વેસ્ટર્ન મીડિયા અને ઈન્ડિયન મીડિયા: એમનો ડ્રોઇંગરૂમ અને આપણા બાથરૂમની ગટર?

new york times front page છત્તીસગઢમાં પ્રેગ્નન્સી ન આવે તે માટે થતી સ્ત્રીઓની સ્ટરિલાઈઝેશનની સર્જરી પછી ૧૪ સ્ત્રી ગુજરી ગઈ અને બીજી અનેક જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. ભારત માટે આ માઠા સમાચાર છે અને દેશના મીડિયા માટે આ ફ્રન્ટ પેજ સમાચાર છે, પ્રાઈમ ટાઈમ ન્યૂઝ છે. પણ અમેરિકા માટે? અને એય એના પ્રમુખ વર્તમાનપત્ર નામે ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’ માટે એ ફ્રન્ટ પેજ ન્યૂઝ ખરા?

અમેરિકાનાં ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ કે ‘ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ જેવાં વર્તમાનપત્રો ભારતના લગભગ તમામ સમાચારોને અવગણતા હોય છે. એમના માટે જાણે ભારતનું અસ્તિત્વ જ નથી. ભારતીય વડા પ્રધાનો અમેરિકન પ્રેસિડન્ટને મળે ત્યારે પણ એ ફ્રન્ટ પેજ ન્યૂઝ નથી બનતા. કોઈક અંદરના પાને એનો ઉલ્લેખ આવે તો આવે-બે ફકરામાં. ભારતની પ્રગતિના સમાચારો તો અંદરના પાને પણ ના આવે.

એવું જ વિદેશની ન્યૂઝ ચૅનલોનું. બીબીસીના વર્લ્ડ ન્યૂઝ તમે નિયમિત જુઓ તો ભારત અને ‘થર્ડ વર્લ્ડ’ના બીજા અનેક દેશો જાણે ભિખારી હોય, ગંધાતી દશામાં એના નાગરિકો સબડતા હોય, ભૂખ્યા અને કામધંધા વિનાના હોય, આરોગ્ય-સ્વાસ્થ્યની કોઈ સુવિધા વિના નર્કાગારમાં જીવતા હોય એવી છાપ પડે.

આ બધું સહેતુક હોય છે. અને એ આજકાલનું દાયકાઓથી ચાલતું આવે છે. ભારતનો ભણેલો-ગણેલો માણસ પણ અમેરિકા-બ્રિટન-સિંગાપોર-ફ્રાન્સ-જર્મનીને આદર્શ રાષ્ટ્રો માનીને એનાં ગુણગાન ગાતો રહેશે, આપણાં શહેરોની ઝૂંપડપટ્ટીઓ અને ગંદકીની વાતો કરતો રહેશે. આપણું મીડિયા સુરતના ઍરપોર્ટના રનવે પર એક ભેંસ વિમાન સાથે અથડાય ત્યારે એને ઈન્ટરનેશનલ ન્યૂઝ બનાવી દેશે.

ર૦૦૧ની ર૬મી જાન્યુઆરીએ કચ્છ-ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે માનવતાના અનેક કિસ્સાઓ જાણવા મળતા હતા. પણ ભચાઉ પાસેના ગામમાં કોઈ ગરીબ માણસ ધાબળા વહેંચવાની લાઈનમાં બે વાર ઊભો રહીને બે ધાબળા લઈ ગયો એવા સમાચારને વિદેશી ન્યૂઝ એજન્સીઓએ ખૂબ ચગાવ્યા. એ પછી એ જ વર્ષે સપ્ટેમ્બરની ૧૧મી તારીખે ઓસામા બિન લાદેને ન્યૂ યૉર્કની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં બે ટાવર્સને ઉડાવ્યાં. ર,૯૭૭ નાગરિકો અને ૧૯ હાઈજેકર્સ સહિત ર,૯૯૬ લોકોએ જાન ગુમાવ્યા. ઘણી મોટી ટ્રેજેડી હતી અને દુનિયાભરની સહાનુભૂતિ અમેરિકા સાથે હતી. નાઈન ઈલેવનના થોડાક કલાક બાદ એક નાનકડા ન્યૂઝ આવ્યા, વિદેશની જ કોઈ ન્યૂઝ એજન્સી દ્વારા. ગ્રાઉન્ડ ઝીરોના કાટમાળ દૂર કરનારા વોલન્ટિયર્સનો બિલ્લો પહેરીને ઘૂસી ગયેલો કોઈ બ્લૅક અમેરિકન કેટલીક લાશના ખિસ્સામાંથી મની પર્સ અને આંગળીમાંથી સોનાની વીંટીઓ કાઢતો પકડાયો. મારે હિસાબે ભારતીય છાપાંઓ માટે આ ફ્રન્ટ પેજ ન્યૂઝ હતા. આ મોકો હતો આપણા વાચકો સમક્ષ એ વાત સાબિત કરવાનો કે કાગડા બધે જ કાળા હોય છે. પણ કોઈ અગ્રણી ભારતીય છાપામાં એ ન્યૂઝ ફ્રન્ટ પેજ પર તો શું અંદરના પાને પણ નહોતા.

અમેરિકાની બૅન્કોના અબજો ડૉલર્સનાં કૌભાંડો વિશે આપણે કેટલું જાણીએ છીએ? અમેરિકન પ્રેસિડન્ટ્સ આ કૌભાંડકારી બૅન્કોને કેટલી સવલતો આપીને બચાવી લે છે અને દેશનું અર્થતંત્ર ખાડે જતું હોય તો તે જવા દઈને બૅન્કના વગદાર અધિકારીઓને સરકારમાં કેવા માલદાર હોદ્દાઓ આપે છે એના વિશે આપણાં વર્તમાનપત્રો, આપણી ન્યૂઝ ચેનલો, આપણું મીડિયા કેટલો પ્રકાશ ફેંકે છે? બ્રિટન, ફ્રાન્સ કે ઈટલી જેવા દેશોમાં થતાં રાજકારણીઓનાં આર્થિક કૌભાંડો આપણા સુધી નથી પહોંચતા એટલે જ આપણે બાઘાની જેમ હજુય એ દેશોને ‘સુધરેલા’ અને આપણને ‘પછાત’ માનીએ છીએ.

આપણું મીડિયા હજુય વેસ્ટર્ન ઈન્ફલ્યુઅન્સ હેઠળ છે. એક જમાનામાં અમેરિકા અને બીજા ‘સુધરેલા’ દેશોનાં ભારતીય મિશનો દ્વારા ભારતના અંગ્રેજી પત્રકારોને રીતસરના કલ્ટિવેટ કરવામાં આવતા. બીજી તરફ સોવિયેત યુનિયન પણ ભારતમાં પૈસા વેરીને સામ્યવાદી વિચારસરણીને ઉત્તેજન આપવા માટે પત્રકારો-લેખકોને ઉશ્કેરતું, એમનું સન્માન કરતું. આ દેશો ભારતીય પત્રકારો પોતાના દેશના મફતિયા પ્રવાસો કરીને એમને ‘ખરીદી લેતું’ અને આપણા પત્રકારો આવી ફ્રી-જૉન્ટ્સ પર જવા રીતસરના લાળ ટપકાવતાં લાઈનમાં ઊભા રહેતા.

લિબરલાઈઝેશન પછી પદ્ધતિ બદલાઈ છે પણ સિનારિયો એનો એ રહ્યો છે. હવે ભારતની મોટા ભાગની ન્યૂઝ એજન્સીઓ વિદેશી સમાચાર સંસ્થાઓના ઈન્ડાયરેક્ટ તાબામાં છે. વિદેશી સમાચાર સંસ્થાઓના ભારતીય પ્રતિનિધિઓ ન્યૂઝ ફૉલો કરે એનું દેશી ન્યૂઝ એજન્સીના પત્રકારો બમણા જોરથી અનુકરણ કરે. પ્રિન્ટ મીડિયા હાઉસીસ અને ન્યૂઝ ચૅનલોમાં વિદેશી નાણાંની રેલમછેલ થયા પછી ભારતીય મીડિયાએ ભારતીયપણું ગુમાવી દીધું છે. એ તો ભલું થજો ભારતનો મતદાર પ્રજાનું કે એમણે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ સુધી પહોંચાડ્યા જેને કારણે મીડિયા હવે ઓછું સેક્યુલરવાદી બની ગયું છે. પણ વિદેશભક્તિ તો હજુય ચાલુ જ છે અને ઈન્ડિયા-બૅશિંગ અર્થાત્ ભારતની પ્રજાને, ભારતની સંસ્કૃતિને ધોકે ધોકે ધોવાની મેન્ટાલિટી હજુ બદલાઈ નથી.

આપણું ઘેલું મીડિયા મિશેલ ઓબામા મુંબઈની કોઈ સ્કૂલમાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ઠૂમકો લગાવી આવે તો એને ફ્રન્ટ પેજ ન્યૂઝ બનાવે છે. બિલ ક્લિન્ટન કોલાબાની કોઈ રેસ્ટોરાંમાં જમીને આવી જાય તો એના વેઈટરનો ઈન્ટરવ્યૂ ન્યૂઝ ચૅનલ માટે પ્રાઈમટાઈમ ન્યૂઝ બને છે.

ભારતમાં જેટલાં ખૂન, બળાત્કાર, આર્થિક કૌભાંડો કે દલિતોની હેરાનગતિના બનાવો બને છે એટલાં જ, એના કરતાં વધુ અમેરિકન બ્લૅક પ્રજાનું પોલીસ દ્વારા હૅરેસમેન્ટ કે રિવોલ્વરની અણીએ ધોળે દહાડે મગિંગ કે સ્કૂલનાં છોકરાઓ દ્વારા રેપ કે મર્ડર કે વૉલ સ્ટ્રીટના શેરબજારનાં આર્થિક કૌભાંડોના કિસ્સા રોજે રોજ અમેરિકામાં બને છે. અમેરિકા જ નહીં, ચીન કે જપાન કે યુરોપીય દેશોમાં પણ આવાં બનાવો રોજના ધોરણે બનતાં રહે છે. આપણે કંઈ એ લોકોની ગટરો ઉલેચીને આપણા ફ્રન્ટ પેજ પર પાથરી દેવાની જરૂર નથી. પણ એમના ક્ષુલ્લક, આપણી સાથે કોઈ લેવાદેવા ન હોય એવા ‘પ્રગતિ’ના સમાચારો છાપવાની આપણને કોઈ જરૂર નથી. અને એથીય વધારે, આપણી ધારાવીની ઝૂપડપટ્ટીની ગંદકી વિશે છાપતી વખતે મગજમાં એ વાતની સભાનતા રાખવાની જરૂર છે કે ન્યૂ યોર્ક જેવા શહેરમાં પણ કાળિયાઓની બસ્તી ગણાતા હાર્લેમમાં ગંદકી-ગુનાખોરીનું આવું જ, આના કરતાં ભયાનક, સામ્રાજ્ય છે. ભિખારીઓ માત્ર મુંબઈના મુખ્ય માર્ગોના સિગ્નલ પર નથી હોતા, લંડનનાં રેલવે સ્ટેશનોની બહાર પણ હોય છે. ધુમ્મસ કે કુદરતી આપત્તિઓને કારણે માત્ર ભારતનાં જ ઍરપોર્ટ પરનો વિમાનવ્યવહાર નથી ખોરવાતો, હિથરો અને જેએફકે પર પણ સ્નોવર્ષાને લીધે કલાકો સુધી ફ્લાઈટ્સની અવરજવર બંધ થઈ જાય છે.

હું આખો વખત મારા ઘરના ડ્રોઇંગ રૂમની સાજસજ્જાની વાતો કરતો રહું અને તમારા ઘરના બાથરૂમની ગટરની ઢાંકણી ખોલીને એનું વર્ણન કરતો રહું તો તમે મારું શું કરો? એ જ રીતે હવે તમારે વિદેશી મીડિયા સાથે ડીલ કરવું જોઈએ.

——————–

કાગળ પરના દીવા

તમે ન્યૂઝ પેપર ન વાંચતા હો તો તમે અન-ઈન્ફૉર્મ્ડ છો. તમે ન્યૂઝ પેપર વાંચતા હો તો તમે મિસ-ઈન્ફૉર્મ્ડ છો. -માર્ક ટ્વેઈન

——————-

સન્ડે હ્યુમર

એક ભિખારી પોતાના વાટકા પાસે પાટિયું લગાવીને સૂઈ ગયો: ‘મહેરબાની કરીને કટોરામાં સિક્કા નહીં નાખતા, મારી ઊંઘ બગડશે. નોટો જ નાખજો.’

1 comment for “વેસ્ટર્ન મીડિયા અને ઈન્ડિયન મીડિયા: એમનો ડ્રોઇંગરૂમ અને આપણા બાથરૂમની ગટર?

  1. RAJANIKANT V GAJJAR
    November 23, 2014 at 8:31 AM

    absolutely right.we do not need anybody’s certificates.yes,sure,just for its sake ,we should not fire western & indian ENGLISH media.I am GUJARATI,good enough at english to follow indian english media,so it was a matter of LAUGHTER for me to read indian english media views during gujarat assembly elections in 2002,2007,2012,more about NARENDRA MODI.THAT MEDIA WAS MILES AWAY FROM GROUND REALITY IN GUJARAT.YES, I AGREE,IF YOU ARE SOLD OUT,PEOPLE ARE SMART ENOUGH TO SPOT IT OUT.INDIAN ENGLISH MEDIA,BETTER BEWARE OF READERS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *