શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે?


એક
સવાલ રહી રહીને થયા કરે છે. શું દરેક પુરુષે સંસાર માંડવો જરૂરી છે? ફૉર ધૅટ મેટર શું દરેક સ્ત્રીએ સંસાર માંડવો જરૂરી છે?

ઈન્ટરનેશનલી ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને એ હવા આજે નહીં તો કાલે ઈન્ડિયામાં પણ આવવાની.

માણસ પરણે છે શું કામ? એનાં સામાન્ય કારણો પર ઝડપથી નજર નાખી લઈએ તો: હૂંફ, સેક્સ, ભોજન, વંશવારસ, સલામતી. આ પાંચ સિવાયનાં પણ નાનાંમોટાં કારણો હોઈ શકે. હૂંફ કે પ્રેમ કે લાગણીઓની આપલે – આ બધું માત્ર લગ્ન કરવાથી જ પુરુષને કે સ્ત્રીને મળી શકે એવું હવે રહ્યું નથી. (આમ જુઓ તો એવું ક્યારેય નહોતું). સેક્સનું પણ એવું જ. બે ટંકના ભોજન માટે કોઈ પુરુષ આજની તારીખે લગ્ન કરતો હોય તો તે મૂરખ જ ગણાય. વંશવારસ કે બાળકો? નાનાં બાળકો અડોશપડોશ, સગાંમિત્રો, બધાને ત્યાં હોવાનાં. રમાડી આવવાનાં. બાળકોને ઉછેરવાની મઝા ચોક્કસ હોવાની. પણ બાળઉછેરની મઝાની સામે એ માટે ખર્ચવા પડતા તનમનધન અનેકગણા હોવાનાં. સરવાળે હિસાબ ખોટનો. અને વંશ ચાલુ રહે એ માટે બાળકો પેદા કરવા એ તો સરાસર મૂર્ખામી જ છે એવું હવે બધાને સમજાવા લાગ્યું છે. આપણે કંઈ મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી મહારાજ છીએ કે આપણો વંશવેલો ચાલુ રાખવાની ચિંતા કરવી પડે? ઘડપણની ટેકણલાકડી તરીકે સંતાનો કોને કામ લાગ્યાં કે તમને કામ લાગવાનાં? તમે પોતે તમારાં માબાપની વૃદ્ધાવસ્થા બહેતર બનાવવા શું મોટું ઊકાળી લીધું? અને આર્થિક કે ઈમોશનલ સિક્યુરિટી માટે લગ્ન કરનારાઓને ખબર છે કે મૅરેજ આ બેમાંથી એકેય પ્રકારની સલામતી આપવાને સક્ષમ નથી. આવી સલામતી આપવાનો ભ્રમ પેદા જરૂર કરે છે. અને ક્યારેક આર્થિક અને/અથવા ઈમોશનલ સિક્યુરિટી મળી પણ ગઈ તો એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આવું રિયલાઈઝેશન વર્ષો પછી થાય છે પણ ત્યાં સુધીમાં લગ્નનું ચોકઠું એવું જડબેસલાક બેસી ગયું હોય છે કે કોઈ કાળે એમાંથી ચસકવું શક્ય નથી હોતું.

ટૂંકમાં લગ્ન કરવાનાં જે દેખીતાં કારણો છે તેમાંનું એક પણ કારણ એવું સોલિડ નથી કે ફલાણા કારણસર જો લગ્ન ન કર્યાં તો માણસનું જીવન અધૂરું રહેશે કે ખોરવાઈ જશે કે ફંટાઈ જશે.

સમય બદલાય છે. ઝડપથી બદલાય છે. અને સમય સાથે તાલ નહીં મેળવી શકનારા પાછળ રહી જાય છે અથવા દૂર ફેંકાઈ જાય છે.

દીકરીઓ ભણતી થઈ, ઉચ્ચ કેળવણી લેતી થઈ, પ્રોફેશનલ કોર્સીસ કરતી થઈ. મોટા થયા પછી નોકરી કરવી હોય તો શિક્ષિકા, કલાર્ક કે નર્સ જેવી જ નોકરીઓ થઈ શકે એવું રહ્યું નથી. પુરુષો જે કંઈ નોકરી કરી શકે તે તમામ નોકરી હવે સ્ત્રી કરી શકે છે. પ્રોફેશનલ કોર્સીસમાં માત્ર ઈન્ટીરિયર ડિઝાઈનિંગના જ કોર્સ સ્ત્રી કરે એ જમાના પણ ગયા. ટૂંકમાં પુરુષો જેટલું જ સ્ત્રી કમાતી થઈ ગઈ છે. તો પછી હવે એણે આર્થિક સલામતી માટે પરણવાનો સવાલ નથી આવતો. સ્ત્રી પોતે ધારે તો પુરુષને આર્થિક સલામતી આપી શકે. પણ એવા, પરાવલંબી, પુરુષ સાથે જીવન જોડવાનું કઈ સ્ત્રી પસંદ કરે?

આ બાજુ પુરુષ પણ વિચારતો થઈ ગયો કે મને જે સ્ત્રી ગમે છે તે ફિનાન્શ્યલી મારા પર ડિપેન્ડન્ટ ન હોવી જોઈએ. એ પોતે સ્વતંત્રપણે કામકાજ કરે અને પોતાના પૂરતું અથવા એના કરતાંય વધારે કમાઈ લે જેથી કાલ ઉઠીને છૂટાં પડ્યાં તો કમસે કમ આ એક બાબતના ટ્રોમાથી બચી જવાય. કે અલગ થયા પછી એ જીવનનિર્વાહ કેવી રીતે ટકાવશે?

પશ્ર્ચિમમાં નવી જનરેશનને લગ્ન કરવાનું મન ઓછું થાય છે કારણ કે ડિવોર્સ લેવા કેટલા આકરા છે તેની એમને ખબર હોય છે. આપણે ત્યાં હજુ પરણવા માટે થનગનતાં યુવક-યુવતીઓમાં જાગૃતિ આવી નથી. ત્યાં તો લગ્ન વખતે જ નક્કી થઈ જાય કે છૂટા પડવાનું આવશે તો કઈ રીતે છૂટા પડીશું. પ્રી-ન્યુપિટલ એગ્રીમેન્ટને કારણે પ્રભુતામાં પગલાં માંડતાં પહેલાં તમને તમારી જવાબદારીનું ભાન થઈ જાય છે કે ડિવોર્સ તમને ક્યા ભાવે પડવાના છે. જેમને ન પોસાય તે લગ્ન કરવાનું જ માંડી વાળે.

વધુ ને વધુ વ્યસ્ત થતા જતા જીવનમાં સંતાનોનો જન્મ એક ઘણું મોટું બોધરેશન છે. એક વખત એવો આવશે જ્યારે અતિ શ્રીમંત યુગલોને જ બાળક પેદા કરવું પોસાશે. બાળકના જન્મ પાછળ, એના ઉછેર, શિક્ષણ તેમ જ મોજશોખ પાછળ જે કંઈ રિસોર્સીસ વપરાય છે તેમાંથી કોઈ પણ પુરુષ કે કોઈપણ સ્ત્રી પોતાની લાઈફ છે (કે હોઈ શકે?) એના કરતાં બહેતર બનાવી શકે.

જીવનસાથી હોય તો જીવનસંધ્યાએ કંપની રહે, કાળજી લેનારું કોઈ હોય એવી કન્સેપ્ટ પણ હવે જુનવાણી થઈ ગઈ. જીવનસાથી આજીવન રહેશે કે નહીં એની ખાતરી નથી. અડધે રસ્તે જ બેઉ છૂટાં પડી જાય એવું બને. અને જો અંત સુધી સાથે જ રહ્યાં તો એકબીજાને ખુશ કરીને રહ્યાં કે નહીં એ સવાલ તો ઊભો રહેવાનો જ છે. એકબીજાથી ખુશ ન હોય એવા જીવનસાથીઓ વૃદ્ધાવસ્થામાં સાથે હોય કે ન હોય, શું ફરક પડે છે?

પાયાની વાત. આર્થિક સમૃદ્ધિ વધતી જશે એમ લગ્નની અનિવાર્યતા ઘટતી જવાની. પાછલી જિંદગી ગાળવા માટે ફાઈવસ્ટાર કૉટેજીસ જેવા વૃદ્ધાશ્રમો (હવે તો એને પણ કંઈક ફેન્સી નામ આપવું જોઈએ) જેમને પોસાય એમની પાસે કકળાટ કરતો જીવનસાથી ન હોય તે જ સારું છે. સેક્સ અને ભોજન આ બેઉની બાબતમાં તમે જેટલા સમૃદ્ધ (બધી રીતે) એટલી આ બેઉની ગુણવત્તા ઊંચી. અને મિત્રોનો જ્યાં સુધી સવાલ છે, હૂંફ અને લાગણીઓની આપલે થઈ શકે એવા સંબંધોનો સવાલ છે ત્યાં માનવાનું કે તમારી ફટેહાલ, ચિંથરેહાલ પરિસ્થિતિમાં આ બધું ઓસરી જતું હોય છે અને સમૃદ્ધિ આવતાં જ એમાં ભરતી આવતી હોય છે.

જે લોકો ગુજરાતી વાંચી શકે છે એવી મુંબઈમાં રહેનારી પ્રજાની ઉંમર હવે પાંત્રીસ પ્લસની હોવાની. એમને ફરજ છે કે પોતાના કુટુંબના કે એમની આસપાસના પંદર પ્લસના ટીનેજર્સના મનમાં આ લેખમાંના મધ્યવર્તી વિચારને રોપે અને ઊછરવા માટે હવા, પાણી, ખાતર આપતાં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *