બ્લૉટિંગ પેપર અને ડકબૅક


ગાલિબના
એક શેરનો મિસરા છે: બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે. આ દુનિયા મને બાળકોને રમવાના મેદાન જેવી ભાસે છે.

દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો અને ખરેખર ગંભીર એવી સમસ્યાઓનો ઉકેલ મેળવવાને બદલે તમે એ સમસ્યામાં જ ગૂંચવાયેલા રહો છો.

માસૂમિયત અને નાદાનિયત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. માણસે પોતાની વૈચારિક તેમ જ વ્યવહારિક પુખ્તતા-મૅચ્યોરિટી માટે પોતાનું હળવાફૂલપણું ગુમાવી દેવાની જરૂર નથી. વ્યક્તિત્વને ભારેખમ બનાવી દેવાથી માણસ પોતાની જાતને જ ડુબાડી દે છે. આંખ સામે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ બચ્ચાના ખેલ સમાન છે. રમત પૂરી થઈ જતાં, અત્યાર સુધી ચોરપોલીસ રમી રહેલાં બાળકો ફરી ભેગાં મળીને પોતપોતાના ઘરે જતાં રહેવાનાં છે. કોઈ કોઈની સાથે કાયમી ચોર તરીકે વર્તવાનું નથી. તમે આ રમતમાં કેવી રીતે ભાગ લો છો એ જ મહત્ત્વનું છે. બાળકોની રમતો તમને શીખવાડે છે કે દુનિયામાં કશું કાયમી નથી.

કુતૂહલ અને દોષરહિતતા બાળકોનો પાયાનો સ્વભાવ છે. એમના મૂળભૂત વ્યક્તિત્વ પર અન્ય રંગ ચડ્યા નથી હોતા. મોટા થતાં સુધીમાં, દુનિયાની દૃષ્ટિએ સમજણા થઈ ગયા પછી, ખૂબ બધાં આવરણો એમના આ મૂળભૂત વ્યક્ત્વિને ઢાંકી દે છે. દુનિયાને જો બાઝી ચા-એ-અતફાલ તરીકે જોવાની દૃષ્ટિ કેળવવી હોય તો આ બધાં આવરણોને એક પછી એક દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડે. એ જેટલી જલદી શરૂ થાય એટલું સારું. આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે – તમારે તમારી પોતાની વિષમતાઓને દૂર કરતાં જવું. માણસ અંદરથી જેટલો સરળ બને છે એટલો જ એ બહારથી મજબૂત અને અભેદ્ય બનતો જાય છે.

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. અભેદ્ય અને મજબૂત કવચની જરૂર

અહીં પડવાની. બ્લૉટિંગ પેપર જેવું વર્તન રાખવાથી બહારની બધી જ ખરાબીઓ માણસના વ્યક્તિત્વમાં શોષાતી રહેવાની. ડકબૅક (બતકની પીઠ) બની જવાથી કશું જ શોષાતું નથી. સ્પર્શીને તરત વહી જવાની એ ગંદકી. સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિ હંમેશાં અંદરખાનેથી ગભરાયેલી હોવાની. અભેદ્ય કવચ નિર્ભયતાની નીપજ છે, એ નિર્ભયતા જેનો જન્મ આંતરિક સરળતામાંથી થયેલો હોય છે.

બાળકોમાં આવી સરળતા સાહજિક હોય છે. માટે જ મોટાઓ કરતાં તેઓ વધારે સાહસિક સ્વભાવના હોય છે. માટે જ મોટાઓ જ્યારે એમને વારંવાર ટોક્યા કરે છે કે આમ ન થાય અને આમ જ થાય, ત્યારે તેઓ સામો પડકાર ફેંકે છે: પણ આમ કેમ ન થાય? શા માટે આમ જ થાય?

આવા પ્રશ્ર્નોને ચૂપ કરી નાખવા સહેલા છે: કહ્યું ને કે આમ ન થાય એટલે ન થાય. મોટાઓની ધાકને કારણે સહમી ગયેલું બાળક કદાચ કામચલાઉ શરણાગતિ સ્વીકારી પણ લે તો ભવિષ્યમાં એ સમર્થ બનશે ત્યારે બમણા જોરથી સવાલ કરશે અને તે વખતે જવાબની રાહ જોયા વગર પોતે જે કરવું હશે તે જ કરશે. આવા બાળક જેવો જ છે માણસની અંદર રહેલો નૈસર્ગિક અવાજ. તમારે એને અંતરાત્મા જેવું ભારેખમ નામ આપવું હોય તો ભલે. બાળસહજતા જેણે ગુમાવી નથી કે જેણે મહામહેનતે એ પછી પ્રાપ્ત કરી છે એમને પોતાનો આ અવાજ સ્પષ્ટ સંભળાય છે. એટલું જ નહીં, બીજાઓમાં સંભળાતો આ અવાજ પણ એમના સુધી સ્પષ્ટપણે પહોંચે છે.

બાળકોની દૃષ્ટિએ જોવાથી સામેના ખેલના મેદાનમાં થતી રમતોના નાના નાના આનંદો પણ ખૂબ મોટા લાગે છે. અને મોટા મોટા ઝઘડાઓ ખૂબ નાના.

આજનો વિચાર

નિરાશાવાદીઓને સૌથી મોટો ફાયદો એ થાય કે એમના જીવનમાં જે કંઈ ઘટના બને છે એ એમણે વિચારી હોય એટલી ખરાબ નથી હોતી.

– જેમ્સ જોન્સ

એક મિનિટ!

દીકરો: આજે રાત્રે ફ્રેન્ડના ઘરે પાર્ટીમાં જઉં?

પપ્પા: મને નહીં પૂછવાનું. તારી મમ્મીને પૂછ.

મમ્મી: મને નહીં પૂછવાનું. તારા પપ્પાને પૂછ.

દીકરો: અરે યાર, આ તે ઘર છે કે મ્યુનિસિપાલિટીની ઑફિસ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *