તસવીરોના ટુકડાને ટુકડારૂપે જોઈને જ સંતોષ માનવાનો


આભાર
મોદીજીના સ્વચ્છતા અભિયાનનો કે અમે શરૂઆત ઘરમાં સાફસૂફી કરવાથી કરી અને જૂની કૅસેટ્સ અને સીડીના ખોખામાંથી એક વિસરાઈ ગયેલું અણમોલ રતન હાથ લાગ્યું. શૅર કરું તમારી સાથે.

મિર્ઝા ગાલિબ સિરિયલ વખતે એ બે ભેગા થયા હતા. ગુલઝાર અને જગજિત સિંહ. ગુલઝારનું દિગ્દર્શન અને માર્ગદર્શન હતું. જગજિતની ગાયકી હતી, ધૂન હતી. ગાલિબના શબ્દોને આ સર્જકજોડીએ ચારેક ડઝન ચાંદ લગાવી દીધા હતા. ગાલિબ સિરિયલના દોઢેક દાયકા પછી વચ્ચે ઘણું બધું બની ગયું. લાંબી ખામોશી પછી બંને વચ્ચે ફરી એકવાર મરાસિમ બંધાય છે, સંબંધ સ્થપાય છે. રસ્મનું બહુવચન મરાસિમ. અહીં પ્રેમવ્યવહારની પરંપરાના અર્થમાં. ‘મરાસિમ’ નામ એ બંનેના મ્યુઝિક આલબમનું.

સમય નામના વૃક્ષ પર કેટકેટલી ક્ષણોનાં પાંદડાં ઝૂલે છે. કેટકેટલી કાચી ક્ષણો, કેટલીક પીળી થઈને ખરી પડવા આવેલી ક્ષણો, કેટલીક હવામાં લહેરાતી ક્ષણો, કેટલીક સન્નાટામાં સ્થિર થઈ ગયેલી ક્ષણો. આ ક્ષણો અસબાબ છે વ્યક્તિનો. એ ક્ષણોને સાચવી રાખવાની હોય, પીડાદાયી હોય તો પણ. કારણ? કારણ કે એક બરછટ હાથમાંથી એક કુમળી હથેળીના સરી ગયા પછી પણ બેઉની હસ્તરેખાઓના છેડાઓ વચ્ચે બંધાયેલી ગાંઠ ક્યારેય છૂટવાની નથી હોતી. જગજિતના અવાજમાં ‘મરાસિમ’ નામના એ આલબમની પહેલી ગઝલનો મત્લા, પહાડી પર સર્જાતું ધુમ્મસ, ઘાસ પર ઊભેલી વ્યક્તિની પાનીને સ્પર્શી જાય એમ, હવામાં ગુંજતો ગુંજતો તમારા કાનની બૂટ પાસે મખમલ ધરે છે:

હાથ છૂટેં ભી તો રિશ્તે નહીં છોડા કરતે

વક્ત કી શાખ સે લમ્હેં નહીં તોડા કરતે

પણ વીતી ગયેલી પળ હંમેશ માટે વીતી ચૂકી હોય છે. લાખ પ્રયત્નો પછી પણ એ વર્તમાન બની શકવાની નથી. કદાચ સારું જ છે. હકીકત બન્યા વિના જ ભૂતકાળ બની ચૂકેલાં સપનાઓનું એક સુખ હોય છે કે એમણે ક્યારેય વાસ્તવિકતાની કસોટીમાંથી પસાર થવાનું નથી હોતું. શકય છે કે કસોટીની તાવણીમાં એ મુકાયાં હોત તો એમનામાં તડ પડી જાત, તૂટીને ટુકડેટુકડા થઈ જાત. હવે એ આલબમની તસવીરો ઝાંખી થઈ ગઈ છે, એના પર સળ પડી ગયા છે. સમયની સાથે બટકણી બની ગયેલી એ તસવીરોના ટુકડાને ટુકડારૂપે જોઈને જ સંતોષ માનવાનો હોય. એને સાંધવા બેસવાની ભૂલ કરવાની ન હોય. દરેક સાંધો હંમેશાં એક વાતની કડવી યાદ અપાવે છે. જે ક્યારેક અખંડ હતું તેના જ આ ટુકડાઓ છે:

જિસ કી આવાઝ મેં સિલવટ હો, નિગાહોં મેં શિકન

ઐસી તસવીર કે ટુકડે નહીં જોડા કરતે

એના ગયા પછીના એકાંતને હર્યુંભર્યું બનાવવાની જવાબદારી એની યાદ પર આવી પડે છે. મોટે ભાગે આ જવાબદારી એનાથી નિભાવી શકાતી નથી. એ યાદ ક્યારેક જ લહેરખી બનીને આવે છે. મોટે ભાગે તો એ નળિયાંવાળા છાપરા પર પડતા વજનદાર પથ્થરની જેમ અફળાય છે. પણ ક્યારેક એવું વાતાવરણ મળી જાય છે જ્યારે એકલા પડી ગયા હોવા છતાં એકાંત કઠતું નથી. એની સ્મૃતિમાંથી એની હાજરીની હૂંફ મળી જાય છે.

એક પુરાના મૌસમ લૌટા, યાદ ભરી પુરવાઈ ભી;

ઐસા તો કમ હી હોતા હૈ, વો ભી હોં, તન્હાઈ ભી.

કશુંક સતત સળગ્યા કરે છે એના ગયા પછી. ધીમુું ધીમું બળ્યા કરે છે. જીવ અજંપો અનુભવ્યા કરે છે. બેચેનીમાંથી ઊઠતી ધુમાડાની સેર એક જમાનામાં હૂંફ આપતા તાપણાનો પુરાવો છે. હવે ઠરી ગયેલું તાપણું આ ધૂમ્રસેરમાં જીવે છે:

આંખો સે આંસૂઓં કે મરાસિમ પુરાને હૈં,

મહમાન એ ઘર મેં આયેં તો, ચુભતા નહીં ધુઆં.

તો તમને ખબર ક્યારે પડી કે અને હવે તમારામાં કોઈ રસ રહ્યો નથી. કલાકો સુધી ફોન પર વાત કરવાની રસ્મને બાજુએ મૂકીને પાંચ જ મિનિટમાં કહ્યું કે મારે બે-ત્રણ અર્જન્ટ ફોન આવવાના છે એટલે હવે હું મૂકું- ત્યારે? કે પછી મળવાનો વાયદો અચૂક પાળનારે જ્યારે કહ્યું કે એકાણું પૉઈન્ટ સત્તર ટકા જો આવું જ છું પણ… એક દિવસ તમને ખબર પડી ગઈ કે એ તાજગીભરી હવા તમારી બારીમાં રોકાયા વિના દૂરથી પસાર થઈ જાય છે. તમે પણ સમજુ છો. પવન કઈ તરફ વાઈ રહ્યો છે એ દિશાને તમે તરત પારખી જાઓ છો, પારખીને ચૂપ થઈ જાઓ છો:

વો ખત કે પૂરઝે ઊડા રહા થા

હવાઓં કા રુખ દિખા રહા થા

સામાન્ય રીતે બધું જ રાબેતા મુજબ ચાલતું હોય છે. પણ ક્યારેક ઊંચા મકાનની બાલકનીમાંથી દેખાતો સૂર્યાસ્ત ઘરમાં લાંબા ઓછાયા લઈને આવે છે. દૂરના સમુદ્રમાં કે પાછળના પહાડોમાં કે નજીકનાં લાંબાં મકાનોમાં થઈ ચૂકેલી, સળગતી અગરબત્તીની ટોચ જેવી દેખાતી, બત્તીઓમાં- બધે જ કશાકનો અભાવ વર્તાયા કરે છે. આ તમામ દૃશ્યો એ જ છે જે ગઈ કાલે હતાં. પણ આજે એ નથી જેની સાથે એ દૃશ્યો જોવાયાં હતાં. બસ, આટલો જ ફરક, અને ગળામાં ડૂમો, આંખોમાં ભીનાશ.

શામ કો આંખ મેં નમી સી હૈ

આજ ફિર આપ કી કમી સી હૈ

સમયને શું કામ ઠપકો આપવો કે એ એક ઠેકાણે રહેતો નથી, બસ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, કૂદ્યા કરે છે. માણસો પણ ક્યાં તમારી સાથે ટકીને રહેતા હોય છે. એમની ચંચળતાને તમારી સ્થિરતા માફક નથી આવતી. એમને આગળ વધવું છે, ખૂબ આગળ જતાં રહેવું છે- સમયની જેમ. અને તમે ત્યાંના ત્યાં જ છો- હજુય:

વક્ત રહતા નહીં કહીં ટિક કર

ઈસ કી આદત ભી આદમી સી હૈ

બધું જ પૂરું થઈ ગયા પછી શું બાકી રહી જતું હોય છે? તમામ હિસાબકિતાબ ચૂકતે થઈ ગયા પછી કોઈ લેવડદેવડ બાકી રહી નથી. અત્યાર સુધી બોલાયેલા તમામ શબ્દોના અર્થ ઓગળી ગયા પછી ઔપચારિક ઉત્તરની અપેક્ષા રાખતા બે જ શબ્દ શેષ રહી જતા હોય છે: કેમ છો…

કોઈ રિશ્તા નહીં રહા ફિર ભી

એક તસલીમ લાઝમી સી હૈ

સાથે ચાલ્યા હોવાનો અનુભવ એક વહેમ હતો. એકબીજાનાં સુખદુખ વહેંચવા માટે ગાયેલી સાંનિધ્યની ક્ષણો જાણે ખુલ્લી આંખે જોયેલાં સપનાં હતાં. અડધી જિંદગી આવા સુખદ ભ્રમમાં વીતી, બાકીની અડધી પણ એ જ રીતે વીતી જવાની. તમને ખબર છે કે તમારી પાસેની સૌથી મોંઘી એવી મૂડીને કોઈ છીનવી જવાનું નથી, તમારી એકલતા હંમેશાં તમારી પાસે જ રહેવાની છે:

ઝિંદગી યૂં હુઈ બસર તન્હા

કાફલા સાથ ઔર સફર તન્હા

રોજ કંઈક ને કંઈક બનતું હતું અત્યાર સુધી. અને એની નોંધ એમનાં પાનાંઓ પર લેવાતી હતી. એમની વાતોમાં સતત તમારા ઉલ્લેખો હતા. એમના વિચારોમાં તમારું અસ્તિત્વ સમાંતરે વહેતું હતું. તમે માની લીધું હતું કે તમે અનિવાર્ય બની ચૂકયા છો એમના માટે. પણ એકાએક એમણે નોંધપોથીનું પાનું પલટ્યું અને કોરી જગ્યા દેખાડી દીધી. જાણે વીતેલું બધું જ ભૂંસાઈ ગયું હતું. નવા પાના પર નવું નામ લખવા વીતેલી વાતોનાં પાનાં બંધ કરી દેવામાં આવ્યાં હતાં:

સિર્ફ એક સફ્હા પલટ કર ઉસને

બીતી બાતોં કી સફાઈ દી હૈ

ગુલઝારના શબ્દ જગજિત સિંહના અવાજમાં તમારા સુધી પહોંચે છે. એક ધુમ્મસ વિખેરાય છે. એક ધુમ્મસ સર્જાય છે.

આજનો વિચાર

સંબંધમાં એકનું પાગલપન બીજાની વાસ્તવિકતા છે.

– ટિમ બર્ટન

(અમેરિકન ફિલ્મ દિગ્દર્શક- લેખક)

એક મિનિટ!

ડૉકટર: આયમ સૉરી, ઑપરેશન વખતે મારું રબરનું ગ્લવ તારા પેટમાં રહી ગયું છે. ફરીથી ઑપરેશન કરવું પડશે.

બકો: અબે, પાગલ થયો છે કે- શું? આ લે, પચાસની નોટ, નવું લઈ લેજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *