન:પ્રવેશ કરતી વખતે પડતી હોય છે.

મનમાં બાઝેલાં જાળાંબાવાની નિયમિત ધોરણે ઝાપડઝૂપડ થવી જોઈએ. મનમાં સંઘરી રાખેલી પસ્તી, તૂટેલી સાણસી કે વળી ગયેલા તવેથાનો નિકાલ થઈ જવો જોઈએ. પેસ્ટ ક્ધટ્રોલ પણ જરૂરી છે. ફિનાઈલનું પોતું પણ થવું જોઈએ. વાતાવરણ હવડ ન લાગે એ માટે થોડા થોડા દિવસે બારીબારણાં ખુલ્લાં મૂકી નવો તડકો, નવી હવાને આવવાં દેવાં જોઈએ. ઘરની જે ચીજો સુધી આ ન પહોંચે એને અગાસીમાં લઈ જઈને તડકે

નાખવી જોઈએ. બધું જ પૂરું થઈ ગયા પછી ગમતી સુગંધના એર ફ્રેશનરથી કે અગરબત્તીથી વાતાવરણ મહેકતું કરી દેવું જોઈએ. આ બધું શક્ય છે? કેવી રીતે શક્ય છે? પણ પહેલાં એ તો પૂછો કે આ બધું જરૂરી છે?

જરૂરી છે. નાનપણથી એક પછી એક વિચારો મન ગ્રહણ કરતું રહે છે. કિશોરાવસ્થામાં જે આદર્શો જીવનમાં અપનાવવા જેવા લાગ્યા હોય એ શક્ય છે કે દુનિયાદારીમાં પડ્યા પછી જીવનમાંથી હાંકી કાઢવા જેવા લાગે, પણ મન ન માને તો? આવા સંજોગોમાં આદર્શો પાળવાનો દંભ કરવા કરતાં એને ઝાડુથી વાળીને ત્યજી દેવા સારા – આની સામે શક્ય છે કે કેટલાક વિચારો હજુ આજેય જીવનમાં પ્રસ્તુત લાગતા હોય, રિલેવન્ટ લાગતા હોય પણ વર્ષો વીતતાં એના પર ધૂળ બાઝી ગઈ હોય. આવા વિચારોને પૉલિશ કરી ફરીથી ચળકતા બનાવી દેવા જોઈએ. મનના કોઈક માળિયે કાટમાળ જેવા સંખ્યાબંધ પૂર્વગ્રહો, આ ગ્રહો, માન્યતાઓ, ગૃહિતો તેમ જ ક્યારેય કામ ન લાગનારા અમુક જર્જરિત સિદ્ધાંતો પડ્યા હોય છે. સંઘર્યો સાપ પણ કામ આવે એ રીતે આ બધું જ સચવાઈને બેઠું હોય છે. વાસ્તવિકતા એ છે કે સાપ કામ આવે એમ હોય તો પણ એને સંઘરવાનો ન હોય.

નાણાકીય વર્ષની જેમ આપણું પોતાનું અંગત એવું એક માનસિક વર્ષ હોવું જોઈએ. વર્ષના અંતે હિસાબકિતાબ કરવાની સમજ પડે, કારણ કે બાર મહિના સુધી માણસ ભ્રમમાં રહે કે ધંધો પ્રોફિટમાં ચાલે છે પણ વર્ષના અંતે સરવૈયું કાઢે એટલે રૂપિયા આનાપાઈનો હિસાબ મળે. વર્ષો સુધી બૅલેન્સશીટ ન બનાવ્યું હોય તો નફાનુકસાનના આંકડા અધ્ધર જ રહે. ધંધામાં કોઈ એવું નથી કરતું, જીવનમાં કરતાં રહીએ છીએ. ત્યાં તો યર એન્ડિંગ આવ્યું કે લેખાંજોખાં શરૂ. અહીં તો બહુ બહુ તો પચાસ, સાઠ કે પંચોતેર વર્ષની ઉજવણીઓ વખતે મૅન્ડેટરી લેખાંજોખાં કરતી વખતે જ ખ્યાલ આવે કે જે વાપર્યા કર્યું તે નફો નહોતો, મૂડીમાંથી જ ખરચ કર્યું. અને હવે તો એ મૂડીય ખલાસ થવા આવી. જીવનના અંતે લાખના બાર હજાર બતાડતી બૅલેન્સશીટ જોવા જેવું કષ્ટ બીજું એકેય નથી.

દરેક માનસિક વર્ષના અંતે જે જે સંબંધોને ભંગારમાં આપી દેવા જેવા લાગે તેના સાટુ એકાદ સારામાંની સ્ટીલની તપેલી લઈને એ સંબંધોમાંથી મુક્ત થઈ જવું જોઈએ. દરેક સંબંધની જાળવણી માટે તમારી જિંદગીના એક હિસ્સાની ચુકવણી કરવી જ પડતી હોય છે. તમારા સમય, તમારી ભૌતિક સગવડ-અગવડ તથા તમારા લાગણીતંત્રની – તમારા સંવેદનતંત્રની ઊર્જા – આ ત્રણેય મળીને તમે જેની ચુકવણી કરો છો તે હિસ્સો બને છે. એક, પાંચ, પંદર, પચ્ચીસ કે પાંત્રીસ વર્ષ અગાઉ બંધાયેલા તમામે તમામ સંબંધોનો બોજ ખભા પર ઊંચકીને ફર્યા કરવાનું ન હોય. માત્ર નિભાવવા ખાતર નિભાવવામાં આવતા અનેક સંબંધોને કારણે ખર્ચાઈ જવાતું હોય છે. નિયમિતપણે નવી સ્ટીલની તપેલી સાટામાં લીધા નહીં કરો તો લાંબા ગાળે તમારો તમારી પોતાની જાત સાથેનો સંબંધ ઓસરી જવાનો.

જૂની અને નકામી થઈ ગયેલી ચીજોની એક બહુ મોટી આપત્તિ હોય છે (એક સ્પષ્ટતા: ચીજ જૂની હોય એ કારણે જ નકામી થઈ જતી નથી. નકામાપણું નવામાં પણ હોઈ શકે છે. સ્પષ્ટતા પૂરી થઈ). ઘરમાં કે મનમાં સંઘરાયેલી નકામી ચીજોની મોટી તકલીફ એ કે એ ચીજ કીમતી જગ્યા પચાવી પાડતી હોય છે. એના ઠેકાણે બીજી કોઈ ચીજ મૂકી શકાતી નથી. કોઈકે પરાણે વળગાડેલી જંગી કાટ ખાધેલી ફૂલદાનીની જગ્યાએ શું મૂકીશું એની મૂંઝવણને કારણે આપણે એનો નિકાલ કરતા નથી. તાત્કાલિક રિપ્લેસમેન્ટ ન મળે એમ હોય તો અને ખાલી પડેલી જગ્યા કાયમ ખાલી જ રહેશે એવી દહેશત હોય તોય પેલી ફૂલદાનીને એની જગ્યાએથી હટાવી દેવી જોઈએ. દરેક ખાલી જગ્યાને એનું આગવું ગૌરવ અને સૌંદર્ય હોય છે. જગ્યા ખાલી હશે તો ભવિષ્યમાં એ સ્થાને કશીક સુંદર, ઉપયોગી ચીજ લાવવાનું આપમેળે સૂઝશે.

અને છેલ્લે પેસ્ટ ક્ધટ્રોલ. સાફસૂફીની ખૂબ કાળજી રાખ્યા પછી આપણી તમામ તકેદારી હોવા છતાં કેટલાક ઉપદ્રવી વિચારોનાં વાંદા, કીડી, મંકોડા, મચ્છર, કંસારી ઘૂસી જતાં હોય છે મનમાં. આસપાસની પ્રદૂષિત દુનિયાનું પરિણામ આપણે પણ સહન કરવું પડતું હોય છે. વર્ષે એક વાર મનની બહાર નીકળી જઈને, નિર્વિચાર બનવાનો પ્રયત્ન કરીને આ દૂષણોને ક્ધટ્રોલ કરી લેવાં જોઈએ. બે દિવસ પછી પાછા આવીને જોઈશું તો છત તરફ પગ રાખીને ઊંધા પડેલા કેટલાય દુષ્ટ વિચારો સમાપ્ત થઈ ગયા હોવાનો સંતોષ મળશે. આ બે દિવસ કે ચાર દિવસ ક્યાંક ઘરથી દૂર જઈને દારૂ પીને જલસા મારવાના. કોઈ આશ્રય કે સેવાસંસ્થામાં જઈને ત્યાગમૂર્તિ બની જવાના દેખાડા નહીં કરવાના.

મનના મેઈન્ટેનન્સ માટેનો કૉન્ટ્રાક્ટ બીજા કોઈને ના અપાય. સર્વિસિંગ જાતે જ કરવું પડે. જીવનના અંત સુધી સાચવી રાખવા પડે એવા વિચારો જો ખોટકાતા જણાય તો એનું ઑઈલિંગ પણ જાતે જ કરી લેવું પડે. આ બધું કરી લીધા પછી એકાદ સારા પુસ્તક કે એકાદ સારા લેખ કે એકાદ સારી વ્યક્તિનું સાન્નિધ્ય એટલે ખંડના ખૂણે પેટાવેલી એક અગરબત્તી.

આજનો વિચાર

વિધાતાએ ઘડેલી ગતિવિધિઓ બાદ જે કંઈ વધ્યુંઘટ્યું રહે એને નસીબ કહે છે.

– બ્રેન્ચ રિકી

એક મિનિટ!

માનસશાસ્ત્રી: તમને ખાવાપીવાનો ખૂબ શોખ લાગે છે.

પાગલ દર્દી: જી, હા. મને પાણીપૂરી બહુ ભાવે.

માનસશાસ્ત્રી: અરે વાહ, પાણીપૂરી તો મને પણ બહુ ભાવે.

પાગલ દર્દી: ખરેખર? તો તો તમારા ઘરમાં પણ બબ્બે ઓરડા ભરીને પૂરીઓના ઢગલા હશે ને!

5 comments for “જીવનના અંતે લાખના બાર હજાર બતાડતી બૅલેન્સશીટ જોવા મળે ત્યારે

 1. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
  November 26, 2014 at 10:42 AM

  ઘણો સરસ લેખ છે……

  આજનો જોક પણ આજના લેખને બંધબેસ્તો છે…..

 2. RAKESH KANANI
  July 24, 2015 at 1:41 PM

  સુંદર લેખ ખુબજ ફાઇન

 3. Kirtikumar Vaghela
  April 14, 2016 at 12:03 PM

  Adhbhoot lekh…

  Mannu mariyu saf karva visheno….

 4. August 4, 2016 at 8:55 AM

  બહુ જ સરસ વાત, સૌરભભાઈ

 5. Anamika Gala
  August 22, 2016 at 1:21 PM

  બહુ સચોટ વાત. મનની સફાઈ કેવી રીતે કરવી એ જણાવવું પણ બધાના હિતમાં રહે.
  ધ્યાનથી સફાઈ થાય છે. મનની રોજે રોજ સફાઈ થાય તો દિવસની ૩૦ થી ૪૫ મીનીટ પૂરતી છે. જૈનોમાં સામયિક વિધિ કહી છે. ૪૮ મીનીટ સ્વનિરીક્ષણ કરવાનું કહ્યું છે. પોતાના તરફની ત્રણ આંગળી જોવાની ક્રિયા.
  પણ તમે કહ્યું એમ વર્ષો પછી પહેલી વખત સફાઈ થાય તો ૧૦ દિવસ સળંગ ધ્યાન કરવું જરુરી છે.
  મેં વર્ષો પછી સફાઈ કરવાની શરુઆત કરી. એક વર્ષમાં ૧૦-૧૦ દિવસ સળંગ ત્રણ વખત કરી ત્યારે હવે સેલ્ફએનાલીસીસ કરી શકું છું. નિરીક્ષણ કરતા કરતા જેમ જેમ સમજ પડતી જોય છે તેમ તેમ સ્વભાવમાં ફરક પડતો જાય છે. સજાગતા આવતી જાય છે એમ ખબર પડતી જાય છે કે હજુ તો ઘણી સફાઈ કરવાની છે. કારણ મૂળ ઘણા ઊંડા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *