“આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને”

એક વાક્યથી આખી જિંદગી બદલાતાં તો બદલાશે પણ જિંદગીનો એકાદ અંશ પણ જો બદલાઈ શકતો હોય તો એ વાક્ય સોનાનું. વાંચન જેના માટે પૅશન છે એનું સૌથી મોટું સદ્ભાગ્ય એ કે વખત જતાં એ સોનાની ખાણનો માલિક બની જાય છે અને આ સો ટચના સોનાના ઝળહળાટ વર્ષો સુધી એના સંબંધોને ઉજાળતો રહે છે.

કોઈકે કહેલાં, ક્યાંક વાંચેલાં, ગ્રીટિંગ્સ કાર્ડ પર લખેલાં, કાર્ડની અવેજીમાં લખી આપેલાં અને વાતચીત દરમિયાન અનાયાસે કોઈના મોઢેથી સાંભળવા મળેલાં અનેક વાક્યો એવાં હોય છે જે વિશેષ કોઈ ટિપ્પણીના મોહતાજ નથી હોતાં. એક જ વાક્યમાં એક આખા ગ્રંથમાં ઠાંસી શકાય એટલું ડહાપણ, એટલી સમજદારી, એટલી લાગણી ભરેલાં હોય છે. કેટલાંક વાક્યો એનાં એ જ હોય પણ તમારી ઉંમર બદલાતાંની સાથે એના સંદર્ભો વધુ સ્પષ્ટ બની જાય છે. દા.ત.: ‘ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે કે જુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે તમને જરૂર જણાતી નથી.’

અને કેટલાંક સત્યો ક્યારેય બદલાતાં નથી, સંદર્ભોમાં પરિવર્તન આવી ગયા પછી પણ એનું અર્થઘટન સનાતન રહે છે, આ એક સત્યવચનમાં છે એમ: ‘તમારા વિશે બધું જ જાણવા છતાં જે તમને ચાહે છે એ જ વ્યક્તિ તમારી

મિત્ર છે.’

માણસને જ્યારે શું સાચું અને સારું છે તથા શું ખોટું અને ખરાબ છે એ વિશે મૂંઝવણ થાય ત્યારે એનો ઉકેલ પણ એની પાસે જ હોય છે, જો આ અવતરણ યાદ રહી ગયું હોય તો: ‘કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર્ય છે.’

અને વો ભૂલી દાસ્તાં જ્યારે પણ ફિર યાદ આવી જાય ત્યારે સ્મૃતિમાં એની સુગંધ આવવાને બદલે ચૂભન જ શા માટે આવતી હશે? એક જર્મન કહેવતમાં એનો જવાબ છે: ‘ગુલાબ કરમાય છે પણ એના કાંટા સીધા જ રહે છે!’ કેટલીકવાર ઉકેલો તદ્દન સાદાસીધા હોય અને તમામ મૂંઝવણ માત્ર તમારા મનોવ્યાપારની જ નીપજ હોય છતાં કોઈ શાણા માણસની સલાહ લેવા તમે જાઓ ત્યારે એ તમને શું કહેશે: ‘ખુલ્લા બારણાની ચાવી શોધવા ન જવાય.’

કેટલાક લોકોને વગર કારણે તમને વારંવાર હર્ટ કરવાની ટેવ પડી ગઈ હોય છે. તમારા સ્વમાનને છંછેડ્યા વગર એમને ચાલતું નથી. પોતાની પાસેના પૈસા, પ્રસિદ્ધિ કે સત્તાનો એમને ઘમંડ હોય છે. અગાઉ જીવનમાં ક્યારેય જોવા ન મળ્યું હોય તે રાતોરાત માણસને મળી જાય ત્યારે એ ઘમંડી થઈ જાય. કોઈકે કહ્યું છે: ‘ધનિક થઈ ગયેલા ભિખારી જેવો અભિમાની બીજે ક્યાંય નહીં મળે.’

ઘણા માણસોને તમારા પેટમાં પેસીને વાત કઢાવવાની ટેવ હોય છે. તમે એવા ભોળા મનના હો છો કે તમે જે કંઈ માહિતી એમની આગળ રજૂ કરો છો કે જે કંઈ કબૂલાત કરો છો તેનો ભવિષ્યમાં તમને સારો બદલો મળશે. સારા બદલાની વાત જવા દો તો, એનો ખરાબ ઉપયોગ તો નહીં જ થાય એની તમને ખાતરી હોય છે. પણ થાય છે શું ભવિષ્યમાં? તમારી પાસેથી જ કઢાવેલી તમારી ખાનગી વાતોને આધારે તેઓ તમને દબડાવે છે, ઈમોશનલી બ્લેકમેલ કરે છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું: ‘જેના કહી રાખેલા વિચારને બીજા કોઈ

જાણતા નથી, પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ ડાહ્યો કહેવાય છે.’ શાસ્ત્રોમાં બીજી પણ એક

સુવર્ણ સલાહ છે, થોડી વાણિયાશાઈ સલાહ છે પણ સાચી છે: ‘ક્યારેય કોઈનાય મોઢે કહેવું નહીં કે મને તમારામાં વિશ્ર્વાસ નથી.’

ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનારા સૌ કોઈએ પોતાની ડાયરીમાં ઉમાશંકર જોશીની આ પંક્તિ નોંધી રાખી હશે: ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ, કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.’ કવિ ઉમાશંકરની આ બીજી એક પંક્તિ પણ એટલી જ જાણીતી અને એટલી જ ઊંડી: ‘જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ.’ પ્રજારામ રાવળની એક પંક્તિ પણ આ જ કક્ષાની ફિલસૂફી વર્ણવે છે: ‘બધું જ અનુકૂળ, એક પ્રતિકૂળ છું હું મને.’ આ બધા વિચારોનો નિચોડ તમને

રાલ્ફ વાલ્ડો ઍમર્સનના આ વાક્યમાં કદાચ મળે: ‘દરેક વ્યક્તિની જરૂર હોય છે અને કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતી નથી.’

વિશ્ર્વ સાહિત્યમાં પણ ઠેર ઠેર આવાં અવતરણો જોવા મળે. દરેક લેખકનાં લખાણોમાં અનાયાસ ચમત્કૃતિપૂર્ણ વાક્યો આવતાં હોય છે, જે પાછળથી સુવાક્ય બનીને મશહૂર થતાં હોય છે. સર્વાન્ટિસે ‘ડોન કિ્વકઝોટ (સાચો ઉચ્ચાર: કિહોટ)માં લખ્યું હતું: ‘એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ઉઘડતો હોય છે.’ રૉબર્ટ લુઈ સ્ટિવન્સને ‘અક્રોસ ધ પ્લેન્સ’માં લખ્યું: ‘દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વેચીને ગુજરાન ચલાવતી હોય છે.’ અને ઉત્તમ સાહિત્યિક કૃતિ જેટલા જ ઉમદા વિચારો ધરાવતા પ્લેટોના રાજ્યશાસ્ત્રના વિખ્યાત ગ્રંથ ‘ધ રિપબ્લિક’માં લખાયું: ‘આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને.’

‘ધ નોટ્સ ટુ માયસેલ્ફ’ના લેખક હ્યુ પ્રેથરની બે વાત બહુ ગમે છે. એક તો, ‘કેટલાક સંબંધનું મૂલ્ય એ જાળવવા માટે કરવા પડતાં સમાધાનો જેટલું નથી હોતું.’

અને બીજી: ‘દરેક કામ ધાર્યા મુજબનું જ થવું જોઈએ એવી સંપૂર્ણતાનો આગ્રહ ધીમે ધીમે થતા મૃત્યુ સમાન છે. દરેક ઘટના મેં જે રીતે ધારી હતી એ જ રીતે બને, મેં જે રીતે એનું આયોજન કર્યું હતું એ જ રીતનું એનું પરિણામ આવે તો હું નવું કશું જ અનુભવી શકીશ નહીં. મારી જિંદગી વાસી થઈ ગયેલી જૂની સફળતાઓનું કંટાળાજનક પુનરાવર્તન જ બની જશે. દરેક ભૂલ સાથે હું કશુંક નવું, કશુંક

અણધાર્યું બનતું હોવાનો રોમાંચ અનુભવું છું.’

યાદી રહી જાય એવાં અવતરણો વિશે તમને કોઈ પૂછે તો તરત અને સૌથી પહેલું કયું વાક્ય તમને યાદ આવે?

આજનો વિચાર

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,

નાનાની મોટાઈ જોઈ જીવું છું.

– ઉમાશંકર જોશી

એક મિનિટ!

સન્તા: મારી વાઈફ કાલે જ ગુજરી ગઈ પણ હજુ સુધી મને રડવું નથી આવતું,

શું કરું?

બન્તા: કલ્પના કર કે એ પાછી આવી છે…

સન્તા બિચારો પોક મૂકી મૂકીને રડ્યો..

1 comment for ““આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને”

  1. DINESH PATEL
    February 21, 2016 at 4:46 PM

    good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *